બ્રહ્મવૈવર્ત પુરાણમાં પ્રાચી માધવ અને ગંગા વચ્ચેનો સંવાદ આલેખાયો છે. એક વખતે ગંગાજીએ પરમાત્મા માધવને પૂછ્યું કે કળિયુગમાં બ્રહ્મહત્યાદી કોટિ પાપોવાળા લોકો મારામાં સ્નાન કરી પાવન થાય છે અને તેમના પાપોથી હું દૂષિત થઈ પીડા પામું છું. આ પાપના નિવારણનો કોઈ માર્ગ બતાવો. ત્યારે માધવ ઉપાય સૂચવે છે – ‘હું પ્રાચિ સરસ્વતી કિનારે તેત્રીશ કોટિ દેવતાઓ સાથે નિવાસ કરું છું. આ જગ્યાએ બ્રહ્મહત્યા, ગૌવધ જેવા મહાભયંકર પાપ કરનાર પણ સરસ્વતીમાં સ્નાન કરે તો તેના સર્વ પાપો નાશ પામે છે. સરસ્વતીમાં દરરોજ સ્નાન કરવાથી તમારા સર્વ પાપોનો નાશ થશે.’ ગંગાજીએ કહ્યું કે મારામાં તો દરરોજ પાપી લોકો સ્નાન કરે છે અને તે પાપ નિવારણ માટે મારાથી દરરોજ આવી શકાય નહિ. માટે મને સરળ માર્ગ બતાવો. આ સાંભળી માધવ કહે છે – ‘તમારાથી દરરોજ આવી ન શકાય તેમ હોય તો હું તમને બીજો માર્ગ બતાવું છું. ચૌદસે, પૂનમે, અમાવાસ્યાએ, ક્ષયના દિવસે, વ્યતિપાતે તથા ગ્રહણના દિવસે અને બીજા કોઈ શુભ દિવસે આવી સ્નાન કરવાથી તારા પાપો નાશ થશે. અને જો તે પણ શક્ય ન હોય તો કાર્તિકી પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાથી આખા વરસના પાપોની મુક્તિ થશે.’ આમ પતિત પાવની ગંગા સ્વયં ભગવાન નારાયણ એટલે કે માધવ જ્યાં વસી રહ્યા છે ત્યાં કારતક સુદી ચૌદસની મધરાતે સિદ્ધપુર તટે યમુના સાથે પધારે છે અને ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ રચાય છે.
શ્રીસ્થળ સિદ્ધપુરની સરસ્વતી નદીમાં ચૌદશની મધ્યરાત્રીએ ગંગા, યમુના, સરસ્વતીનો ત્રિવેણી સંગમ થતો હોવાની લોકશ્રદ્ધાને લઇને સ્નાનનો મહિમા મહાભારતકાળ જેટલો પ્રાચીન છે. શાસ્ત્રોમાં બતાવેલા નક્ષત્ર પૈકી ભરણી નક્ષત્ર, ત્રણ નદીઓનો સંગમ તેમજ પૂર્ણિમાનો દિવસ એમ ત્રણેયનો સુમેળ માત્ર કાર્તિકી પૂર્ણિમાના દિવસે થતો હોઇ તર્પણ માટે તે ઉત્તમ દિવસ ગણાય છે. આમ આ દિવસ પાપમુક્તિ તેમજ તર્પણ દ્વારા પૂર્વજોના ઋણમાંથી મુક્ત થવા માટેનો ઉત્તમ અવસર છે. કારતક માસમાં ભક્તિ અને તર્પણનો આ ઉત્સવ કાત્યોકના મેળા રૂપે ઉજવાય છે. કાર્તિકી પૂર્ણિમાનો આ મેળો લોકબોલીમાં કાત્યોકના મેળા તરીકે ઓળખાય છે. મેળામાં સમગ્ર ઉત્તર ગુજરાતનું લોકજીવન તેના વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે.
સાત દિવસ ચાલતા આ મેળામાં દસ લાખ કરતાં વધુ લોકો ગુજરાતભરમાંથી તેમજ ગુજરાત બહારથી પણ સિદ્ધપુર ખાતે ઉમટી પડે છે. મેળાનો પ્રારંભ કારતક સુદ ચૌદસથી થાય છે. સવારે પ્રશાસન દ્વારા ઊંટ દોડ અને ઊંટ શૃંગાર સ્પર્ધા યોજાય છે અને સાંજે ચાર વાગ્યાના સુમારે વિધિવત મેળો શરૂ થાય છે. કારતક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીએ મેળો તેના ચરમ સ્થાને પહોંચે છે. કાર્તિકી પૂર્ણિમાના લોકમેળામાં તેરસ, ચૌદસ, પૂનમ અને એકમના ચાર દિવસ ઉત્તર ગુજરાત તેમજ બહારથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. જ્યારે બીજ, ત્રીજ અને ચોથ એમ ત્રણ દિવસ શહેરના લોકોનો મેળો ભરાય છે. ચૌદસ-પૂનમે શહેરમાં ઘેર ઘેર સગાસંબંધીઓ આવ્યા હોવાથી શહેરના લોકો મહેમાનગતિમાં તેમજ અન્ય વ્યવસ્થામાં વ્યસ્ત હોવાથી મેળો માણી શકતા નથી. માટે તેઓ પાછળના ત્રણ દિવસ મેળો માણે છે.
મેળામાં ઉમટતી જનમેદનીને ધ્યાને લઈને ગોઠવાયેલ મનોરંજનને લગતી અવનવી ચીજોની દુકાનો આકર્ષણનું કેન્દ્ર બને છે. મેળામાં નાની-મોટી ચકડોળ, ફજેતફાળકા, બાળકોને મનોરંજન આપતા જાદુના ખેલો તેમજ સાધનો તેમજ મોતના કૂવામાં મોટરસાયકલ અને કારના જીવસટોસટના ખેલ પણ જોવા મળે છે. ઊંટ બજાર, શેરડી બજાર, અશ્વ બજાર પણ ભારે આકર્ષણ જમાવે છે. એક વખત તો આ મેળામાં આવેલ ડાયમંડ ડોન્કી - ગંગારામ ગધેડાએ લોકોને ઓળખી બતાવી મનોરંજન પૂરું પાડ્યું હતું.
કાત્યોકના મેળામાં હૈયે હૈયું દળાય એવી ભીડ જામતી હોય છે. ચૌદસની રાત્રિથી યાત્રિકોનો અવિરત પ્રવાહ ચાલુ થઈ જાય છે અને સિદ્ધપુર તરફ આવવાના તમામ રસ્તાઓ પર માનવ મહેરામણ છલકાતા મેળા સુધી પહોંચવું મુશ્કેલ બની જાય છે. ચૌદસની રાત્રે મહાઆરતી દ્વારા સરસ્વતીની પૂજાઅર્ચના થાય છે. સરસ્વતી તટે આવેલા પ્રાચીન મોક્ષપીપળે આરા બનાવી ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી તર્પણ પૂજા કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ દ્વારા સરસ્વતી નદીમાં શ્રદ્ધાના દીવડા તરતાં મૂકાય છે. સરસ્વતી તટે લાખો લોકો તર્પણ વિધિ કરાવે છે. માતૃતર્પણ, ઉત્તરક્રિયા, દશાશ્રાદ્ધ, એકદશાશ્રાદ્ધ, અસ્થિ વિસર્જન, નારાયણ બલી જેવા ધાર્મિક કાર્યો માટે આ ઉત્તર દિવસ છે. સરસ્વતીમાં પવિત્ર સ્નાનની ડૂબકી મારવાનો પણ મહિમા છે.
સિદ્ધપુરના વરિષ્ઠ નાગરિકોના જણાવ્યાં મુજબ આશરે ૨૦૦ વરસથી આ મેળો અહીં ભરાય છે. અગાઉ બે દિવસનો નાનો મેળો ભરાતો હતો જે હવે સાત દિવસ સુધી અને પ્રમાણમાં મોટા સ્વરૂપે ભરાય છે. અગાઉ આ મેળામાં બહારના વેપારીઓ નહોતા આવતા પણ હવે સિદ્ધપુર બહારના વેપારીઓ ઉપરાંત રાજસ્થાનના વેપારીઓ પણ આવે છે. દિવાળીની ઉજવણી પૂરી થાય ત્યાર બાદ લાભ પાંચમથી જ અહીં શ્રદ્ધાળુઓ તર્પણ માટે આવતા થઈ જાય છે. સામાન્ય દિવસોમાં બિંદુ સરોવર ખાતે તર્પણ, શ્રાદ્ધ વિધિ થતી હોય છે છે પરંતુ કારતકી પૂનમે સરસ્વતી નદીમાં ત્રણ નદીઓનો સંગમ થતો હોઇ નદી તટે જ શ્રાદ્ધ કરવાનું માહાત્મ્ય છે.
કાર્તિકી પૂર્ણિમાના મેળા પ્રસંગે ચોર્યાસીનું પણ ખૂબ મહત્વ છે. સિદ્ધપુરમાં પવિત્ર સરસ્વતી નદીમાં પોતાના પૂર્વજોની યાદમાં સ્વજનોના મોક્ષ માટે ધાર્મિકવિધિ કરાવી બ્રાહ્મણોને ચોર્યાસી જમાડવાની પરંપરા છે. ગુજરાતભરમાંથી રબારી, ચૌધરી, ઠાકોર, પટેલ સમાજના લોકો હજુ પણ ચોર્યાસી જમાડવાની પરંપરા જાળવી રહ્યા છે. આ વિધિ અંતર્ગત ચોર્યાસી બ્રાહ્મણોની નાતને તેમના દર્શન કરીને દાનદક્ષિણા આપી ભાવપૂર્વક બ્રહ્મભોજન કરાવાય છે. ગાયકવાડ સ્ટેટના સમયથી સિદ્ધપુરના બ્રાહ્મણોની નાતને પોતાના ગામ મળેલ છે જેના આધારે જે-તે ગામના ગોર દ્વારા સારા તેમજ નરસા પ્રસંગે વરસો જૂની પરંપરા મુજબ વિધિવિધાન કરાવાય છે. યજમાનો કુળગોરને ત્યાં આવે છે અને ધાર્મિક વિધિ કરાવ્યા બાદ વરસ દરમિયાન પોતાના ખેતરમાં થતી ઉપજનો અમુક હિસ્સો બ્રહ્મદેવોને અર્પણ કરે છે.
દલિત (અનુસૂચિત) સમાજના લોકો માટે આ મેળો સગપણિયો મેળો બની રહે છે જ્યાં સામાજિક વ્યવહારો-પતાવટ થતાં હોય છે. દલિત સમાજમાં મરણ પછીની ઉત્તર ક્રિયા જોવા મળતી નથી. તેઓમાં મરણ પછીની ઉત્તરક્રિયા ફક્ત કાર્તિકી પુનમના દિવસે થતી હોવાથી આ સમાજના હજારો લોકો તર્પણ વિધિ માટે સિદ્ધપુર ખાતે ઉમટી પડે છે. શ્રીમાળી બ્રાહ્મણો દ્વારા તેઓની વિધિ કરાવવામાં આવે છે. ૫૦૦ પરગણા પાટણવાડા રોહિતદાસ વંશી, બાવન ગોળ સમાજ સહિત વિવિધ સમાજના હજારો લોકો આ દિવસે અહીં તર્પણ કરાવે છે.
મેળો હોય એટલે મનોરંજનની સાથે સાથે ખાનપાનની વ્યવસ્થા પણ હોય જ. કાત્યોકના મેળામાં પણ વિવિધ વાનગીઓ તેમજ મીઠાઇની સાથે સાથે એક બીજી વસ્તુનું પણ આગવું સ્થાન છે, અને તે છે – શેરડી. કાત્યોકના મેળામાં શેરડીનું એટલું બધું મહત્વ છે કે આ મેળો શેરડીયા મેળા તરીકે પણ આગવી ઓળખ ધરાવે છે. કાત્યોકના ભાતીગળ લોકમેળામાં સરસ્વતી નદીના પટમાં, શહેરના એસ. ટી. સ્ટેન્ડ, નવા ગંજ બજાર સહિત વિવિધ જગ્યાએ શેરડીના ઢગ ખડકાઇ જાય છે. સિદ્ધપુરના કાત્યોકના મેળામાં જાઓ અને મીઠી મધુરી શેરડીનો સ્વાદ ન માણો તો મેળો અધૂરો ગણાય છે. મેળાની શરૂઆત થતાંની સાથે જ શેરડીની ટ્રકો ઉતરવા લાગે છે. સિદ્ધપુરના મેળે જાવ અને શેરડી ન લાવો તો મેળો માણ્યો ન કહેવાય તેવી કહેવત પ્રચલિત બની છે. આસપાસના ગામોમાંથી આવતાં શ્રદ્ધાળુઓ, યાત્રિકો મેળો માણીને વળતા શેરડીની ભારી લઈ જવાની પરંપરા આજે પણ યથાવત જળવાઈ રહી છે. શહેરમાં અંદાજિત ૯૦૦ થી ૧૦૦૦ ટન શેરડીનું વેચાણ થાય છે જેમાં ભિલોડાની લાલ દેશી શેરડીનું માંગ વધુ રહે છે. રાજપીપળાની સફેદ શેરડી અને હાલોલની કાળી દેશી શેરડી પણ ખૂબ વેચાય છે. ઉપરાંત તળાજા, ભાવનગર, પાવાગઢ અને ભરુચના ખેતરોમાંથી શેરડી ખરીદી સિદ્ધપુરમાં ઠલવાય છે.
કાત્યોક મેળાની સાથેસાથે સિદ્ધપુર શહેર વિસ્તારમાં જૂના તેમજ નવા કપડાંનું ગુર્જરી બજાર ભરાય છે. ગુજરાતભરમાંથી મોટા ભાગે પટણી સમાજના લોકો મોટી સંખ્યામાં નવા અને જૂના કપડાં વેચવા માટે અહીં આવે છે અને રસ્તાની બંને બાજુ ૩૦૦-૪૦૦ જેટલા ખાટલાંમાં કપડાંના ઢગ ખડકી વેપાર કરે છે. મેળાના થોડા દિવસ અગાઉથી જ શહેરના ટાવર રોડથી ઝાંપલીપોળ સુધી અને ટાવર રોડથી અફીણ ગેટ, અશોક સિનેમા રોડ સુધીના રસ્તા પર વેપારીઓ ખાટલાઓ પાથરીને જગ્યા રોકી લે છે. મેળા દરમ્યાન તેઓ દિવસે ખાટલામાં કપડાંનો વેપાર કરે છે અને રાત્રે તે જ ખાટલામાં આરામ કરે છે. વરસ દરમ્યાન અનેક શહેરોમાં ફરી જૂના કપડાંના બદલામાં વાસણ-સામગ્રી આપીને કપડાં ભેગા કરવામાં આવે છે અને આ કપડાંનું સમારકામ કરીને નવા જેવા બનાવી મેળાના બજારમાં વેચવામાં આવે છે. કાત્યોકનો મેળો મહાલવા આવતા લોકો આ ગુર્જરી બજારની પણ મુલાકાત લે છે. મેળામાં આવનાર મોટે ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીંથી ખરીદી કરે છે.
રાજસ્થાનના પુષ્કરમાં ભરાતો પશુમેળો જગપ્રસિદ્ધ છે. આવો જ એક બીજો પશુમેળો કાત્યોકના મેળા દરમિયાન ભરાય છે. સાત દિવસના કાર્તિક પૂર્ણિમાના લોકમેળાની પાછળની બાજુએ રેલવે બ્રિજ પાસેના કાંઠે ૮૦ વર્ષથી ઊંટ બજાર ભરાય છે. જેમાં મોટા પાયે હજારોની સંખ્યામાં ઊંટોની લે-વેચ થતી હોય છે. જેમાં રાજસ્થાનના જયપુર, ઉદેપુર, બાડમેર, સાંચોર, ભીનમાલ ઉપરાંત વાવ, થરાદ જેવા સરહદી વિસ્તારો અને ગોખા, તાકલલીયા, ટુલ્કી જેવા તાલુકાના વેપારીઓ ઊંટોની લે-વેચ માટે આવે છે. ઉત્તર ગુજરાતના રાવળ, ઠાકોર તેમજ પટણી સમાજના લોકો ઊંટોની ખરીદી કરે છે. ઊંચી જાતના ઊંટની પરખ તેની પીઠ, પગ, ચાલ, તંદુરસ્તી અને ચાર દાંત પરથી થાય છે અને કિંમત અંકાય છે. મુખ્યત્વે દેશી મારવાડી તેમજ સિંધ, કચ્છી, ઝાલોરી, જેસલમેરી, ગાઘરિયા (ગાગરીયા), સાંઢાઇ, લખાણી, ચાડવા, તકતાબાદી ઊંટોની જાત સારી ગણાય છે. ઉપરાંત બિકાનેરી, રાજસ્થાની, સાંચોરી, બાડમેરી, ગુડામાલાણી, ભાથિયો જાતના ઊંટ પણ મેળામાં જોવા મળે છે. સામાન્ય રીતે પચીસ વરસનું આયુષ્ય ધરાવતાં ઊંટની યુવાની છ થી સાત વરસની ગણાય છે. સિદ્ધપુર ખાતે ભરાતાં મેળામાં ઊંટની અવનવી જાતો જોવા મળે છે જેની કિંમત દસ હજારથી લઈને સાઇઠ હજાર સુધીની અંકાય છે. દોડમાં ઝડપી એવા જેસલમેરી ઊંટ એક લાખ સુધીની કિંમતમાં પણ વેચાય છે. ઊંટમેળામાં મુખ્યત્વે પાંચથી છ જાતના ઊંટ જોવા મળે છે. (૧) જેસલમેર ઊંટ, જેની જટા મોહક હોય છે (૨) ભાટીલો, તેના પાછલા પગે લંગર (એન્કર) છાપ જોવા મળે છે (૩) ખાન મારવા ઊંટ, જે દેખાવે રૂડોરૂપાળો હોય છે (૪) દેશી ઊંટ, જેનું માથું મોટું હોય છે અને (૫) બિકાનેરી ઊંટ, જેના કાનમાં વાળ હોય છે.
મેળા દરમિયાન થળીના મઠ પાસે નદીના તટમાં મોટું અશ્વબજાર ભરાય છે જેમાં ચાર હજાર રૂપિયાના નાના વછેરાંથી માંડીને આશરે પાંચેક લાખ સુધીના કિંમતી જાતવાન અશ્વો જોવા મળે છે. ગુજરાતભરમાંથી લોકો પોતાના અશ્વો લઈને અહીં આવે છે. મેળામાં આવતા લોકોને અશ્વમાલિકો ઢોલના તાલે પોતાના અશ્વની વિશિષ્ટતાઓ બતાવતા હોય છે. અશ્વને ઢોલના તાલે નચાવાય છે. નાગીન ડાન્સ, ખાટલા ડાન્સ તેમજ બે પગે ઉંચા થઈને જુદી જુદી તરકીબો બતાવતા અશ્વ લોકોમાં આકર્ષણ જમાવતા હોય છે. ઘોડીના રંગરૂપ, તંદુરસ્તી અને કેટલીક ખૂબીઓ, શુભ-અશુભ નિશાનો, બાલ ભમરીના આધારે ઘોડીની કિંમત આંકવામાં આવે છે. વરસમાં એક જ વાર લાગતી ઘોડાના શૃંગારની બજારોમાંથી મોટા પાયે અશ્વશૃંગારનો સામાન ખરીદાય છે. જેમાં કોઠડી, ઝુલ, દડી, જીન, ઝાંઝર, પેંગડા, માનીપાળ, મોચડાનું વેચાણ થતું હોય છે. પિત્તળની કાઠડી બાડમેરથી, ચામડાના જીન કાનપુરથી, સાજાના ચકલીસેટ મથુરાથી અને દડી કાઠીયાવાડથી આવે છે. મેળામાં ૨૦૦થી વધુ જાતવાન અશ્વ વેચાતા હોય છે.