Thursday, December 10, 2015
ધીરે ધીરે હું મારા કામથી તેમજ આજુબાજુના વાતાવરણથી પરિચિત થતો જતો હતો. અમારી કચેરી હેઠળ ચાર કાર્યપાલક ઈજનેરો કામ કરતા. શ્રી ઠક્કર અને શ્રી નાયક વડોદરામાં, શ્રી ચુનીભાઈ પટેલ ભરૃચ અને શ્રી કે.એમ. ચોટલીયા સુરત ખાતે ડિવીઝન ઓફિસ સંભાળતા. આ બધી જ કચેરીઓ પાસેથી કોન્ટ્રાક્ટરોના ચાલુ કામમાં સમયમર્યાદા વધારવાના, કામની ગુણવત્તામાં ક્યાંક કસૂર હોય તો અથવા અન્ય કોઈ કારણસર જે તે આઈટમના રીડ્યુસ્ડ રેટ એટલે કે ઘટાડેલા દર મંજૂર કરવાનું, કોન્ટ્રાક્ટરોની સમયમર્યાદા વધારી આપવાનું અથવા દંડ કરવાની તેમજ અન્ય દરખાસ્તોની ચકાસણી અમારી પાસે આવતી અને એને યોગ્ય રીતે ચકાસી મંજૂર માટે અથવા જરુર જણાય ત્યાં પૂર્તિ માટેની રિમાર્કસ સાથે આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નરને મુકવાનું કામ મારે કરવાનું હતું. શ્રી નાયક અને શ્રી ઠક્કર બન્નેને શ્રી ભુપેન્દ્ર દોશી માટે પૂર્વગ્રહ હતો અને એક યા બીજી રીતે બન્ને પોતપોતાની ચેસની કૂકરીઓ ગોઠવ્યા કરતા. ક્યારેક આ અંધાધૂંધ ગોળીબારમાં મને ના વાગી બેસે એનું વિશેષ ધ્યાન રાખવું પડતું. શ્રી નાયક પ્રમાણમાં સૌમ્ય વર્તન ધરાવતા પણ શ્રી ઠક્કર ક્યારેક ક્યારેક પિત્તો ગુમાવી બેસતા. બધું જ એમને અનુકૂળ થાય એવું ન બને અને ચકાસણી કરીને આ વાંધાવચકા કાઢવાનું કામ મારે ભાગ હતું એટલે અને હું પણ સીધી ભરતીનો અધિકારી હતો એ બન્ને કારણે શ્રી ઠક્કર મારી સામે પણ ક્યારેક ઉગ્ર બનવાનો પ્રયત્ન કરતા. એમાં ઝાઝું ઉપજતું નહીં. એક સમયે એમની દરખાસ્ત ઉપરની ચર્ચામાં આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નર સામે બળાપો કાઢતાં એ રીતસરના મારા પર વરસી પડ્યા. બીજો કોઈ મુદ્દો જડે તેમ નહોતો એટલે એમણે મારા સામે આક્ષેપ કરતા કહ્યું કે અહીં ઓફિસમાં બેસીને આ બધી રિમાર્કસ કાઢવી અને પછી ફ્લાવરી લેંગ્વેજમાં કાગળો લખવા બહુ સરળ છે. ફિલ્ડમાં એકાદ વખત કામ કરવા આવો ખબર પડશે. તર્કનો જવાબ આપી શકાય, વિતર્કનો જવાબ આપી શકાય પણ આવા કુતર્કનો જવાબ કઈ રીતે આપવો ? મનમાં કહ્યું જ્યારે એવું થશે ત્યારે જોયું જશે. અત્યારે તો હું તમારી ઉપરી ઓફિસમાં બેઠો છું. તમને ગમે કે ન ગમે મારી ફરજ જ્યાં ચૂક થઈ હોય તે બાબત મારા ઉપરી અધિકારીના ધ્યાને મુકવાની હતી અને એ હું મારી પુરી ક્ષમતાથી અદા કરી રહ્યો છું અને રહીશ. પ્રમાણમાં શ્રી ચુનીભાઈ પટેલ પોતે હોંશિયાર હોવા ઉપરાંત સ્વભાવે નિખાલસ અને ઉમદા વ્યક્તિ હતા. એમની સાથે ચર્ચા કરવાની પણ મજા આવતી અને એમાંથી શીખવાનું પણ ઘણું મળતું. અમારી દોસ્તી ત્યાંથી શરુ થઈ. ચુનીભાઈ ત્યારપછી હાઉસીંગ બોર્ડ છોડી ગયા અને પોતાનું કન્સલ્ટીંગ એન્જિનિયર અને સ્ટ્રક્ચરલ ડિઝાઈનર તરીકેનું આગવું એકમ મહેસાણા ખાતે શરુ કર્યું. ખૂબ સફળ રહ્યા. આજે મહેસાણાની લાયન્સ હોસ્પિટલ સુપેરે ચાલે છે તેમાં શ્રી ચુનીભાઈ પટેલનું મોટું પ્રદાન છે. અમારી ઓળખાણ અને મૈત્રી આજે પણ અકબંધ છે. શ્રી ચોટલીયા પ્રમાણમાં ખૂબ સરળ અને અત્યંત મૃદુભાષી વ્યક્તિત્વ ધરાવતા હતા. એમના સાથેના પણ મારા સંબંધો મેં હાઉસીંગ બોર્ડ છોડ્યું ત્યાં સુધી સારા રહ્યા. વડોદરામાં ડેપ્યુટી એન્જિનિયરો શ્રી એસ.એ. પટેલ, શ્રી ગદાણી અને શ્રી બોડીવાલા હતા તે ઉપરાંત એક સીધી ભરતીના અધિકારીશ્રી ટી.આર. બ્રહ્મક્ષત્રિય પણ આવ્યા. શ્રી ગદાણી જુનિયર એન્જિનિયરમાંથી અને શ્રી બોડીવાલા સુપરવાઈઝરની કેડરમાંથી પ્રમોટ થયા હતા. આ બધામાં શ્રી એસ.એ. પટેલ સાથે શરુઆતથી જ વેવલેન્થ મળી. શ્રી ગદાણી અને શ્રી બોડીવાલા શરુઆતમાં તેમને પ્રમોશન નહોતું મળ્યું એટલે નારાજ હતા. આગળ જતાં બન્ને સાથે મારે પ્રમાણમાં સાલસતાભર્યા સંબંધ થયા. શ્રી બ્રહ્મક્ષત્રિય પણ સીધી ભરતીથી આવ્યા હતા એટલે સ્વાભાવિક રીતે મારી સાથે પહેલા જ દિવસથી એમના સંબંધો સારા રહ્યા.
આ બધામાં મને બીજો એક મોટો ફાયદો અનાયાસે થઈ ગયો. અમારી અમદાવાદી પોળની ટુકડીમાં ક્યારેક ક્યારેક હાજરી પુરાવી જનાર અને હરિશ ઉપાધ્યાયના મિત્ર શ્રી જગદીશભાઈ સી. શાહ ત્યારે એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (હાલમાં ગેરી, રેસક્રોંસ) ખાતે ડાયરેક્ટરના પીએસ તરીકે હતા. ટૂંક સમયમાં જ તેમની બદલી હાઉસીંગ કમિશ્નરના પર્સનલ સેક્રેટરી તરીકે અમદાવાદ થઈ. શ્રી જે.સી. શાહ પણ સીધી ભરતીના નાયબ કાર્યપાલક ઈજનેર હતા. આગળ જતાં માર્ગ અને મકાન વિભાગમાં મુખ્ય ઈજનેરના હોદ્દા સુધી પહોંચ્યા. એક ખૂબ જ બાહોશ અને ગમે તેટલું કઠીન હોય તો પણ સોંપેલું કામ પુરું કરવાની દક્ષતા ધરાવતા શ્રી શાહ હું જાહેરજીવનમાં આવ્યો તે પછી પણ છેક નિવૃત્તિ સુધી મારા સારા મિત્ર રહ્યા અને મારા મત વિસ્તારમાં ઘણા કામો મંજૂર કરાવવામાં એમની મદદ અને સલાહ ખૂબ ઉપયોગી બન્યાં. હાઉસીંગ બોર્ડમાં પણ હાઉસીંગ કમિશ્નરના સહાયક તરીકે એમની છાપ અત્યંત ટૂંક સમયમાં જ એક કાબેલ અધિકારી તરીકે ઉભી થઈ ગઈ અને સમગ્ર તંત્ર ઉપર એમણે સારી એવી વગ જમાવી. આમ તો હાઉસીંગ બોર્ડમાં શ્રી જે.સી. શાહ ઉપરાંત મુખ્ય વહિવટી અધિકારીશ્રી વૈદ્ય અને ફાયનાન્સિયલ એડવાઈઝરશ્રી સુંદરેશનની ધાક સારી એવી હતી અને અમારા આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નર સમેત લગભગ બધા જ એમનાથી ડરીને કે પછી દબાઈને ચાલતા. એક એવા જ બીજા જાહેર બાંધકામ વિભાગના સુપ્રિટેન્ડીંગ એન્જિનિયરશ્રી પટેલની પણ આવી જ ધાક હતી. એ એક કરતાં વધુ વખત હાઉસીંગ કમિશ્નરનો હોદ્દો ભોગવી ચુક્યા અને એક અત્યંત કાર્યદક્ષ તેમજ કડક અધિકારી હતા. આવો જ રુઆબ તે સમયે સુપ્રિટેન્ડીંગ એન્જિનિયર (ઈન્સ્પેક્શન) તરીકે નિમાયેલા શ્રી સંઘવી સાહેબનો હતો. એ સાઈટ પર આવવાના હોય ત્યારે ભલભલા ખેરખાં એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો દોડતા થઈ જતા.
આમ આ વાતાવરણમાં એક સીધે સીધા કોલેજમાંથી ચાલ્યા આવેલ “છોકરા જેવા” ડેપ્યુટી એન્જિનિયરની કારકીર્દી શરુ થઈ. વ્હેલ, મગરમચ્છ અને બીજાં ભયાનક જળચરોથી ઉભરાતા તળાવમાં કૂદી પડવા જેવું આ કામ હતું. ક્યારેક લાગતું કે આપણે ભેંસના શિંગડામાં પગ ભરાવ્યા છે. શ્રી ડી.કે. દેસાઈ જેવા તમે ભુલ કરો એની તક શોધતા તેમજ શ્રી ગદાણી અને શ્રી બોડીવાલા જેવા કટ્ટર પ્રતિસ્પર્ધીઓ અને શ્રી નાયક તેમજ શ્રી આઈ.ડી. ઠક્કર જેવા તમે એમના હાથ નીચે ક્યારેક આવો ત્યારે તમારી કારકીર્દી પુરી કરવાની સોગંદ લઈને બેઠેલા સીનીયરો સાથે કામ કરવાનું હતું. પડકાર ઘણો મોટો હતો પણ ધીરે ધીરે અનિલ, બોઘાણી, વિક્રમ પરીખ, જે.પી. પટેલ જેવા મિત્રોની ટોળી જામતી જતી હતી. પડકાર હતો પણ ભય નહોતો લાગતો. ક્યારેક થોડુંક પણ મન વિચલિત થાય ત્યારે લોહાણા બોર્ડીંગની નજદીક આવેલ ટાવરની બરાબર પાસે અરુણ ઠક્કર અને પેલી રોજ સાંજે પંચમુખી મહાદેવની પોળના નાકે જામતી મહેફિલોના સાથીઓની હૂંફ અને તાકાત ખરેખર પ્રોત્સાહક હતાં. અહીંયાં અમદાવાદ હેડ ઓફિસમાં કમિશ્નરના પર્સનલ સેક્રેટરી તરીકે સરસ રીતે સમગ્ર તંત્ર પર કાબૂ જમાવીને બેઠેલ મિત્ર જગદીશ શાહની પણ મોટી હૂંફ હતી.