Wednesday, January 18, 2017
રાજીનામું આપી દીધું. હવે એક મહિનો સુખરુપ પસાર થઈ જાય એટલે ગંગા ન્હાયા. ઓફિસમાં પણ સહકર્મચારીઓ અને સાથી અધિકારીઓ મને હવે કદાચ થોડી વધુ લાગણીથી જોતા હતા. દરમ્યાનમાં અમદાવાદનો એક આંટો મારી આવ્યો. આમેય હાઉસીંગ કમિશ્નર આઈ.ડી. વ્યાસ સાહેબને મળવાનો મુખ્ય એજન્ડા હતો જ. આઈ.ડી. વ્યાસ સાહેબ આશ્રમરોડ પર જ મિલ ઓફિસર્સ કોલોનીમાં રહેતા હતા જે જીઆઈડીસીની લગભગ સામેની બાજુ લા-ગજ્જર બિલ્ડીંગ જેમાં તે સમયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બેસતી હતી (હવે ઘણા વરસોથી રિઝર્વ બેંકની નવી ઓફિસ સાબરમતીના કિનારે ગાંધીબ્રીજના આશ્રમરોડ બાજુના છેડે બેસે છે. પણ લા-ગજ્જર બિલ્ડીંગ હજુ પણ ભારતીય રિઝર્વ બેંકના હવાલે જ છે.) સવારના લગભગ સાડા નવના સુમારે મેં વ્યાસ સાહેબના નિવાસસ્થાનની ઘંટડી મારી. વાઘ જેવા હાઉસીંગ કમિશ્નર સાહેબને મળવાની અધિકારીઓમાં પ્રવર્તતી દહેશતની જગ્યાએ મારા મનમાં એમની સલાહનો અમલ કરી હું હાઉસીંગ બોર્ડ છોડી રહ્યો હતો તેનો આનંદ હતો. પટાવાળાએ બારણું ખોલ્યું અને મને ડ્રોઈંગ રુમમાં બેસાડી ચા-પાણીનું પૂછ્યું. મેં વિનયપૂર્વક ના પાડી. થોડીવારમાં વ્યાસ સાહેબ દિવાનખાનામાં આવ્યા એટલે ઉભા થઈ મેં વિવેકપૂરસર એમને પ્રણામ કરી ગુડમોર્નિંગ સર કહ્યું! સાથે વડોદરાના પ્રખ્યાત દુલીરામના પેંડા લઈ આવ્યો હતો તેનું પેકેટ ખોલી સાહેબની સામે ધર્યા. સાહેબે એમાંથી એક પેંડો લઈ એના બે ભાગ કર્યા. પ્રથમ મારું મોં મીઠું કરાવી આશીર્વાદ આપ્યા અને બાકીનો પેંડો પોતે મોંમાં મુકી મોં મીઠું કર્યું. મારા માટે આ આનંદ અને ધન્યતાની પળ હતી. આમતેમ પૂછપરછ કરી ક્યારથી જોઈન થવાનું છે વિગેરે ઔપચારિક માહિતી મેળવી. મેં અગાઉ ના કહી હતી પણ સાહેબે બે ચા મંગાવી અને કહ્યું આજે ચા ના પીવે તે કેમ ચાલે. વાતોનો દોર ચાલી રહ્યો હતો. એકાએક એમણે પોતાનો લાંબા દોરડાવાળો ટેલીફોન મંગાવ્યો. ડાયરીમાંથી કોઈ નંબર શોધ્યો અને જાતે જ નંબર જોડ્યો. સામે છેડે કોણ હશે એ વિચારું તે પહેલાં સાહેબે વાર્તાલાપની શરુઆત કરી - “ગુડમોર્નિંગ શેલત સાહેબ. આઈ.ડી. વ્યાસ હાઉસીંગ કમિશ્નર હીયર.” સામે છેડેથી પણ યોગ્ય પ્રતિભાવ મળ્યો હશે. થોડી ઔપચારિક વાતો બાદ એમણે રીતસરનો ધડાકો કર્યો “જયનારાયણ મારી પાસે બેઠો છે. અમારા હાઉસીંગ બોર્ડના અધિકારીઓમાંથી એક સારામાં સારો અધિકારી તમને આપીએ છીએ. ટૂંક સમયમાં જ એ જોડાશે. હવે એને જાળવવાનું અને ઘડવાનું કામ આપે કરવાનું છે.” વધુમાં ઉમેર્યું “મારા પરિચયમાં થોડા સમયથી જ છે પણ તમારે ત્યાં હાઉસીંગ બોર્ડ કરતાં એની ક્ષમતા અને શક્તિઓ વધુ દીપી ઉઠશે.”
ક્યારેક ઉપકાર કે અહેસાનનો બોજ ગળે ડૂમો બનીને ભરાઈ જાય અને એને આંખોમાંથી આંસુ બનીને બહાર નીકળવાની છૂટ ન હોય ત્યારની એ થોડીક ક્ષણો જીરવવી કેટલી મુશ્કેલ હોય છે એનો મને અનુભવ થયો. પાસે પડેલી ટીપોઈ પરથી પાણીનો ગ્લાસ ઉચકી મેં બે ઘૂંટડા પાણીની સાથે એ અહેસાનનો બોજ પણ પેટમાં ઉતારી દીધો. શ્રીમાન ઈચ્છાશંકર દુર્લભરામ વ્યાસ એટલે કે આઈ.ડી. વ્યાસ સાહેબ મારા માટે આદરણીય તો હતા જ હવે એ કાયમને માટે પરમ આદરણીય બની ગયા.
Owning up the Sub-ordinate અને Hand Holdingના અદભૂત ગુણો અને ખાનદાની ધરાવતી અધિકારીઓની આ પેઢી અને માત્રને માત્ર ઔપચારિકતા ખાતર પ્લાસ્ટિકનું સ્મિત પહેરી વખત આવે પોતાના તાબાના કર્મચારી કે અધિકારીઓ સાથે આંખ ફેરવીને વ્યવહાર કરતા અધિકારીઓની આજની પેઢી પણ જોવાનું સદભાગ્ય (કે પછી દુર્ભાગ્ય) મને મળ્યું છે. વ્યાસ સાહેબના વાવેલા સંસ્કાર અને તે દિવસે બે ઘૂંટડા પાણી સાથે જઠરમાં સમાવી લીધેલ એમના સદવર્તન અને અહેસાનનો બોજ મારી રગેરગમાં આજે પણ વહે છે. મારા તાબા નીચેના અધિકારીઓ કે કર્મચારીઓને અન્યાય થતો લાગે ત્યારે ભલભલા ચમરબંધીની પણ પરવા કર્યા વગર એમની આડે ઢાલ બનીને ઉભો રહ્યો છું. એમના અધિકારો મેળવી આપવા માટે ક્યારેક એકલે હાથે પણ લડ્યો છું. એનો યશ વ્યાસ સાહેબ જેવા અડધો ડઝન કરતાં થોડા વધુ અધિકારીઓને જાય છે. જેમણે પોતે પણ મને ઘડવામાં અને આગળ વધારવામાં સિંહ ફાળો આપ્યો છે. કોણ હતા એ ? આ જવાબ માટે થોડી રાહ જોઈએ.
પણ....
સામે મને જે લાગણી અને પ્રેમ મળ્યાં છે એ પણ એટલાં જ અવર્ણનીય છે. આજે બે દાખલા અહીંયા ટાંકવા છે. પહેલો છે રાધેશ્યામનો. ગઈકાલના લેખ ઉપર હજારો કિલોમીટર દૂર બેઠેલો આ મારો એક સમયનો સાથી લખે છે –
“Sir, even now if I can be useful for you, to the last drop of my blood I will serve for you.”
હું નથી માનતો કે અત્યાર સુધી મને મળેલ કોઈપણ માન/અકરામ રાધેશ્યામની આ બે લીટીઓમાં વ્યક્ત થયેલ લાગણી અને સન્માન કરતાં વધુ હોઈ શકે. ધન્યવાદ દોસ્ત. તારી આ લાગણી અને જીંદાદીલીને સો સો સલામ.
બીજો એક દાખલો.
આ સમયગાળા પછી ઘણા વખતે બન્યો. પણ, એને રાધેશ્યામની આ વાત સાથે જોડવા માંગુ છું. દાખલો છે શ્રી સંજીવ કોઠારી (કાકા)નો. મૂળ મુંબઈ રાજ્યના વખતથી નોકરીની શરુઆત શ્રી પ્રેમજીભાઈ ઠક્કર જેવા કાબેલ આગેવાન સાથે કરી. ગુજરાતનું અલગ રાજ્ય બન્યું. ગાંધીનગર આવ્યા અને વરસો સુધી અનેક મંત્રીઓ સાથે કામ કરતાં કરતાં હવાલદારની પોસ્ટ સુધી પહોંચ્યા. હું નર્મદા વિકાસ અને જળસંપત્તિ વિભાગનો મંત્રી હતો ત્યારે એ મારા ત્યાં હવાલદાર તરીકે મુકાયા. અત્યંત સદગુણી, પ્રમાણિક અને ચારિત્ર્યશીલ વ્યક્તિત્વની સાથોસાથ મંત્રીમંડળની કામગીરીથી માંડી વિધાનસભાની કાર્યવાહી સુધીની દરેક કામગીરી વિશે એમની ઉંડી સમજ અને સારી પકડ એમના વ્યક્તિત્વનું વિશીષ્ટ પાંસુ હતું. યોગાનુયોગ કોઈ કારણોને લઈને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી સાથે મારે સૈદ્ધાંતિક મતભેદ પડ્યો. આમ તો ચીભડાના ચોરને શૂળીની સજા નથી થતી પણ એ દિવસે થઈ ગઈ. મુખ્યમંત્રીશ્રીએ રાજીનામું માંગ્યું. એક ક્ષણનાય વિલંબ વગર મેં રાજીનામાનો પત્ર તેમને સુપરત કર્યો અને જરાય કડવાશ વગર મંત્રીમંડળની બ્લોક નંબર એકમાં આઠમા માળે આવેલી કચેરીમાંથી સંપૂર્ણ નિર્લેપભાવે મંત્રીપદને રામ રામ કરી નીચે ઉતરી ગયો.
વાત હવે શરુ થાય છે. શ્રી સંજીવકાકાને ત્યારબાદ ક્યાં મુકવા તે વિચારાયું હશે અને તેમની ક્ષમતા ધ્યાને લઈ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવવા માટે કહેવામાં આવ્યું. સંજીવકાકાએ શું જવાબ આપ્યો હશે ? તેમણે કહ્યું – “મારા સાહેબ મંત્રી મટી ગયા એટલે મેં મારી હવાલદારની આ ટોપી ઉતારી દીધી. હવે મારા સાહેબ ફરી મંત્રી બનશે ત્યારે જ હું એ પાછી પહેરીશ.” કલ્પના કરી શકો છો એક ચોથા વર્ગના કર્મચારીની ખુદ્દારીની ? આ લાગણીની શું કિંમત મુકી શકાય ?યોગાનુયોગ બન્યું એવું કે 2007માં નરેન્દ્રી મોદી મંત્રીમંડળમાં મારી આરોગ્ય અને પ્રવાસન વિભાગના મંત્રી તરીકે વરણી થઈ. મને ફરી પાછી બ્લોક નંબર એકમાં આઠમા માળે એ જ ચેમ્બર આપવામાં આવી. જ્યાંથી હું રાજીનામું આપી પગથિયાં ઉતરી ગયો હતો. મનમાં એક થડકો જરુર ઉઠ્યો કે શું આ વખતે પણ ?.....
આ એક આછી ચિંતાના ભાર તળે મેં નિર્ણય લીધો. હું મારી ચેમ્બરમાં પ્રવેશ કરું તે પહેલાં ગણેશજી અને બાબાનો ફોટો મુકી દીપ પ્રગટાવવાની વિધિ સંજીવકાકાના હાથે થશે. મોટાભાગના મંત્રીશ્રીઓ આ વિધિ પોતપોતાની રીતે કરાવતા હોય છે. મને એવું સૂઝ્યું કે સંજીવકાકાની ખુદ્દારીને સ્વીકારવાની આથી મોટી રીત બીજી કોઈ ન હોઈ શકત.
અને....
આ વખતે સંજીવકાકાનો હાથ ફળ્યો પણ ખરો. મેં મંત્રીમંડળમાં પાંચ વરસ પૂરાં કર્યાં !
આજે પણ જ્યાં જ્યાં મેં કામ કર્યું છે ત્યાં એક મોટો ચાહકવર્ગ કહેવાતા નાના માણસોનો મારી સાથે જોડાયો છે. વિધાનસભામાં ભાગ્યે જ જવાનું થાય પણ જઈએ ત્યારે લીફ્ટમેનથી માંડી અગાઉ સાથે કામ કરી ગયેલ કર્મચારીઓનું ટોળુ જે ભાવથી મળવા દોડી આવે છે અને પરત રવાના થઉં ત્યારે જે લાગણીથી છેક ગાડી સુધી મુકવા આવે છે મને લાગે છે કે હજુ આજે પણ ભલે સરકારમાં હું મંત્રી ના હોઉં પણ આ બધાના દિલમાં રાજ કરવાનું મંત્રીપદું અખંડ છે.
વળી પાછા વડોદરા પહોંચી જઈશું ?
વચ્ચેના દિવસો તો વહી ગયા.
પણ.....
એ છેલ્લો દિવસ યાદગાર બની ગયો.
વિદાય આપતી વેળા સહુનો સ્નેહ સ્પર્શી ગયો.
થોડાક ભાવુક પણ થઈ જવાયું.
આ બધું પત્યું ત્યારે મને આશ્ચર્યનો આંચકો આપવા માટે એક બીજી ઘટના આકાર લઈ ચુકી હતી.
એ ઘટના મુજબ જે તે દિવસે કચેરીના સમય બાદ મને છુટો કરવાનો જે હૂકમ કરવામાં આવ્યો હતો તેમાં એક શરત એ પણ હતી કે મને આપવામાં આવેલ ક્વાર્ટર મારે ખાલી કરીને પરત સોંપવાનું રહેશે.
ભૂકંપનો વાસ્તવિક આંચકો તો ખૂબ મોડા અનુભવવા મળ્યો પણ આ હૂકમની શરતે મને હલબલાવી નાંખ્યો. બાળકો નાનાં હતાં. મારો નાનો દીકરો તો માંડ બે મહિનાનો હતો. અમદાવાદમાં હજુ તો મકાન પણ ભાડે રાખ્યું નહોતું. ઈરાદો હતો બે-ત્રણ મહિના અપડાઉન કરી જો જીઆઈડીસીમાં જ રહેવાનું નક્કી કરીશું તો મકાન ભાડે રાખીશું. મારું આખુંય અસ્તિત્વ હચમચી ઉઠ્યું.
શું કરવું હવે ?
આપણી પાસે તો એક જ રસ્તો હતો.
આ તો ઓફિસને લગતું જ કામ હતું.
ઓફિસમાંથી જ ફોન જોડ્યો
હાઉસીંગ કમિશ્નર સાહેબને.
આવી ક્ષુલ્લક બાબત માટે તેમને કહેવાનું જરાય નહોતું ગમતું છતાંય.
કોઈ વિકલ્પ જ નહોતો.
અને.......
અડધા કલાકમાં જ પ્રશ્ન પતી પણ ગયો !!
મારા પાસેથી લખાવી લીધું કે ત્રણ મહિનામાં હું ક્વાર્ટર ખાલી કરી આપીશ
અને...
ભરવાપાત્ર ઈકોનોમિક રેન્ટ હાઉસીંગ બોર્ડના નિયમોનુસાર ભરીશ.
ક્યાં છુટકો હતો ?
લખી આપ્યું અને પીંડ છોડાવ્યો.
હું હવે હાઉસીંગ બોર્ડની નોકરીમાંથી છુટ્ટો.
પણ.....
પેલો રાજાનો ઘોડો પાણી પી ઘાસ ખાઈ છુટ્યો એવા આનંદના ભાવમાં આ ક્વાર્ટરવાળી બાબતે થોડી કડવાશ જરુર ઉમેરી હતી.
આજે પણ જ્યારે કોઈ નિવૃત્ત થતા કર્મચારીને ઓફિસ ટાઈમ બાદ બેસાડી રાખી કોઈ ચાર્જશીટ કે ખુલાસો પુછવાનો કાગળ પકડાવી દેવાનો પ્રયાસ થાય છે મન ગ્લાનિથી ઉભરાઈ ઉઠે છે.
થાય છે......
માણસ જઈ રહ્યો છે
એ નથી હવે તમારો હરીફ કે દુશ્મન
આ પરિસ્થિતિમાં કમ સે કમ એની વિદાયનાં સંસ્મરણો મધુર બને એવું ન થાય ?
ચાર પાંચ વરસ કુંભકર્ણ નિંદ્રામાં સૂઈ ગયેલ એસ્ટાબ્લીશમેન્ટ વિભાગ કે સરકારના જનરલ એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (જીએડી)ને આ પરપીડનવૃત્તિમાં કેમ આનંદ આવતો હશે ?
વરસો વીત્યાં છે પણ આ વૃત્તિ નથી બદલાઈ.
એવા દિવસો ક્યારે આવશે જ્યારે વિદાય થતા કર્મચારી કે અધિકારીને એનો નિવૃત્તિનો સમય સુખમય અને દિર્ઘાયુષી બની રહે એવી શુભેચ્છા સાથે એક નાનું ગુલાબનું ફૂલ લઈને પેલા જીએડીવાળા સાહેબ એને છેલ્લે વિદાયનાં મધુર સંસ્મરણો આપે ?
હું વિદાય સમારંભની વાત નથી કરતો.
વાત છે માત્ર વહિવટી વિભાગ દ્વારા માનવીય સંબંધોનો સેતુ બાંધવાની.
જીએડીના સાહેબો એ કેમ ભુલી જતા હશે કે....
એક દિવસ એમણે પણ નિવૃત્ત થવાનું છે !!!














