Friday, September 18, 2015
અગાઉ જણાવ્યું તેમ ડૉ. શિરીષભાઈ તે સમયે હાઉસીંગ બોર્ડના ડિરેક્ટર હતા. થોડા દિવસ પછી થનારી બોર્ડ મિટીંગનો એજન્ડા ઉથલાવતાં એક આઈટમ પર એમની નજર સ્થિર થઈ. એમણે કહ્યું “અભિનંદન ! બોર્ડ દ્વારા સીધી ભરતીથી લેવાનાર ડેપ્યુટી એન્જિનિયરની યાદી આ મિટીંગમાં મંજૂરી માટે મુકાય છે. તમે એ પ્રક્રિયામાં પ્રથમ નંબરે પાસ થાવ છો.” પહેલા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને હવે ગુજરાત હાઉસીંગ બોર્ડ એક મહિનામાં સંયોગો જ મારા માટે જેની કલ્પના પણ મુશ્કેલ હતી તેવી બે બે નોકરીઓ લઈને આવ્યા હતા. ડૉ. શિરીષભાઈ હજુ આગળના જે સમાચાર આપવાના હતા એણે તો મને આનંદથી ગાંડો કરી નાંખ્યો. તેમણે કહ્યું ગુજરાત હાઉસીંગ બોર્ડની સર્કલ ઓફિસ વડોદરા ખાતે થોડા સમય પહેલા જ ખુલી છે. આ કચેરીમાં આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નરશ્રી દોશી જે સુપ્રિટેન્ડીંગ એન્જિનિયરની સમકક્ષ પોસ્ટ પર છે તે પણ નવા જ મુકાયા છે અને એમના અંગત સચિવ જે ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારી હોય છે તે જગ્યા ખાલી છે. જો ઈચ્છા હોય તો આ પોસ્ટીંગ માટે હું હાઉસીંગ કમિશ્નરને ભલામણ કરું. મારા માટે તો ભાવતુ હતું અને વૈદ્યે કીધું એ સ્થિતિનું નિર્માણ થયું. મેં અત્યંત ખુશીથી એ માટે હા કહી અને શિરીષભાઈને મારી નિમણૂંકનો હૂકમ વડોદરાનો થાય તેવી પણ વિનંતી કરી. એમની પાસેથી એ પણ જાણી લીધું કે આમ થવામાં લગભગ દસથી પંદર દિવસનો સમય જાય. મેં મનોમન ગણતરી મુકી હું એન્જિનિયરીંગ કોલેજની નોકરીમાંથી છુટો થાઉં ત્યારપછી કદાચ એકાદ અઠવાડીયું રાહ જોતા નવરા બેસવું પડે જેની કોઈ ચિંતા નહોતી. અમારી વાત પતી એટલે ડૉ. શિરીષભાઈના નિવાસસ્થાનથી બહાર નીકળ્યો. આનંદના અતિરેકમાં મારા પગ જમીન પર પડતા નહોતા. ઝડપથી આ સમાચાર મિત્રવર્તુળ અને ઘરે આપવા માટે મારું મન તલપાપડ થઈ ઉઠ્યું. પ્રારબ્ધ જ્યારે પલટો લે છે ત્યારે ઘટનાઓ કેટલી જલ્દી બનતી હોય છે એનો આ પ્રત્યક્ષ અનુભવ હતો.
વડોદરું છોડવું પડશે એ ચિંતા અને પીડા હવે અદૃશ્ય થઈ ગઈ હતી. એન્જિનિયરીંગ કોલેજમાં બાકી રહેલો સમય અત્યંત આનંદપૂર્વક અને બેફીકરાઈથી પસાર થઈ રહ્યો હતો. મારા સીલેક્શનની વાત જેમ જેમ પ્રસરતી ગઈ આજુબાજુના લોકોની નજરમાં એક સ્પષ્ટ વાંચી શકાય એવો આદરનો ભાવ ઉભો થતો ગયો. નોકરીને ઠોકર મારવાની મરદાઈ કરી તેની સાથો સાથ અહીંયાથી વધુ સારી જગ્યાએ જઈ રહ્યો હતો અને એ રીતે અમારા ફેકલ્ટી ડીને કટાક્ષમાં કહેલું વાક્ય “જો આટલા સારા ક્વોલીફીકેશન છે તો બીજે નોકરી કેમ શોધી લેતા નથી?” તે ચેલેન્જ પણ પ્રારબ્ધના જોરે કે ઈશ્વરની કૃપાથી જે ગણો તે સફળતાપૂર્વક ઉપાડીને એનો જવાબ આપી શકાયો હતો તેને કારણે સહુના મનમાં એક ખૂણે આદરની ભાવના ઉભી થઈ હતી જે એમના ચહેરાના ભાવ પરથી અને વર્તન પરથી જોઈ શકાતી હતી. ઉંડે ઉંડે આ બધું મનને ગમે તેવું બની રહ્યું હતું અને વિદાયની જે વેળા કપરી બનવાની હતી તેને બદલે હવે વિદાયનો એ દિવસ ક્યારે નજદીક આવે અને હું મારા નવા સિરનામે ગોઠવાઈ જઉં તેની ઉત્કંઠા રહેવા લાગી. હાઉસીંગ બોર્ડની આ નોકરીનો બીજો એક ફાયદો એ હતો કે વડોદરાની પોશ લોકાલીટી કહી શકાય એવા રેસકોર્સ વિસ્તારમાં ઈલોરા પાર્ક ખાતે સ્ટાફ ક્વાર્ટસમાં રહેવા માટે સરસમજાનો ફ્લેટ પણ મળવાનો હતો. હાઉસીંગ બોર્ડ સ્ટાફ ક્વાર્ટસ, ઈલોરા પાર્ક આ રીતે મારું વડોદરાનું નવું સિરનામું બનવાનું હતું.
વિદાય થવાનો દિવસ નજદીક આવતો જતો હતો. એક ઔપચારિક્તા હજુ નિભાવવાની બાકી હતી. એ દિવસ પણ આવી પહોંચ્યો. રીસેસના સમયમાં મળતી અમારી ટી ક્લબમાં એ દિવસે મારો વિદાય સમારંભ યોજાયો. એક બે વક્તવ્યો બાદ ડૉ. થટ્ટે સાહેબ બોલવા માટે ઉભા થયા. એમણે છેલ્લા કેટલાક દિવસથી લાયબ્રેરીમાં બેસીને આ માટે તૈયારી કરી હતી ! થટ્ટે સાહેબ એટલે ચોક્સાઈના માણસ. ખૂબ કઠિન પરિશ્રમ એ એમનો જીવનમંત્ર હતો. કોઈપણ વસ્તુને હળવાશથી લેતા નહીં અને જે કંઈ કામ હાથમાં લે તે પુરી ચીવટથી કરતા. મારા માટેની એમની છાપ બહુ સારી નહીં. એકવખતે એમણે આ બાબત ફરિયાદ પણ કરી હતી. થટ્ટે સાહેબ બોલવા ઉભા થયા એટલે મનમાં સહેજ થડકાટ હતો કે આજે એ બધું વસૂલ કરી નાંખે એટલી ધોલાઈ કરશે અને અમારા થકી એમને જે હેરાનગતિ થઈ તેનો વ્યાજ સાથે બદલો લઈ લેશે. મારી આ ધારણા સાવ ખોટી પડી. મારામાં કેટલી ક્ષમતાઓ અને ગુણો છે એની ખબર તો થટ્ટે સાહેબને સાંભળ્યા પછી પડી. એ દિવસે એમણે ખૂબ સારી વાતો કહી અને મારા માટે લાગણીપૂર્વક ભાષણ આપ્યું. ડૉ. થટ્ટે સાહેબ આજે હયાત નથી પણ એ વ્યક્તિ સાંગોપાંગ ખાનદાન હતી એવો અહેસાસ મને ત્યારે થયો. ઘણીવાર આપણી ધારણાઓ અને અનુમાનો કેટલા ખોટા પડે છે ? જવાબમાં મેં પણ આભાર દર્શન તો કર્યું જ એ ઉપરાંત આ બધા મિત્રો અને ટી ક્લબ સાથેનો મારો નાતો હંમેશાં ચાલુ રહેશે તેવી વાત પણ કરી. હું ગમે ત્યાં ગયો વડોદરાની મારી મુલાકાત વખતે એપ્લાઈડ મિકેનીક્સ ડિપાર્ટમેન્ટની એ ટી ક્લબ મારે માટે આકર્ષણનું કેન્દ્ર રહી અને મેં પ્રયત્નપૂર્વક સમયની ફાળવણી કરીને પણ મારો ટી ક્લબ સાથે જીવંત સંબંધ રાખવાનો વાયદો નિભાવ્યો. આ ગતિવિધિ મારા સાથીઓ ડૉ. બિયાની, જગદીશભાઈ વ્યાસ, મહેન્દ્ર ભાવસાર, ડૉ. શ્રોફ, આણંદજીભાઈ શાહ, સતીષ શાહ, રમેશ શાહ, પ્રદ્યુમ્ન દરજી, કિરીટભાઈ પટેલ વિગેરે હતા ત્યાં સુધી ચાલુ રહી. આજે બધા જ નિવૃત્ત થઈ ચુક્યા છે અને સરસમજાનો નિવૃત્તિ સમય પસાર કરી રહ્યા છે. ક્યારેક ક્યારેક ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગ કે ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સના કોઈ ફંક્શનમાં મળવાનું થાય છે ત્યારે એ જ આત્મિયતાથી મળીએ છીએ.
હાઉસીંગ બોર્ડની નોકરીમાં જોડાવાનો સમય આવી પહોંચ્યો. તે સમયે બોર્ડની કામચલાઉ ઓફિસ લુહાણા બોર્ડીંગ, રાવપુરા ખાતે બેસતી હતી. હું દાંડિયા બજારમાં જ્યાં રહેતો હતો ત્યાંથી આરામથી પંદર મિનિટમાં ચાલીને અહીં પહોંચી શકાતુ હતું. પહેલે દિવસે હાજર થવા ગયો ત્યારે પ્રથમ પરિચય સર્કલ ઓફિસના માથાભારે હેડ ક્લાર્ક શ્રી ખાન સાથે થયો. યુનિયનનો એ જનરલ સેક્રેટરી હતો અને હાઉસીંગ બોર્ડમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ એક ભયમિશ્રિત પ્રેમથી એને જોતા. આગળ જતાં આ ખાન મારો ખૂબ અચ્છો દોસ્ત બની ગયો. આનું કારણ કદાચ માથાભારે સ્વભાવ અને સ્પષ્ટ વક્તાપણું અમારા બન્નેના વ્યક્તિત્વનો સામાન્ય ગુણ હતો તેમ કહી શકું. કેટલીક વહિવટી ઔપચારિક્તાઓ પુરી થયા બાદ ખાન મને મારી કેબિનમાં દોરી ગયો. અધિકારી તરીકે કેબિનમાં બેસવાનો આ પહેલો અનુભવ હતો. થોડુંક અડવું અડવું જરુર લાગતું પણ ધીરે ધીરે આ વ્યવસ્થાથી ટેવાઈ ગયો. ખાને અમારા પટાવાળા સંત બહાદુરને હાક મારી. આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નરશ્રી દોશી પાસે કોણ બેઠું છે એ જોવા કહ્યું. ખાનનો અવાજ મોટો હતો. ઘંટડી વગાડવાને બદલે ઘાંટા પાડવામાં એ વધુ અનુકૂળ આવતો. થોડીવારમાં એ મને લઈને શ્રી દોશીની ચેમ્બરમાં પહોંચ્યો. અધિક્ષક ઈજનેરનો કેવો વૈભવ અને રુઆબ હોય એનો એ પહેલો અનુભવ. મારે શ્રી દોશીના અંગત મદદનીશ તરીકે કામ કરવાનું હતું. પરિચયની ઔપચારિક્તા પતી એટલે કંઈક કામનું બહાનુ કાઢી ખાન નીકળી ગયો. હવે આ ચેમ્બરમાં અમે ત્રણ જણા હતા. શ્રી દોશી, હું અને જેમનો મને પરિચય કરાવામાં આવ્યો તે ડિવિઝનલ એકાઉટન્ટ શ્રી ડી. કે. દેસાઈ હતા. ચા આવી અને કેટલીક ઔપચારિક વાતો બાદ હું ઉભો થયો મારી કેબિનમાં જવા માટે. હું હજુ બારણું ખોલીને બહાર નીકળતો હતો ત્યાં અધખુલ્લા બારણે મારા કાન પર કોઈના શબ્દો અફળાયા. મને સમજતા વાર ન લાગી કે એ અવાજ શ્રી દેસાઈનો હતો. તેઓ કહી રહ્યા હતા “આવા છોકરા જેવા અધિકારીઓ ચાલ્યા આવે છે તે શું ધાડ મારશે ?”
પત્યું ! મારી નવી નોકરીના પ્રથમ દિવસે પ્રથમ એક કલાકની અંદર જ પડકાર ફેંકાઈ ચુક્યો હતો. હવે દડો મારા બાજુ હતો. મારી વહિવટી ક્ષમતા અને આવડત સામે સવાલીયા નિશાન તકાઈ ચૂક્યું હતું.
હું ત્યાંથી નીકળીને મારી કેબિનમાં ગયો.
ખુરશી પર બેઠો.
પટાવાળાએ પંખો ચાલુ કર્યો અને પાણીનો ગ્લાસ મુક્યો.
આ કશામાં મને રસ પડે તેમ નહોતો.
વળી વળીને મારા કાનમાં ડી.કે. દેસાઈના એ શબ્દો પડઘાઈ રહ્યા હતા “આવા છોકરા જેવા અધિકારીઓ ચાલ્યા આવે છે તે શું ધાડ મારશે ?”
દૃઢ નિશ્ચયમાં મારા હોઠ ભિંસાયા. નિર્ધાર થઈ ગયો હતો. જોઈ લઈશ આ દેસાઈને!