Thursday, June 4, 2015
જશભાઈ જ્યાં જ્યાં જરુર લાગે ત્યાં પોતાનાથી બનતું કરવા હંમેશાં તત્પર હોય છે. કોઈક આપણા માટે કરશે અને આપણે એનાં ફળ ભોગવીશું એ જશભાઈની કાર્યપદ્ધતિનો અને વિચારશ્રેણીનો ભાગ નથી. બધાં જ કામોમાં જશભાઈ સફળ જ થાય એવું પણ નથી પણ એકવાર કોઈ કામ હાથમાં લીધું એટલે નિર્ભેળ પ્રમાણિક્તા અને પ્રતિબદ્ધતાથી એને વળગી રહેવાની નીતિએ જશભાઈને લાંબી મુદ્દતે પણ સફળતા અપાવી છે. જે કહેવું હોય તે કડકમાં કડક ભાષામાં કહે પણ વાણી કે વર્તનનો સંયમ ક્યારેય ગુમાવ્યો નથી અને એ રીતે જશભાઈ એક નખશીખ સજ્જન માણસ છે એમ કહેવું જરાય અતિશયોક્તિ નથી. આ કારણથી જ જશભાઈના શ્વેત ખાદી વસ્ત્રો ઉપર ક્યાંય એક નાનો સરખો પણ દાગ નથી. જશભાઈ અજાતશત્રુની જીવતી જાગતી હરતી ફરતી વ્યાખ્યા છે. નરસિંહ મહેતાનું “પર દુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે” એણે આત્મસાત કર્યું છે. આ અર્થમાં જશભાઈ વૈષ્ણવજન પણ છે. હજારો એ નિરાશામાં અમર આશા છુપાઈ છે માં આપણી શ્રદ્ધા વરસોના વરસો સુધી જરાય વિશ્વાસ ગુમાવ્યા વગર જશભાઈની પોતાના ધ્યેય પાછળ લાગ્યા રહેવાની વૃત્તિમાંથી બળવત્તર બને છે. દાખલા તરીકે લોકભાગીદારીથી એમણે સરસમજાનો બગીચો બનાવ્યો. સ્વાભાવિક છે વસતી વધે તેમ જરુરીયાત પણ વધવાની. આ બગીચાને અડીને એક બિનવપરાશી ખાલી પ્લોટ પડ્યો છે. નગર નિગમને આ આખીય જગા ખેડૂતો પાસેથી કોઈપણ વળતર આપ્યા વગર પ્રાપ્ત થઈ હતી. આ ખાલી પ્લોટમાં કચરો ભેગો થાય છે. છેલ્લાં દસ વરસથી જશભાઈ આ પ્લોટ બગીચાના વિસ્તરણ માટે માંગે છે. વિસ્તારની પ્રજાની પણ આ માંગણી છે. આમ તો આ કામ સ્થાનિક કોર્પોરેટરોએ ઉપાડી લેવું જોઈએ પણ એમને કદાચ બીજાં મોટાં કામોમાંથી કે રાજકીય કાવાદાવામાંથી ફુરસદ નથી. દસ દસ વરસનાં વહાણાં વહી ગયાં આ માંગ હજુ ઉભી છે. કોણ જાણે ક્યારે એનો ઉકેલ આવશે.
3 ઓક્ટોબર, 2001, લોકસત્તા-જનસત્તાની વડોદરા આવૃત્તિમાં એક બીજા સમાચાર છપાયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ સુરત અને ભરુચથી સરળતાથી વડતાલ જઈ શકે એ માટે દાયકાઓ અગાઉ એક ભરુચથી વડતાલ વાયા આણંદ સળંગ ટ્રેન શરુ કરાઈ હતી. લગભગ સીત્તેર વરસ પહેલા ભક્તોને વડતાલ જવા માટે પડતી મુશ્કેલીઓ જાણીને વડતાલ સ્વામિનારાયણ મંદિરે રુપિયા નવ લાખ જેટલો ખરચ કરી બોરીયાવીથી વડતાલ સુધી બ્રોડગેજ રેલ્વેલાઈન નાંખી ટ્રેન શરુ કરાવી હતી. ભક્તોએ આ ટ્રેનનું નામ ખૂબ લાડથી “ભક્તાણી” પાડ્યું હતું. સળંગ મુસાફરીની આ સવલતને કારણે આબાલ, વૃદ્ધ સહુ માટે વડતાલ સ્વામિનારાયણ મંદિરનાં દર્શને જવાની આ સારી સુવિધા હતી. પૂનમ, તહેવારો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવો હોય ત્યારે આ ટ્રેનમાં ભારે ગીરદી રહેતી. દર્શનાર્થીઓ આ ટ્રેનમાં વડતાલ જઈ દર્શન વિગેરે વિધિ પતાવી સાંજે પોતાને ઘેર પરત જઈ શકતા. વરસોથી ચાલતી આ ટ્રેનને રેલ્વે સત્તાવાળાઓએ 1લી ઓક્ટોબર, 2001થી મનસ્વી રીતે બંધ કરી દીધી. ભક્તો તેમજ જનતાને મેમુ ટ્રેન દ્વારા ભરુચથી આણંદ અને ત્યારબાદ આણંદથી ગાડી બદલી ત્રણ ડબ્બાની ગાડીમાં વડતાલ જવા માટેની ટ્રેન શરુ કરી હતી. આ કારણથી હરિભક્તોને તહેવારો સમયે વિશેષ ગીરદી અને તકલીફોનો સામનો કરવો પડતો હતો. મેમુ ટ્રેનમાં ટોઈલેટની પણ સવલત ન હોવાથી ખૂબ મુશ્કેલી પડતી. રેલ્વેએ ભક્તાણીના બે ભાગ કરી નાંખ્યા એના કારણે આણંદ ખાતે મેમુ ટ્રેન ડાકોર તરફના પ્લેટફોર્મ પર ઉભી રહેતાં ભક્તોને દૂર આવેલ વડતાલ ટ્રેનમાં જવા માટેના પ્લેટફોર્મ પર જવા ઘણું જ અંતર કાપવું પડતું. ઉપરાંત વૃદ્ધો તેમજ બાળકો વિગેરેને દાદર ચડવામાં તકલીફ પડતી. દાદરનો ઉપયોગ ના કરી રેલ્વેલાઈન ઓળંગનાર ભયંકર અકસ્માત સર્જાવાનું જોખમ તો હતું જ. નવી વ્યવસ્થા સામે ભયંકર જનઆક્રોશ ઉભો થયો. અખબારોએ પણ આ બાબતે રેલ્વે સત્તાવાળાઓએ લીધેલ પગલાં સામે ઝૂંબેશ ઉઠાવી. આના સાનુકૂળ પ્રત્યાઘાતો પડ્યા. જશભાઈએ ફરી એકવાર આ પ્રશ્નને ઉકેલવા ઝંડો ઉઠાવ્યો. આ બધાનું પરિણામ “ભક્તાણી” અગાઉની માફક જ શરુ થઈ અને ભક્તોમાં ખુશી ખુશીનો માહોલ છવાઈ ગયો. ફરીવાર જશભાઈને વ્યાપક જનહિતના કામમાં એક મોટી સફળતા મળી.
આ લખ્યું તે દરમિયાન વિગતોની સત્યતાની પૂર્તિ કરવા જશભાઈને ટેલીફોન પર મળવાનું થયું ત્યારે એ જ રણકાર, નિર્દોષ, ખિલખિલાટ હાસ્ય, ભીંજવી જાય તેવી આત્મિયતા અને એક્યાસી વરસ જેવી જૈફ ઉંમરે પણ એક યુવાનને શરમાવે તેવી તત્પરતા. જે કંઈ કરવું તે સાવ નિર્લેપ ભાવે. જરા જેટલોય અહંકાર નહીં. જશભાઈને જ્યારે મળીએ ત્યારે સુરેશ દલાલની આ કવિતા જીવંત થઈ ઉઠે.
આપણે આપણી રીતે રહેવું
ખડા થયા તો ખડક; નહીં તો નદી જેમ નિરાંતે વ્હેવું.
ફુલની જેમ ખુલવું
અને ડાળની ઉપર ઝુલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રુપ ભૂલવું.
મુંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું !
ખડા થયા તો ખડક; નહીં તો નદી જેમ નિરાંતે વ્હેવું.
પગલાં ભૂસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતા વેરતા
આનંદને પંપાળતા જવું
લેવું દેવું કાંઈ કશું નહીં; કેવળ હોવું; એજ તો રહેવું !
ખડા થવું હોય તો ખડક; નહીં તો નદી જેમ નિરાંતે વ્હેવું !
ખડા થયા તો ખડક નહીં તો નદી જેમ નિરાંતે વ્હેવું એ સ્વબોધને જીવી જવાની ક્ષમતા આપણામાંથી કેટલા પાસે છે ? કદાચ એટલે જ આપણે જશભાઈ નથી બની શકતા. કદાચ એટલે જ કહેવું પડે છે કે જશભાઈ એટલે બસ જશભાઈ. એના પેગડામાં પગ ઘાલનાર ક્યારેક જ આ ધરાતળ પરથી પસાર થતો હોય છે. એના જીવનકાળ દરમ્યાન પોતાની કામગીરીમાં ઢોલનગારાં નહીં પીટનાર આવો માણસ આપણી વચ્ચે રહે છે એની ભાગ્યે જ આપણને જાણ થાય છે અને એ ન હોય ત્યારે માનવાનું મન નથી થતું કે આવો પણ કોઈ માણસ હોઈ શકે ?
વડોદરા યુનિવર્સિટીએ કેટલાક ખૂંખાર અને કેટલાક મૂકસેવક જનરલ સેક્રેટરીઓ આપ્યાં છે. જશભાઈ તો એમાંનો એક નમૂનો છે. આવતા ગુરુવારે આપણે આ વ્યક્તિવિશેષોનો થોડો પરિચય કરી મારી વડોદરા યાત્રામાં મળેલ એક વિશીષ્ટ વ્યક્તિત્વ વિશે છેલ્લા કેટલાક સમયથી ચાલતી આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકી ફરી પાછા જ્યાંથી ફાંટો બદલ્યો છે ત્યાં મારી એન્જિનિયરીંગ કોલેજની પ્રથમ નોકરીના એ યાદગાર છેલ્લા દિવસો તરફ અને ત્યારપછીની ઘટનાઓથી રુબરુ થઈશું.














