Thursday, September 24, 2015
અગાઉની નોકરી સારી હતી પણ શિક્ષક એના વિદ્યાર્થીઓમાં જ ઓળખાય છે એટલે બહાર એનો બહુ દોરદમામ નથી ચાલતો. સરકારની નોકરીઓ જવાબદારી, સત્તા અને દોરદમામવાળી હોય છે. તમે જે કંઈ નિર્ણય લો છો કે કામ કરો છો તેના માટે આજે નહીં ભવિષ્યમાં પણ જવાબદારી ઉભી થી શકે. કોઈ ફરિયાદ કરે તો ભવિષ્યમાં પણ ઈન્કવાયરી થાય અને ચૂક અથવા ગેરરીતિ થઈ હોય તો સજા પણ થઈ શકે. મારી માસ્ટરી છુટી ગઈ હતી. પણ છેલ્લે છેલ્લે અમારા જોષી મહારાજ બિયાનીએ કહ્યું હતું કે “ભૈયા ! જન્મકુંડલી મેં ગુરુ બહુત પ્રબલ હૈ ઔર સીધા ભાગ્ય સ્થાન કો દેખતા હૈ. ઈસલિયે યે પઢના પઢાનેકા કામ તુમ્હે છોડ નહીં સકતા.” બિયાનીની ઘણી બધી આગાહીઓ ખોટી પડી છે પણ આ એક આગાહી સાચી પડી છે. હજુ આજે પણ ક્લાસ રુમમાં વિદ્યાર્થીઓ વચ્ચે જઈ વાત કરવી ગમે છે. રાજ્ય સરકારની સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમીનીસ્ટ્રેશનથી માંડી બી.કે. સ્કુલ ઓફ મેનેજમેન્ટ અને નિરમા યુનિવર્સીટીની મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટમાં મેં ભણાવ્યું છે. આઈઆઈએમ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન જેવી અનેક સંસ્થાઓમાં મારાં એક્સપર્ટ લેક્ચર થયાં છે. ત્રણ ચારવાર હાથતાળી આપીને છટકી ગયેલ પીએચડીની ડિગ્રી પણ મેં આઈઆઈએમના તત્કાલીન ડિરેક્ટર ડૉ. બકુલભાઈ ધોળકીયાના માર્ગદર્શન નીચે પુરી કરી એનો મને આનંદ છે. કોલમ રાઈટર અને ટેલીવીઝન ડિબેટર તરીકે તો આજેય પ્રવૃત્તિ ચાલુ છે. આમ બોલવાનું, લખવાનું અને શૈક્ષણિક કાર્ય મારો પીછો નથી છોડવાનું એ વાતમાં બિયાની સાચો પડ્યો છે.
વળી પાછા મૂળ વાત પર આવીએ. નવી નોકરીમાં બેસવા માટે કેબિન અને ગ્લાસટોપવાળું ટેબલ તથા ખુરશી મળ્યાં. સામે મુલાકાતીઓ માટેની ખુરશી હતી અને બેલ વગાડીએ એટલે પટાવાળો હાજર થતો. કેબિનમાં બેસવાનો આ મારો પહેલો અનુભવ હતો. મારે કહેવું જોઈએ કે એ રોમાંચક હતો. અગાઉ કંઈક ટાઈપ કરાવવું હોય તો અમારે ચુડાસમાને પંપાળવો પડતો હતો. અહીંયા અલગ સ્ટેનો ટાઈપીસ્ટ અને સરસમજાનાં ટાઈપ રાઈટર હતાં. મારો સીનીયર કારકુન અનિલ પોપટલાલ શાહ એક અત્યંત કાબેલ અને કુનેહબાજ માણસ હતો. એનાં પત્નિ ભાનુબેન પણ હાઉસીંગ બોર્ડમાં જ કાર્યપાલક ઈજનેરની કચેરીમાં નોકરી કરતાં. અનિલ સ્વભાવે મહેનતુ અને મદદરુપ થવાની વૃત્તિ ધરાવતો વ્યક્તિ હતો. ભણતર માત્ર એસએસસી સુધીનું હતું પણ ગણતર ખૂબ ઉંચુ હતું. વહિવટી પ્રક્રિયાની એની જાણકારી સારી અને વરસોના ધરોબાને કારણે હેડ ઓફિસમાં વગ પણ સારી. અનિલ યુનિયનનો પણ હોદ્દેદાર હતો. ક્યારેક ખાન એનાથી ઝઘડતો તો ક્યારેક એ બન્ને જણા એક થઈ જતા. મોટા ભાગે ઝઘડવાનું નાટક હોય એવું મારું માનવું છે. આવું બીજું એક પાત્ર કે.બી. પટેલ જમીન સંપાદનની પ્રક્રિયામાં અને દરખાસ્તો તૈયાર કરવામાં અતિ માહિર વ્યક્તિ હતા. જમીન સંપાદનનું જ્ઞાન અને ખૂબ ઉંડી સમજ એનું જમાપાસું હતું. એકવડીયું શરીર અને ખાખી બીડીની ચુસકી લીધા વગર ચાલે નહીં એવા કે.બી. પટેલ પાસેથી સમય જતાં હું જમીન સંપાદનના કાયદા અને પ્રક્રિયા બાબત ઘણું શીખી શક્યો. મારી શરુઆતની કારકીર્દીમાં અનિલ અને કે.બી. પટેલ મારા માર્ગદર્શક અને મદદગાર હતા એમ કહું તો જરાય ખોટું નથી. સીધા જ ડેપ્યુટી એન્જિનિયર બન્યા નોટીંગ, ડ્રાફ્ટીંગ, ટેન્ડરો મંજૂર થવા આવે તેની ચકાસણીની પ્રક્રિયા તેમજ રીડક્શન ઓફ રેટથી માંડી ટેન્ડર ફોર્મની એક્સટેન્શન ઓફ ટાઈમ લીમીટ, પેનલ્ટી વિગેરે કઈ રીતે ચકાસી શકાય એનું કોઈ જ્ઞાન નહોતું. નોટીંગ, ડ્રાફ્ટીંગ જે સરકારી કચેરીઓનો આત્મા ગણાય તે બિલકુલ નહોતું આવડતું. ડી.ઓ. લેટર અને સેવિંગ્રામ મારી ડીક્શનરીમાં ઉમેરાનાર નવા શબ્દો હતા. ધીરે ધીરે કામની શરુઆત થતી હતી. મારું કામ મુખ્યત્વે આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નરને મુકવામાં આવતી દરેક ટેકનીકલ બાબતની ચકાસણી કરી સ્પષ્ટ નોંધ મુકવાનું હતું. અમારી વર્તુળ કચેરી નીચે ચાર કાર્યપાલક ઈજનેર હતા. એમાંના બે વડોદરામાં હતા અને એક ભરુચ ખાતે તેમજ એક સુરત ખાતે હતા. આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નરશ્રી દોશી સીધી ભરતીથી ગુજરાત રિફાઈનરીમાંથી હાઉસીંગ બોર્ડમાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રમાણમાં ઝડપથી પ્રમોશન મેળવી આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નર બન્યા હતા. આ કારણે વડોદરાના બન્ને કાર્યપાલક ઈજનેરશ્રી ઠક્કર અને શ્રી નાયક જે એમના પહેલાથી બોર્ડમાં હતા લગભગ બળવાખોરોની માફક જ વરતતા. એમના સંબંધો પણ શ્રી દોશી સાથે ઉંદર બિલાડી જેવા રહ્યા. ખાન એનો ભરપૂર લાભ લેતો. સુરતના કાર્યપાલક ઈજનેરશ્રી ચોટલીયા ભલા માણસ હતા જ્યારે ભરુચના શ્રી સી.એ. પટેલ અત્યંત દક્ષ પણ સૌજન્યશીલ વ્યક્તિ હતા. મારે ત્યાં વડોદરામાં શ્રી ગદાણી, શ્રી બોડીવાલા અને શ્રી એસ.એ. પટેલ એ ડિવીઝન ઓફિસમાં કામ કરતા ઈજનેરો હતા. સીધી ભરતીના અધિકારી તરીકે હું જોડાયો તે સામે એ બધાને વાંધો હતો કારણકે હું જોડાયો ત્યારે શ્રી ગદાણી તથા શ્રી બોડીવાલા જુનીયર એન્જિનિયર હતા. એમનો પ્રમોટી અધિકારી માટેનો ઝઘડો બોર્ડ સાથે ચાલતો હતો એટલે સ્વાભાવિક રીતે જ મારા પ્રત્યેનું એમનું વલણ બહુ મિત્રતાભર્યું નહોતું. પાછળથી એમને પ્રમોશન મળ્યું પણ આ પૂર્વગ્રહ મનમાંથી ન ગયો. આટલું લંબાણથી એટલા માટે વર્ણન કર્યું છે કે મારે કેવા વાતાવરણમાં અને કઈ મર્યાદાઓ સાથે કામ કરવાનું હતું એનો ખ્યાલ આવે. અગાઉની નોકરીમાં કોઈ ભુલચુક થાય તેવી શક્યતા જ નહોતી. નિરાંતે ઘરે જઈને સૂઈ જઈ શકાય એ સ્થિતિ હતી. આનાથી તદ્દન વિરુદ્ધ હું જ્યાં નવી નોકરીમાં આવ્યો ત્યાં વાતાવરણ સંપૂર્ણપણે પ્રતિકૂળ હતું. તરવાનું જેને બહુ ભાન ન હોય એવા વ્યક્તિને વ્હેલ અને શાર્ક ફરતી હોય તેવા દરિયામાં ઉપાડીને તકદીરે ફેંક્યો હતો. આટલું જાણે પૂરતું ન હોય તેમ વારંવાર મારા મગજમાં જાણે હથોડા ઠોકાતા હોય તે રીતે ડી.કે. દેસાઈના પેલા શબ્દો ઘુમરાતા હતા – “છોકરા જેવા અધિકારીઓ ચાલ્યા આવે છે તે શું ધાડ મારશે ?” ઘડીભર તો લાગતું કે ડી.કે. દેસાઈ સાચા પડી રહ્યા છે. ભાગી છુટવાનું મન થાય એવી પરિસ્થિતિ હતી. પણ... ભાગી છુટાય તેમ નહોતું. કારણકે એ બદનામીનો ભાર જીરવવો એ મારા ખુદ્દાર સ્વભાવ માટે શક્ય નહોતું. એવું કહેવાય છે કે માણસ જ્યારે પોતાના અસ્તિત્વ સામેના ખતરાનો સામનો કરે છે ત્યારે એનું સાચું હીર બહાર આવે છે. હજુ થોડા દિવસ પહેલાં જ ફેરવેલમાં મારા માટે બહુ સારાં શબ્દો કહેવાયા હતા. પઢિયાર, અતુલ શાહ, રમણીક જેવા બધા સહાધ્યાયીઓ જુનીયર એન્જિનિયર તરીકે સ્થિર થતા હતા ત્યારે મેં જાણે વાઘ માર્યો હોય એવું લાગતુ હતું. હવે પારોઠના પગલાં કેમ ભરાય ?
ઉપર ફરી રહેલા પંખાની હવા પણ મને શાતા નહોતી આપતી. કેબિનના એકાંતમાં આ બધા વિચારો આવતા ત્યારે લાગતું કે ઉતાવળ થઈ ગઈ છે. એનાં પરિણામોનું આકલન કંપારી છોડાવી દે તેવું હતું.
અત્યંત મથામણને અંતે ફરી એકવાર મારા હોઠ ભીડાયા. આ વખતે એ મારા દ્રઢ નિર્ધારની અભિવ્યક્તિરુપે ભીડાયા હતા. નિર્ણય લેવાઈ ચુક્યો હતો. હાથ ઘંટડી પર ગયો. મારી કેબિનની ઘંટડી રણકી ઉઠી. સંત બહાદુર હાજર થયો. મેં એને અત્યંત સાહજિક્તાથી કહ્યું “અનિલને બોલાવ અને બે ચા લાવ.”
આયોજનનો નક્શો હવે દોરાવા માંડ્યો હતો. સાથે જ ખોવાયેલો વિશ્વાસ જાણે પાછો ફરી રહ્યો હતો. મનમાં આ નિર્ધાર શબ્દો બનીને પછડાતો હતો. “ના ! ડી.કે. દેસાઈને નમાવીશ. એને સાચા નહીં પડવા દઉં. હું આ નોકરી કરીશ અને વટથી કરીશ.”
અનિલ અને સંત બહાદુર બન્ને લગભગ સાથે પ્રગટ થયા.
ચાની ચૂસકી લેતાં લેતાં મેં અનિલ સાથે ચર્ચા શરુ કરી.
વાતનો દોર હવે પકડાતો જતો હતો.