Tuesday, January 31, 2017
કાળી ટોપી
બિન્નીના સફેદ જીન્સનો કોટ
નીચે સફેદ અથવા બ્લુ ખમીસ, ધોતીયું, પગમાં બુટ અથવા ચંપલ
અને ચોમાસુ અથવા ઉનાળામાં બગલમાં છત્રી અથવા લાકડી
વરસો સુધી આ માણસ સવાર પડે સિદ્ધપુરની વાટ પકડે
બપોર થાય એટલે ઘરે આવે
જમી પરવારી થોડો આરામ કર્યો ન કર્યો કે....
વળી પાછી સિદ્ધપુરની વાટ પકડે
તે છેક રાતનાં નવ કે દસ વાગજો વહેલા
સિદ્ધપુરમાં અમુક ચોક્કસ ઠેકાણાં થોડો પોરો ખાવાનો
એમાનાં કેટલાંક
વારાહીના મહાડમાં કેશવલાલ મિસ્ત્રી પીડબલ્યુડીવાળા
મણીકાકા ખત્રી
ચિતરંજન ટેલર્સવાળા નટુકાકા
ઝાંપલીપોળે નાનાલાલ ડબગર
સુરતી હોટલના ખાંચામાં શંકરલાલ દરજી
ઉપલીશેરીમાં શંકરદાદા ત્રિવેદી
અને ક્યારેક
કાંતિલાલ ભટ્ટ સાહેબ
આ ઉપરાંત ચાણસ્માની બહેન-દિકરીઓ જ્યાં જ્યાં હોય ત્યાં સારા-ભલા પ્રસંગે ખબર પૂછતા જવાનું.
સ્ટેશન માસ્તર
પોલીસ ઈન્સ્પેક્ટર અને
મામલતદાર જેવા અધિકારીઓ સાથે સારા સંબંધો
અચળાપુરામાં ડોક્ટર રુદ્રદત્તભાઈના મામા પુરુષોત્તમ હાથીભાઈ પટેલ ઉર્ફે દાસકાકા એમના જીગરી ભાઈબંધ
આ વ્યક્તિને કોઈક માસ્તરકાકા કહે તો કોઈક માસ્તર સાહેબ કહે
એનો ડ્રેસ અને તખલ્લુસ રેલ્વેની દેન હતી. એમણે એ આજીવન જાળવી.
કારણકે........
એણે કારકીર્દીની શરુઆત BB&CI રેલ્વેમાં તાર માસ્તર તરીકે કરી
સ્ટેશન માસ્તર બન્યા
એ જમાનામાં એસએસસી સુધીનો અભ્યાસ
અંગ્રેજી ઉપર સારુ પ્રભુત્વ અને સુંદર મરોડદાર અક્ષરો
આ વ્યક્તિ એટલે........
નર્મદાશંકર કુબેરજી વ્યાસ
મારા બાપા જેમને હું આદરપૂર્વક બાપુજી કહેતો
મારી માને મોઢે સાંભળેલું કે મારા દાદા કુબેરજી વ્યાસ જે ચાણસ્મા માંડવી ચકલે રહેતા હતા તેમનાં ત્રણ સંતાનો મારા બાપા, મારા કાકા સોમનાથભાઈ અને મારી ફોઈ ગંગાબા. એમાં વચેટ સંતાન તે મારા બાપા.
મારી ફોઈ કુબેરજી વ્યાસનાં ત્રણ સંતાનોમાં સહુથી મોટાં.
ત્યારબાદ મારા બાપા અને સહુથી નાના તે મારા કાકા.
અમે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ કહેવાઈએ
ઈતિહાસ એવું કહે છે કે રુદ્ર મહાલયની પ્રાણ પ્રતિષ્ઠા માટે ત્યારના ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહે અન્યત્રથી વિદ્વાન બ્રાહ્મણો આમંત્ર્યા.
અમારા વડવાઓ ઉત્તરમાંથી આવ્યા એટલે ઉદિચ્ય આગળ જતાં “ઔદિચ્ય” તરીકે ઓળખાયા.
હજારના ટોળામાં આવ્યા એટલે ‘સહસ્ત્ર’ કહેવાયા.
આમ, મૂળે જોઈએ તો અમે સાચા અર્થમાં ઋષિપુત્રો અને વિદ્વાન બ્રાહ્મણ વડવાઓના વંશજો.
સરસ્વતી એમની પ્રતિભા હતી, એમની સંપત્તિ હતી અને સરસ્વતી કિનારે આવીને એ ગુજરાતી બની ગયા.
આમ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોનું ઉદગમસ્થાન સરસ્વતી નદીને તીરે વસેલું મહામુનિ કપિલ, કર્દમ અને દેવહૂતી મા ના તપે ઉજ્વલિત અને જ્યાં સાક્ષાત ભગવાન શંકર બિરાજતા હશે તેવા સરસ્વતી નદીના તીરે અમારી ઉત્તર ભારતીય સંસ્કૃતિ ગુજરાતની ગરિમા સાથે ઓતપ્રોત થઈ ગઈ.
બરાબર ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેદી સંગમ થાય તે રીતે.
અમે ચંદ્રુમાણીયા વ્યાસ કહેવાઈએ
રુદ્ર મહાલયની પ્રાણ પ્રતિષ્ઠા માટે આવેલ વિદ્વાન બ્રાહ્મણોને સિદ્ધરાજ જયસિંહે રાજ્યમાં જુદાં જુદાં ગામ જાગીર આપી વસાવ્યા ત્યારે અમારા વડવાઓ ચંદ્રુમાણા જઈ વસ્યા હશે એટલે અમારી સાથે ચંદ્રુમાણાનું નામ જોડાયું.
મારા બાપાએ અભ્યાસ પાટણ રહીને કર્યો
કાકા ઝાઝુ ભણ્યા નહીં. એ જમાનામાં કદાચ જરુર પણ નહોતી
કસરતી શરીર અને સપ્રમાણ દેહયષ્ટી
ક્રિકેટ સારું રમતા
પાટણમાં દવે સાહેબ પાસે ભણ્યા. દવે સાહેબ ખૂબ કડક શિક્ષક હતા.
એમના દીકરાઓ ઈશ્વરલાલ દવે, પ્રફુલભાઈ દવે અને નવિનભાઈ દવે
આમાંથી નવિનભાઈ દવે પાસે ભણવાનો મને પણ મોકો મળ્યો
રાધાસ્વામી સંપ્રદાયના કીંકરાનંદજી મહારાજ જે સિદ્ધપુરમાં બાવનીયાવાળા મહારાજ તરીકે ઓળખાતા અને વૈદક ખૂબ સારું જાણતા.
આ કીંકરાનંદજીના ત્યાં નવિનભાઈ સાહેબ શનિ-રવિ આવે ત્યારે મને ગણિત અને અંગ્રેજી શીખવાડતા.
રાધાસ્વામી સત્સંગનું કાર્ય પણ નવિનભાઈ કરતા.
એમના ભત્રીજા તે ડૉ. રાજેન્દ્રભાઈ દવે
કેન્સર સર્જન તરીકે ખ્યાતિપ્રાપ્ત
આ પરિવાર તેમજ પાટણમાં શ્રી નટુકાકા રાવલનું પરિવાર મારા પિતાશ્રીથી નજદીક
અભ્યાસ બાદ રેલ્વેમાં જોડાયા અને ખાસ કરીને શરુઆતમાં અજમેર અને આબુ રોડની આસપાસના સ્ટેશનોએ નોકરી કરી.
માવલ, ચિતરાસણી, અમીરગઢ અને છેલ્લે ધારેવાડા.
જીંદગી વહેતી રહી
દરમ્યાનમાં મારી મા ના પેટે બે દીકરા અને એક દીકરી અવતર્યાં.
બહુ લાંબુ જીવ્યા નહીં
આ વ્યથા મનમાં હશે જ
એક દિવસ એક નાનીશી ઘટના ઉપર નારાજ થઈને એમણે રેલ્વેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું.
ઘરની સ્થિતિ સારી હતી. બીજી કોઈ જવાબદારી હતી નહીં
આ સંયોગોમાં “મારે કોના માટે નોકરી કરવાની ?” કહીને રાજીનામું આપી દીધું
બધાએ બહુ સમજાવ્યા પણ નિર્ણય અફર રહ્યો
નોકરી છોડ્યા બાદ તેમણે સિદ્ધપુર રહેવાનું નક્કી કર્યું.
લગભગ 1940ના દાયકાનો એ મધ્યભાગ હતો.
પ્રવૃત્તિના જીવ, બેઠે બેઠે સમય જાય નહીં
એ જમાનામાં વનસ્પતિ ઘી બજારમાં પહેલીવાર આવ્યું
જેને લોકો “ડાલ્ડા” તરીકે ઓળખતાં થયાં.
કોઈકની ભાગીદારીમાં આ ધંધામાં ઝંપલાવ્યું
શરુઆતમાં તો ઠીક ચાલ્યું પણ ધીરે ધીરે ધંધાના આટાપાટા નહીં જાણવાને કારણે એમણે નુક્સાન કરવા માંડ્યું.
બરાબર આજ અરસામાં મારો જન્મ
ખોટ વધતીને વધતી રહી
પરિસ્થિતિ એવી ઉભી થઈ કે ધંધો આગળ ચાલી શક્યો નહીં
બજારમાં મોટી રકમ લેણદારોને ચુકવવી પડે
મોટી એટલે કેટલી ? – એ જમાનામાં સાડા સાતથી આઠ લાખ !
ઘણા હિતચિંતકોએ પ્રેક્ટીકલ બની દેવાળીયા થઈ જવાની અને પંદર વીસ પૈસા ચૂકવી બજારમાંથી ઉભા થઈ જવાની સલાહ આપી.
બધા આવું જ કરે. બધું ચૂકવવા જશો તો બરબાદ થઈ જશો એવી સલાહ પણ અપાઈ હશે
નર્મદાશંકર વ્યાસ મૂળે ઉંધી ખોપડીના માણસ
જે સામાન્ય ભેજામાં જાય તે આ માણસના ભેજામાં ગયું નહીં
પોતાની પાસે જે કંઈ હતું તે તેમજ મારી મા ના અખંડ સૌભાગ્યવતી તરીકેના શણગાર એવું મંગળસૂત્ર, કાનની બુટ્ટી, નાકની વાળી અને પગની પાયલ સિવાયનું બધું જ વેચાઈ ગયું.
સામે લેણદારોનો પૈસેપૈસો ચૂકવાઈ ગયો
હા, મારા બાપા ઉંધી ખોપડીના માણસ હતા
આવતીકાલ શું થશે એની કોઈ ચિંતા વગર
ભોળાનાથ શંકર ઉપરનો અતૂટ વિશ્વાસ અને વણહક્કનું કશું ન ખપે એ નીતિએ આ માણસને સાચા અર્થમાં રસ્તા પર લાવી દીધો.
જ્યાં આવક કે કમાણીની કોઈ ચિંતા નહોતી આર્થિક રીતે બધું બરાબર ગોઠવાયેલું હતું ત્યાં વેજીટેબલ ઘીના આ વેપારે મારા બાપાને મોટું ગડથોલીયું ખવરાવી દીધું.
આ બધું સમજવા માટે હું તે વખતે ઘણો નાનો હતો
આ એક જ ઘટનાને કારણે છેક 1971માં હું કમાતો થયો ત્યાં સુધી મારા પરિવારને સતત ગરીબીમાં જીવીને સંઘર્ષ કરવો પડ્યો
હું સમજણો થયો. ક્યારેક જબરજસ્ત આર્થિક ભીંસમાં હોઈએ ત્યારે મનમાં એક સવાલ હંમેશા ઉઠતો – આ નુક્સાની બધેબધી ભરપાઈ કરીને આજીવન ભીંસમાં જીવવાનું આ માણસને કેમ સૂઝ્યું હશે ?
એણે વ્યવહારિક ઉપાયો અજમાવ્યા હોત તો ?
હવે મને સમજાય છે કે.......
વ્યવહારિક થવાનું અને લાભ મળે ત્યાં લોટી પડવાનું કે પછી........
શીરા માટે શ્રાવક થવાનું
અમારા જીન્સમાં જ નથી
અને એટલે
મારા બાપા વ્યવહારિક ન બન્યા એનું આજે મને ગૌરવ છે.