સિધ્ધપુર છોડીને આજે હું એક તદ્દન નવી ભોમકા ઉપર પગ માંડી મારી ભાવિ કારકિર્દી ઘડવા માટે જઈ રહ્યો હતો. આજ સુધી પ્રસંગોપાત સિધ્ધપુર બહાર થતી મુસાફરીઓ મોટાભાગે ટૂંકા અંતરની, ટૂંકા ગાળાની અને મા-બાપ અથવા બેમાંથી એક સાથેની રહેતી. મારા મામા કડી પાવર હાઉસમાં મેનેજર તરીકે થોડાંક વરસો રહ્યા એ દરમિયાનમાં લગભગ આખું ઉનાળુ વેકેશન મેં મામાના ઘરે કડી ગાળેલ. લગભગ દોઢેક મહિનો સળંગ મા-બાપ અને ઘરથી દૂર રહેવાનું થયેલું. આ અત્યાર સુધીના સમયગાળામાં કદાચ પહેલો એવો પ્રસંગ હતો, જ્યારે ભલે મામાનું ઘર હતું, મારાં મામી ખૂબ જ માયાળુ હતાં, મામાના દીકરા સુરેશભાઈ અને દીકરી સગુણાબહેન લગભગ મારી ઉંમરનાં જ હતાં, છતાંય માની પાસે કરી શકાતી અવળચંડાઈઓ અને નખરાં કરવા માટે કોઈ જ અવકાશ નહોતો. મામાનો સ્વભાવ ઘણો કડક એટલે એ ઘરમાં આવે ત્યારે ઈમરજન્સી નાંખી હોય તેના કરતાં પણ વધુ ખૌફનાક વાતાવરણ બની જતું. મામા બોલતા પણ ઓછું. તાજછાપ સિગારેટ પીતા. ક્યારેક રોજની એકાદ ઝૂડી કે વધારે બીડી ફૂંકી મારતા. ખપપૂરતી જ વાત કરતા. બજારમાં મળતી સારામાં સારી કે મોંઘામાં મોંઘી વસ્તુ લાવી આપે ખરા, પણ પાસે બેસાડીને ક્યારેય બહુ લાંબી વાત મામાએ કરી હોય એવો મને ખ્યાલ નથી. એ દોઢેક મહિના જેટલો સમય મામાના ઘરે પણ થોડું ઓશિયાળા થઈને જીવતા હોઈએ એવું લાગેલું. કદાચ માએ વધારે પડતો મ્હોંઢે ચઢાવી મૂક્યો હતો અથવા દરકાર કરતી હતી તેનું આ પરિણામ હતું.
આની સરખામણીમાં હું હવે પ્રમાણમાં ખૂબ લાંબા સમય માટે વડોદરા જઈ રહ્યો હતો. ત્યાં હૉસ્ટેલમાં રહેવાનું હતું. ઘણીવાર હું બહુ નખરાં કરૂં અથવા તોફાન કરૂં ત્યારે મારી મા કંટાળીને કહેતી, “આને તો હૉસ્ટેલમાં જ મૂકી આવવો જોઈએ. સીધો દોર થઈ જાય. પારકી મા કાન વીંધે.” જો કે, માની આ ધમકીમાં ઝાઝો દમ નહતો એ મને પણ ખબર હતી એટલે પ્રમાણમાં હું થોડો જિદ્દી અને મનસ્વી બન્યો હતો. જ્યારે દિલ્હી એક્સપ્રેસ અમદાવાદ તરફ ધસમસતી દોડી રહી હતી ત્યારે સ્મરણપટલ પર માના આ શબ્દો ઝબકી જતા અને મનમાં એક આછી બીક પણ ઊભરી આવતી. એ બીક હતી પેલી “પારકી મા કાન વીંધે.” કહેવતમાંથી ઊભી થતી શક્યતાઓની. હા ! જય નારાયણ વ્યાસ આજે જીવનમાં પહેલી વાર ઘર અને સિધ્ધપુરથી દૂર વડોદરા જેવા એક અજાણ શહેરમાં જઈ રહ્યા હતા – પારકી મા પાસે કાન વીંધાવવા માટે !
અમે અમદાવાદ પહોંચ્યા. ત્યાં રેલવેના ક્લૉકરૂમમાં મારી બેગ મૂકી દીધી અને અસારવા મારાં માસીના ત્યાં જઈ જમી પરવારી સાંજે ગુજરાત ક્વીન ટ્રેનમાં વડોદરા જવા માટે રવાના થયા. ચોમાસું હજુ બેઠું નહોતું, પણ આકાશમાં વાદળો દોડાદોડી કરવા માંડ્યાં હતાં. બ્રોડગેજની એક્સપ્રેસ ટ્રેનમાં દિવસનો થોડોક સમય પણ મુસાફરી કરવાની અને એને નાનાં સ્ટેશનો ધમધમાટ વટાવી આગળ ભાગતી જોવાની એક વિશિષ્ટ મજા હું માણી રહ્યો હતો. રાત્રે લગભગ સાડા આઠના સુમારે અમારી ટ્રેન વડોદરાના પ્લેટફોર્મ ઉપર આવી. સામાન ઉતારી કૂલી પાસે બેગ ઊંચકાવી બહાર નીકળ્યા. વડોદરા સ્ટેશનનો, જેમ જેમ રાત જામતી જાય તેમ તેમ ઠસ્સો અને ઝગમગાટ વધતો જાય છે. મુંબઈ અમદાવાદ અને મુંબઈ દિલ્હી વચ્ચે દોડતી મોટાભાગની ટ્રેનો વડોદરા સ્ટેશને લગભગ રાત્રે અથવા વહેલી સવારે આવે છે. આ કારણથી વડોદરા સ્ટેશન અને એની બહારના વિસ્તારમાં રાત જામે તેમ પ્રવૃત્તિઓનો ધમધમાટ વધે છે. સ્ટેશનથી બહાર નીકળીએ એટલે તરત જ સામે બસ સ્ટેન્ડ અને એની થોડીક પાછળ ગેલાર્ડથી માંડી અનેક હૉટેલ / રેસ્ટોરાંનો ધંધો દિવસ કરતાં રાત્રે વધારે ચાલે છે. (જો કે હવે આ રોનક અને પેલી અમને અતિપ્રિય ગેલોર્ડ ક્યારેય જોવા નહીં મળે. કારણ કે, એ સંપૂર્ણ કૉમ્પલેક્ષ તૂટી રહ્યું છે. ત્યાં કાંઈક નવું બાંધકામ અસ્તિત્વમાં આવશે.) સ્ટેશનથી રીક્ષા પકડી અમે સિધ્ધપુરના જ વતની અને યુનિવર્સિટીમાં ઊંચા હોદ્દા પર ફરજ બજાવતા અમારા એક સંબંધીને ત્યાં માંડવીની પોળમાં ઘડિયાળીની પોળ ખાતેના સિરનામે પહોંચ્યા. મકાન જૂનું હતું, પણ ખાસ્સું મોટું હતું. આ સજ્જનને એમની માએ ખૂબ કષ્ટ વેઠીને ઉછેર્યા હતા. એમના જન્મ પહેલાં એમના પિતાશ્રીનું અવસાન થઈ ચૂક્યું હતું. જાત મહેનતથી આગળ વધેલ આ ભાઈ એ જમાનામાં એટલે કે પચાસના દાયકામાં છેક અમેરિકા ભણવા જઈ વિસ્કોન્સન યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ડિગ્રી લઈ આવ્યા હતા. અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ અને ખૂબ રમૂજી સ્વભાવ. મેં આ ભાઈને પહેલ વહેલા હું દસમા ધોરણમાં હતો ત્યારે એલ. એસ. હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી એમણે તરીકે અમને સંબોધ્યા ત્યારે જોયા હતા. હળવી શૈલીમાં કોઈ પણ વાતને કહેવાની એમની રીત અને પોતાના ઉપર પણ કટાક્ષ કરવાની એમની શૈલી મને ખૂબ પ્રભાવિત કરી રહી હતી. કોઈ સંતાન નહોતું. ઘરમાં એમનાં બા, પોતે, ભાભી અને એક પૉમેરિયન કૂતરું એમ ચાર જીવ રહેતા હતા. એ દિવસે બીજા બે જીવ તેમાં ભળ્યા. ઘરમાં સંપૂર્ણ પ્રભુત્વ અમારાં મોટા બહેનનું. સ્વભાવે થોડાં અક્કડ, ખપપૂરતું બોલે અને ભાગ્યે જ કોઈ બિનજરૂરી વાત આગળ વધવા દે. ઘરમાં એમનું એકચક્રી શાસન. અમે ઘરે પહોંચ્યા એટલે એક રૂમમાં અમારો ઉતારો તય થયો. પેલી પતરાંની ટ્રંક પણ ત્યાં જ ગોઠવાણી. જમવાનું તૈયાર હતું. કારણ કે, મારા બાપાએ એમના સ્વભાવમુજબ અમારા કાર્યક્રમની આગોતરી જાણ કરી દીધી હતી. જમ્યા અને સૂઈ ગયા.
બીજે દિવસે આ સાહેબની ઓળખાણથી મુખ્ય વૉર્ડન પાસે જઈને ફોર્મ ભર્યું એવું જ મને હૉસ્ટેલ એડમિશન મળી ગયું. આ વિધિ પતાવીને હું બહાર નીકળતો હતો ત્યાં જ એક વિદ્યાર્થીએ મારા બરડામાં ધબ્બો માર્યો અને સીધું જ અંગ્રેજીમાં પૂછ્યું, “આર યુ જય નારાયણ ?”
મેં જવાબમાં કહ્યું, “યસ ! યુ આર રાઈટ.”
એણે પોતાનો મૈત્રીપૂર્ણ હાથ મારા સામે લંબાવ્યો. ખૂબ જ ઉષ્માભર્યા અવાજે કહ્યું, “આઈ એમ મુકુંદ”
“મુકુંદ સિધ્ધપુરીયા !”
દિમાગમાં એકદમ બત્તી થઈ.
મગનલાલ સિધ્ધપુરીયા મામલતદાર તરીકે સિધ્ધપુરમાં થોડાક સમય માટે આવ્યા હતા.
એક રમૂજભર્યો ગોટાળો એના માટે જવાબદાર હતો. સિધ્ધપુરીયાએ નિવૃત્તિના આરે હોવાથી વતનનો લાભ આપવા સરકારમાં અરજી કરી હતી.
સિધ્ધપુરીયા અટક ઉપરથી સરકારના મહેસૂલ વિભાગમાં કોઈ બુધ્ધિશાળી કારકૂને એ સિધ્ધપુરના વતની હશે એમ ધારી લીધું.
એટલે એમને મામલતદાર વતનનો લાભ આપવા સિધ્ધપુર તરીકેનું પોસ્ટીંગ આપ્યું !
મૂળ વાત એવી હતી કે, મગનલાલ સિધ્ધપુરીયા સુરત પાસે કામરેજના વતની હતા.
આ ગોટાળો સૂધરે ત્યાં સુધી ત્રણ-ચાર મહિના એ સિધ્ધપુરમાં મામલતદાર તરીકે રહ્યા.
દરમિયાનમાં મુકુંદ સિધ્ધપુરીયા એલ. એસ. હાઈસ્કૂલનો નવમા ધોરણનો વિદ્યાર્થી બન્યો.
એ દાખલ થયો ત્યારે જોરદાર હવા ઊભી થઈ હતી કે, એક ખૂબ હોંશિયાર વિદ્યાર્થી નવમા ધોરણમાં દાખલ થયો છે.
પછી મગનલાલ સિધ્ધપુરીયાની બદલી થઈ એટલે મુકુંદ પણ જતો રહ્યો અને ભૂલાઈ ગયો.
જો, મુકુંદ સિધ્ધપુરીયા એસ.એસ.સી.માં એલ. એસ. હાઈસ્કૂલનો વિદ્યાર્થી હોત તો ?
જય નારાયણ વ્યાસના બદલે મુકુંદ સિધ્ધપુરીયાનું નામ બોર્ડ ઉપર પહેલા નંબરે લખાયું હોત.
એસ.એસ.સી.માં મારા કરતાં એના ખાસ્સા સાત ટકા વધારે હતા.
ખરેખર હોંશિયાર છોકરો.
એને એમ.વી. હૉલ (પૉલિટેકનિક-2)માં એડમિશન મળ્યું હતું.
મને બાજુના એસ. જે. હૉલ (પૉલિટેકનિક-3)માં એડમિશન મળ્યું હતું.
પરિચયની એ શરૂઆત
આગળ જતાં ગાઢ મૈત્રીમાં પરિણમશે એ ખ્યાલ તે વખતે નહોતો.
આગળ જતાં રૂમ નંબર સાડત્રીસમાં મુકુંદ સિધ્ધપુરીયા, અત્યારે યુ.એસ.એ. સ્થિત ડૉ. ઈન્દ્રવદન શાહ, હું અને બાજુમાં રૂમ નંબર છત્રીસમાં જશુ ભગત, ભૂપેન્દ્ર પટેલ એમ પાંચ જણા પાંચ વરસ એક સાથે રહ્યા. રૂમ નંબર છત્રીસનું નામ અમે આપ્યું હતું, “ગેંગસ્ટર” અને મારી રૂમ નંબર સાડત્રીસનું નામ હતું – “યંગસ્ટર”.
એ દિવસે મુકુંદ સાથેનો એ પરિચય મને થોડીક હૂંફ આપી ગયો.
ભલે થોડા સમય માટે તો થોડા સમય માટે, પણ મારી એલ. એસ. હાઈસ્કૂલનો પૂર્વ વિદ્યાર્થી અહીં આ જ યુનિવર્સિટીમાં એડમિશન લઈને પ્રીપરેટરી સાયન્સમાં દાખલ થયો હતો એ કોઈ નાની-સૂની વાત નહોતી.
હૉસ્ટેલના ચીફ વૉર્ડનની ઑફિસ
હૉસ્ટેલ એડમિશન તો મળી ગયું.
સાથો સાથ બૉનસમાં પરિચય થયો મુકુંદ સિધ્ધપુરીયા સાથે
પારકી ભોમકામાં એક આપણો જણ મળ્યો હોય એનો આનંદ જિંદગીમાં પ્રથમ વખત અનુભવ્યો.
થોડી હળવાશ અને થોડી નિરાંત સાથે હૉસ્ટેલની ફી ભરી રસીદ લઈ હું એસ. જે. હૉલ એટલે કે પૉલિટેકનિક-3 હૉસ્ટેલ તરફ જવા નીકળ્યો.
રિક્ષામાં મારી સાથે મારા બાપા પણ હતા.
હૉસ્ટેલની રૂમ તેમજ અન્ય સવલતો એમને જાતે જોવી હતી.
મુકુંદ મારા કરતાં વધુ સ્વાશ્રયી હતો.
મામલતદારનો દીકરો હતો.
ઘણી ઘંટીઓના આટા એણે ખાધા હતા.
કદાચ એટલે
મારી જેમ...
મુકુંદને યુનિવર્સિટીમાં કે હૉસ્ટેલમાં દાખલ કરાવવા
એના બાપા નહોતા આવ્યા.
શેરના માથે સવા શેર હોય.
મારા કરતાં પણ વધુ ટકાવારી વાળો વિદ્યાર્થી હોઈ શકે.
મુકુંદ સિધ્ધપુરીયા સાથેની એ મુલાકાત મને આ અનુભવ કરાવી ગઈ.
મારી ક્ષિતિજો હવે વિસ્તરતી જતી હતી.
સિધ્ધપુરના કૂવામાં અત્યાર સુધી ડરાઉં ડરાઉં કરનાર
જય નારાયણ વ્યાસ હવે મોટા તળાવમાં આવી પહોંચ્યા હતા.
અહીં એમનાથી મોટાં દેડકાં પણ મળશે
મોટી માછલીઓ પણ મળશે
અને...
મોટા મગરમચ્છ પણ મળશે.