 
					
તમે યૌવનના શરૂઆતના કાળમાં જ સફળતાની સીડી ઝડપથી ચડ્યા, નહીં? નસીબ જાણે કે તમારા પર મહેરબાન હતું. તમે ડાબે હાથે નિશાન તાક્યું તો પણ સફળ રહ્યા. તમારામાંનો પેલો યુવાન એક નવા જ આત્મવિશ્વાસથી આગળ વધી રહ્યો હતો. હવે તમે પાંચમા પુછાતા થયા. મા-બાપ ઘરમાં તમને નામ દઈને તુંકારે બોલાવતા એના બદલે ‘ભાઈ’ કહીને માનથી બોલાવવા માંડ્યા. એને તમે કદાચ તમારી સફળતા સમજતા હતા. એક સારા કુટુંબમાંથી માંગુ આવ્યું અને તમારા લગ્ન ધામધૂમથી થયા.
જમાઈ ક્લાસ વન અધિકારી હતા એટલે સાસરીયાએ તો જાણે મોટો ચાંદ ચૂંટ્યો. સદ્નસીબે એમનું પોસ્ટિંગ પણ બાજુના જ જિલ્લામાં થયું. રહેવા માટે બંગલો અને પ્રવાસ માટે ગાડી મળી હતી. ઘરે નાનામોટા કામ માટે પટાવાળો અને બેનની મદદ માટે કામવાળી. જિલ્લા મથકે એક યુવાન અને કાર્યદક્ષ તેમજ કાંઈક અંશે કડક કહી શકાય તેવા અધિકારી તરીકેની છાપ. ક્યારેક સાસરે આંટો મારવા જાય ત્યારે પણ સરકારી ગાડીઓનો દોમદમામ. એમણે કલ્પીઓ પણ નહોતું કે પોતે જે પ્રકારની કૌટુંબિક પાર્શ્વભૂમિકામાંથી આવતા હતા, કોઈ લાગવગ હતી નહીં, તે જોતા આ લોટરી લાગી. નિષ્ઠા અને પ્રમાણિકતાથી નોકરી કરનાર અધિકારી પોતાના ઉપરી અધિકારીઓમાં પણ એટલા જ પ્રિય.
આમ કરતાં કરતાં વરસો વિત્યા. ભાઈ હવે રાજ્યની સનદી સેવામાં સિનિયર હોદ્દે પહોંચ્યા. ભગવાનની દયાથી ઘરે બે બાળકો રમતા થયા અને જોતજોતાંમાં એમણે બારમું પાસ કરી કોલેજના પગથિયાં ચઢવાનું કામ શરૂ કર્યું.
મા-બાપ વતનમાં જ રહ્યા. ક્યારેક દસ-પંદર દિવસ દીકરા સાથે રહેવા આવી જાય પણ દેવદર્શનથી માંડી બધો નિત્યક્રમ ત્યાં ગોઠવાયેલો એટલે દીકરાને ત્યાં સમય વિતતો નહોતો. પિતા ગામની નિશાળમાં આચાર્ય હતા. તે નિવૃત્ત થયા. દીકરાએ આગ્રહ કર્યો કે હવે તમે બંને અહીં આવી જાવ. પણ આટલા વર્ષોની એ ભોમકા સાથેની પ્રીત એમ છોડે તેમ નહોતી.
એક દિવસ સવારે નાના ભાઈ પરેશનો ફોન આવ્યો. મમ્મીની તબિયત બગડી છે, જલદી આવો. રમેશ અને તેની પત્ની બનતી ત્વરાએ પહોંચી ગયા. આમ તો ગામમાં જ પ્રેક્ટિસ કરતાં ડોક્ટર પરીખ એમડી ફિઝિશિયન હતા. એક સારા ડોક્ટર તરીકેની એમની છાપ હતી. એમણે રમેશને જણાવ્યુ કે હૃદયરોગનો સારો એવો તીવ્ર કહી શકાય તેવો હુમલો આવ્યો છે. મેં ઈમરજન્સી માટેની દવાઓ અને ઇન્જેક્શન આપ્યા છે. તમે બાજુના શહેરમાં મોટી હૃદયરોગની હોસ્પિટલ છે, જે અદ્યતન સાધનોથી સુસજ્જ છે અને ડોક્ટર પણ ખૂબ કાબેલ છે ત્યાં લઈ જાઓ. એમ્બ્યુલન્સ બોલાવાઈ અને માજીને હજુ એમ્બ્યુલન્સમાં સુવાડતા હતા ત્યાં જ એક તીવ્ર હુમલો આવ્યો જે ઘાતક નિવાદ્યો. આખું પરિવાર શોકમાં ડૂબી ગયું.
બધી જ વિધિ સારી રીતે પતાવી. કુટુંબ પંદર દિવસ સાથે જ રહ્યું. પિતાને હૂંફની ખાસ જરૂર હતી. આખી જિંદગી એમણે મા સાથે સંપૂર્ણ તાલમેલથી ગાળી હતી. એમની નાનીમોટી દવાઓથી માંડી બધો જ ખ્યાલ મા રાખતી હતી. એમને સવારે કેટલા વાગે ચા જોઈએ, કેવી ચા ફાવે, ચા સાથે નાસ્તામાં બટાકાપૌઆ કે ખાખરા જેવુ કંઇક જોઈએ, જમવામાં શું ફાવે શું ના ફાવે, આ બધાની આગોતરી ચિંતા મા કરે. એના જવાથી પિતાને આઘાત તો લાગ્યો હતો પણ ઉપાય કોઈ નહોતો.
એક દિવસ મોટા દીકરા રમેશે કહ્યું કે આખી જિંદગી તમે પરેશ સાથે રહ્યા છો. હવે થોડા વરસ અમારી સાથે પણ રહો. એના પિતાને ખબર હતી કે નાના દીકરાની વહુ લગભગ લગભગ એમની જીવનપદ્ધતિથી વાકેફ છે. એમના કટલાક મિત્રો અને નિવૃત શિક્ષકો અહીં જ વસે છે એટલે બધી રીતે અનુકૂળ અહીં છે પણ મોટા દીકરાએ રીતસરની જીદ પકડી. તમને શું તકલીફ છે મારી સાથે રહેવામાં? અહી છે તેનાથી સવાઇ સવલત તમને આપીશું. પૂરું ધ્યાન આપીશું. ક્યારેક તો અમારી સાથે રહો. પિતાએ ઘણું સમજાવ્યું, પોતાની મુશ્કેલી સમજાવી, પોતે હાલમાં જ એકલા પડી ગયા છે, અહીં મિત્રો અને જાણીતું વાતાવરણ છે, ગામમાં શિક્ષક તરીકે પણ એમની છાપ સારી હતી એટલે રસ્તામાં પણ કોઈ મળે તો વાત કરવા ઊભી રહી શકાય એટલી ઇજ્જતઆબરૂ તો હતી જ. પિતાને એ સમજાતું નહોતું કે જ્યાં વર્ષોથી રહ્યા છે એ ઘર, એ ભોમકા જેનો અણું એ અણું શ્વાસમાં ભરીને તેઓ જીવ્યા છે તે ઊતરતી જિંદગીએ છોડવી પડે એવો દુરાગ્રહ પોતાનો દીકરો લઈને કેમ બેઠો છે? પણ મોટા દીકરાની વહુએ તેને સજ્જડ સમજાવી દીધું હતું કે બાપા હવે આપણી સાથે ન રહે તો લોકો શું કહેશે? બસ હવે આ ‘લોકો શું કહેશે’ એણે વાત બગાડી.
એક જમાનો હતો જ્યારે આ જ રમેશ બાપાના ખભે બેસીને જમીનથી પાંચ ફૂટ ઊંચો ચાલતો હતો. અને આજુબાજુની દુનિયાને ગૌરવથી જોઈ રહેતો. એમની આ પરિક્રમામાં પિતાજી પણ શ્રવણથી માંડી હનુમાનજી સુધીની અનેક વાતો કહેતા. એમને એમના નાના દીકરા પરેશના બે સંતાનો, જે હજુ હાઈસ્કૂલમાં ભણતા હતા, તેની સાથે માથાકૂટવાની મજા આવતી. બાળક સાથે એ બાળક બની જતાં. એમને અહીંયા કોઈ વાતનું દુ:ખ નહોતું અને આમ છતાંય આ ઉંમરે આ ઝાડને ઉખાડી બીજે રોપવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. આજુબાજુની ચીજવસ્તુઓ સાથે એમને મહોબત થઈ ગઈ હતી. કહે છે કે મોહ એ જ દુ:ખનું મૂળ છે અને માસ્તર આટલા વર્ષોના સહેવાસે મોહમાં પડ્યા હતા. દીકરા બંને હતા પણ પોતે જ્યાં આટલા વર્ષો ગાળ્યા એ વાતાવરણ, એ લોકો, એ શાળા એ બાળકો જાણે કે એમના જીવનનું સત્વ હતા. અંદરથી એક ભયંકર ખેંચાણ એમને અહીં રહેવા માટે મજબૂર કરી રહ્યું હતું. મોટા દીકરાનો એટલો બધો આગ્રહ હોય તો ધીરેધીરે જતાઆવતા રહીને કરી શકાય, એના સાથે નહીં જ રહેવું એવો કોઈ ઇરાદો નહોતો. એમણે કમને પોતાની વસ્તુઓ ભેગી કરી પેક કરવા માંડી. નાનાના બે દીકરા સ્કૂલેથી આવ્યા અને દાદાને પોતાનો સામાન પેક કરતાં જોયા તે સાથે જ એમની આંખો આંસુથી ઉભરાઇ ઉઠી અને ચહેરો પડી ગયો. એમણે નિર્દોષતાથી પૂછ્યું, દાદા તમે અમારી સાથે નહીં રહો? અમારી કિટ્ટા કરી છે?
પરેશે માંડ માંડ સમજાવ્યું કે એ થોડા દિવસ માટે મોટા કાકાના ઘરે જાય છે અને બને તેટલા જલદી પાછા આવશે. બાળકોનું ભોળું મન આ માનવા તૈયાર નહોતું.
રાત્રે બધા ભારે મને સૂઈ ગયા. મોટાના મનમાં આનંદ હતો એની વાત સ્વીકારાઇ એનો. સવાર પડી. બધા એક પછી એક પથારીમાંથી બેઠા થવા માંડ્યા. માસ્તર હજુ ઊંઘતા હતા. બધાને લાગ્યું કે આટલા દિવસનો થાક છે એટલે ઊંઘે છે. ચાપાણી તૈયાર થાય એટલે જગાડીએ.
કલાકેક પછી નાનો દીકરો એમને જગાડવા ગયો. જેવા ઢંઢોળ્યા કે માથું એક બાજુ ઢળી ગયું. નાના દીકરાની ચીસથી આખું ઘર ધ્રુજી ઉઠ્યું. રમેશ સાથે જવાનું એમણે કાબુલ કર્યું હતું પણ એના આત્માને અને નિયતિને એ મંજૂર નહોતું. અને એટલે જ ગામ માસ્તરની કર્મભૂમિ હતી તે જ ગામમાં તેમણે અંતિમ શ્વાસ લીધા અને એના સ્મશાનની રાખમાં એમનો દેહ પડી ગયો.
મોટો જીતીને પણ હારી ગયો.
માસ્તર હારીને પણ જીતી ગયા.
જીદ અને એના થકી કપાતા લાગણીના બંધન શું પરિણામ લાવી શકે તેની ગવાહી આપતી માસ્તરની અંતિમ યાત્રા નીકળી ત્યારે આખું ગામ હીબકે ચડ્યું હતું.
 
                    













