સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે નહાય!
- ડૉ. જય નારાયણ વ્યાસ
ભારતની એક છોકરીને ૨૦૧૭માં વિશ્વ વેઇટલીફટીંગ ચેમ્પિયનશિપ, જે અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે યોજાઇ હતી તેમાં ભાગ લેવાનો અવસર મળ્યો.
પેલી છોકરીએ બીજા દિવસે સુવર્ણ પદક જીત્યો. કોઈને એમાં આશ્ચર્ય જેવું લાગ્યું નહીં સિવાય ભારતની જનતાને.
અમેરિકા તો પહેલાં જ જાણી ચૂક્યું હતું કે આ છોકરી સુવર્ણ પદક જીતશે. બીબીસીએ પણ આ જીત પહેલાં જ પોતાની લીડ ખબર બનાવી હતી.
આ છોકરીએ ત્યારબાદ ૨૦૧૮ની કોમનવેલ્થ રમતોમાં પણ ભારતને પહેલો સુવર્ણ પદક અપાવ્યો. એટલું જ નહીં પણ એણે ૪૮ કિલોગ્રામ શ્રેણીમાં કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ તોડી નાખ્યો. ૨૦૧૮ની કોમનવેલ્થ રમતની આ સ્પર્ધામાં વિશ્વ રેકોર્ડ સાથે આ છોકરી સુવર્ણ પદક જીતી તે માટે એના રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ એને પંદર લાખની નગદ ધનરાશિ આપવાની ઘોષણા કરી.
૨૦૧૮માં ભારત સરકારે આ છોકરીને પદ્મશ્રીથી સન્માનિત કરી.
આ ઈનામ મળ્યું એટલે પહેલા આ છોકરીએ પોતાના ઘર માટે એક બળદગાડું ખરીદ્યું.
લગભગ તો તમને જવાબ મળી ગયો હશે કે આ છોકરી કોણ હોઈ શકે.
પણ અત્યારે એનું નામ નહીં કહું. એની આટલે સુધી પહોંચવાની મથામણમાં છેક બાળપણથી શરૂ કરી ઘણું બધું વેઠ્યું, વિપરીત પરિસ્થિતિનો સામનો કર્યો અને છેવટે પરિસ્થિતિઓ ઉપર કાબૂ મેળવી એક દિવસ વૈશ્વિક ફલક પર ઉતરી.
જીવનમાં આવતો સંઘર્ષ માણસને ઘડે છે. આવા સંઘર્ષ બાદ મળતી સફળતા ચિરસ્મરણીય હોય છે. દુનિયામાં એક યા બીજા ક્ષેત્રમાં સફળતાના શિખરે બિરાજતા વિશિષ્ટ ખ્યાતિપ્રાપ્ત મહાનુભાવોની શરૂઆતની જિંદગી જોઈએ તો એક લાંબા સંઘર્ષની કથા હોય છે. આપણે જેની વાત કરી રહ્યા છીએ તે છોકરીના કિસ્સામાં પણ કાંઈક આવું જ બન્યું હતું.
એ સમયે એની ઉંમર દસ વરસની હતી. ઇમ્ફાલથી ૨૦૦ કિલોમીટર દૂર નોંગપોક કાકચિંગ ગામમાં એક ગરીબ પરિવારમાં તેનો જન્મ. છ ભાઈબહેનોમાં સૌથી નાની. પોતાનાથી ચાર વરસ મોટા ભાઈ સૈખોમ સાંતોમ્બા મીતેઇની સાથે એ નજદીકમાં આવેલી પહાડીઓ ઉપર લાકડાં એકઠાં કરવા જતી હતી. એક દિવસ થોડા વધારે લાકડાં ભેગાં થયાં. આ લાકડાંનો ભારો આ છોકરીનો ભાઈ ઊંચકી ના શક્યો પણ છોકરીએ સહેલાઈથી આ ભારો ઊંચકી લીધો અને એને લગભગ બે કિલોમીટર દૂર પોતાના ઘર સુધી લઈ ગઈ. સાંજે એ પાડોશીના ઘરે ટીવી જોવા ગઈ ત્યારે તેના આ પરાક્રમની વાત ચર્ચામાં આવી. એની માએ કહ્યું, “દીકરી, આજે જો આપણી પાસે બળદગાડું હોત તો તારે આ ભાર ઉચકીને ન લાવવો પડત.”
આ છોકરીએ અત્યંત નિર્દોષતાથી પૂછ્યું, “બળદગાડું કેટલાનું આવે મા?”
માનો જવાબ હતો, “એટલા પૈસાનું કે જેટલા આપણે જીંદગીભર જોઈ નહીં શકીએ.”
પેલી તેજતર્રાર છોકરીએ કહ્યું, “પણ કેમ ન જોઈ શકીએ? શું પૈસા કમાઈ શકાતા નથી? બળદગાડું ખરીદવા માટે પૈસા કમાવવાની કાંઈક તો રીત હશે ને?”
આ ચર્ચા સાંભળી રહેલા ગામના એક માણસે કહ્યું, “તું તો છોકરાઓ કરતાં પણ વધારે વજન ઊંચકી શકે છે. જો વજન ઉંચકવાવાળી ખેલાડી બની જાય તો એક દિવસ જરૂર ભારેમાં ભારે વજન ઊંચકીને એ રમતમાં ગોલ્ડ મેડલ જીતી શકે જેને વેચીને બળદગાડું ખરીદી શકાય.”
આત્મવિશ્વાસથી સભર અવાજે પેલી છોકરીએ કહ્યું, “ઠીક વાત છે. હું સુવર્ણ પદક જીતીને એને વેચીને બળદગાડું ખરીદીશ.” એણે વજન ઉંચકવાવાળી રમત બાબતમાં જાણકારી મેળવી પણ એના ગામમાં વેઇટલિફ્ટિંગ સેન્ટર નહોતું. આ માટે એણે રોજ ૬૦ કિલોમીટરનું અંતર રેલગાડીમાં બેસીને કાપવાનું વિચાર્યું.
ઇમ્ફાલમાં ખુમન લંપક સ્પોર્ટસ કોમ્પ્લેક્સથી એણે શરૂઆત કરી.
એક દિવસ એની ટ્રેન લેટ થઈ ગઈ. રાતનો સમય થઈ ગયો હતો. શહેરમાં તો એને કોઈ ઓળખતું નહોતું એટલે રોકાઈ શકાય તેવું કોઈ ઠેકાણું નહોતું. એણે વિચાર્યું કે કોઈ મંદિરમાં આશરો લઈ લેશે અને આવતીકાલે અભ્યાસ કરીને સાંજે પેલી ટ્રેનથી પોતાના ગામ ચાલી જશે. તપાસ કરતા એની નજરે એક અડધું પડધું બનેલું મકાન દેખાયું જેના પર ‘આર્ય સમાજ મંદિર’ એવું લખેલું હતું. બીજો કોઈ ઉપાય તો હતો નહીં. આ છોકરી એ મંદિરમાં ચાલી ગઈ. આ મંદિરમાં તેને એક પુરોહિત મળ્યા જેને એણે ‘બાબા’ કહીને બોલાવ્યા અને રાત રોકાવા માટે આશરો માંગ્યો.
આ બાબાનો જવાબ થોડીવાર માટે તો એને નિરાશાની ગર્તામાં ધકેલી ગયો. બાબાએ કહ્યું, “બેટી, હું તને આશરો નહીં આપી શકું. આ મંદિર છે અને એમાં એક જ ઓરડા પર છત છે જેમાં હું સુઈ જઉં છું. બીજા ઓરડા પર હજુ છત લાગી નથી. છત બનાવવા માટેની એંગલ લાગી ગઈ છે, પથ્થરની લાદીઓ પણ આવી ગઈ છે પણ પૈસા ખૂટી ગયા. તું ક્યાંક બીજે આશરો લઈ લે.
પેલી છોકરીએ કહ્યું, “રાતમાં હું ક્યાં જઈશ બાબા. મને આ છત વગરના ઓરડામાં જ રોકાવવાની મંજૂરી આપો.”
પેલા બાબાએ કહ્યું, “ઠીક છે. જેવી તારી મરજી.”
પેલી છોકરી આ ઓરડામાં માટી એકઠી કરીને એક ઓટલી જેવું બનાવીને એના ઉપર સૂઈ ગઈ કારણ કે આ ઓરડામાં હજુ ફર્શ (છો) તો બની નહોતી. જ્યારે આ ઓરડા ઉપર છાપરૂં નહોતું તો ફર્શ તો ક્યાંથી હોય? રાતના સમયે વરસાદ વેરી બન્યો. બુંદાબુંદી શરૂ થઈ. પેલી છોકરીની આંખ ઉઘડી ગઈ.
એણે છત તરફ જોયું. દીવાલો ઉપર લોખંડની એંગલ લાગેલી હતી પણ એમાં ફીટ કરવા માટેની લાદીઓ તો નીચે હતી. ઉપર ચડવા માટેની નિસરણી અડધીપડધી બની હતી. પેલી છોકરીએ લાદી ઊંચકી અને ઉપર એંગલ પર મૂકી દીધી. થોડીવારમાં તો ઘણી બધી લાદીઓ ઓરડાની છત પર ગોઠવાઈ ગઈ અને ધાબુ બની ગયું. ત્યાં એક તાડપત્રી પડી હતી, એને એણે લાદી ઉપર પાથરી નીચે પડેલા પાવડા અને તગારાથી માટી ભરીને છત ઉપર આ લાદી પર નાખીને આ છોકરીએ છત તૈયાર કરી દીધી. એટલામાં વરસાદ વધુ તેજ થયો. પણ આ છોકરી પોતાના ઓરડામાં આવી ગઈ. હવે એને પલળવાનો ડર નહોતો કારણ કે ઓરડાની છત પોતે ‘જાત મહેનત જિંદાબાદ’ કરીને બનાવી દીધી હતી.
બીજા દિવસે સવારે પેલા બાબાને જ્યારે ખબર પડી કે આ છોકરીએ ઓરડાની છત તૈયાર કરી દીધી છે ત્યારે એમને આશ્ચર્ય થયું અને એણે કાયમ માટે મંદિરમાં આશરો આપી દીધો જેથી એની તાલીમ ત્યાં રહીને જ મેળવી શકે કારણકે ખુમન લંપક સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ત્યાંથી નજદીક હતું. બાબા એને ખુદ ભાત બનાવીને ખવડાવતા. બંને ઓરડાઓને આ છોકરીએ ગાયનું છાણ અને પીળી માટીની ગાર તૈયાર કરી લીંપણ કરીને સુંદર બનાવી દીધા.
સમય મળે ત્યારે બાબા એના હાથમાં એક ચોપડી પકડાવી દેતા જેમાંથી એ વાંચન કરીને બાબાને સંભળાવતી. આ પુસ્તક વાંચવાથી ધર્મ પ્રત્યે એની આસ્થા પ્રબળ બની એટલું જ નહીં પણ એનામાં દેશભક્તિ જાગી ઉઠી.
આ રીતે તાલીમ લેતી આ છોકરી અગિયાર વરસની ઉંમરમાં ૧૫ વર્ષથી નીચેના વય જૂથમાં ચેમ્પિયન બની અને ૧૭ વરસ વર્ષની ઉંમરે તેણે જુનિયર ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે નોંધાવ્યો. એનો પરિવાર લોખંડનો વેઇટલિફ્ટિંગ બાર ખરીદવા માટે સક્ષમ નહોતો. આ કારણથી માનસિક રીતે પરેશાન આ છોકરીએ આ સમસ્યા બાબા સમક્ષ રજૂ કરી. બાબાનો જવાબ હતો, “બેટી, ચિંતા ના કરીશ. તું સાંજે પાછી આવીશ ત્યારે તને આવો બાર તૈયાર મળશે.”
પેલી છોકરી સાંજે જ્યારે પાછી આવી ત્યારે બાબાએ વાંસનો બાર તૈયાર કરી રાખ્યો હતો જેનાથી અભ્યાસ કરી શકે.
બાબાએ એની મુલાકાત કુંજુરાનીથી કરાવી. એ જમાનામાં મણિપુરની મહિલા વેઇટલિફ્ટિર કુંજુરાની દેવી એ અતિપ્રસિદ્ધ સ્ટાર હતી. તેણે એથેન્સ ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ મુલાકાત બાદ આ છોકરીએ કુંજુરાનીને પોતાની રોલમોડેલ માની લીધી અને બાબાના કહેવાથી કુંજુરાનીએ આ છોકરીની સંભવતઃ બધી જ સહાયતા કરવાનું બીડું ઉઠાવ્યું. આ કુંજુરાની જેને જોઈને આ છોકરીના મનમાં વિશ્વ ચેમ્પિયનશિપ જીતવાનું સપનું જાગ્યું હતું એ પોતાની આદર્શ એવી કુંજુરાનીનો ૧૨ વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ આ છોકરીએ ૨૦૧૬માં તોડ્યો અને તે પણ ૧૯૨ કિલોગ્રામ વજન ઉપાડીને. અગાઉ જણાવ્યું તેમ ૨૦૧૭માં વિશ્વ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ કેલિફોર્નિયા અમેરિકામાં ભાગ લેવાનો તેને મોકો મળ્યો જ્યાં અમેરિકન રાષ્ટ્રપતિની આગાહી મુજબ તેણે સુવર્ણ પદક જીત્યો.
ત્યાર બાદની આ છોકરીની પ્રગતિની વાત આપણે કરી ગયા છીએ.
આ છોકરી તે બીજી કોઈ નહીં પણ ટોક્યો ઓલમ્પિકમાં ભારતને પહેલી સફળતા અપાવી રૌપ્ય ચંદ્રક જીતનાર મણિપુરની મીરાબાઈ ચાનૂ.
મીરાબાઈને તાજેતરમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ખેલરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ૨૦૧૮માં દેશનું સૌથી મોટું ખેલ સમ્માન ‘રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ’ પણ તેણે પ્રાપ્ત કર્યું છે. આ સિવાય નીચેની સિદ્ધિઓ તેણે પ્રાપ્ત કરી છે.
- ૧૨ વરસની ઉંમરમાં અંડર-૧૫ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.
- ૧૭ વરસની ઉંમરે જુનિયર ચેમ્પિયન બની.
- વર્ષ ૨૦૧૪માં મીરાબાઈએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ૪૮ કિલોગ્રામ વર્ગમાં રૌપ્ય ચંદ્રક જીત્યો.
- ૨૦૧૬માં મીરાબાઈ રિયો ઓલમ્પિક માટે ક્વોલિફાઇ થઇ પરંતુ આ ઓલમ્પિકમાં એ કોઈ પણ મેડલ ના જીતી શકી.
- ૨૦૧૬માં ગૌહાટી ખાતે આયોજિત સાઉથ એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો.
- ૨૦૧૭માં વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ૪૮ કિલોગ્રામ વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.
- ૨૦૧૮માં ઇજા થવાને કારણે મીરાબાઈ એશિયન ગેમ્સમાં ભાગ ન લઇ શકી.
- ૨૦૧૮માં ભારત સરકાર દ્વારા તેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.
- ૭ ફેબ્રુઆરી ૨૦૧૯, મીરાબાઈએ શાનદાર પ્રદર્શન કરીને થાઈલેન્ડના ચિયાંગ ખાતે આયોજિત આઇજીએટી કપમાં ૪૮ કિલોગ્રામ વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.
- ટોક્યો ઓલમ્પિકમાં રૌપ્ય ચંદ્રક જીત્યો.
માણસ પોતાના મનમાં એક ધ્યેય નક્કી કરે અને એ મહત્વાકાંક્ષાને પોષવા માટે સતત લાગેલું રહે તો સિદ્ધના સર્વોચ્ચ શિખરે પહોંચી શકાય છે એનું ઉત્તમ ઉદાહરણ મીરાબાઈ ચાનૂ છે. એક સમયે બળદગાડું ખરીદવા માટે આખી જિંદગી કમાય તો પણ પૈસા ન જોડી શકાય તેવું કહેનાર મીરાબાઈની મા પોતે નાનોમોટો વેપાર કરે છે, દુકાન ચલાવે છે. જ્યારે તેના પિતા પીડબલ્યુડીમાં નોકરી કરે છે. એક સાવ સામાન્ય કુટુંબની દીકરી મણિપુર જેવા પછાત વિસ્તારમાં જન્મીને આંતરિક પ્રેરણાના જોરે દોરાતી એણે પોતાની સ્વપ્નસિદ્ધિની સફર ખેડી. ૨૦૨૧ની ટોક્યો ઓલમ્પિકમાં દેશ માટે પ્રથમ ચંદ્રક જીત્યો. રિયો ઓલમ્પિકમાં સદંતર નિષ્ફળ જનાર મીરાબાઈએ એ પુરવાર કરી આપ્યું કે ‘હજારોયે નિરાશામાં અમર આશા છુપાઈ છે’. કોઈપણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરવા મથતી વ્યક્તિ માટે મીરાબાઈનો સંઘર્ષ અને સંઘર્ષ થકી મેળવેલી સિદ્ધિઓ ખૂબ જ પ્રેરણાદાયક છે.
અત્યંત સંઘર્ષ બાદ વિશ્વ ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મીરાબાઈ ચાનૂ આજે દેશભરમાં જાણીતી છે. સમગ્ર દેશ એને માટે ગૌરવ અનુભવે છે. મણીપુર રાજ્યે એને એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (રમતગમત) તરીકે નિમણૂક આપી એનું ગૌરવ કર્યું છે. મણિપુરના મુખ્યપ્રધાન જાતે મીરાબાઈને એની ઓફિસમાં દોરી ગયા હતા અને એની ખુરશી પર બેસાડી બહુમાન કર્યું હતું. માણસ પરિશ્રમ કરે તો સાવ સામાન્ય શરૂઆતમાંથી છેક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી ઓલમ્પિક મેડલ જીતવા સુધીની સિદ્ધિ હાંસલ કરી શકે છે. મીરાબાઈએ આ કરી બતાવ્યું છે. સમગ્ર દેશને આજે એના પર ગૌરવ છે.