વળી પાછા મૂળ વાત ઉપર આવીએ. ફાઈનલ પસાર કરી. શાળા નં. 1માંથી 7મું ધોરણ પણ સારી રીતે પાસ કર્યું. હવે પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળામાં જવા માટેની લાયકાત મેં મેળવી લીધી હતી. માધ્યમિક શાળામાં અભ્યાસ માટે અત્યારના જેવી પરિસ્થિતિ તે સમયે નહોતી. અત્યારે તો સૌથી જૂની એવી લક્ષ્મીચંદ સુંદરજી વિદ્યાલય ઉપરાંત એમ.પી. હાઈસ્કૂલ, શ્રીસ્થળ, સ્વામિનારાયણ વિદ્યાસંકૂલ, આગાખાન વિદ્યાસંકૂલ, યોગાંજલિ, અભિનવ હાઈસ્કૂલ અને છેલ્લે બુરહાની હાઈસ્કૂલ જેવાં અનેક વિદ્યાસંકૂલો સિદ્ધપુર શહેરમાં મોજૂદ છે. આજુબાજુનાં બિલિયા, બ્રાહ્મણવાડા, કુંવારા જેવાં મોટાં ગામોએ પણ ઉચ્ચતર માધ્યમિક સુધીની શિક્ષણ સંસ્થાઓ કાર્યરત બની છે.
એ સમયે એવું નહોતું. સિદ્ધપુર શહેરમાં સૌથી જૂની ઉચ્ચતર માધ્યમિક સુધીની કેળવણી સંસ્થા લક્ષ્મીચંદ સુંદરજી વિદ્યાલય એટલે કે એલ. એસ. હાઈસ્કૂલ છે. આ સંસ્થાની સ્થાપના ઈ.સ. 1881માં ગાયકવાડી શાસન દરમિયાન થયેલ. શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસન સમયે વડોદરા રાજ્યમાં કન્યા કેળવણી ફરજીયાત હતી. સિદ્ધપુરમાં જ્યારે હાઈસ્કૂલ બનાવાઈ ત્યારે કદાચ આજુબાજુના પચાસ કિલોમીટરના ઘેરાવામાં ક્યાંય હાઈસ્કૂલ નહોતી. આ કારણથી એલ. એસ. હાઈસ્કૂલનો એક દબદબો હતો.
હું આઠમામાં આવ્યો ત્યારે અભિનવ હાઈસ્કૂલ શરૂ થઈ હતી, પણ એણે ખાસ આકર્ષણ જમાવ્યું નહોતું. બુરહાની હાઈસ્કૂલમાં દાખલ થવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો એટલે મારા માટે એલ. એસ. હાઈસ્કૂલ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મેં સને 1881માં સ્થપાયેલ ઉત્તર ગુજરાતની જૂનામાં જૂની શિક્ષણ સંસ્થાઓમાંની એક એવી આ સ્કૂલમાં પ્રવેશ માટે અરજી કરી. પ્રવેશ મળી પણ ગયો. મારો જનરલ રજીસ્ટર નંબર હતો 648. વર્ગ 8-ફમાં મને મૂકવામાં આવ્યો હતો જે ગાર્ડના ડબ્બા જેવો છેલ્લો વર્ગ હતો. હું માનું છું કે, વ્યાસ અટકના કારણે મને વર્ગ 8-ફમાં દાખલ થવાનું સૌભાગ્ય મળ્યું હતું. ખેર, સરસ્વતી આરાધનાનો પ્રથમ તબક્કો ધોરણ 1 થી 7 સુધીનો પ્રવાસ મેં સારી રીતે પૂરી કર્યો હતો. હવે જેમ એક દિવસ રાજપૂર પ્રાથમિક શાળા છોડી તે જ રીતે સિદ્ધપુર કુમારશાળા નં. 1માં માત્ર એક વર્ષ કરતાં પણ ઓછો સમય ગાળીને મેં મારો માધ્યમિક શિક્ષણનો અભ્યાસ શરૂ કર્યો.
પહેલા જ દિવસે નવા અનુભવની શરૂઆત થઈ. અત્યાર સુધી સ્લેટ વાપરતા હતા. હવે માત્ર નોટબૂક ઉપયોગમાં લેવાતી હતી. પુસ્તકો અને શિક્ષણ માટેનું અન્ય મટીરીયલ હવે દફ્તર કે પતરાની નાની બેગમાં નહોતું લઈ જવાનું. અત્યાર સુધી બધાં પુસ્તકો લઈને શાળાએ જતા તેને બદલે હવે સમયપત્રક મુજબ જ પુસ્તક અને નોટ લઈ જવાનાં હતાં. આ ચોપડીઓ હાથમાં રાખવાની હતી. મારા પાડોશી અને મિત્ર ભાઈ પતંજલિએ સાતમું ધોરણ એટલે કે થર્ડ એલ. એસ. હાઈસ્કૂલમાં કર્યું હતું. અમે નક્કી કર્યું સાથે જઈશું. મનમાં નવું વાતાવરણ કેવું હશે એની મૂંઝવણ હતી. સ્કૂલનો વખત થયો અને ભાઈ પતંજલિ સ્કૂલે જવા નીકળ્યો એટલે મેં પૂછ્યું કે, “કઈ ચોપડી લઈ જવાની છે ?” એણે મને જવાબ આપ્યો, “ગમે તે હશે ચાલશે. મેં તો જ્યોગ્રોફી અને એલ્જીબ્રા લીધું છે.” મારા માટે આ પહેલો આંચકો હતો. જ્યોગ્રોફી તો સમજાયું, પણ સાતમા ધોરણ સુધી શુદ્ધ ગુજરાતી માધ્યમમાં ભણેલા આ જીવને એલ્જીબ્રા કયા પ્રાણીનું નામ હશે એ ન સમજાયું ! ખેર, પહેલો દિવસ હતો. પડશે તેવા દેવાશે એમ વિચારીને મેં પણ એક-બે નોટ અને ભૂગોળનું પુસ્તક લઈને નિશાળની વાટ પકડી. રાજપૂરમાંથી બીજા બે-ચાર મિત્રો પણ અમારા આ સંઘમાં જોડાયા. અમે પહોંચ્યા. સ્કૂલનું વિશાળ પ્રાંગણ જ્યાં અગાઉ હું માત્ર ક્રિકેટની મેચ જોવા જ આવતો આજથી અમારૂં બન્યું. ઘંટ વાગ્યો. પ્રાર્થના થઈ અને જેમ ઘેટાંનાં ટોળામાંથી એનો માલિક અમુક ઘેટાં જૂદાં તારવે તેમ વર્ગવાર વહેંચણી પ્રમાણે અમને અમારા વર્ગશિક્ષકને હવાલે કરી દેવામાં આવ્યા. બધા વર્ગ શાળાના સરસ રીતે બંધાયેલા મકાનમાં અથવા નવા બંધાયેલ મહેતા ભવનમાં હતા. અમારી કરમની કઠણાઈ તે અમારો વર્ગ ધોરણ 8-ફ બિંદુ સરોવર જવાના રોડ બાજુના ખૂણે પાણીની પરબડી ઉપર જર્જરિત પતરાના છાપરાવાળા મકાનમાં હતો. જાણે કે આ સ્કૂલસંકુલનો ભાગ ન હોય અને અમને નાત બહાર મૂક્યા હોય તેવું લાગતું. મેડીના પગથિયાં ચઢી વર્ગમાં પહોંચ્યા. બહાર બારીમાંથી બિંદુ સરોવર તરફ જતો રસ્તો દેખાતો હતો. પહેલીવાર લાકડાની પાટલીઓ ઉપર બેસી ડેસ્ક ઉપર નોટ રાખી લખવાનું હતું. અત્યાર સુધી નીચે બેસીને પલાઠીવાળી ભણતા હતા. તેમાં આ પાટલીવાળી વ્યવસ્થા ચોક્કસ પ્રગતિની નિશાની હતી એમ કહી શકું. શિક્ષણકાર્ય પહેલા દિવસે તો કાંઈ ખાસ થયું નહીં પછી ધીરે ધીરે બધું ગોઠવાવા માંડ્યું.
બીજો એક ફરક અનુભવ્યો. અત્યાર સુધી એક જ વર્ગશિક્ષક બધા જ વિષયો ભણાવતા હતા. હવે જુદા જુદા વિષયના જુદા જુદા શિક્ષકો પિરીયડ બદલાય તેમ આવવા માંડ્યા. પિરીયડ બદલાય, એટલે ઘંટડી વાગે. નવા વર્ગમાં ધીરે ધીરે બધું થાળે પડતું જતું હતું. સ્લેટમાં લખવાને બદલે નોટમાં લખવાની પણ હવે ફાવટ આવવા માંડી. વિદ્યાર્થીઓમાં પણ વિવિધતા હતી. સિદ્ધપુરના ભૂદેવો અને વણિક તથા અન્ય હતા. આજુબાજુના ગામેથી આવતા પાટીદાર વિદ્યાર્થીઓ હતા. તો મરેડીયા, માંકણોજીયા, સુણોસરા જેવી અટકો ધરાવતા મુમન (મોમીન) વિદ્યાર્થીઓ પણ હતા. સિદ્ધપુરના ભૂદેવો અને વણિક તેમજ અન્ય કોમના વિદ્યાર્થીઓ તેમની ભાષા અને પ્રમાણમાં સુઘડતાના કારણએ જુદા પડતા. પાટીદાર વિદ્યાર્થીઓનાં કપડાં અને ભાષા થોડી બરછટ રહેતી. મુમન ધોળા બાસ્તા જેવાં કપડાં પહેરે, માથામાં બરાબર તેલ નાંખે, વાળ વ્યવસ્થિત ઓળેલા હોય અને વળી પાછું એમના એક ગજવામાં નાનો કાંસકો હોય તો બીજા ખીસામાં પૉકેટ મની માટેનું પાકિટ પણ હોય. ભણવામાં આ વર્ગ થોડો ઓછો રસ લેતો. મુંબઈમાં એમના તબેલા ચાલતા. પ્રમાણમાં આ સુખી વર્ગ હતો. બીજું કેટલાક મોડા દાખલ થયા હોય તેમના કિસ્સામાં એમની ઊંચાઈ અને શરીર સૌષ્ઠવ પણ સારાં. કેટલાકને તો મૂછનો દોરો પણ ફૂટવા માંડ્યો હોય. આ બધા વચ્ચે માંડ ચોત્રીસ-પાત્રીસ કિલો વજન ધરાવતી આ કાયા જાણે કે દુષ્કાળગ્રસ્ત અને ભૂખમરાના પ્રદેશમાંથી આવી ચડી હોય એવી લાગતી. અમારો વર્ગ જર્જરિત હતો, પણ પહેલે માળે હતો અને બારીઓ લગભગ સામસામે હોવાથી પવન સડસડાટ આવતો. આ કારણથી વર્ગમાં બેસવું ખાસ અસુવિધાજનક ન હોતું.
દિવસો વિતતા જતા હતા. ધીરે ધીરે અભ્યાસ ગતિ પકડવા માંડ્યો હતો. હાઈસ્કૂલના કેમ્પસથી પણ પરિચય કેળવાતો જતો હતો. નવા વર્ગમાં મિત્રો પણ બનવા માંડ્યા હતા. લાગતું હતું કે, હવે બધું ઠરીઠામ થઈ રહ્યું છે. બરાબર એવામાં જ એક ઘટના બની. અમારા નાનાલાલ નામનો પટાવાળો એક કાગળની ચબરખી લઈને આવ્યો. હું ભૂલતો ન હોઉં તો ગુજરાતીનો વર્ગ ચાલતો હતો. આ ચબરખી એણે અમારા શિક્ષક સાહેબના હાથમાં આપી. જાણે જેલમાં કોઈ કેદીનું નામ પોકારતા હોય એ રીતે એમણે એ ચિઠ્ઠી વાંચીને મારૂં નામ પોકાર્યું. “જય નારાયણ વ્યાસ !”. આખા ક્લાસમાં સન્નાટો છવાઈ ગયો. થોડીવાર તો મને આ વર્ગખંડની દિવાલો મારી આજુબાજુ ચકરાવો ફરતી હોય તેવો અનુભવ થયો. સાહેબ આગળ કહી રહ્યા હતા, “આવતી કાલથી તારે આ ક્લાસ એટલે કે ધોરણ 8-ફમાં બેસવાનું નથી.”
એવું તો શું થયું હશે ? કેમ મારા માટે જ આ નોટિસ આવી ? શા માટે મારે આ ક્લાસમાં નહીં બેસવાનું ? માંડ કરીને થોડાક મિત્રો બન્યા છે તેનું શું ? વિચારોની એક જબરદસ્ત આંધી ચક્રવાત બનીને મારા વિચારતંત્રને ઘમરોળી રહી હતી.
કાલથી મારે 8-ફ છોડી દેવાનો, પણ શા માટે ?
ત્યાર પછીનું વાક્ય મારા માટેની એવી સૂચના લખી રહ્યું હતું કે, “આવતી કાલથી તારે ધોરણ 8-કમાં બેસવાનું છે. આ ક્લાસના વર્ગ શિક્ષક પી. એસ. પરીખ સાહેબને સ્કૂલ છૂટ્યા બાદ ટીચર્સ રૂમમાં મળી અ ઘરે જજે.”
લ્યો !.... પંદરેક દિવસ પણ નહોતા થયા ને મૂળ સોતા ઉપાડીને આપણને ધોરણ 8-કમાં ફેંકી દીધા.
માત્ર મને અકલાને.
પણ શા માટે ?