ખડાલીયા હનુમાનની પલ્લીનાં સંસ્મરણો વગોળ્યાં. ભગવદગોમંડળ મુજબ પલ્લી શબ્દનો અર્થ માંડવી અથવા ગરબાની કોડિયા મૂકવાની દીવી એવો થાય. આમ મૂળભૂત રીતે જ્યોત અથવા દીવી સાથે જોડાયેલ આ શબ્દ છે. સિદ્ધપુરમાં ખડાલીયા હનુમાનની પલ્લી ઉપરાંત વહોરવાડમાં આવેલ છબિલા હનુમાનની, અચળાપુરા પાસે આવેલ જડિયાવીરદાદાની, ખીલા થરવાડામાં આવેલ કનકેશ્વરી માતાની, લાલપુરની સીમમાં બિરાજતા સહસ્ત્રકળા માતાની તેમજ સિકોતર માતાની અને ગણપતિદાદાની પલ્લીઓ ભરાય છે. ભાદરવાનો શ્રાદ્ધ પક્ષ પૂરો થાય અને આસો મહિનાનો સુદ પક્ષ શરૂ થાય એટલે આસો સુદ પડવેથી નોમ સુધી મા જગદંબા શક્તિની આરાધનાનાં નવરાત્ર શરૂ થાય છે. નવરાત્રની શરૂઆતથી જ માની ભક્તિનો ઉમંગ અને આનંદ જોવા મળે છે. શ્રાદ્ધ પક્ષનો કમુરતાનો સમય પૂરો થાય છે અને શારદીય નવરાત્રિ શરૂ થાય છે. આ નવરાત્રિમા પુજા આરાધના અને વ્રત તપ સાથે માના ગરબા ગાઈને ભક્તિ કરવાની પણ પ્રથા છે.
આ નવરાત્ર દરમિયાન જે તે દેવને પલ્લી ધરાવવાની પ્રથા સિદ્ધપુરમાં પ્રચલિત છે. આમ, તો પલ્લી એટલે નૈવેધ વિગેરે સાથે દેવ સમક્ષ રજૂ કરતી આરાધનાની એક પદ્ધતિ જેમાં એક અથવા એકથી વધારે જ્યોતનાં કોડિયાં મુકાય. આ પલ્લીનો દિવસ એટલે જે તે મંદિરે દર્શન કરવા માટેનો ખાસ મહાત્મયનો દિવસ. ખૂબ મોટી જનમેદની એ દિવસે દેવનાં દર્શન કરવા ઉમટે. આમ તો જેને ભીડભાડમાં ન જવું હોય તે સવારથી જ ગમે ત્યારે દર્શન કરી આવે પણ પલ્લી માણવાની ખરી મજા તો જેમ દિવસ ઢળે તેમ આવે. સ્વાભાવિક રીતે જ આટલી બધી જનમેદની આવતી હોય એટલે ખાણીપીણીના સ્ટોલ અને નાનાં નાનાં ચકડોળ-ચકરડી, સાદા ફુગ્ગાથી માંડી ગેસના ફુગ્ગાવાળા, બધાં ધંધો કરવા માટે હાજર થઈ જાય. મોટે ભાગે સાંજે વહેલું વાળું કરીને કુટુંબસહ બધા પલ્લી માણવા નીકળી પડે. થોડો ઘણો નાસ્તો કરવાની જગ્યા રાખી હોય એટલે જેવી રુચિ, ગોટા કે ભજીયાંથી માંડીને રગડા પેટીસ અને પાણીપુરી કે ચવાણાથી માંડીને ચોળાફળી સુધી, જેને જે અનુકૂળ આવે અને જેવું જેનું બજેટ તે પ્રમાણે મજા લૂંટે. આમ પલ્લી એટલે જે તે દેવનાં દર્શન તો ખરાં જ પણ એક નાનકડો મેળો અથવા પિકનિક પણ થઈ જાય. સરખે સરખી દોસ્તારોની ટોળી હોય તો આ બધી મોજ માણવાની વિશેષ મજા આવે.
આપણે કોઈ પણ શુભ કામ કરવું હોય તો સૌથી પહેલા ગણપતિદાદાને યાદ કરીએ. ગણપતિ માટેની આ પ્રાર્થના કરતાં મા કહેતી –
દુંદાળો દુ:ખ ભંજણો
સદાયે બાળે વેશ
પરથમ પહેલાં સમરીએ
શ્રી ગૌરીપુત્ર ગણેશ
સિદ્ધપુર આમેય શાસ્ત્રોના જાણકાર વિદ્વાનોનું શહેર. એ શહેરમાં ગણપતિબાપાની અગત્યતા કેમ વિસરાય? કદાચ આ કારણથી જ સિદ્ધપુરમાં સુદ ચોથથી પલ્લીઓની શરૂઆત થાય અને પૂર્વ વિસ્તારમાં ગરબાનો પ્રારંભ થાય તેનાં મંગલાચરણ સમી ગણપતિદાદાની પલ્લી સૌથી પહેલી આવે. આમ તો ગણપતિ મંદિરો સિદ્ધપુરમાં ઘણાં છે પણ એમાં જોશીઓની ખડકી પાસે કૂવાવાળા ગણપતિ, ઘાટની બારીના પંચાયતનના ગણપતિ, થળીના પાવડિયાના ગણપતિ અને જડિયાવીરના ગણપતિ સાથે ઐતિહાસિક નાતો જોડાયેલો છે. એવું કહેવાય છે કે કાળા ભટ્ટના મહાડ પાસે સિદ્ધરાજ જયસિંહના સમયે રુદ્રમાળના બાંધકામ માટેનું ખોદકામ કરતાં ગણપતિની મુર્તિ નીકળી હતી. આ મુર્તિની ત્યાં જ સ્થાપના કરી મંદિર બનાવી તેની પુજા કરાય છે અને આસો સુદ ચોથના દિવસે ત્યાં પલ્લી ભરાય છે.
લોકમુખે ચર્ચાતી વિગત અનુસાર રુદ્ર મહાલય બનાવ્યો ત્યારે એકવીસ કૂવાનાં પાણીથી ભગવાનનો અભિષેક કરવાનો હતો. આ માટે પ્રથમ કૂવો જોશીઓની ખડકી પાસે (અલવાના ચકલેથી નિશાળ ચકલા જતાં ડાબા હાથે) બનાવ્યો અને તેમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. આમ જોશીઓની ખડકી પાસેના કૂવામાં બિરાજમાન દુંદાળાદેવ છેક સિદ્ધરાજ જયસિંહના કાળથી અહીંયાં બિરાજી રહ્યા છે. આજે પણ આ કૂવામાં ઉતરીને પીતાંબરધારી ભૂદેવો આ અતિપ્રાચીન ગણપતિદાદાની મુર્તિની પુજાઆરાધના કરે છે. તમે સિદ્ધપુરમાં રહેતા હોવ અને છતાંય આ ગણપતિદાદાનાં દર્શન ન કર્યાં હોય તેવું બને. એકાદ વખત ચોક્કસ જોશીઓની ખડકીના નાકે આવેલા આ કૂવામાં બિરાજતા ગણપતિના દર્શન કરવા જેવાં છે.
બાળપણમાં અમે સાંભળતા કે ‘સિદ્ધપુર જળે અને પાટણ થળે’ એટલે કે સિદ્ધપુરનો સરસ્વતીના વિનાશક પૂરમાં ડૂબીને અને પાટણ શહેરનો એ વિનાશક પૂરની સાથે ઘસડાઇને આવેલી રેતમાં સમાઈ જઈને નાશ થશે. અમે એવી પણ કાલ્પનિક વાતો સાંભળતા કે એક દિવસ સરસ્વતી વહેણ બદલાશે ત્યારે પશુવાદળની પોળથી ચૌધરીની બાગના રસ્તે અંદર દાખલ થઈ ઝાંપલી પોળની વચ્ચોવચથી વહેતી આગળ પોતાના મૂળ વહેણને મળી જશે. આ બધી વાતો સાંભળીએ ત્યારે નાનપણમાં થોડી બીક પણ લગતી. આ જ પ્રકારની માન્યતા નદી કાંઠે આવેલા પાવડિયાના ગણપતિ માટે પ્રવર્તે છે. કહેવાય છે કે આ ગણપતિજીની ડૂંટી સુધી સરસ્વતી નદીનાં પૂરનું પાણી પહોંચે તો આખું સિદ્ધપુર પાણીમાં ગરક થઈ જાય.
એક જમાનો હતો જ્યારે સરસ્વતીમાં ભયાનક પૂર આવતાં. તે સમયે ચૌધરીની વાડી અને દેવસ્વામીની બાગનો ભાગ ડૂબાડી સિકોતર પાસેથી પાણી રાજપુર તરફ જતા રસ્તે લગભગ અરધો કિલોમીટર સુધી ઘૂસી ગયેલું મેં જોયેલું છે. સરસ્વતી નદી ત્યારે મોટા મહાસાગર જેવી લાગતી અને આ પૂરનાં પાણી બે-ત્રણ દિવસ રહે તે જોવા જનમેદની ઉમટતી. મા સરસ્વતીનું રૌદ્ર સ્વરૂપ થથરાવી દે તેવું લાગતું. સિકોતર માતાનો ઓટલો આખોય ડૂબી જાય અને પાણી છેક પશવાદળની પોળ સુધી જતું અથડાય તેવાં પૂર આવતાં. ત્યારે પણ આ પાવડિયાના ગણપતિદાદાની ડૂંટીથી તો પાણી ઘણાં નીચાં રહેતાં.
આસો સુદ ચોથ શહેરના કાળા ભટ્ટના મહાડ પાસેના ગણપતિની પલ્લીનો દિવસ. ચોથની વિશેષ પુજા હોય છે. આસો સુદ ચોથની ગણપતિની પલ્લી એ માત્ર પલ્લીઓમાં જ મહુરતની પલ્લી છે એવું નહીં પણ એ પલ્લી ભરીને વિધ્નહર્તા દેવ ગણપતિને વિનાવ્યા બાદ શહેરના અંદરના વિસ્તારમાં નવરાત્રિના ગરબા શરૂ થાય છે અને આસો સુદ પુર્ણિમા સુધી એ ગવાય છે. આમેય શરદ પુનમની રાતનું તો વિશેષ મહત્વ છે. દરિયામાં એ દિવસે મોતી ઠરે છે એટલે એને માણેકઠારી પુનમ કહે છે. ડાંગરનો નવો પાક આવે છે, એના પૌઆનો પહેલો પ્રસાદ ચંદ્રની શીતળ ચાંદનીમાં તૈયાર થયા બાદ ભગવાનને અર્પણ કરાય છે. ગરબે ઘુમવા માટે શરદ પુનમની રાતનું મહત્વ અનેરું છે. એટલે જ કહેવાયું છે ‘આસો માસો શરદ પુનની રાત જો, ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં’.
આવા રસતરબોળ આસો માસના અજવાળિયાની પહેલી પલ્લી એટલે ગણપતિદાદાની પલ્લી. સિદ્ધપુરમાં પલ્લીઓના શ્રીગણેશ થાય એ દિવસ એટલે આસો સુદ ચોથની ગણપતિદાદાની પલ્લીનો દિવસ. ત્યાર પછી પાંચમે જડિયાવીર દાદા, છઠ્ઠના દિવસે સિકોતરમા, સાતમે ખીલા તરવાડામાં કંકેશ્વરીમા, આઠમની રાત્રે સહસ્ત્રકળા મૈયા, એમ પલ્લીઓની હારમાળા શરૂ થાય. સુદમાં છેલ્લે પલ્લી આવે આસો સુદ ચૌદસની ખડાલીયા હનુમાનદાદાની. અને આસોના અંતમાં કાળી ચૌદસની રાત્રે જૂની વહોરવાડમાં છબિલા હનુમાન દાદાની.
સિદ્ધપુરની આ એકેએક પલ્લીને મન ભરીને માણી છે.
પૈસા કદાચ ટૂંકા હતા પણ મન તો ઉત્સાહમાં થનગની ઊઠતું.
પલ્લીના દિવસે સવાર પડે ત્યારથી સાંજ ક્યારે પડે અને પલ્લીમાં ક્યારે જઈએ એની રાહ જોતા. મારા બાળપણનો આ સમય. પલ્લી વખતે સરસ્વતી નદીમાં પણ ઢીંચણ સમાણાં તો ક્યાંક કેડ સમાણાં પાણી વહેતાં હોય તેવો સમય. સિકોતરની પલ્લી હોય ત્યારે નદીની ધરો પર બેસીને જયાફત માણવાનો સમય. નદી પાર કરી લાલપુર ગામ વટાવીએ અને નેળિયું આવે એટલે દોડીને સહસ્ત્રકળા માતાના મંદિરમાં પહોંચી જવાનું અને દર્શન કર્યા બાદ ત્યાં જ ક્યાંક દોસ્તારોની ટોળી સાથે બેસીને જે કંઇ લાવ્યા હોય તે ભાગબટાઇ કરી વહેંચી ખાવાનો સમય.
ખડાલીયા હનુમાનની પલ્લીમાં પણ શાસ્ત્રીજીના બંગલાની બરાબર સામેના રેતાળ રસ્તામાં શરદપૂનમના આગળના દિવસનો ચંદ્ર રૂપેરી ચાંદની રેલવતો હોય ત્યારે ઠંડી ઠંડી હવાની લહેરો માણતા, આનંદ આનંદ કરતાં, આનંદને પંપાળવાનો સમય. કાળી ચૌદસની રાતે તો મા મેશ આંજે પણ સાથોસાથ છબિલા હનુમાનનું સિંદુર પણ કપાળે અને ગળે લગાડાય.
એ દિવસે થોડા વહેલાં દર્શન કરવા જવાનું, કારણ કે સાંજે મા વડાં અને પૂરીઓ બનાવે. માના હાથમાં જ કંઇ જાદુ હતો. એની રસોઈ અદ્ભુત.
અને તેમાંય અડદની દાળનાં કાળી ચૌદસના દિવસે બનતાં વડાં. એનો સ્વાદ કાંઈક જુદો હતો.
પલ્લી...
પલ્લીઓ...
શ્રાદ્ધ વીતે અને આસો મહિનો દિવાળીને મળવા આગળ વધવા માંડે એ પહેલાં
દિવાળી જેવો જ આનંદોત્સવનો તહેવાર એટલે નવરાત્રિ.
અને એ નવરાત્રિમાં મજા મજા પડી જાય એવો આનંદ કરાવે એવી સિદ્ધપુરની પલ્લીઓ.
ક્યારેક આ બધુ સાંભરે છે.
હવે એ દિવસો પાછા નહીં આવે.
એટલા માટે નહીં કે વરસો વહી ગયાં છે
પણ એટલા માટે કે સરસ્વતી નદીમાં વહેતું પાણી, એનો ખળખળ અવાજ, એના ઉપરથી આવતી શીતળ હવા, તમરાંનું એ ગુંજન અને ક્યાંક દૂર દૂર ત્યાં પેલી વક્તી તીતી અથવા ટીંટોડીની ચીસનો અવાજ...
ખડાલીયા હનુમાન જતાં કે સહસ્ત્રકળા જતાં...
રસ્તામાં આવતી એકદમ ચોખ્ખીચટ કપડાં જરાય મેલાં ન થાય એવી
રેતનો એ રસ્તો
હવે નદી નથી, ટીંટોડી નથી, ધરો નથી કે નથી જેના ઉપર કશું પાથર્યા વગર અમે બિન્દાસ લાંબા થઈને સૂઈ જતા એવી ચોખ્ખીચણક રેત
આ બધું ઇતિહાસ બની ગયું છે.
હા, ભભકા વધ્યાં છે, ડામરની સડકો બની છે, ધમધમાટ દોડતાં જતાં સ્કૂટર, મોટર સાયકલ અને ગાડીઓ આવી છે.
આજે પણ પલ્લી તો ભરાય છે અને લોકો આનંદ પણ કરે છે.
પણ એ આનંદમાં અમી સીંચતી કુદરતની દેન
વધતો જતો વિકાસ અને વસતિ ખાઈ ગયાં છે.
સાચે જ તેહિ નો દિવસા ગતા:
અમારા તે દિવસો ગયા !