કાર્તિકી પુર્ણિમાનો મેળો સરસ્વતી નદી કિનારાના વિશાળ સ્ટેજ પર રજૂ થાય તે પહેલાં પરદો ઉચકતો પ્રસંગ એટલે મોખાત
કારતકનો મેળો સિદ્ધપુરમાં રહેતા સહુ કોઈ માટે એક મોટું આકર્ષણ રહેતો. એ જમાનામાં વાહન વ્યવહાર એટલો વિકસ્યો નહોતો. એટલે આજુબાજુથી લોકો ગાડાં જોડીને અથવા ઉંટ પર આવતાં. કારતક સુદ બારસની સાંજથી લોકો આવવાના શરૂ થાય અને પૂનમે તો હકડેઠઠ મેદની જોવા મળે. અમે જ્યાં રહેતા તે નટવર ગુરુનો બંગલો અને શાસ્ત્રીજીની પાઠશાળાને અડીને એક રસ્તો ઉત્તર તરફ જતો. આ વિસ્તારના ગામડાના લોકો આ રસ્તે સિદ્ધપુર આવતાં. આજે પણ કારતક સુદ આઠમથી કારતક સુદ અગિયારસ સુધી પાટણ, ડીસા વિગેરે જગ્યાના મોઢ, મોદી સમાજ સિદ્ધપુર આવે છે. આને મોખાત તરીકે ઓળખાય છે. મોખાત કેવી ભરાઈ તેના પરથી કાર્તિકી પુર્ણિમાનો મેળો કેવો ભરાશે તેનો અંદાજ મુકાય છે. આ મોખાત તરીકે ઓળખાતા ધાર્મિક મેળાની કથા મોઢ મોદી સમાજ સાથે જોડાયેલી છે.
ભારત દેશના એકમાત્ર માતૃ શ્રાદ્ધ તીર્થ તરીકે પંકાયેલા સિદ્ધપુરમાં હિન્દુ ધર્મના અનેક જ્ઞાતિના લોકો તથા મોટી હસ્તીઓ શ્રાદ્ધ માટે આવે છે. અને પૂર્વજોની ભાવથી શ્રાદ્ધ વિધિ કરી આશીર્વાદ મેળવે છે.
છેલ્લાં ૧૫૦ વરસથી પવિત્ર સરસ્વતી નદીના કાંઠે શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ તથા શ્રી ઢગલા બાપજીના સાનિધ્યમાં શ્રી મોઢ મોદી સમાજ (પાટણ, ડીસા, વડોદરા) કારતક સુદ આઠમથી કારતક સુદ અગિયારસ સુધી શ્રી ઢગલા બાપજીની પવિત્ર ખુલ્લી જગ્યામાં રહી ત્રણ દિવસ સુધી પૂર્વજોને યાદ કરી તર્પણ વિધિ તથા સરાવવાની (શ્રાદ્ધ) વિધી કરી આશીર્વાદ મેળવે છે. આમાં અન્ય સમાજ જેવા કે ભાટિયા, રામી, મોચી તથા પ્રજાપતિ પણ આસ્થા અને ભક્તિથી ભાગ લે છે. કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિના મૃત્યુબાદ તેમની શ્રાદ્ધ વિધી કરી બ્રહ્મદેવને કપડાં, જમણ તથા દક્ષિણા અર્પણ કરવાથી મૃત્યુ પામેલ વ્યક્તિના આત્માને શાંતિ મળે છે તથા તેમને આ વસ્તુઓ મળ્યાતુલ્ય હોય છે.
મોદી સમાજ માટે અત્રે મુખ્ય આસ્થા તથા શ્રદ્ધાનું કેન્દ્ર ‘શ્રી ઢગલા બાપજી’ છે. માન્યતા મુજબ અહીં જે પથ્થરની પૂજા થાય છે તે સ્વયંભૂ પ્રગટ થયેલ છે. જેને શ્રદ્ધાથી પૂજવાથી મનમાં ધરેલાં કામો પરિપૂર્ણ થાય છે. વારસોથી પહેલાં જ્યારે યાંત્રિક સાધનો નહોતાં ત્યારે પણ મોદી સમાજના લોકો બળદગાડા દ્વારા અત્રે આવી ખુલ્લામાં સહકુટુંબ સાથે રોકાતા હતા જે પ્રથા આજે પણ ચાલુ રહી છે. વાતાવરણની વિપરીત પરિસ્થિતીનો સામનો કરી ઢગલા બાપજીની સેવા પૂજા કરતા તથા અવધૂત સાધુઓ માટે ભંડારો કરતા. વળી “આયા ભોઈ (ભાઈ) આયા”ની ઘોષણાઓ કરી ભાતૃભાવ પ્રગટ કરતાં. સમાજનો આ બહાને એક ધાર્મિક તથા સામાજિક મેળાવડો થતો. કહેવાય છે કે આખા વરસ દરમિયાન ધંધાની વ્યસ્તતાને લીધે કોઈ પણ મિત્ર કે સગા સંબંધીને મળી શકાયું ના હોય તો આ પ્રસંગે તેઓ અચૂક મળી રહે. કારણકે અહીં બધાંની હાજરી હોય જ. નવા વરસની શુભ શરૂઆતની મીઠાશ રૂપે દળેલી ખાંડ તથા ઘી મિક્સ કરી પ્રસાદી રૂપે ચઢાવવામાં આવે છે જેને ‘કોળી’ કહેવામાં આવે છે. શેરડીનો પણ પ્રસાદ ધરાવવામાં આવે છે.
યાત્રિકો દ્વારા શ્રદ્ધા તથા આસ્થાના પ્રતિકરૂપે શ્રી ઢગલા બાપજીના મંદિરમાંથી ધુળ (માટી) લઈ જઈ ઘરે તિજોરીમાં રાખવામાં આવે છે જેનાથી સુખ સંપત્તિમાં વધારો થાય એવી માન્યતા છે. કેટલાક કુટુંબોમાં છોકરાના જન્મ પ્રસંગે માનતા પૂરી કરી બાબરી (ચૌલ ક્રિયા)ની વિધિ કરવામાં આવે છે.
વર્ષો પહેલાં કોઈ પણ જાતની (પાણી, લાઇટ) સગવડ વિના સંઘ અત્રે ત્રણ દિવસ રોકાતો હતો પરંતુ હવે સમાજ દ્વારા અનેક સુવિધા પૂરી પાડવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ નટવરલાલ ઠાકર તરફથી પૂરેપૂરો સહકાર આપી સંઘના આયોજનને સુવિધા પૂરી પાડવામાં આવે છે.
આમ, મોખાત એટલે મુખ્યત્વે મોઢ-મોદી સમાજનો વાર્ષિક તહેવાર જે દરમિયાન ઢગલા બાપજીની પૂજાઅર્ચના તેમજ શ્રાદ્ધ, ચૌલકર્મ જેવી વિધિઓ અને સાધુ સન્યાસીઓને ભોજન કરાવવા જેવા પુણ્યકાર્યો કરવામાં આવે છે. મોખાત આવે એટલે સિદ્ધપુરનું પડ કાર્તિકી પુર્ણિમાના મેળા માટે જાગતું થઈ જાય. સિદ્ધપુર માટે કાર્તિકી પુર્ણિમાનો મેળો એટલે યજમાનવૃત્તિથી માંડી વેપારવણજ થકી આખા વરસનું કમાઈ લેવા માટેનો અવસર. આ કાર્તિકી પુર્ણિમાના મેળાના શ્રીગણેશ મોખાતથી થાય અને મોખાત સારી ભરાય એટલે વરતારો આવી જાય કે આ વખતે કાત્યોક – કાર્તિકી પુર્ણિમાનો મેળો પણ જોરદાર ભરાશે.
બાળપણના એ સમયમાં બ્રહ્માંડેશ્વર પાસે જ્યાં મોખાત ઊતરતી ત્યાં આંબલીઓના ઝુંડ હતાં. ભૂતનો નિવાસ આંબલી એવી પ્રચલિત માન્યતા પ્રમાણે આ આંબલીઓના ઝુંડમાં રાતવરત ફરકવાની કોઈ હિંમત કરતું નહોતું. એ વખતે નદીમાં પાણી વહેતું હોય એટલે કારતક મહિનામાં રાત્રે થીજી જવાય એવી ઠંડી પડે. ક્યારેક સુસવાટા મારતો પવન હોય ત્યારે તો બત્રીસી કકડવા માંડે, શરીર ધ્રુજી જાય, એ મોસમમાં માધુ પાવડીયાંથી બરાબર સામા જ કિનારે બ્રહ્માંડેશ્વરની આંબલીઓમાં મોખાત ઊતરતી અને ખુલ્લા આકાશ નીચે આવી કડકડતી ઠંડીમાં પણ મોઢ-મોદી સમાજનો આ સંઘ પોતાનો આ વાર્ષિક મેળો તેમજ ક્રિયા-કર્મ ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે કરતો. એ દિવસોમાં જિંદગી આટલી સરળ નહોતી. સાધનો પાંખાં હતા અને સવલતો ટાંચી હતી. પણ લોકોના ઉમંગ અને ઉત્સાહને આમાંનું કશું રોકી શકતું નહોતું. બેચાર મિત્રો સાથે મોખાતની છાવણીની મુલાકાત લઈ આવવાનું બનતું. દિવસે પ્રમાણમાં રમણીય લાગતો આ વિસ્તાર રાત્રે તમરાઓના ગાન, ટીટોડીની ચીસ અને દૂર દૂરથી સંભળાતી શિયાળવાની લાળી અને ચીબરીનો ચિત્કાર કે ઘુવડના ધૂ-ધૂથી બિહામણો બની ઊઠતો. હું તો બરાબર આવા જ જંગલમાં ઉછરી રહ્યો હતો પણ રાત્રિના એ અંધકારમાં કે પછી ચાંદની રાતના એકાંતમાં પણ કોઈ ઝાડની ડાળથી ઊડતી ચીબરી કે ઘુવડ ભલભલા કાઠી છાતીવાળાને પણ થથરાવી દે એવો માહોલ રચી જતો. શિયાળાની રાત જેમ ઠરે તેમ શિયાળવાંની લાળી વધતી જાય અને ઠંડી રાતના એકાંતમાં જાણે એ અવાજ નજીકથી જ આવતો હોય એવું લાગે. સાથે કૂતરાંના ભસવાનો અને રડવાનો અવાજ કોઈને પણ ડરાવી દે. આવી મોખાત અને એમાં ઢગલા બાપજી, બ્રહ્માંડેશ્વરની એ આંબલીઓ અને માધુ પાવડીયાંની બરાબર સામેનો એ નદીકિનારો અને એનું થથરાવી દે તેવું એકાંત, મોખાત વિષે ચાલતી જાતજાતની દંતકથાઓ, એક જમાનો હતો આ બધાનો. કાર્તિકી પુર્ણિમાનો મેળો સરસ્વતી નદી કિનારાના વિશાળ સ્ટેજ પર રજૂ થાય તે પહેલાં પરદો ઉચકતો પ્રસંગ એટલે મોખાત. આજે પણ મોખાત આવે છે પણ હવે તો ઘણી બધી સગવડો થઈ ગઈ છે. આજની પેઢીને અગાઉની પેઢી કુદરતના ખોળે આનંદ માણતાં જે રીતે સંસ્કૃતિ અને ધર્મને જીવતી હતી તેનો અંદાજ કદાચ ક્યારેય નહીં આવે.