ફરી પાછા શંકા-કુશંકા અને અનિશ્ચિતતાના ભયે મારો કબજો લેવા માટે મથામણ શરૂ કરી.
શું પરીણામ આવશે?
મને સિવિલ એન્જીનિયરીંગમાં એડમિશન મળી તો જશે ને?

મારું મીની વેકેશન સારી રીતે વીતી રહ્યું હતું. સિધ્ધપુરમાં દિવાળી કરતાં પણ ઉનાળાના વેકેશનમાં મજા આવતી. ગરમી અથવા લૂ લાગે એ વાતથી લગભગ અજાણ અમે સમવયસ્ક મિત્રો સવારે શાસ્ત્રીજીના બંગલે ભેગા થઈએ અને આખો દિવસ કંઈકને કંઈક મજાની પ્રવૃત્તિમાં લાગ્યા રહીએ. ક્યારેક બાલારામ, ક્યારેક અંબાજી, ક્યારેક બહુચરાજી તો ક્યારેક માઉન્ટ આબુ એવા નાના મોટા પ્રવાસ પણ ગોઠવાતા. શાસ્ત્રીજીનો દીકરો પતંજલી મારે સમવયસ્ક. બીજા બે મિત્રો તે શાંતુ અને ત્રિભોવન(જગો). શાસ્ત્રીજીના વિદ્યાર્થીઓમાંથી એક ચંદ્રશેખર અને બીજો છાપીનો ચંપક, કાંતીભાઈ અને પ્રભાશંકર. સમય ક્યાં જતો રહે તે ખબર નહોતી પડતી. એમાં શાસ્ત્રીજીના મોટા જમાઇ બાબુલાલ પંડ્યાજી મુંબઈમાં સોલિસિટર તેમણે લગભગ એ સમયે નવી નવી એમ્બેસીડર ગાડી લીધી હતી. ગાડી લઈને મુંબઈથી સિધ્ધપુર આવતા. એમનાં પત્ની મીનાબહેન અને દીકરો યતીશ. જે એ સમયે ત્રણ-ચાર વરસનો હશે. ચંદુ કરીને એક ડ્રાઈવર અને બીજો યતીશનો મિત્ર અને સમવયસ્ક પ્રેમચંદ આ બે મહારાષ્ટ્રીયન પાત્રો. ચંદુ પંડ્યાજીને ગાડી ચલાવતાં જે સૂચનાઓ આપે તે હજુ પણ મગજમાં એવી જ અંકિત છે

“બ્રેક સોડા.
ગેસ દ્યા.
આણી આહિસ્તા આહિસ્તા બ્રેક સોડા.
ગેર બદલા.”

ચંદુ મજબૂત બાંધાનો માણસ. કદાચ જાતે કોળી અથવા મરાઠો હશે.
કારના યંત્ર સાથે થોડો પરિચય ત્યાંથી થયો.
રેડિયેટરમાં પાણી ભરવું, બેટરીનો ટર્મિનલ છૂટો કરી દેવો વિગેરે બોનેટ ખોલીને મશીનનો પરિચય કરતાં પણ એ સમય દરમિયાન જ શીખ્યો.

સિધ્ધપુરના ઉનાળુ વેકેશન સમયે ક્યારેક શાસ્ત્રીજીના મોટા દીકરા આશુતોષભાઈ પણ આવી ચડે. તે સમયે શાસ્ત્રીજીના બંગલે રીતસરની મહેફિલ જામે. શાસ્ત્રીજીનાં મારા સમવયસ્ક સંતાનો ભાઈ પતંજલી અને બહેન વ્રજેશ્વરી (નાની બહેન) એમનાથી મોટાં બ્રહ્મુબહેન. ત્યારબાદ આશુતોષભાઈનું કુટુંબ એટલે આશુતોષભાઈ અને વીણાબહેન, એમની મોટી દીકરી શેફાલી અને નાની દીકરી રોમશા. (એમનો દીકરો સૌનક લગભગ ૧૯૬૯-૭૦માં જન્મ્યો હશે જ્યારે હું મુંબઈ આઈ.આઈ.ટી.માં ભણતો હતો.) પંડ્યાજીના પરીવારમાં પોતે મીનાબહેન અને દીકરો યતીશ. એનો સમવયસ્ક પ્રેમચંદ પણ વેકેશનમાં સિધ્ધપુર આવતો. 

ક્યારેક અમદાવાદ હરીશંકરભાઈ વ્યાસનાં અમારા સમવયસ્ક સંતાનો દત્તુ અને કપિલ પણ જોડાય.
એકબાજુ મારું ઘર. હું, બાપા અને મા.
બાપા ક્યારેક બહારગામ હોય ત્યારે...
હું અને મા એકલાં.

બીજી બાજુ ભાઈ-બહેનનાં પરીવારથી તેમજ શાસ્ત્રીજીના બાકીના સંતાનો અને મહેમાનોથી ગાજતો તેમનો બંગલો (શારદા સદન). દિવસનો મોટો ભાગ અહીં જ વિતતો.

રાત્રે કાં તો ચારઆના-આઠઆના ઉઘરાવીને બટકાવાડાં કે પેટીશ જેવી પાર્ટી અથવા આશુભાઈ કે પંડ્યાજી હોય ત્યારે સધ્ધર યજમાનોના ખર્ચે આઈસક્રીમથી માંડી કંઈકને કંઈક બનાવીએ.

આઈસક્રીમની કોઠી જાતે બરફ અને મીઠું નાખી તૈયાર કરવાની પણ એક મજા હતી.
નાનું-મોટું ફરસાણ બનાવતાં અને રસોઈ કરતાં મને અહીં જ શીખવા મળ્યું. મા કદી પ્રાઇમસ કે ચૂલા પાસે તેલ ઉકળતુ હોય ત્યારે જવા પણ ન દે.
મારી બહુ કાળજી રાખે.
પણ શાસ્ત્રીજીના બંગલે થતી આ પાર્ટીઓમાં એમનો દીકરો બધા જ સુરક્ષા નિયમોનો નેવે મૂકીને જાત-જાતનાં સાહસો કરે.
મા નું ચાલ્યું હોત તો કદાચ માથે હથેળીનો છાંયડો કરીને ઉછેરત.
પણ...
એનો દીકરો વડના વાંદરાં ઉતારે એવો પાક્યો હતો.
ચોરના માથાની જેમ ગમે ત્યાં રખડ્યા કરતો.
મા ની બધી વાત “શેઠની શિખામણ ઝાંપા સુધી”ની જેમ. બધું હા એ હા કરવાનું.
આ ઉનાળુ વેકેશનમાં આ વખતે ઘણો બદલાવ આવ્યો હતો.
વેકેશનનો મોટો ભાગ વડોદરા ટેસ્ટની તૈયારી અને ટેસ્ટ આપવામાં જ ગયો હતો.
બાકી રહેતો ભાગ માંડ પંદરેક દિવસ એ વેકેશનનો “Tail end” એટલે કે પૂંછડિયો ભાગ હતો.
લગભગ ૧૫મી જૂન આવતાં આવતાં તો શારદા સદન પણ શાંત થઈ જતું.
મુંબઈના મહેમાનો પરત જતાં રહે અને વળી પાછાં... 
હું તું અને રતનીયો જેવાં અમે ત્રણ-ચાર મિત્રો શાળાનું વેકેશન ખૂલે તેની રાહ જોઈએ.
આ વખતે તો વેકેશન નહોતુ ખૂલવાનું
ભાવિનો ભેદ ખુલવાનો હતો.
એન્ટ્રંસ ટેસ્ટનું પરીણામ આવે એટલે આગળનું ભાવિ નક્કી થવાનું હતું.
જય નારાયણ તો હોશિયાર છે એ મુખવટો ટકશે કે કેમ એ નક્કી થવાનું હતું.
ક્યારેક એકલો પડું ત્યારે અથવા રાતે પથારીમાં સૂતાં સૂતાં ભાવિની અનિશ્ચિતતાના વિચારો મારો કબજો લઈ લેતા.
મારે એન્જીનિયરીંગમાં જવુ છે એ આખી દુનિયાને કહી વળ્યો હતો.
જો કે આમાં ખાનગી રાખવા જેવું કંઇ નહોતું.
ખાલી આ જાહેરાત કરતો ત્યારે ભાવિમાં કેવા ખતરનાક પલટા આવવાના છે તેનો ખ્યાલ નહોતો.
હું મારી ક્ષમતા અને આત્મવિશ્વાસ પર મુશ્તાક હતો.
હવે સમજાતુ હતુ કે આ મહેચ્છા જાહેર કરીને મેં કેવું મોટું સાહસ કર્યું હતું.
શું જરૂર હતી કોઈ પૂછે ત્યારે આ જાહેરાત કરવાની?
ખેર, તીર છૂટી ગયું હતું. હવે એમાં કંઇ જ થઈ શકે તેમ નહોતું. 
આ પરિસ્થિતિએ મને પરિપક્વતાનો પહેલો પાઠ શીખવાડ્યો.
તમે બંધાઈ જાવ તેવી જાહેરાત ક્યારેય પણ ન કરો.
તમારી મહત્વાકાંક્ષા તમારા પૂરતી જ રહેવા દો.

મેં કાકાસાહેબ કાલેલકર લિખીત “સ્મરણાયાત્રા” અને “મનોમંથન” વાંચ્યાં હતાં. 
યોગાનુયોગ મનોમંથન પુસ્તકમાં એક પ્રકરણ હતું. “વકીલ કે એન્જીનિયર? ભાગ્ય કહે એક્કે નહીં.”

આ પ્રકરણ એ સમયગાળા દરમિયાન હું વખતો વખત વાંચતો રહ્યો. કાકાસાહેબ કાલેલકર લખે છે કે “મેં મન સાથે નક્કી કર્યું કે આપણે તો એન્જીનિયર થવાના.”

આગળ જતાં લખે છે- “બસ, આપણે તો એન્જીનિયર જ થવાના. લગભગ નક્કી કરી દીધું. એ પ્રમાણે સ્નેહીઓ વચ્ચે જાહેર પણ કર્યું.” (કાકાસાહેબ કાલેલકરે પણ મારા જેવી જ ભૂલ કરી હતી. એ વાંચીને થોડુંક હરખાતો પણ ખરો. ક્યાંક કહેવત સાંભળી હતી “બધા જ મહાન માણસો એક સરખું વિચારે છે !” મેં એકલાએ જ ભૂલ નહોતી કરી કાકાસાહેબ કાલેલકર જેવા વ્યક્તિએ પણ આવો જ બફાટ કર્યો હતો !!)

પણ એ એન્જીનિયર થવાના બદલે તત્વજ્ઞાન વિષયમાં ગયા. ફિલોસોફર થઈ કોઈ કોલેજમાં અધ્યાપક થવા નહીં પણ જીવનનું રહસ્ય સમજી પોતાનું જીવન કૃતાર્થ કરવા માટે અને વેદાંતની સાધના સિધ્ધ થઈ શકે તો મોક્ષ મેળવવા માટે.

એમણે લખ્યું છે- “આમ વકીલ અને એન્જીનીયર થવાનુ માંડી વાળ્યું એ મારું મોટું ભાગ્ય માનું છું.”
બરાબર અહીં જ કાકાસાહેબ કાલેલકર મારાથી જુદા પડ્યાં.
એમણે તત્વજ્ઞાનનો રસ્તો પકડ્યો પોતાની પસંદગીથી.
એન્જીનિયર નહીં બનવાનું નક્કી કર્યું પોતાની પસંદગીથી.
એમણે એમનો સંકલ્પ તો છોડ્યો પણ આગળ લખ્યું છે- “માણસના સંકલ્પો એને છોડતા જ નથી. નવા સંકલ્પના જોરે એ છોડી દે છે તો એ જૂના સંકલ્પો એના દીકરાને અથવા એનાં દીકરાના દીકરાને વળગવાના જ. મારા બીજા દીકરા બાળે જ્યારે એન્જીનિયરીંગનો અભ્યાસ લેવાનુ નક્કી કર્યું ત્યારે મારો નાનપણનો રસ્તો યાદ આવે.” 
તેમણે તેમના દીકરાને એન્જીનિયરીંગમાં નહીં જવા સલાહ આપી પણ ખરી.
પણ...
દીકરાએ જવાબ આપ્યો, “મારું દિલ આ વિષયને ચોંટયું છે એટલે મારે બીજી કોઈ પસંદગી કરવાપણું છે જ નહીં. એન્જીનિયરીંગ એટલે એન્જીનિયરીંગ જ.”
એમના દીકરાનો જવાબ મને ગમ્યો. 
“બાપ કરતાં બેટો સવાયો” કહેવત યાદ આવી.
મારા સંતાનોને કે સંતાનોનાં સંતાનોને મારો અધૂરો છોડી દીધેલ સંકલ્પ વળગે નહીં કે પજવે નહીં તે હેતુથી પણ મારે હવે તો એન્જીનિયર થવું જ રહ્યું.
એન્જીનિયર થવાની મારી આકાંક્ષા આ પ્રકરણ વાંચ્યા પછી વધુ દ્રઢ બની.
મનોમન ગાંઠ વાળી
એન્જીનિયર એટલે એન્જીનિયર એટલે એન્જીનિયર જ.
ખેર, મામાનું ઘર હવે દૂર નહોતું.
બે દિવસ પછી જ પરીણામ જાહેર થવાનું હતું.
મા એ આપેલા શુકનના ગોળની કાંકરી મોમાં મૂકી, ઘરમંદિરમાં દર્શન કરી, મા નાં આશીર્વાદ લઈ મેં અને બાપાએ સ્ટેશનનો રસ્તો પકડ્યો.
બાપા મને સ્ટેશને મૂકવા આવ્યા.
સિધ્ધપુર સ્ટેશનેથી ગાડી ઉપડી.
સરસ્વતીના પુલને વટાવી એ આગળ વધી રહી હતી ત્યારે...
ફરી પાછા શંકા-કુશંકા અને અનિશ્ચિતતાના ભયે મારો કબજો લેવા માટે મથામણ શરૂ કરી.
શું પરીણામ આવશે?
મને સિવિલ એન્જીનિયરીંગમાં એડમિશન મળી તો જશે ને?
હું મારા સહાધ્યાયીઓ સાથે ઉન્નત મસ્તકે કલાભવનની એ ભવ્ય ઇમરતમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશવાને હકદાર તો બનીશ ને?
હા...
ના...
હા...
ના...
મહેસાણા ક્યારે વટી ગયુ તેની ખબર જ ન પડી.
હું તંદ્રામાંથી જાગ્યો ત્યારે ગાડી લગભગ કલોલ પહોંચી હતી.
શરીર વડોદરા તરફ ગતિ કરી રહ્યું હતું
પણ મન તો ક્યારનુંય ત્યાં પહોંચી ગયું હતું.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles