Tuesday, February 7, 2017

મારા અભ્યાસ અને કારકીર્દીના આયોજનમાં પણ મારા બાપાનો ફાળો બહુ મોટો છે. એમની પકડ ગણિત અને અંગ્રેજી ઉપર બહુ જ સારી. આજે જેને અંગ્રેજીમાં ટેબલ્સ કહે છે તેને અમે ઘડીયા કહેતા. મને છેક ઉઠાં સુધીના ઘડીયા એમણે મોઢે કરાવેલા. ઉઠાં એટલે સાડા ત્રણનો ગુણક. આ કારણે નાના મોટા હિસાબો કાગળ પેન્સિલ વગર ફટાફટ ગણી શકવાની ક્ષમતા ઉભી થઈ. ક્ષેત્રફળ, ઘનફળ, ગતિ અને અંતર જેવાં વિષયો અંગે પણ ખૂબ સારું જ્ઞાન મારા બાપા પાસેથી મળ્યું. એ જમાનામાં પૈસો, આનો અને રુપિયો જેવાં ચલણ હતા. એક રુપિયાના ચોસઠ પૈસા અને પૈસો ત્રાંબાનો આજના રુપિયા જેવડો ગોળ અથવા વચ્ચે કાણાવાળો આવતો. બે પૈસાનો સિક્કો ઢબુ કહેવાતો. ત્યારપછી ચાર પૈસાનો સિક્કો આનો કહેવાતો અને ત્યારપછી બે આનાનો સિક્કો અને ત્યારબાદ ચાર આનાનો સિક્કો એ પાવલી અને આઠ આનાના સિક્કાને અધેલી કહેતા. પછી રુપિયો આવે જેનો સિક્કો પણ હતો અને નોટ પણ હતી. પછી બે રુપિયા, પાંચ રુપિયા અને દસ રુપિયાની નોટ આવતી. ત્યારપછી આગળ સો રુપિયાની નોટ અને પાંચ હજારની નોટ પણ હતી. જો કે મેં પહેલવહેલી સો ની નોટ દસમા ધોરણમાં મારી સ્કોલરશીપ એકસો વીસ રુપિયા આવી ત્યારે જોયેલી. બાકી અમારે માટે દસ રુપિયાથી આગળનું ચલણ કોઈ મતલબ રાખતું નહોતું એની જરુર પણ નહોતી. ચાર આને (આજના પચ્ચીસ પૈસા) શેર (આશરે પાંચસો મીલી) ચોખ્ખું ભેંસનું દૂધ મળતું. એક રુપિયાનું ચાર અઘોળ એટલે કે દસ રુપિયે કિલો ચોખ્ખું ઘી મળતું. પાંચથી સાત રુપિયે વીસ કિલો ઘઉં અને ચાર રુપિયે વીસ કિલો બાજરી મળતી. પાંચ આના (આજના ત્રીસ પૈસા) પાંચસો ગ્રામ ખાંડ અને ત્રણથી સાડા ત્રણ રુપિયે કિલો ચોખ્ખું તેલ મળતું. રસની કેરી આવે ત્યારે સીઝનમાં એક રુપિયાની આઠથી દસ શેર (એટલે કે ચારથી પાંચ કિલો) રસની કેરી મળતી. પાંચ રુપિયામાં સરસમજાના ચામડાના બૂટ અમારા પરભુભાઈ મોચી સીવી આપતા અને સાડા ત્રણ રુપિયામાં સારી ક્વોલીટીના ચામડાના ચપ્પલ મળતા. આ સોંધવારીનો જમાનો હતો. રુપિયો ત્યારે ગાડાના પૈડા જેવડો હતો. કડિયાની દાનગી રોજના દસ રુપિયા હતી અને ખેતી કામમાં પુરુષ મજૂરની દાનગી રોજના બે રુપિયા અને સ્ત્રી મજૂરની દાનગી રોજનો દોઢ રુપિયો હતી. અત્યારે આ બધું યાદ કરીએ છીએ તો જાણે મોહેજોદરો કે તક્ષશિલા નાલંદાના સમયનો ઈતિહાસ લખતા હોઈએ તેવું લાગે છે.

 

વળી પાછા મૂળ વાત પર પાછા ફરીએ તો જેટલા રુપિયે મણ (અંદાજે વીસ કિલો) એટલા આનાનું અઢી શેર (અંદાજે કિલો) આવા સરળ સૂત્રો થકી અંકગણિત શીખવાડાતું. કેલક્યુલેટર કે કોમ્પ્યુટરની વાત તો બાજુ પર રાખીએ લોગેરીધમ ટેબલ સાથેનો પણ મારો પરિચય કોલેજમાં આવ્યા પછી થયો. આજે પણ નાના મોટા હિસાબો ફટાફટ મગજથી ગણી શકાય છે અને રાજ્યનું બજેટ હોય કે કેન્દ્રનું આંકડાઓની આરપાર સરળતાથી જોઈ શકવાની જે ક્ષમતા મગજમાં ઉભી થઈ છે તેનું મૂળ કારણ ક્યારેક ભણેલા પેલા ઉઠાં સુધીના ઘડીયા કે પછી અંકગણિતના અથવા ભૂમિતિના સાદા સરળ સૂત્રો છે એમ કહી શકાય. અત્યારે દુનિયા બદલાઈ ગઈ છે. નાની રકમના ગુણાકાર, ભાગાકાર કે સરવાળા માટે પણ કેલક્યુલેટર જોઈએ તો જ કામ થાય. ડાર્વિનનો સિદ્ધાંત એવું કહે છે કે – માણસ પોતાની જે જે ક્ષમતા અથવા જે અંગ ઓછું વાપરે તે ઘસાતુ જાય છે. મને લાગે છે મગજ નામના કોમ્પ્યુટરને આરામ આપીને આપણે વિકાસના નામે ઈલેક્ટ્રોનિક કોમ્પ્યુટરો પર આધાર રાખતા થયા છીએ તેના ઘણા બધા ફાયદાની સાથોસાથ એક મોટો ગેરફાયદો આપણી ખાસ કરીને ભારતીય વંશના લોકોની ગણિત ગણવાની ક્ષમતા અને એનો ઉપયોગ ઘસાતો જઈ રહ્યો છે તે છે. મારા બાપા અંકગણિત અને ભૂમિતિ પર સારી પકડ ધરાવતા અને સાતમા ધોરણ સુધી એમણે મને આ વિષયોમાં તૈયાર કર્યો.

 

બીજી એક બાબતે મારા બાપાનું મારા ઘડતરમાં જો મોટું પ્રદાન રહ્યું હોય તો તે ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને હિન્દી ભાષાઓ માટે રસ પેદા કરવાનું. ગુજરાતીમાં ચીવટ કરીને એ મને “શિષ્ટવાચન”ની પરીક્ષાઓ અપાવતા. આ પરીક્ષામાં કોઈ એકાદ પુસ્તક અભ્યાસક્રમ તરીકે રહેતું અને તેના ઉપર આધારીત પ્રશ્નો પુછી પરીક્ષા લેવાતી. મેં આવી પાંચથી છ પરીક્ષાઓ આપેલી. માદામક્યુરી અને એના સંશોધન કે લૂઈ પેશ્યર અને ફ્લેમીંગ જેવા વૈજ્ઞાનિકો કે પછી મહાત્મા ગાંધી કે કાકા કાલેલકર જેવી વિભૂતિઓ સાથે ખૂબ નાની ઉંમરે શબ્દોના માધ્યમ થકી પરિચયમાં આવવાનું બન્યું એનું કારણ આ શિષ્ટવાચનની પરીક્ષા હતી. અંગ્રેજી માધ્યમમાં તો કોલેજના પહેલા વરસમાં આવ્યો ત્યારે ભણવાનું બન્યું પણ પાંચમા ધોરણથી આઠમા ધોરણ વચ્ચેના વરસોમાં મારા બાપાએ અંગ્રેજી પાઠમાળાના બધા જ ભાગ પૂરા કરાવી નાંખ્યા હતા જેની સીધી અસર મારા અંગ્રેજીના વ્યાકરણ અને સ્પેલીંગ બન્ને પર પડી. એમની ચીવટ એટલી પાકી હતી કે ભૂલથી જો will ને બદલે shall વપરાય તો આવી બનતું. મારા અંગ્રેજીના જ્ઞાનનો પાયો જડબેસલાક રીતે નાંખવામાં પાઠમાળાઓ થકી શીખવા મળેલ અંગ્રેજી ભાષા અને વ્યાકરણનો ફાળો બહુ જ મોટો છે.

 

સામાન્ય મધ્યમ વર્ગના કુટુંબમાં જનમવાના જેમ ગેરફાયદા છે તેમ ફાયદા પણ છે. તમારી આજુબાજુનું વાતાવરણ તમને તમારી મહત્વાકાંક્ષાઓ પર લગામ ક્યાં અને કેટલી રાખવી તે શીખવે છે. મારા બાપાએ જીવનમાં ઘણી લીલી સૂકી જોઈ હતી. આ આપદાઓ એમના જુસ્સા કે ખુમારીને ક્યારેય ન નમાવી શકી પણ વાસ્તવિક્તાની એમની પરખ એના કારણે જ વિક્સી. એ હંમેશા કહેતા “હાહ (શ્વાસ) ખઈને હો (સો) ગઉ (ગાઉ) જવાય” એટલે કે ધીરજ સાથેની નિષ્ઠા જ પરિણામલક્ષી બની શકે. પણ બીજો પાઠ એ પણ શીખવાડતા કે પ્રયત્ન વગર કશું મળતું નથી અને મળે તો લાયકાત વગર કશું ફળતું નથી. વારંવાર એ મને નીચેની પંક્તિઓ યાદ કરાવતા-

 

“હાઉ કેન યુ ગેટ અપ બોય

ઈફ યુ નેવર ટ્રાય

ટ્રાય એન્ડ ટ્રાય અગેઈન

યુ વીલ સક્સીડ એટલાસ્ટ”

 

આપણા ગુજરાતીમાં પણ કવિ દલપતરામ રચિત કંઈક આવી જ પંક્તિઓ છે –

“કરતા જાળ કરોળિયો

ભોંય પડી પછડાય

વણ તૂટેલે તાંતણે

ઉપર ચડવા જાય”

 

પ્રયત્ન એ સફળતાનો પાયો છે, પ્રયત્ન તમને ઘડે છે અને એટલે ક્યારેય પ્રયત્ન ન છોડી દેવો તેવું એમનું કથન હતું.

 

વાસ્તવિક્તા સાથે એમને ખૂબ નજદીકી નાતો હતો અને એટલે મારી જીંદગીના પહેલા પડાવનું પહેલું ધ્યેય એમણે નક્કી કરેલું પ્રાથમિક શિક્ષકની નોકરી મેળવવાનું. આ માટે એમણે મને તે જમાનામાં પ્રાથમિક શાળાંત પરીક્ષા જેને ફાઈનલ કહેવાતી અપાવવા માટે સાતમું ધોરણ સિદ્ધપુરની શાળા નંબર એકમાં દાખલ કરીને ભણાવ્યું. મારી સાથેના કેટલાક વિદ્યાર્થીઓ સાતમા ધોરણથી એલ.એસ. હાઈસ્કુલમાં દાખલ થયા. તે સમયે ફાઈનલ પાસ કરો એટલે પ્રાથમિક શિક્ષકની નોકરી મળી જતી. મેં ફાઈનલની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરી માટેના દરવાજા હવે મારા માટે ખુલ્લા હતા !

 

પણ આ તો અભિમન્યુના પહેલો કોઠો જીતવા જેવું હતું. નોકરી તો કરવાની જ નહોતી. હવે એમણે કારકીર્દીનું લક્ષાંક વધુ આગળ ગોઠવ્યું. હવેનું લક્ષાંક હતું માધ્યમિક શાળામાં શિક્ષક બનાવવાનું. આ માટે પસંદગી થઈ હિન્દી ભાષાની. જયનારાયણ વ્યાસ પાછા કામે લાગ્યા. ધ્યેય હતું ગુજરાત વિદ્યાપીઠની વિનીત અને સાથોસાથ ભારતીય વિદ્યાભવનની રાષ્ટ્રભાષા રત્ન પાસ કરવાનું. આ બન્ને ગઢ પણ જીતાઈ ગયા. હું એસએસસી પાસ થયો તે પહેલાં આ રીતે હિન્દીની સ્નાતક સમકક્ષ ડિગ્રી મેળવી ચુક્યો હતો. મારા માટે હવે ઝડપથી ખુલતી જતી હાઈસ્કુલોમાં હિન્દી શિક્ષક બનવા માટેની તક ઉભી થઈ ગઈ. કારકીર્દીનો એક નવો દરવાજો ખુલ્યો માધ્યમિક શાળામાં શિક્ષક બનવાનો.

 

પણ એસએસસી પરીક્ષામાં સ્કુલમાં પહેલો આવ્યો. ડીસ્ટીંક્શન સાથે પરીક્ષા પસાર કરી. બેંક ઓફ બરોડામાં ત્યારે ક્લાર્કની નોકરી માટે પસંદગી થઈ. મારા ઘરની કે બાપાની આર્થિક સ્થિતિ એવી નહોતી કે મને બહાર કોઈ સારી યુનિવર્સીટીમાં ભણવા મુકવાની જોગવાઈ થઈ શકે. આમ તો નોકરીએ લાગી જવું એ મારા બાપાની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોત તો એણે સ્વીકારી લીધું હોત. બેંકમાં નહીં તો હાઈસ્કુલમાં ક્યાંકને ક્યાંક ઠેકાણું પડી જાત. મારા બાપાની ઉંમર તે વખતે સાઈઠ વરસ હતી. બે વરસ પહેલાં જ રેલ્વેની બીજી વારની નોકરીમાંથી તે નિવૃત્ત થઈ ચુક્યા હતા. વચ્ચે રાજીનામું આપીને નોકરી છોડી પછી પાછા જોડાયા એટલે તૂટક નોકરી ગણી કોઈ પેન્શન કે ગ્રેજ્યુઈટીના લાભ એમને મળવાપાત્ર નહોતા.

 

પણ આવું ન થયું. એનું એક કારણ તે મારા મા-બાપનું મનોબળ અને પ્રોત્સાહન. હું આગળ વધું તે માટેની એમની સતત ખેવના પણ એ ખેવનાને બળ મળ્યું સર સયાજી ડાયમંડ જ્યુબીલી ટ્રસ્ટ દ્વારા મને મંજૂર કરવામાં આવેલ સ્કોલરશીપને કારણે. આને કારણે લગભગ લગભગ બે છેડા મળી રહેતા હતા અને એટલે જે મારા મા-બાપની મહેચ્છા હતી તે શક્ય બન્યું મને આગળના અભ્યાસ માટે વડોદરા મોકલવો એવું નક્કી થયું.

 

નસીબ જાણે કે મારા પર મહેરબાન હતું. ઘટનાઓ એક પછી એક એવી બનતી જતી હતી કે અનુકૂળ સંજોગો સર્જાયા. છેવટે બધું તકદીરને આધીન છે પણ એ બહાના હેઠળ શતરંજની રમતના અઠંગ ખેલાડીની જેમ મારા બાપાએ મારી કારકીર્દીનાં કૂકરાં જે રીતે આગળ ધપાવ્યાં તે પણ કાબીલેતારીફ છે. પહેલા પ્રાથમિક શાળામાં શિક્ષક, પછી માધ્યમિક શાળામાં શિક્ષક બનવાની ગુણવત્તા અને હવે આગળ........

 

આવતીકાલ કઈ રીતે વીતશે એની જેને ચિંતા હોય.

સતત પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અને ઘર ચલાવવા માટે સંઘર્ષ કરવામાં સાચા અર્થમાં જે વ્યક્તિએ પોતાની જાત ઘસી નાંખી હોય તે વ્યક્તિ પોતાની ઢળતી ઉંમરે વળી પાછો એક વધુ દાવ રમી નાંખે તે દીર્ઘદ્રષ્ટિ, હિંમત અને સંઘર્ષશક્તિ બહુ ઓછા માણસોમાં હોય છે. મજાની વાત તો એ હતી કે મારી કારકીર્દી ઘડવામાં આ માણસે ક્યારેય મને સીધો એવરેસ્ટના શિખરે બેસાડી દેવાનાં સ્વપ્નાં નહોતાં જોયાં. એના પગ હંમેશા વાસ્તવિક્તાની ધરતી ઉપર જોડાયેલા હતા. એક કાબેલ આયોજકની માફક એક પછી એક મુકામ સર થતા ગયા. આગળના મુકામ ઉપર ધારો કે હું નિષ્ફળ નીવડ્યો હોત તો પાછળ બેઝકેમ્પમાં ઓછામાં ઓછી હાઈસ્કુલમાં શિક્ષકની નોકરી મળે એ તૈયારી હતી જ. જ્યારે આજે આ આયોજન પાછળની કુશાગ્ર બુદ્ધિનો હું વિચાર કરું છું ત્યારે મનોમન કહેવાઈ જાય છે.

 

સો સો સલામ

સલામ તમારી દીર્ઘદ્રષ્ટિને

સલામ તમારી હિંમતને

સલામ તમારી સહનશક્તિને

સલામ – નિશાનચૂક માફ નહીં નીચું નિશાનની તમારી વૃત્તિને

સલામ તમારી ખુમારી અને ખુદ્દારીને

 

ક્યારેક મારા માટે થઈને કોઈકનું સાંભળવું પણ પડ્યું છે.

હું એનો સાક્ષી છું.

જે માણસ ઘડીના છઠ્ઠા ભાગમાં નોકરી છોડી દે.

જે માણસ પત્નીના દાગીના સુદ્ધાં વેચીને દેવું ચૂકવી દે

એ માણસે માત્રને માત્ર પોતાના દિકરાની કારકીર્દી માટે થઈને કોઈ કશું કહી જાય તો ગરવાઈથી ગળી જાય એનો હું સાક્ષી છું.

આ બધું એટલે યાદ કરીને લખું છું કે તમે જે વેઠ્યું એમાંનું કશુંય હું ભૂલ્યો નથી.

આ કારણથી જ આજે પણ અબજોપતિને ત્યાં કે કોઈ મોટા હાકેમને ત્યાં પ્રસંગ હોય અને એ જ સમયે કોઈ નાના માણસના ત્યાં પ્રસંગ હોય તો મારી હાજરી પેલા નાના માણસને ત્યાં પૂરાવું છું.

એ નાના માણસમાં મને પોતીકાપણું લાગે છે.

આ સંસ્કાર તમારી તપશ્ચર્યાના છે.

તમે તમારી પાછલી ઉંમરે પણ વેઠ્યું, સહન કર્યું.

માટે.....

માટે.....

માટે......

નર્મદાશંકર વ્યાસ

તમારો દિકરો આજે પાંચમાં પૂછાય છે.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles