ગાયકવાડ દરબારમાં નાયબ સર સુબા સિદ્ધપુર નિવાસી રાવ સાહેબ પ્રહલાદજી સેવકરામ
સયાજીરાવ ત્રીજા દ્વારા શાસિત વડોદરા રાજ્ય આઠ હજાર એકસો સત્તાવીસ (૮૧૨૭) ચોરસ માઇલના વિસ્તારમાં પથરાયેલું દેશના પ્રગતિશીલ રાજ્યોમાંનું એક અને અતિ સમૃદ્ધ રાજ્ય હતું. આ રાજ્યની સીમાને ચાર ડિવિઝન (વિભાગ)માં વહેંચવામાં આવી હતી જેમાં વડોદરા, કડી અને નવસારીનો સમાવેશ થતો હતો. કાઠીયાવાડ ડિવિઝન અમરેલી તરીકે જાણીતું હતું અને ઓખામંડળનો ભાગ હતું.
કડી પ્રાંત ત્રણ પેટા વિભાગોમાં વહેંચાયેલો હતો જેમાં પાટણ, વિસનગર અને કડીનો સમાવેશ થતો. પાટણના પેટા વિભાગોમાં પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર, ખેરાલુ અને હારીજ પેટા મહાલનો સમાવેશ થતો. આમ સિદ્ધપુર એ પાટણ સબ ડિવિઝન હેઠળ આવતું.
૧૦ એપ્રિલ ૧૮૭૫ થી ૬ ફેબ્રુઆરી ૧૯૩૯ એટલે કે ૬૦ વરસ કરતાં પણ વધુ લાંબા સમય શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ રાજ્ય કર્યું અને એમના સુશાસનની કીર્તિ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ ફેલાઈ.
આ શાસન દરમ્યાન સિદ્ધપુરના એક વિદ્વાન ભૂદેવ, જે પોતે મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવા સાક્ષરોના મિત્ર હતા તે, વડોદરા રાજ્યમાં નાયબ સર સુબાના ઉચ્ચ હોદ્દે પહોંચ્યા હતા.
૧૯૧૯માં સુદર્શન ગદ્યાવલિ પ્રગટ થઈ.
મણિલાલ ન. દ્વિવેદીના ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’માં પ્રગટ થયેલા નિબંધોનો બૃહત્ સંગ્રહ. એમાં ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય, કલા એમ લગભગ તમામ ક્ષેત્રોના મહત્ત્વના વિષયોની તાત્વિક તેમ જ વ્યાવહારિક વિચારણા છે. વિભિન્ન રુચિ અને અધિકારવાળા વાચકોને રસ પડે તેવી વિષયસામગ્રી ધરાવતા આ નિબંધોની મુખ્ય વિશેષતાઓ છે - ઉચ્ચ કોટિની વિચારસંપત્તિ અને વિષયનું સુદ્દઢ ગ્રથન તથા નિરૂપણ. તત્ત્વચર્ચા અને સિદ્ધાંતનિરૂપણના પ્રસંગે એમની શૈલી સ્વસ્થતા અને ગૌરવ સાથે ઊંડી પર્યેષકતા ધારણ કરે છે. આ નિબંધોમાં થયેલી વિચારણા અને તેથી ચાલેલા વિવાદોને લીધે ગુજરાતી ગદ્યની શાસ્ત્રીય ચર્ચાની ક્ષમતા ઘડાઈ હતી એ કારણે આ ગ્રંથ ‘ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધભંડાર’ ગણાયો છે અને એના લેખકને અર્વાચીન યુગના ત્રણ શ્રેષ્ઠ નિબંધકારોમાં સ્થાન મળ્યું છે.
આ ગદ્યાવલિમાં સમાવિષ્ઠ સુદર્શન અને પ્રિયંવદાના પાન નંબર ૧૯૨ પર પંચદશીનું પારિતોષિક શીર્ષક હેઠળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે – ‘મણિલાલના મિત્ર અને વડોદરા રાજ્યના તે વખતના નાયબ સરસુબા સિદ્ધપુરના રહીશ રાવ સાહેબ (રા. સા.) પ્રહલાદજી સેવકરામે શ્રીમદ્વિધારણ્ય સ્વામી પ્રણીત ‘પંચદશી’નું સારી ટીકા સહિત ભાષાંતર કરનારને રૂપિયા બસ્સો ઈનામ આપવાનું જાહેર કરેલું તે પ્રમાણે ‘સુદર્શન’ના તંત્રીને ચાર ભાષાંતરો મળેલાં. તે ભાષાંતરો મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, આનંદશંકર બાપુભાઈ ધ્રુવ અને મણિલાલ ન. દ્વિવેદીની કમિટીએ તપાસીને ઈનામ જામનગરવાળા પ્રખ્યાત શાસ્ત્રી કેશવજીના શિષ્ય શાસ્ત્રી હાથીભાઇ હરીશંકરને આપ્યાની જાહેરાત છે.’
આમ સિદ્ધપુર નિવાસી રાવ સાહેબ પ્રહલાદજી સેવકરામ સર સયાજીરાવ ગાયકવાડના નાયબ સર સુબાના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા હતા અને એ જમાનામાં એમને પોતાના તરફથી રૂપિયા ૨૦૦નું ઈનામ આપ્યું હતું. એટલે આર્થિક રીતે સિદ્ધપુરના આ ભૂદેવ ખાસ્સા સમૃદ્ધ હશે એટલું જ નહીં પણ વિદ્યાવ્યાસંગી હશે તેમ કહી શકાય.