Friday, December 23, 2016

થોડીવારમાં ડૉ. ઓઝા પોતાની બેગ સાથે પ્રગટ થયા. તેમણે આ બન્નેને તપાસ્યાં અને વિચારમાં પડ્યા. કદાચ એમને પણ સમજાતુ નહોતું કે શું દવા કરવી ?એમણે આજુબાજુ નજર ફેરવી કહ્યું “નક્કી કંઈક ખાવામાં કે પીવામાં આવ્યું છે” સોમાભાઈ આમ છાંટોપાણીના શોખીન ખરા પણ એ સપત્નીક આવું સાહસ ન કરે એવો ડોક્ટરને વિશ્વાસ હતો. એમણે ઘરમાં આજુબાજુ નજર ફેરવી જોઈ. આ બધા ઘોંઘાટથી જાગીને બેડરુમમાંથી આંખો ચોળતાં ચોળતાં એમનાં દીકરો અને દીકરી પણ બહાર આવ્યાં. એમણે પણ પપ્પા-મમ્મીને આ રીતે બેકાબૂ બનીને હસતાં પહેલી જ વાર જોયાં હશે એટલે થોડુંક આશ્ચર્ય અને થોડોક ગભરાટ એમના ચહેરા પર ઉપસી આવ્યાં. કોઈકને શું સૂઝ્યું તે આ બન્નેને કદાચ પાણી પીવરાવીએ તો ફેર પડે એમ માની રસોડામાં ઘૂસ મારી. થોડીવારમાં આ બેન પાણીના ભરેલા ગ્લાસને બદલે બે ખાલી ગ્લાસ લઈને બહાર આવ્યાં. ગ્લાસની અંદરની દિવાલો લગભગ સુકાઈ ગઈ હતી પણ તળીયે હજુ પેલા દૂધાના અવશેષો મોજૂદ હતા. ડૉ. ઓઝાને જોઈતી કડી મળી ગઈ. આ દૂધો જ બધી તકલીફનું મૂળ હતો. ડોક્ટરે ઈન્જેક્શનની સીરીંજ ભરી અને બન્નેને વારાફરતી ઈન્જેક્શન આપી દીધા. મારું એવું અનુમાન છે કે એ ડાયાઝેપામ અથવા એના જેવા કોઈ ટ્રન્કવીલાઈઝરનું ઈન્જેક્શન હશે. બન્નેને ટેકો આપીને બેડરુમમાં લઈ ગયા અને સુવાડી દીધા. થોડા સમયમાં જ એમનું હસવાનું અને ધમાલ બંધ પડી ગયાં. ધીરે ધીરે આ બન્ને જણાં નિંદ્રાદેવીને ખોળે સરી પડ્યાં. પેલા અટ્ટહાસ્યને બદલે હવે તાલબદ્ધ નસકોંરાનો ધીમો ધીમો અવાજ સંભળાવા માંડ્યો. બધાના જીવ હેઠા બેઠા. મનમાં થયું કેવું ગજબનું છે નહીં ? માણસ ખુશી આનંદમાં આવી ખડખડાટ હસવા માંડે તો આનંદ થાય. આ હસવું મર્યાદીત સમય માટે હોય. મિત્રોની મહેફિલ જામી હોય, કુટુંબમેળો ભેગો થયો હોય કે પછી કોઈ હાસ્યકલાકારનો કાર્યક્રમ હોય ખડખડાટ હસવાથી તણાવમાંથી મુક્તિ મળે છે. હવે તો સિદ્ધ હકિકત છે, ઘણા બધા જાહેર ઉદ્યાનો વહેલી સવારે લાફીંગ ક્લબના સભ્યોના ખડખડાટ હાસ્ય કે અટ્ટહાસ્યના અવાજથી ગાજી ઉઠે છે. આજના સમયનો માણસનો મોટામાં મોટો દુશ્મન સ્ટ્રેસ એટલે કે તણાવ છે. સતત તણાવમાં રહેનાર માણસ ડાયાબીટીસ અને બ્લડપ્રેશર જેવા રોગોને કંકોત્રી લખીને બોલાવે છે. સ્ટ્રોક, હાર્ટએટેક અને કિડની ફેલ્યોર અથવા અંધાપો કે અંગ કપાવવું પડે એ બધા મહેમાનો આ ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની પાછળ વગર નોંતર્યા મહેમાન તરીકે આવી જાય છે. આ કારણથી જીવનમાં તણાવમુક્તિ માટેનું ચોક્કસ આયોજન જરુરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવું કહ્યું છે કે હવેના સમયમાં કોમ્યુનીકેબલ ડીસીઝ એટલે કે ચેપી અથવા જીવાણુંથી ફેલાતા રોગો નહીં પણ લાઈફ સ્ટાઈલ ડીસીઝ માણસના મૃત્યું માટેનું મોટું કારણ બનશે.

ગુજરાત બધે જ નંબર વન હોય છે એવું દરેક ગુજરાતી ગાઈ વગાડીને તક મળે ત્યાં કીધા કરે છે. કોઈપણ રેકોર્ડ તૂટવા માટે જ સર્જાય છે. આજે જ્યાં તમે છો આવતીકાલે કોઈ બીજો હશે. આ વાત માણસ પોતાના જીવનમાં પણ ભુલી જાય છે. કોઈક ચિંતકે કહ્યું છે કે સારા અથવા બુરા સમય માટે મગજમાં એક વાક્ય હંમેશાં લખી રાખો ‘યે દિન ભી બીત જાયેંગે’. પેલી પંક્તિઓ ખાસ કરીને નિરાશાના સમયમાં યાદ રાખો –

રાત જીતની હી સંગીન હોગી,

સુબહા ઉતની હી રંગીન હોગી

ગમ ન કર ગર હય બાદલ ઘનેરા

કિસસે રોકે રુકા હૈ સવેરા,

રાતભર કા હૈ મહેમાન અંધેરા.

(ફિલ્મઃ સોનેકી ચીડીયા – 1958)

હા એ ખરું કોઈકની રાત લાંબી ચાલે છે તો કોઈકની ટુંકી પણ કાળા ડીબાંગ અંધારાને વેરતો સૂર્યોદય ક્યારેય અટકતો નથી.

આજ રીતે આ નંબર વન વાળું ભૂત વળગ્યું હોય અથવા અહંકારના રાવણે આખોને આખો શરીરમાં પ્રવેશ કરી વિચારતંત્રનો કબજો લઈ લીધો હોય ત્યારે ચલચિત્ર દાગ (1973)ની નીચેની પંક્તિઓ ભુલવા જેવી નથી.

इज्ज़तें

शोहरतें

चाहतें

उल्फ़तें

कोई भी चीज़ दुनिया में रहती नहीं

आज मै हूँ जहां कल कोई और था -2

ये भी इक दौर है वो भी इक दौर था

(ફિલ્મઃ દાગ – 1973)

વળી પાછા નંબર વનની વાત પર આવીએ તો ડાયાબીટીસના દરદીઓના કિસ્સામાં પણ ગુજરાત નંબર વન છે. દર છ ગુજરાતીએ એક ડાયાબીટીસનો દરદી છે અને આવનાર દસેક વરસમાં આ આંકડો સુધરીને દર પાંચ ગુજરાતીએ એક સુધી પહોંચશે. ગુજરાતીઓને આટલું બધું સ્ટ્રેસ અથવા ટેન્શન કેમ રહેતું હશે? રામ જાણે.

આમ નાના બાળક જેવું ખડખડાટ હાસ્ય આ ટેન્શનને ભગાવવા માટેનો એક અસરકારક ઈલાજ છે. પણ અહીંયાં સોમાભાઈના કિસ્સામાં કંઈક જુદું જ બન્યું હતું. આ ધણી-ધણીયાણીનું અટ્ટહાસ્ય બધાના જીવ ઉંચા કરી ટેન્શન વધારી દે તેવું હતું. નશાના રાક્ષસનો આ પ્રભાવ છે. ભાંગ, ગાંજો, ચરસ, દારુ, કેટલાંક વિશીષ્ટ કેમીકલ ધરાવતી ગોળીઓ અને હવે લગભગ નાના મોટા સેન્ટરોમાં ઘેર ઘેર પહોંચેલ પાવડર આ બધાં જ નશાનાં રાક્ષસો છે. પંજાબમાં યુવાધનનું નીકંદન નશાએ કાઢ્યું જે આજે ચૂંટણીનો એક મોટો મુદ્દો બન્યો છે. સરહદ પારથી થતી નશીલા પદાર્થોની ઘૂસણખોરી આતંકવાદ અને આતંકીઓ કરતાં પણ વધુ ભયંકર છે એનું જીવંત ઉદાહરણ આજનું પંજાબ અને એનું વેરવિખેર સમાજજીવન છે.

ખેર, સોમાભાઈ દંપતી હવે ઝપી ગયું હતું. પાડોશી બેને છોકરાઓને પણ સમજાવીને સૂવડાવી દીધાં હતાં. ઘરમાં નીરવ શાંતિનું સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું હતું. પેલા પાડોશી બેન પણ એમના ઘરે ચાલ્યાં ગયા હતાં. એસ.એ. પટેલ સાહેબના ડ્રોઈંગ રુમમાં હવે માત્ર બે જ જણા હતા. એક અમારા કે.બી. પટેલ અને બીજા ડૉ. ઓઝા પોતે. આમેય ડૉ. ઓઝા પટેલ સાહેબના માત્ર ફેમીલી ડોક્ટર નહીં અંગત મિત્ર પણ હતા. થોડીવારમાં કે.બી. પટેલ પણ ઝોકે ચડી ગયા હશે (આ મારી ધારણા છે) અને ડૉ. ઓઝાને તરસ લાગી હશે એટલે એમણે પટેલ સાહેબનું ફ્રીઝ ખોલ્યું. પાણીની બાટલીઓ પર નજર પડે તે પહેલાં ડૉ. ઓઝાની નજરે પેલો દૂધો મુક્યો હતો તે તપેલી ચડી ગઈ. જાણે કે લોટરી લાગી હોય એમ સાનંદઆશ્ચર્યથી ડૉ. ઓઝાની આંખો પહોળી થઈ ગઈ. જીભ એકાદ બે વખત હોઠ પર ફરી ગઈ. એમણે પાણી પીવાને બદલે ખાસ્સો ગ્લાસ ભરીને અથવા તેથી વધારે દૂધો પેટમાં પધરાવી દીધો. પાછા પોતાની જગ્યાએ આવીને બેસી ગયા. કાંતિલાલ પટેલ ઝોકા ખાવામાંથી ઝબકીને જાગ્યા કારણ કે સામે બેઠેલા ડૉ. ઓઝા ખડખડાટ હસી રહ્યા હતા અને એમના બેસૂરા અવાજે કોઈ સિનેમાનું ગીત લલકારી રહ્યા હતા. આશ્ચર્યચકિત થવાનો વારો હવે કાંતિલાલનો હતો.

ડોક્ટરને એકાએક આ શું થયું ?

હવે આમને માટે કોને બોલાવવા ?

કાંતિલાલને ભલાઈ કરતાં ભેંસ ગળે વળગી હતી.

માંડ પીસ્તાલીસ કિલોનો આ માણસ ખાસ્સા વજનદાર ડૉ. ઓઝાને ટેકો પણ આપી શકે તેમ નહોતા.

 

એણે વળી પાછી માંડ ઉંઘેલા પેલા બે-ચાર મિત્રોને બારણું ખખડાવી એમની ઉંઘ બગાડી.

બધા વળી પાછા ભેગા થયા પટેલ સાહેબના ડ્રોઈંગ રુમમાં.

 

સીન લગભગ એવો જ હતો

પાત્ર બદલાયું હતું.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles