રવિશંકર મહારાજ – અમીટ કીર્તિની અમરકથા સમા લોકસેવક
હિન્દીમાં કહ્યું છે, ‘હોનહાર બિરવાન કે હોત ચીકને પાત’, ગુજરાતીમાં આવી જ કંઈ કહેવત છે, ‘પુત્રના પારણામાં અને વહુના બારણામાં’. આ બંનેને સાચું પાડે એવી એક ઘટના આજે અચાનક મારી આંખે ચડીને સીધી હૃદયમાં ઊતરી ગઈ. આ ઘટના ગુજરાતી ભાષાની બેસ્ટ સેલર, શ્રી ચંદ્રકાન્ત પંડયાની પુસ્તક, ‘બાનો ભીખુ’ના ૩૧મા પાના પર આલેખાઈ છે. લેખકના એક પિતરાણ કાકી હતાં. નામ એમનું ચંચળ. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું પિયર. પૂજ્ય રવિશંકર મહારાજનાં એ બહેન થાય. ચંચળકાકીના આ ભાઈ, જેના હાથે ગુજરાત રાજ્યની સ્થાપનાનો દીવો પ્રગટ્યો તે પૂજ્ય રવિશંકર મહારાજની તેમજ બહારવટિયાઓની અનેક વાતો એમની પાસે બેસીને ચંદ્રકાંતભાઈએ સાંભળેલી. આ બધી વાતોમાં એક વાત રવિશંકર મહારાજના બાળપણની પણ હતી જે લેખકના બાળમન પર અમીટ છાપ છોડી ગઈ. લેખકના જ શબ્દોમાં એને રજુ કરું છું.
“ગાંધીજીનું હજી આ દેશમાં આગમન નહોતું થયું. પણ, ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ એ કહેવત પ્રમાણે નિર્ભયતા, પ્રામાણિકતા અને સચ્ચાઈના ગુણો મહારાજમાં પહેલેથી જ વારસાગત મળેલા. ૧૮૯૭ની એ સાલ હશે. રવિશંકર મહારાજની ઉંમર ત્યારે ચૌદેક વર્ષની. એમના બનેવી અને મારા પિતરાઈ કાકાને ત્યાં એ ધરમપુર નોકરીની શોધમાં આવેલા. કાકાએ મહુડાની વખારમાં પાંચ-સાત રૂપિયાના પગારે નોકરી અપાવેલી. દારૂ ગાળવામાં મહુડાનો ઉપયોગ થાય એટલે કોન્ટ્રાક્ટરને જ્યારે જેટલી ગુણો જોઇએ એટલી ગણી આપવાની એમનું કામ.
એમનો ઉપરી એક કારકુન - દક્ષિણી પ્રભુ જાતિનો. એક વાર એ કારકુનની દાનત બગડી હશે. એણે રવિશંકરને કહ્યું, “અલ્યા, પચ્ચીસેક ગુણ આપણે બારોબાર-છાનામાના વહેંચી દઈએ. જે પૈસા મળશે તે અડધ ભાગે વહેંચી લઈશું.”
રવિશંકર તો કારકુનની એ વાત સાંભળતાં હબકી જ ગયા. આવું કદી કરેલું-સાંભળેલું નહીં. દોડતા એ તો આવ્યા બહેન પાસે ને કહે “ ‘બૂન, મારે નોકરી નહીં કરવી.’ – ‘ચ્યમ ભૈલા, શું થયું?’ - બહેને પૂછ્યું એટલે રવિશંકર કહે, ‘પેલો પરભુ ચોરી કરવાનું શીખવે છે, મારે એવી નોકરી કરવીય નહીં અને ધરમપુરે રહેવું નહીં. હું તો આ હીંડ્યો.’
- અને તે જ સાંજે તેર-ચૌદ વર્ષનો છોકરો રવિશંકર અઢાર માઈલ વલસાડ પગપાળો નીકળી પડ્યો. એ રવિશંકર મહારાજ થયા. ગુજરાતના ને રાષ્ટ્રના લોકસેવક થયા.” (બાનો ભીખુ, પાન નં. ૩૧-૩૨)
પૂજ્ય રવિશંકર મહારાજ, એમની નીતિમત્તા, સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતા, આ બધાને કારણે એમણે પોતાની પાછળ એક આદર્શ લોકસેવક તરીકેની અમર કીર્તિ છોડી છે. સમાજસુધારણાની વાત કરીએ તો મહીકાંઠાના ગામોમાં વસતા પાટણવાડીયા, ધારાળા, બારૈયા કોમના પોતાના અધિકાર કે સાચ માટે બહારવટે ચડેલા બાબર દેવો કે પછી ભીખા કાવીઠાવાળો જેવા અનેકોની વાતો અને મહારાજનો આ સમાજને સુધારવા માટેનો અવિરત પ્રયાસ અને એનાં પરિણામો મારી કોલેજના પહેલા વરસમાં પ્રો. સુરેશ જોષી જેવા સિદ્ધહસ્ત અને અવ્વલ દરજ્જાના ગુજરાતી ભાષાના વિવેચક પાસે આ પુસ્તક ‘માણસાઈના દીવા - લેખક ઝવેરચંદ મેઘાણી’ ભણવાનો એક સુભગ સંયોગ મને પ્રાપ્ત થયો હતો. પૂજ્ય રવિશંકર મહારાજ ત્યારથી મારાં માટે એક આદર્શ અને પૂજનીય વ્યક્તિત્વ રહ્યા છે. ચંદ્રકાંતભાઈની ‘બાનો ભીખુ’માંથી આજે જે વાત સાંપડી તે માત્ર ને માત્ર પેલી કહેવત ‘પુત્રના પારણામાં અને વહુના બારણામાં’ પુરવાર કરે છે.
અને છેલ્લે...
જેની સ્થાપનાનો દિપક ગાંધીઆશ્રમ જેવી પવિત્ર જગ્યાએ અને પૂજ્ય રવિશંકર મહારાજ જેવા લોકસેવકના હાથે પ્રગટ્યો એ ગુજરાત રવિશંકર મહારાજની તોલે આવે એવા ઇન્દુચાચા કે નવલભાઈ શાહ સમેત નાના-મોટા ઘણા લોકસેવકો આપી શક્યું, આદર્શવાદ અને ગાંધી વિચારનો એ જમાનો હતો માટે. પણ ગુજરાતની સ્થાપના એવા તે કેવા કમનસીબ સમયે થઇ કે ક્રમશઃ ગુજરાતને ઘસાતા જતા પોતના અને તેજહીન, દ્રષ્ટિહીન અથવા સંકુચિત વિચારોથી પ્રેરિત સત્તાભૂખ્યા નેતાઓ જ મળ્યા? નવલભાઇ શાહે આખી જિંદગી ભાલ-નળકાંઠાના કોળી અને ભરવાડ સમાજના વિકાસ માટે આપી દીધી, જનતા પાર્ટીમાંથી એક વખત તે ચૂંટાયા પણ ખરા, ગુજરાતના એક ઉત્તમ શિક્ષણમંત્રી તરીકે તેમણે કામ કર્યું પણ પછી એમની જ સામે જેમને એમણે આખું જીવન ઘસીને મોટા કર્યા, પાંચમાં પૂછાતાં કર્યા, એવી જ કોમના એક આગેવાનને ઉભો રખાવ્યો અને નવલભાઈ હાર્યા, કોમવાદ જીત્યો. ક્યારેક અલગથી લખવું છે એના વિશે, પણ ક્યારેક સનત મહેતા હારી જાય, ક્યારેક નવલભાઈ શાહ હારી જાય, ક્યારેક દિનેશ શાહ હારી જાય, ક્યારેક મકરંદ દેસાઇ ગુજરાતના મુખ્યમંત્રી ન બની શકે ત્યારે આ બળવાખોર મનમાં એક પ્રશ્ન વારંવાર પડઘાય છે, શું લોકશાહી એટલે કોમવાદની એવી રમત જ્યાં ક્યાંક પંચવટીકાંડ તો ક્યાંક ખજુરાહોના નામે ચાલતા ખરીદવેચાણ સંઘની એક એવી પકડ હોય? જે પ્રકારે રાજ્યનું શાસન ચાલે છે, જે પ્રકાર અને ગજાના લોકસેવકો આજે ચલણમાં આવ્યા છે, પ્રશ્ન થાય છે કે ક્યાંક ભૂલમાં મહારાજે ગુજરાતની સ્થાપનાનો આ દિપક ડાબા હાથે તો નહીં પ્રગટાવ્યો હોય ને? કે પછી ત્યાં હાજર કોઈક હરખઘેલા રાજકારણીએ મહારાજનો હાથ દીવાની શગ પ્રગટાવે એ પહેલાં એ શગ પ્રગટાવવાનું કામ કર્યું હશે?
સાચું ખોટું તો રામ જાણે. પૂજ્ય મહારાજ આજે હયાત નથી, એ કોણ હતા તે પણ કેટલાને ખબર હશે? કહેવાય છે એમની એક પ્રતિમા બનાવી છે જેને વરસો સુધી યોગ્ય જગ્યાએ મૂકવા માટે જે-તે સરકારો, કોઈ પણ પક્ષના અપવાદ વગર, નિર્ણય પર ન આવી શકી. કદાચ મહારાજ આજકાલ મત મેળવવા માટેનાં જે હાથ વગાં સાધનો છે એવી કોઈ મતબેંકમાંથી નહોતા આવતા માટે જ ને?
સરસવણી ગુજરાતનું તીર્થ ક્ષેત્ર હોવું જોઈએ. એકાદ વખત આંટો મારી આવજો, બહુ દૂર નથી.