Thursday, April 16, 2015
નોકરી છુટી જવી એટલે શું ? જેમ માણસ ખોરાકથી વંચિત નથી રહેતો ત્યાં સુધી એને ભૂખની કિંમત નથી સમજાતી. જેમ અફાટ મીઠા જળના પ્રદેશમાં રહેતી વ્યક્તિને પાણીની કિંમત નથી સમજાતી બરાબર તે જ રીતે આજીવિકાનું સાધન હાથમાં હોય અને નિયમિત આવક આવતી હોય ત્યાં સુધી નોકરી શું એ વાત સમજાતી નથી. ખાસ કરીને મધ્યમ વર્ગનો માણસ જેના રોજબરોજના વ્યવહાર પેલા એકથી દસ તારીખની વચ્ચે આવતા પગાર પર નભતા હોય તેને નોકરી શું એ બરાબર ખબર હોય છે. કરિયાણાવાળો, શાકભાજીવાળો, દૂધવાળો, છાપાવાળો, ડોક્ટર એમ અનેક જગ્યાએ એની ઉધારી ચાલતી હોય છે. આ ઉધારી આપનારને એના પર નહીં પણ એની પેલી નોકરીના પગાર પર વિશ્વાસ હોય છે. આ વ્યવહારો તે જેટલી વિશ્વસનિયતાથી નભાવે તેટલી જ આ બધામાં તેની ઈજ્જત એટલે કે “ક્રેડિટ” વધતી હોય છે. મકાન માલિકને વગર માંગ્યે દર મહિને ભાડુ આપી દેનાર ભાડુઆત વધુ વ્હાલો લાગે છે. આમ જે કામ મોટરકારને ચલાવવા માટે પેટ્રોલ કરે છે તે જ કામ જીંદગીની મોટરકાર ચલાવવા માટે નોકરી કરે છે. આવેશમાં લીધેલો નિર્ણય જ્યારે આવેશનો ઉભરો શમે અને ધીરે ધીરે વાસ્તવિક્તાનો વિકરાળ ચહેરો સામે આવે ત્યારે ક્યાંય શમી જતો હોય છે. આ કારણથી નોકરીની અગત્યતા બે જ પ્રકારની વ્યક્તિઓને સમજાય છે. એક જેને નોકરી મળી નથી અને કદાચ એ કારણથી જ એનું ઘર વસતુ નથી અને બીજો જેની નોકરી છુટી જાય છે અને વસી ગયેલા ઘરના વ્યવહારો હવે કઈ રીતે ચાલશે તેની મૂંઝવણ ઘેરી વળે છે. નોકરી હોય ત્યારે તો કોઈક ઉધાર પણ આપે છે પણ ન હોય ત્યારે ભલભલા મિત્રો પણ રસ્તો બદલી નાંખે એવા અનુભવો થતાં હોય છે. જીવનનાં કેટલાક સત્યો નોકરી છુટી જાય ત્યારે જ સમજાય છે. નોકરી છુટી નથી ગઈ એવો માણસ અધુરો છે કારણકે ઘણી બધી વાસ્તવિક્તાથી એ અજાણ છે. જીવનમાં એકવખત નોકરી છુટી જાય એ પણ માણસના ઘડતર માટે જરુરી છે. વિજળીની રોશની હોય ત્યારે આપણો પડછાયો પડે છે પણ જેવી આ રોશની ગૂલ થઈ કે પડછાયો પણ સાથ છોડી દે છે. નોકરી છુટી જાય અને તમે ઝઝૂમતા હોવ ત્યારે આવા ઘણા બધા પડછાયાઓ છુટી જાય છે. પડકાર જ માણસમાંથી એની ઉત્તમ શક્તિઓ બહાર લાવે છે. જો ઉત્તમભાઈ મહેતા, કરસનભાઈ પટેલ કે ધીરુભાઈ અંબાણીએ નોકરી જ કરે રાખી હોત તો આજે આપણને ટોરેન્ટ, નિરમા અને રિલાયન્સ જેવાં મોટાં સાહસો ન મળ્યાં હોત.
નોકરી છુટી ગઈ એ મારા માટે પડકાર હતો. પણ આવો પડકાર જીંદગીમાં પહેલીવાર નહોતો ઉભો થયો. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગમાં એપ્લાઈડ મિકેનીક્સ વિભાગમાં હું નોકરીમાં જોડાયો બરાબર એના ત્રીજા કે ચોથા દિવસે જ એક મોટી ઘાત આવી હતી. હજુ હું ઘરેથી માંડ કોલેજમાં આવ્યો હતો ત્યાં અમારા વિભાગના વડા ડો. પરીખ સાહેબનું તેડું આવ્યું. હું એમની ચેમ્બરમાં ગયો એટલે ફરમાન છૂટ્યું કે એક અગત્યની મિટીંગ માટે તેઓ એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ જઈ રહ્યા હતા. અડધા કલાક પછી ફાઈનલ યરમાં એમનાં બે સળંગ લેક્ચર હતા બેરીંગ કેપેસીટી (જમીનનો બોજ સહન કરવાની શક્તિનું માપ)ની થિયરી અને ફોર્મ્યુલા એમણે અત્યાર સુધીમાં ચલાવ્યાં હતાં. આગળ મને ઠીક લાગે તો એના દાખલા અથવા અન્ય કંઈ ચલાવવું. “આકાશ તૂટી પડ્યું” એવું વાંચવામાં તો અનેક વખત આવેલું પણ એનો અનુભવ પરીખ સાહેબની વાત સાંભળ્યા પછી થયો. ચેમ્બરની ચારેય દિવાલો મારી આજુબાજુ રાસડે રમતી હોય એમ જાણે કે ગોળ ગોળ ફરવા માંડી. માંડ પાંચ ફૂટથી થોડી વધારે ઉંચાઈ ધરાવતા ડો. પરીખ એ દિવસે મને કોઈ ભીમકાય વિલન જેવા લાગ્યા. હજુ માંડ નોકરીની શરુઆત. અડતાલીસ કિલો વજન જેમાં માત્ર લંબાઈ જ માપી શકાય. ભણાવાનો કોઈ અનુભવ નહીં અને સીધા ફાઈનલ યરના છોકરાઓ સાથે બે કલાક ગાળવાનો આદેશ. મારા વિદ્યાર્થી અવસ્થાના દિવસો અને સહેજ નબળા કે નવા ફેકલ્ટી મેમ્બરોની અમે જે રીતે પટ્ટી પાડતા તે યાદ આવ્યું. માંડ તરતાં શીખ્યો હોય એવા એક નૌશીખીયાને પરીખ સાહેબે મોટા મગરમચ્છથી ઉભરાતા તળાવમાં ધક્કો મારી દીધો. કદાચ મારા અગાઉના જન્મનું કોઈ લેણું એમને વસૂલ કરવાનું બાકી હશે.
ખેર, ત્રીસ મિનિટ બાકી હતી. આ ત્રીસ મિનિટ બાદ કદાચ ફેકલ્ટી સાથેના મારા અંજળપાણી પૂરાં થવાનાં હતાં. હું વર્ગમાંથી ભાગતો હોઉં અને પાછળ હૂરિયો બોલાવતા વિદ્યાર્થીઓનું ટોળું હોય એવું દ્રશ્ય મારી નજર સામે આવી ગયું. ખેર, હજુ ત્રીસ મિનિટ હતી. શું કરવું ? મનમાં વિચાર્યું જો ચોપડીમાં ગણેલ દાખલો ગણાવીશ તો વિદ્યાર્થીઓને ખબર પડી જશે. નહીં ગણેલ દાખલો ગણાવાનો પ્રયત્ન કર્યો અને જવાબ ના આવ્યો તો આપણી ભગુદેવડી થશે. ખૂબ વિચારને અંતે એવું લાગ્યું કે લાયબ્રેરીમાં જઈ કંઈક તૈયાર કરી વર્ગમાં હાજર થવા જેટલો સમય નથી. આમેય હવે થોડા કલાકના મહેમાન છીએ તો બહાદુરીથી આત્મવિલોપન કેમ ન કરવું ? મેં રસ્તો પકડ્યો મોરેની કેન્ટીનનો. વિદ્યાર્થી અવસ્થામાં અહીં ઘણો સમય વીતાવ્યો હતો. આજે જ્યારે નોકરીને અલવિદા કહેવાનો સમય આવ્યો હતો ત્યારે આનાથી વધુ સારી જગ્યા કઈ હોઈ શકત ? મેં એકસાથે બે ચા મંગાવી. પેલો કેન્ટીનવાળો છોકરો મારી સામે જોઈ રહ્યો. મેં એને સ્પષ્ટતા કરી હાલ લઈ આવ બીજું કોઈ આવવાનું નથી. બે ચા આવી. કેસરીયા કરતા સૈનિકની અદાથી હું એ ઠપકારી ગયો. પંદર વીસ મિનિટ એમાં ગઈ. ઉભો થયો કેન્ટીનમાંથી બહાર નીકળ્યો. મારાં પગલાં માંડ કરીને માળવે ચઢાવેલ કોઈ સૈનિકની માફક ડગમગાતાં ડગમગાતાં પડી રહ્યાં હતાં ક્લાસરુમ તરફ. આ પાંચ મિનિટનું અંતર મને પાંચ યુગ જેવું લાગ્યું. નોકરી છુટી જાય એનો વાંધો નહીં પણ બેઈજ્જતી થશે એનું શું ? એક વિચાર મનને કોરી ખાતો હતો. પ્રયાસ હતો કોઈપણ ભોગે બેઈજ્જતીથી બચવાનો. આ માટેનો એક મારગ આછો આછો દેખાવા માંડ્યો હતો. ક્લાસને બારણે પહોંચ્યો ત્યાં સુધીમાં એ બિલકુલ સ્પષ્ટ થઈ ગયો. મેં ક્લાસમાં પગ મુક્યો ત્યારે કોઈ ભય કે ચિંતા નહીં પણ એ ડગલામાં હતો આત્મવિશ્વાસ. વિજયને પંથે આગળ વધવાનો અને બદનામીથી બચવાનો રસ્તો મળી ગયો હતો. સવાલ હતો આ કિમિયાને સફળતાથી અજમાવવાનો.
ક્લાસમાં પહોંચી સામાન્ય ઔપચારિક વાતો વિદ્યાર્થીઓ સાથે શરુ કરી. થોડો આત્મિયતાનો તાંતણો જોડાયો એટલે મેં મારા મનની વાત એમને કહી. પરીખ સાહેબે એમને થિયરી શીખવાડી હતી. હું તો એક અસ્થાયી વ્યવસ્થા તરીકે આવ્યો હતો. પરીખ સાહેબે એ કોર્સને આગળ વધારશે પણ તમે જે શીખ્યા છો તે હવે છ આઠ મહિના બાદ ફિલ્ડમાં જશો ત્યારે એકદમ કામ નહીં આવે અને તેમાં વાસ્તવિક્તા એટલે કે પ્રેક્ટિસમાં શું ફરક પડે છે તેની વાત મેં નવી મુંબઈનો સરવેનો અનુભવ, નરીમાન પોઈન્ટ પર ઓબેરોય હોટલ જેવા વિશાળ પ્રોજેક્ટના દરિયાની ભરતી ઓટના પાણી વચ્ચે પાયાનું ચણતર, મરીન ક્લે પર બંધાયેલ થાણેક્રીક બ્રીજનું સેટલમેન્ટ અને પહેલું જમ્બોજેટ જ્યારે સાન્તાક્રૂઝ પર ઉતર્યું ત્યારે એ માટે બનાવાયેલ રન-વે માટેની સબગ્રેડ ડિઝાઈન વિગેરે કિસ્સાઓ મારા અનુભવમાંથી બેરીંગ કેપેસીટીની થિયરીના સંદર્ભમાં ચર્ચ્યા અને એના અપવાદો પણ સમજાવ્યા. સમય ધીરે ધીરે વીતતો જતો હતો. મેં જોયું વિદ્યાર્થીઓને મારી વાતમાં રસ પડતો હતો. અનુસંધાન પૂરેપૂરું સંધાયુ હતું. સમય વીતી ગયો, બે કલાક પૂરા થયા એની ઘંટડી જ્યારે વાગી ત્યારે મનમાં એકાએક પેલી કહેવત ઝબકી ગઈ “મારો કાણિયો બેટો જંગ જીતીયો”. હું એક સફળ મિશન લીડરની માફક ક્લાસમાંથી બહાર પડ્યો. રિસેશ પડી હતી એટલે વિદ્યાર્થીઓ પણ વર્ગખંડમાંથી બહાર નીકળી રહ્યા હતા. લોબીમાં એમનાથી પાંચ સાત ફૂટનું અંતર રાખી હું ચાલતો હતો, મારા કાને કેટલાંક ઉચ્ચારણો પડ્યાં. કોઈ કહી રહ્યું હતું “યાર દાદો માણસ છે. ફીલ્ડનું જોરદાર નોલેજ છે. મજા આવી ગઈ.”
આફત ટળી ગઈ હતી, આપતી ગઈ એક આત્મવિશ્વાસ. વિષય ગમે તે હોય ત્યારપછી મેં એન્જિનિયરીંગ પણ ભણાવ્યું છે. અર્થશાસ્ત્ર પણ ભણાવ્યું છે, નાણાં વ્યવસ્થાપન પણ ભણાવ્યું છે અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ પણ ભણાવ્યું છે. શેરબજારમાં રોકાણથી માંડી ફૂડ સિક્યોરીટી, વોટર સિક્યોરીટી, એનર્જી સિક્યોરીટી, યુવા અને યુવા રોજગારી જેવા વિષયો પર દેશની ટોચની સંસ્થાઓથી માંડી વિદેશોમાં અનેક વખત બોલવાનું બન્યું છે. આમ છતાંય હજુ પેલા બે કલાકે આપેલ આત્મવિશ્વાસની મૂડી ખુટી નથી.
પણ આ બે કલાક પહેલાની એ ત્રીસ મિનિટ બદનામી સાથે નોકરી છુટી જવાનો એ ભય અને એ સમયે અનુભવેલ લાગણીની યાદ જ્યારે પણ આવે ત્યારે કપકપી આવી જાય છે. કદાચ મોત કરતા મોતનો ડર વધુ ભયાનક હોય છે એનું આ ઉદાહરણ છે.
આમ નોકરીના પ્રારંભે જ બેકારીના ભયની અનુભૂતિમાંથી પસાર થઈ ગયા બાદ આ બેકારીની વાસ્તવિક્તાનો અનુભવ આમ જોઈએ તો પેલા કાલ્પનિક અનુભવ સાથે ઘણી બધી રીતે જોડાય તેવો હતો. રાજીનામું આપી દીધું હવે એક મહિનો હાથ પર છે. જોઈએ ભાવિના ગર્ભમાં શું છૂપાયું છે ?