जिस दिन तेरी चिता जली, रोया था महाकाल

साबरमती के सन्त तूने कर दिया कमाल

 

મહાત્માજીના વિચારો આજના યુગમાં પણ કેટલા પ્રસ્તુત છે તે અંગેના મારા લેખને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. ઘણા બધા જુદા જુદા ક્ષેત્રમાં કાર્યરત મિત્રોએ ફોન કરીને હજુ પણ વધુ માહિતી ઉજાગર કરવા કહ્યું છે. પ્રતિભાવ આપવામાં સહુથી આગળ યુવા પેઢી છે જેણે ખરી આ દેશના ભવિષ્ય અંગેની શ્રદ્ધાને બળ પૂરું પાડ્યું છે. પૂજ્ય બાપુએ કહ્યું હતું ‘મારું જીવન એજ મારો સંદેશ’, આ મુદ્દાને લઈને જ આપણે શરૂઆત કરીએ. જે જમાનામાં વિલાયત જવું બહુ મોટી વાત ગણાતી તે જમાનામાં એક રૂઢિચુસ્ત કુટુંબનું આ ફરજંદ પોતાની માને પોતે ક્યારેય દારૂ નહીં પીવે, વ્યભિચાર નહીં કરે અને માંસમટન નહીં ખાય, સાચું બોલશે અને પોતાનું સત્વ અકબંધ જાળવી રાખશે, એવું વચન આપી વિલાયત એટલે કે આજના ઇંગ્લેન્ડના સૌથી મોટા શહેર અને એ જમાનામાં તો જેના પરથી સૂર્ય કદી આથમતો ન હતો તે બ્રિટિશ સામ્રાજ્યના પાટનગરમાં બેરિસ્ટરનું ભણવા જાય છે. એ સમયના ગાંધી કેવા હતા? લંડનમાં અભ્યાસ કરતા મોહનદાસ છેલ્લામાં છેલ્લી ઢબનાં કપડાં પહેરતા. ચમચમાટ જોડા, માથે હેટ, ગળામાં ટાઈ અને ઉપર સુટ. ગાંધી સંપૂર્ણપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુરૂપ પહેરવેશ ધારણ કરતા. યાદ રહે એ વખતે તે એક યુવાન વિદ્યાર્થી મોહનદાસ કરમચંદ ગાંધી હતા, આપણે જેની વાત કરીએ છીએ તે મહાત્મા ગાંધી નહીં. આમેય ગાંધીજીનું જીવન જોઈએ તો તેમણે શરૂઆતનાં ૧૮ વરસ ભારતમાં ગાળ્યાં, પછીનાં ત્રણ વરસ ઇંગ્લેન્ડમાં, પછી થોડો સમય ભારતમાં રહી લગભગ ૨૧ વર્ષ જેટલો લાંબો સમય એમણે દક્ષિણ આફ્રિકામાં ગાળ્યો.

ભારત એટલે કે એશિયામાં એમના ચારિત્ર્યનો પાયો નખાયો. લંડનમાં એ ઘડાયા. આઝાદ દેશનું નાગરિકત્વ એ શું કહેવાય અને એમના નાગરિકનો મિજાજ શું છે એ વિશેની સમજ તેમજ વૈશ્વિક પર્યાવરણથી માહિતગાર બનાવતો ઘડતરનો આ બીજો તબક્કો હતો. આ તબક્કા દરમ્યાન એમણે માને આપેલું વચન ક્યારેય તોડ્યું નહીં. પોત તો એમનું એમ રહ્યું પણ એના ઉપર જુદી જુદી ડિઝાઇનો અંકિત થવા માંડી. વિશ્વ કઈ દિશામાં જઈ રહ્યું છે અને એના સંદર્ભમાં પોતાનો દેશ ક્યાં ઊભો છે તેની સાહજિક સરખામણી તે સમયે ગાંધીના મનમાં થઈ હશે.

દક્ષિણ આફ્રિકા જવાનું થયું એ પણ વકીલાત માટે, ત્યાં પણ ત્યાંના વસવાટ દરમ્યાન ૭મી જૂન ૧૮૯૩ના રોજ જે ઘટના બની તેણે બેરિસ્ટર ગાંધીમાંથી મહાત્મા ગાંધી બનવાનાં બીજ આ જુવાનડામાં વાવી દીધાં. ૧૮૬૯માં જન્મ અને ૧૮૯૩ના જૂન મહિનાની આ ઘટના. લગભગ ૨૪ વર્ષની વયનો યુવાન જ્યારે પોતાની મહત્વાકાંક્ષાના કેન્દ્રમાં પોતાનો વિકાસ, આર્થિક સદ્ધરતા અને નામ કમાવવાની ખેવના રાખે તે ઉંમરે ગાંધી મોરિટ્સબર્ગ સ્ટેશને ઠંડીની એક અંધારી રાતે મનોમન નિર્ણય કરી લે છે કે આવા ગોરાઓના હાથે થતા અન્યાય અને રંગભેદ સામે હું લડીશ. હું આવી જોહુકમી અને માનવતાહીન વ્યવહાર ક્યારેય નહીં ચલાવી લઉં. ભારતની આઝાદી માટેની લડતનું બીજ એ કડકડતી ઠંડીની રાતે મોહનદાસ કરમચંદ ગાંધીના મનમાં મોરિટ્સબર્ગ સ્ટેશનના પ્લેટફોર્મ પર વવાયુ. અને એટલે જ દક્ષિણ આફ્રિકા ગોરાઓની ચુંગાલમાંથી મુક્ત થયું ત્યારે એ લોકશાહી વ્યવસ્થાના પ્રથમ રાષ્ટ્રપતિ અને દક્ષિણ આફ્રિકાની આઝાદીના લડવૈયા નેલ્સન મંડેલાએ બહુ સુંદર વાત એક જ વાક્યમાં કહી, ‘ભારતે અમને બેરિસ્ટર ગાંધી આપ્યા હતા, અમે એમને મહાત્મા ગાંધી પાછા આપ્યા.’

દક્ષિણ આફ્રિકામાં જેના વિચારોનાં બીજ અંકુરિત થયાં અને એક રીતે કહીએ તો બીજો જન્મ થયો એવા દ્વિજ ગાંધીને આપણે મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ. મોરિટ્સબર્ગ સ્ટેશને ફર્સ્ટ ક્લાસમાં કાયદેસરની ટિકિટ લઈને ટ્રેનમાં મુસાફરી કરતા બેરિસ્ટર મોહનદાસનો સામાન નીચે ફેંકીને એમને ડબામાંથી બહાર ધકેલી દેવાનું દુષ્કૃત્ય બે ધોળિયાઓએ ન કર્યું હોત તો મહાત્મા ગાંધી કદાચ બેરિસ્ટર મોહનદાસ જ રહ્યા હોત. એટલે આ સંદર્ભમાં નેલ્સન મંડેલાની વાત સાવ સાચી છે.

આપણે આઝાદીના સંગ્રામની વાત કરીએ તો પણ બે વસ્તુ સ્પષ્ટ તરી આવે છે. એ સંગ્રામના મહાનાયકો પૂજ્ય બાપુ, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ જેવા કેટલાય નવલોહિયા યુવાનો પોતાનું બધું જ છોડીને આ દેશ આઝાદ બને તે માટેના જંગમાં કૂદી પડ્યા. આઝાદી ક્યારે મળશે કોઈને ખબર નહોતી. ભગતસિંહ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર જેવા કેટલાય નવલોહિયા પોતાની રીતે આઝાદી પ્રાપ્ત કરવા માટેની લડતમાં ખપી ગયા. લાલા લજપતરાય એક ચળવળની આગેવાની લેતાં લાઠીચાર્જમાં ઘવાયા અને એમનો સ્વર્ગવાસ થયો. શામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણા જેવા કેટલાય ભારત બહાર જઈને સાહ્યબી ભોગવવાને બદલે આ દેશની આઝાદી માટે મથ્યા. આ બધાની કામ કરવાની પદ્ધતિ ભલે અલગ હોય પણ ભાવના એક જ હતી - સર્વસ્વ ન્યોચ્છાવર કરીને મા ભારતીને ગુલામીના બંધનમાંથી મુક્ત કરવાની. ફાંસીના ફંદે ચડતાં ચડતાં કે ગોળીએ વિંધાઈને પણ આ શહીદોના રટણમાં એક જ વાત હતી –

મેરી મૈયા કે સિર પર તાજ રહે

યે દેશ મેરા આઝાદ રહે.

કોઈ કશું લેવા નહોતા આવ્યા. વલ્લભભાઈ, ગાંધીજી, જવાહરલાલ ધિકતી બેરિસ્ટરી કે બાપીકી કામગીરી સંભાળીને ધનના ઢગલા વચ્ચે આળોટી શક્યા હોત. એમણે એવું ન કર્યું. ઉલ્ટાનું આઈસીએસ જેવી રાજાશાહી નોકરીને ઠોકર મારી સુભાષબાબુ આઝાદીના જંગમાં જોડાયા અને સૂત્ર આપ્યું, ‘તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા’. આ એ જમાનાની વાત છે જ્યારે સારા ઘરના, સારી કેળવણી પામેલા અને ઉજ્જવળ કારકિર્દી સામે પડી હોય એવા જુવાનડાઓ પોતાની વીસી કે ત્રીસીમાં આઝાદીના જંગમાં કૂદી પડ્યા. એમનું કોઈ સ્વપ્ન નહોતું કે દેશ આઝાદ થશે તો આપણે પ્રધાન બનીશું. એમની સામે જે હતું માત્ર એક જ, બાળ ગંગાધર તિલકે સૂત્રમાં અંકિત કર્યું તે, ‘આઝાદી મારો જન્મસિદ્ધ હક છે અને હું તે લઈને જ રહીશ’. વીસમી સદીનો અરુણોદય થતો હતો તે સમયે ભારત ભલે ગુલામ હોય પણ એના યુવાનોમાં ઓજસ્વિતાની કોઈ કમી નહોતી. એમના જીવનમાં કરોડો રૂપિયા કમાવાનું નહીં, પ્રધાન કે ઉદ્યોગપતિ બનવાનું નહીં, મોટા અમલદાર બનવાનું નહીં, ધીકતી પ્રેક્ટિસ કરતા હોય તેવા વકીલ કે બેરિસ્ટર બનવાનું નહીં, સ્વપ્ન એક જ હતું જાનફેસાનીના ભોગે પણ આ દેશને આઝાદ કરવાનું. એ પણ યુવાનો હતા અને આજે પણ યુવાનો છે. ભારતને એક સાથે મહાત્માજી, સરદાર પટેલ, જવાહરલાલ નેહરૂ, લાલ બહાદુર શાસ્ત્રી, સુભાષચંદ્ર બોઝ જેવા અનેક નેતાઓ મળ્યા, જેમણે આઝાદીની ચળવળને જનઆંદોલનમાં પરિવર્તિત કરી. બ્રિટિશ રાજ્યકર્તાએ એમના ઉપર બેરહમીથી ઘોડા દોડાવ્યા, લાઠીચાર્જ કર્યો, જનરલ ડાયર જેવા રાક્ષસોએ તો ગોળીઓનો વરસાદ વરસાવ્યો, અનેકને જેલમાં પૂર્યા, કેટલાકને કાળાપાણીની સજા કરી, પણ એ વખતના જુવાનના મનોબળને ડગાવી ન શકાયું. આઝાદીની લડતના આ મહાનાયક ગાંધીબાપુ - દક્ષિણ આફ્રિકામાં મોરિટ્સબર્ગ સ્ટેશને જેનો પુનર્જન્મ થયો, એ માંડ ૨૪ વર્ષથી ઉમરે ઉજ્જવળ કારકિર્દી પગમાં આળોટતી હતી એવા બીજીવાર જન્મેલા દ્વિજ ગાંધીને આપણે મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ.

ફાધર વાલેસ ‘ગાંધીજી અને નવી પેઢી’ની પ્રસ્તાવનામાં કંઈક આ પ્રમાણે લખે છે -  “વિદ્યાર્થીઓને (નવી પેઢીને) વાતો કરતાં કરતાં અનેક વાર ગાંધીજીનું નામ જીભે ચઢતું, નેતૃત્વના વર્ગો ચલાવતાં ગાંધીજીના પ્રસંગો તે વિચારો આપોઆપ મનમાં આવતા ને વાતમાંય આવતા.

ને મને ખાતરી કે આ યુવાનોને ગાંધીજીમાં રસ છે, શ્રદ્ધા છે. એમની વાત કરીએ ત્યારે એમાં દિલમાં પડઘો પડે. એમનાં ઉદાહરણો ટાંકીએ ત્યારે એમની આંખમાં ઝલક આપે. મારો અભ્યાસથી અને ભક્તિથી બંધાયેલ અભિપ્રાય હતો કે ગાંધીજી જેવા યુગપુરુષ માનવજાતે ભાગ્યે જ બીજા જોયા હોય. આ અભિપ્રાયને યુવાનો સાથેના આ અનુભવથી પૂરો ટેકો મળ્યો.”

બટ્રાન્ડ રસેલ જેવા મહાન ચિંતક આખી દુનિયા સામે કેટલા પ્રશ્નો છે એનો જવાબ આપતા કહે છે –

આખી દુનિયાના માત્ર ત્રણ જ પ્રશ્નો છે.

Man with Himself

Man with His Fellow Man

Man with Nature

માણસ પોતાની જાત સાથે કેવી રીતે વર્તે છે ?

પોતાના સાથી માણસો સાથે કેવી રીતે વર્તે છે ?

પ્રકૃતિ સાથે કેવી રીતે વર્તે છે ?

ગાંધીજીએ બે વાત કહી છે. પહેલી, મારું જીવન એ જ મારો સંદેશ. કથની અને કરણીમાં જરાય તફાવત નહીં. ગરીબોના મસીહા તરીકે જીવ્યા, તો પેલા સૂટબુટનો ત્યાગ કરીને આખી જિંદગી માત્ર અડધી ધોતી ભેર જીવ્યા. પોતાનું જે કાંઈ હતું તે પૈતૃક સંપત્તિમાંથી હક ઉઠાવી લીધો. એટલું જ નહીં પોતાના બાળકોને પણ એ હકથી વંચિત કરી નાખ્યા. ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે’ નરસિંહ મહેતાનું આ ભજન બાપુને ખૂબ જ પ્રિય હતું. કોઈ કામને નાનું નહીં ગણવાનું અને પરચૂરેય શાસ્ત્રી જેવા કુષ્ટ રોગીની સેવા કરવાની હાથમાં લીધી તો સંનિષ્ઠાપૂર્વક એ નિભાવવાની.

ગાંધી કોઈ કામને નાનું નહોતા ગણતા.

બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું.

વાઈસરોયે જાહેર કરી દીધું હતું કે આ બીજા વિશ્વયુદ્ધમાં ભારત સાથી રાજ્યોની સાથે છે.

તે વખતે દેશની અંદર પ્રાંતિક સ્વરાજ હતું.

આઠ સ્ટેટમાં કોંગ્રેસનું રાજ હતું.

મતભેદનો વિષય એ હતો કે કોઈને પૂછ્યા વગર વાઈસરોયે આ જાહેરાત કરી દીધી હતી.

આ મતભેદ મીટાવવા વાઈસરોયે ગાંધીજીને ચર્ચા માટે બોલાવ્યા.

ઉનાળો હતો એટલે વાઈસરોય સિમલાથી રાજ ચલાવતા.

ગાંધીજી આ અંગેની ચર્ચા કરવા માટે સિમલા ગયેલા.

આ વાર્તામાં અઠવાડીયાની મુદ્દત પડી.

ગાંધીજીના સાથીઓને થયું ચાલો મજા પડી ગઈ.

સેવાગ્રામમાં ૧૧૮ થી ૧૨૦ અંશ ફેરનહીટ ગરમી હતી.

આમાંથી મુક્તિ મળી.

પણ...

ગાંધીજીનો આદેશ થયો.

સેવાગ્રામ પરત જવાનો.

સાથીઓને થયું બે દિવસ જતા થાય બે દિવસ આવતા થાય.

માત્ર ત્રણ દિવસ સેવાગ્રામમાં મળે તેમાં કયુ અટકી પડેલું કામ થવાનું હતું?

ગાંધીજી આ ત્રણ દિવસ પરચુરેય શાસ્ત્રી જે કુષ્ટરોગના અસાધ્ય દરદથી પીડાતા હતા.

બાપુ રોજ એમને ૪૫ મિનિટ માલીશ કરતા હતા.

આ ત્રણ દિવસ માલીશ કરવાનાં એ ગુમાવા માંગતા નહોતા.

ભારત કોના પક્ષે બીજા વિશ્વયુદ્ધમાં લડે એનું જેટલું મહત્વ હતું એટલું જ મહત્વ પરચુરેય શાસ્ત્રીની માલીશનું હતું !

ગાંધીજીને સહુ કામો સમાન લાગતા અને....

પુરી નિષ્ઠાથી એ કરતા.

સાબરમતી નદી આખી વહેતી હોય એવા વિપુલ જળના જથ્થામાંથી પોતાના માટે એક નાનકડી લોટી જ ભરે અને એમ કહે કે ‘નદી મારી એકલાની ઓછી છે? જીવ-જંતુ, પશુ-પંખી, માણસ સૌનો છે એમાં ભાગ’ ત્યારે કુદરતી સંસાધનોનો માપસરનો ઉપયોગ કરવાની ગાંધીની વાત કદાચ એ વખતે એમના સાથીને સમજાઈ હોય કે નહીં પણ આજે પાણીની તીવ્ર તંગીનો ઉપાય શોધતા ભારત માટે તો એ સાવ સાચી શીખ બની રહી છે. પોતાની પાસેના સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરે, જરાય બગાડ ન કરે તે ગાંધી. એક નાનકડી પેન્સિલ માટે ગાંધીજીએ જે ઉથલપાથલ મચાવેલી તે કિસ્સો આ વાતનું સમર્થન કરે છે.

૧૯૧૫ ડિસેમ્બર મુંબઈમાં કોંગ્રેસની બેઠક

એક દિવસ ક્યાંક જવા માટે નીકળવાનું હતું

મોડું થતું હતું

ગાંધીજી કંઈક શોધતા હતા

કાકા સાહેબે પૂછ્યું – “બાપુ શું શોધો છો ?”

“મારી પેન્સિલ. નાનકડી છે.” બાપુએ જવાબ આપ્યો.

કાકા સાહેબે બીજી પેન્સિલ આપવાની વાત કરી.

બાપુનો જવાબ – “એ નાની પેન્સિલ મારાથી ખોઈ ન શકાય. મદ્રાસમાં નટેશનના નાના દીકરાએ આપી હતી. કેટલા પ્રેમથી એ પેન્સિલ લાવેલો. એ મારાથી કેમ ખોવાય ?”

છેવટે શોધખોળને અંતે પેન્સિલ મળે.

બે ઈંચથીય નાનો ટુકડો હતો.

ગરીબોની વાત સમજવી અને સમજીને માત્ર ‘પરોપદેશે પાંડિત્ય’ ન કરતાં અમલમાં મૂકવી, પોતાનાથી જ એની શરૂઆત કરવી, પછી એ ધોતી હોય કે રોજ પાંચ જ વસ્તુ ખાવાનો નિયમ, ગાંધીજીની વાતનું વજન એટલે પડતું કારણ કે એમનું જીવન પણ એ જ પારદર્શિતાથી જીવાતું. બાપીકી મિલકત પણ જતી કરીને પણ વણજોઈતું ન સંઘરવું એ સૂત્ર સાથે જાહેર જીવનની સંસ્થાઓ કેવી હોવી જોઈએ તે વાત પણ બાપુએ સુપેરે પ્રસ્થાપિત કરી હતી.

અત્યારે જાહેરજીવનમાં મોટાભાગના લોકો એટલા માટે આવે છે કે એમના બંગલા બને.

આ એક વીરલો એવો હતો જે બનેલા બંગલા છોડીને રાષ્ટ્રહિત ખાતર ખાદીનું પોતિયું પહેરી લે.

બેરીસ્ટર તરીકેની ધીકતી કમાણી છોડી દે.

એના એક શબ્દ પર જાનફૈસાની કરવા લોકો તૈયાર થઈ જાય.

ગાંધીજીને સાંભળવા લાખોની મેદની પોતાના ખરચે ભેગી થતી.

ટોળાં ભેગાં કરવા પૈસા ખરચવા પડે એવું નહોતું.

        પણ પૈસો છોડીને આપવા માટેનું ટોળું ભેગું થતું.

આ હતો ગાંધીજીનો પ્રભાવ

એવા કેટલાય લોકો હતા જેમણે ગાંધીના પ્રભાવમાં આવી –

        પોતાની સંપત્તિ

        સુખ સગવડો

        જમીન

        ઘરેણાં

        કપડાં

        છોડી દીધાં.

આનું નામ નેતા કહેવાય.

        આવો નેતા...

શું આજના સમયની તાતી જરૂરીયાત નથી?

વ્યવસ્થાપન શબ્દનું અંગ્રેજી છે ‘Management’. આ શબ્દ ‘Manage’ પરથી આવ્યો છે. દરેક શબ્દને પણ પોતાની ભાષા હોય છે. આજના જમાનામાં આપણે મેનેજ કરવું એટલે ગમે તેમ ગોટાળા કરીને પણ પોતાનું ધ્યેય પાર પાડવું એવો સગવડિયો અર્થ કાઢીએ છીએ. ચાલો આપણે Manage શબ્દને જ પૂછીએ કે તારો અર્થ શું છે? આ અર્થ જાણવો હોય તો આ શબ્દને બે ભાગમાં તોડી નાખો. પહેલો Man અને બીજો Age. Man એટલે તો માણસ પણ અહીંયા Ageનો અર્થ ઉંમર નથી કરવાનો. Age એટલે પાકટતા. પોતાના જ્ઞાન, અનુભવ, આવડત અને દ્રષ્ટિથી જે વ્યક્તિ પાકટ બની છે તે Manage એટલે કે સંચાલન કરી શકે. અને Managerનો અર્થ થાય Man અને Ager, મતલબ પોતાના જ્ઞાન, આવડત, અનુભવ અને દ્રષ્ટિથી જે બીજામાં પાકટતાનું સિંચન કરી શકે તે Manager કહેવાય. ગાંધીજી એક અચ્છા મેનેજર પણ હતા.

એમનામાં અદભુત વ્યવસ્થાપન શક્તિ પણ હતી. ટાઇમ મેનેજમેન્ટ વિશે તો અગાઉ વાત કરી. આજે સફળ વ્યક્તિ હોય અને વ્યવસ્થાપક અથવા નેતા તરીકે એણે સફળ થવું હોય તો નાનામાં નાની બાબત તમારા ધ્યાનમાં હોવી જોઈએ. ડૉ. માર્ટિનોએ કહ્યું છે કે, “ટ્રાયફલ્સ મેઈક પરફેક્શન એન્ડ પરફેક્શન ઈઝ નોટ એ ટ્રાયફલ – નાની નાની નજીવી વિગતો મળીને પૂર્ણતા સિદ્ધ થાય છે જ્યારે પૂર્ણતા એ કંઈ નજીવી વાત નથી.”    

નેપોલિયને પણ કહ્યું છે કે “જે માણસ નાની નાની વિગતોનો વિચાર કરીને તેનો ઉપાય તૈયાર રાખે છે તે જ યુદ્ધમાં વિજયી થાય છે.”  

એક નાનો દાખલો લઇએ. આપણી મોટરકારનું એન્જિન બંધ પડે તો એ ચાલશે નહીં. તમારે માત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરવા જેટલી જ અગવડતા વેઠવી પડશે. પણ મોટર ૧૨૦ કિલોમીટરની ઝડપે દોડતી હોય અને એની બ્રેક ફેલ થઈ જાય અથવા ટાયર ફાટી જાય તો? જીવલેણ અકસ્માત થાય. નાની બાબતોને અવગણવાથી જીવલેણ અકસ્માતો એટલે કે મોટું નુકસાન થવાની ભીતિ ઊભી થાય છે. બાપુને માથે અનેક જવાબદારીઓ હતી પણ કોઈ નાની વાત એમની ધ્યાન બહાર નહોતી જતી. આખા દેશમાં ભ્રમણ કરતા હોય પણ દરેક જગ્યાએ એમની નજર હોય. એક સમયે ચંપારણમાં નીલહરા એટલે કે ગળી ઉત્પાદન કરતાં મજૂરોના પ્રશ્નોની જાતતપાસ અર્થે તેવો પ્રવાસ કરી રહ્યા હતા. ખૂબ વ્યસ્ત સમયપત્ર હતું. આ સમયપત્રકની વચ્ચે પણ ગાંધી આશ્રમની વ્યવસ્થાની ચિંતા કરવાનું ભૂલતા નથી. એ પત્ર લખે છે.

હવે ત્યાં વરસાદ શરુ થયો હશે, નહીં થયો હોય તો થશે.

હવાની દિશા હવે બદલાઈ જશે.

એટલે આજ સુધી જે ખાડાઓમાં પાયખાનાના ડબા ખાલી કરતા તેમાં ન કરવા.

નહીં તો એ દિશામાંથી દુર્ગંધ આવવાનો સંભવ છે.

આનું નામ વ્યવસ્થાપન કહેવાય.

યુદ્ધના મોરચે પણ નાની એવી બેકાળજી મોટી હાર માટે કારણ બને છે.

વેપાર ધંધામાં પણ નાની એવી બેકાળજી મોટા નુકસાનનું કારણ બને છે.

પોતાના સ્વાસ્થ્ય અંગે પણ નાની એવી બેકાળજી મોટી બીમારીનું કારણ બને છે.

ગાંધી આ સમજતા હતા અને એટલે એ ગમે ત્યાં હોય એમના વગર કામ ઊભું ન રહે એવી આખી ટીમ એમણે તૈયાર કરી હતી. ઘરના વડીલ હોય, ઉદ્યોગના મોભી હોય, રાજ્યના કે પક્ષના નેતા હોય, એમણે પોતાની નીચે એક સક્ષમ ટીમ ઉભી કરવી જોઈએ. એ જો ન કરી હોય તો માઠા પરિણામ ભોગવવા પડે. મારા એક પ્રોફેસર, જે અમને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ભણાવતા, તેમણે એક સરળ સૂત્ર આપ્યું છે –

Risk and Responsibility should be shared. Credit (યશ) and Reward (ઈનામ) should be shared.

ધોનીની એક વિશિષ્ટતા છે જેને કારણે ક્રિકેટના ક્ષેત્રનો એ મહાન ખેલાડી બન્યો છે.

ટીમ જ્યારે કોઈ ટોફી જીતે ત્યારે એ ડાયસ પર લેવા જાય કારણ કે કેપ્ટન તરીકે એ અપેક્ષિત છે.

પણ...

નીચે ઉતરીને તરત જ એ તેમના કોઈ જુનિયર ખેલાડીના હાથમાં આ કપ કે ટ્રોફી પકડાવી દે.

બધા આનંદની ઉજવણી કરતાં હોય ત્યારે તેના ચહેરા પરના ભાવ પણ એટલા જ નિર્લેપ હોય.

એટલે જ એને બિરુદ મળ્યું, કેપ્ટન Coolનું.

જે આગેવાનો પોતાની નીચે ટીમ ઉભી નથી થવા દેતા અને જ્યાં જશ લેવાનો હોય ત્યાં બધું જ પોતાના ગળામાં પહેરી લે છે તેમણે એક દિવસ નિષ્ફળતા મળશે ત્યારે એ વાત પણ સમજી લેવી જોઈએ કે તેમની આજુબાજુમાં કોઈ નહીં હોય. એથીય વધુ ખરાબ, એક વ્યક્તિ આધારિત સંસ્થા, સમાજ, ધંધો કે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ મોડા વહેલા ખાડામાં પટકાય છે.

સમાપનમાં હવેની પેઢીને તો કદાચ સાંભળવા પણ નહીં મળ્યું હોય એવું ૧૯૫૪ના વર્ષમાં આવેલી ફિલ્મ જાગૃતિનું એક ગીત ‘સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ’ની કેટલીક પંક્તિઓ.

કવિ પ્રદીપજીએ મહાત્માજી માટે કહ્યું છે -

“जग में जिया है कोई तो बापू तू ही जिया

तूने वतन की राह में सब कुछ लुटा दिया

माँगा न कोई तख्त न कोई ताज भी लिया

अमृत दिया तो ठीक मगर खुद ज़हर पिया

जिस दिन तेरी चिता जली, रोया था महाकाल

साबरमती के सन्त तूने कर दिया कमाल

दे दी हमें आज़ादी बिना खड्ग बिना ढाल

साबरमती के सन्त तूने कर दिया कमाल”

આ ગાંધી હતા, જેમણે બેરિસ્ટરની એશોઆરામભરી જિંદગી છોડી, ઘર છોડ્યું, કુટુંબ છોડ્યું, બાળકો ઉપર પણ ધ્યાન ન આપી શક્યા, સત્યાગ્રહ કર્યો, જેલમાં ગયા, દાંડીયાત્રા જેવી પાંચ મોટી યાત્રાઓ કરી, ગમે તેવાં તોફાનો વચ્ચે પણ કોઈ અંગરક્ષક વગર ધસી ગયા, સરહદના ગાંધી અબ્દુલ ગફારખાને અંગરક્ષકો આપવાનું કહ્યું તે પણ ન સ્વીકાર્યું. કેટકેટલું એમણે સહન કર્યું. કેટકેટલું એમણે પોતાની વિચારધારા થકી પ્રસ્થાપિત કર્યું.

આ લેખમાં જ સમાપન કરવું હતું પણ મનમાં એટલું બધું ધરબાયેલું છે કે હજુ થોડું વધારે લખાય  તો સારું એમ વિચારી આજે ગાંધી અને ગાંધી વિચારધારા ઉપરની ચર્ચાને અલ્પ વિરામ આપું છું.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles