કટોકટીની એ નિર્ણાયક પળ
માણસ ગમે તેવો મોટો ધનપતિ હોય કે સત્તાધીશ, ક્યારેક ને ક્યારેક એના જીવનમાં એવી ઘડી આવે છે જ્યારે એણે કાં તો આ પાર અથવા પેલે પારનું અંતિમવાદી વલણ અપનાવી નિર્ણય લેવો પડે છે. શક્યતા એ પણ હોઈ શકે કે આ નિર્ણય ખોટો પડે અને પરિણામે એ હીરોમાંથી ઝીરો થઈ જાય અથવા માથું વઢાઈ જાય. કોઈપણ બળવો અથવા ક્રાંતિનો જુવાળ ઊભો થાય ત્યારે એના નેતા માટે બે જ શક્યતાઓ ઊભી થાય છે. પહેલી, એ જીતે અને વિજયશ્રી એને વરમાળા પહેરાવે. બીજી, એ હારે અને માથું વઢાઈ જાય અથવા ફેંકાઈ જાય. પણ હારે તેવા કિસ્સાઓમાં પણ પોરસ હોય કે પૃથ્વીરાજ ચૌહાણ, એમનું નામ અમર થઈ જાય છે. મહારાણા પ્રતાપ અથવા ‘મેરી ઝાંસી નહીં દુંગી’ની ગર્જના પોકારનાર મહારાણી લક્ષ્મીબાઈ કે પછી દેશ બહાર રહીને વતનને કાજે ફના થઇ જનારા સરદારસિંહ રાણા, શ્યામજી કૃષ્ણવર્મા, સુભાષચંદ્ર બોઝ એવાં કેટલાંય નામ છે જેણે એક ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે જંગ છેડયો હોય પણ એને અંતિમ સફળતા સુધી ન લઇ જઇ શક્યા હોય. આવાં વ્યક્તિત્વો હારીને પણ જીતી જાય છે. એટલે જ કહ્યું છે -
જિંદગી જિંદાદિલીનું નામ છે
જીતવું દિલ જીતવાનું કામ છે
હાર પણ દિલ જીતી દે છે કોક’દી
મોત પણ જીવન અમર ઝાંપો કદી
વળી પાછી આપણે નિર્ણય કરવાની એ કટોકટીની પળ પર આવીએ. તમારે આ તરફ કે પેલી તરફ જવું જ પડે છે. પથ્થરમારો થતો હોય ત્યારે રસ્તાની બરાબર વચ્ચે ચાલનારને બંને બાજુથી પથ્થર વાગે છે. આવો આ તરફ કે તે તરફ નિર્ણય લેવો હોય ત્યારે કઈ સાઇડે ચાલવું એ નક્કી નહીં કરી શકવાને કારણે જેમ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ જેવા સમર્થ માર્ગદર્શક મળ્યા હતા તેવું સદભાગ્ય બધાને નથી મળતું. પોતાના અંતરાત્માના અવાજને આધારે કે કોઈ ચોક્કસ તર્ક આધારે નિર્ણય લેવો પડે છે.
આ પ્રકારની નિર્ણયની પ્રક્રિયા માટે તમે જે માર્ગ પસંદ કરો તે સિવાયના બધા જ વિકલ્પોનું ભાંગીને ભટુરિયું કરી દેવું પડે છે. અંગ્રેજીમાં આને ‘Burning all the bridges’ એટલે કે બધા જ વિકલ્પોનો છેદ ઉડાડી દેવાની પ્રક્રિયા કહે છે.
એક વાત યાદ આવે છે
એક યુદ્ધમાં સૈન્ય એક ગઢને ઘેરો ઘાલીને પડ્યું હતું.
ગઢ ખાસ્સો મજબૂત હતો
એના દરવાજા પણ ખૂબ મજબૂત અને તોતિંગ હતા.
છેલ્લાં વિકલ્પ તરીકે ગઢના બુરજ ઉપર દોરડું ફસાવી એ દોરડાના આધારે સૈનિકો એક પછી એક ગઢની દિવાલ ઉપર ચડ્યા.
જેવી આ વાત સામા પક્ષના ખ્યાલમાં આવી કે ઘમાસાણ યુદ્ધ જામ્યું.
શત્રુ પણ કાંઈ ગાંજ્યો જાય તેવો નહોતો
આક્રમણ કરનાર સૈનિકોમાંથી ઘણા બધા ઘવાયા કે મોતને ભેટવા લાગ્યા
ત્યારે...
કેટલાક સૈનિકોના મનમાં વિચાર આવ્યો કે જીવતા હોઇશું તો ફરી વધુ જોરદાર હુમલો કરાશે
અત્યારે તો ભાગી છૂટીએ
જે દોરડેથી તેઓ ચડ્યા હતા તે દોરડાને શોધવા એકાદ-બેએ નજર દોડાવી.
વિચક્ષણ સેનાપતિની જાણમાં તરત આ વાત આવી ગઈ.
પરિસ્થિતિ સમજતા આ અનેક યુદ્ધોમાં કસાયેલા સૈન્યનાયકને વાર ન લાગી.
એણે બધા સાંભળે તેમ, પણ પેલા બેને ઉદ્દેશીને મોટા અવાજે કહ્યું,
“જે રસ્સીથી તમે ઉપર આવ્યા હતા તે તો મેં કયારનીય કાપી નાખી છે.”
હવે કોઈ ઉપાય નહોતો, લડો અને શહીદ થાવ અથવા
મરણિયા બનીને લડાઈ જીતો.
આ મરણિયા થયેલા સૈનિકો લડાઈ જીત્યા અને ગઢ ઉપર કબજો મેળવ્યો.
જીવનમાં આપણે અનેક લડાઈઓ લડીએ છીએ
એ જીતવી હોય તો જે કોઈ વિકલ્પ પસંદ કર્યો એ સિવાયનાં બધાં જ દોરડાં કાપી નાખવાં પડે.
તમે લડાઈ જીતશો જ એવું જરૂરી નથી
પણ હારશો તોય એ ગૌરવપૂર્ણ હશે
કેદ પકડાયેલા પોરસને જ્યારે સિકંદરે પૂછયું કે તેની સાથે પોતે કેવો વ્યવહાર કરવો?
ત્યારે...
આ બહાદુર રાજા અને સેનાનાયકે એક ક્ષણના પણ વિલંબ વગર, માથું ટટ્ટાર રાખીને, સિકંદરની આંખમાં આંખ પરોવીને
બિન્દાસ્ત જવાબ આપ્યો
“એક રાજા બીજા સાથે કરે તેવો.”
દોસ્તો, આ આત્મબળ છે.
જીવનમાં બધી લડાઈ બધા જ જીતતા નથી.
ક્યારેક હાર પણ તમારે ભાગ આવે છે
પણ હાર્યા એટલે તમે રાજા નથી મટી નથી જતા.
પોરસ, મહારાણા પ્રતાપ, સુભાષચંદ્ર બોઝ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એવી અમરકથાનાં પાત્રો છે
જેમણે...
પોતાનો નિર્ણય હિંમતપૂર્વક લીધો
અંતરાત્માના અવાજ પ્રમાણે ચાલ્યાં
અમીચંદ કે જયચંદની માફક કે પછી રાજા માનસિંહની માફક સ્વત્વ ગુમાવવાનું, વેચાઈ જવાનું પસંદ ન કર્યું
મીર જાફર જો પ્લાસીના યુદ્ધમાં ફૂટી ન ગયો હોત તો?
અંગ્રેજ સત્તા ક્યારેય આ દેશમાં ન આવી હોત.
તમારા જીવનમાં કોઈ પણ નિર્ણાયક પળ આવે, તમારો અંતરાત્મા કહે તે માર્ગ પકડી લેજો.
સલાહ કોઈની પણ લેજો
પણ ધાર્યું તો મનનું જ કરજો
શિવાસ્તુ તે પંથાન:
તમારો માર્ગ કલ્યાણકારી બની રહો.