જયદત્ત શાસ્ત્રીજી વિદ્વતાનો એક અતિ તેજસ્વી પૂંજ હતા. સિદ્ધપુર શહેરે વારાણસીના પંડિતો સાથે શાસ્ત્રાર્થમાં વાત કરે એવી આ ગજાની કોઈ પ્રતિભા અગાઉ કે ત્યારબાદ પેદા કરી નથી. દર્શન શાસ્ત્રનું એમનું પુસ્તક એમ.એ.માં ચાલતું. આવા તેજસ્વી વ્યક્તિત્વની વિદાય અને તેને કારણે ઊભો થયેલ ખાલીપો સિદ્ધપુર તો ન ભરી શક્યું, પણ એથીયે મોટો ફટકો તો જે સંસ્થા શાસ્ત્રીજીએ પોતે શરૂ કરી હતી તે “સંસ્કૃત વૈદિક મહાવિદ્યાલય” બંધ થઈ ગઈ. આ પ્રસંગ પરથી જે બોધપાઠ લેવાનો છે તે એ છે કે કોઈ કુટુંબ હોય, સંસ્થા હોય, વેપાર કે ધંધાનું કોઈ સાહસ હોય, રાજ્ય હોય કે દેશ હોય જે વ્યક્તિને કેન્દ્રસ્થાને મૂકીને બધો વ્યવહાર ચાલતો હોય તે વ્યક્તિ એક દિવસ નહીં હોય તો શું થશે ? એવું ઘણીવાર વિચારાતું નથી. અંગ્રેજીમાં જેને “SUCCESSION PLANINNG” અથવા “CHANGE OF GUARDS” કહે છે તે વારસાઈની વ્યવસ્થા બાબત વિચારવાનું પેલા સત્તાના કેન્દ્રસ્થાને બેઠેલા વ્યક્તિને પણ નથી ગમતું અને એની આજુબાજુ રહેલા એના અનુયાયીઓ અથવા સગાં-વહાલાંને પણ નથી ગમતું. “સંસ્કૃત વૈદિક મહાવિદ્યાલય” ના ટ્રસ્ટમાં કોને લેવા અને કોને ન લેવા તે કવાયત પાછળ જેટલું ભેજું વપરાયું તેનાથી અડધું પણ આ વ્યવસ્થા શાસ્ત્રીજીની ગેરહાજરીમાં સુપેરે ચાલી શકે તે માટેનું માળખું ગોઠવવામાં વપરાયું હોત તો આજે પણ જયદત્ત શાસ્ત્રીજીની યાદગીરીને ઉજાગર કરતી આ સંસ્થા ચાલતી હોત. ટ્રસ્ટીઓને પણ આમાં યશ જ મળત. કમનસીબે આ પ્રકારનું કોઈ આયોજન થયું નહીં અને એને કારણે એક સમયે શાસ્ત્રીજીના પ્રતાપે ધબકતી આ વિદ્યાસંસ્થા આજે માત્ર થોડાં જર્જરિત મકાનો અને જમીનનો ટૂકડો બનીને રહી ગઈ છે. જાણે શરીર છે પણ આત્મા નથી.

આથી વિપરિત સિદ્ધપુરમાં જ બિંદુ સરોવર રોડ પર ચાલતી “શ્રી ગોપાળકૃષ્ણ સંસ્કૃત પાઠશાળા”માં સો કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ ભણે છે. આવનાર સમયમાં સંસ્કૃત અને કર્મકાંડની જાણકારીવાળા વિદ્વાનોની સંખ્યા ઘટતી જવાની છે. આજે ગુજરાતમાં સોમનાથ ખાતે સંસ્કૃત યુનિવર્સિટી બની છે. સરકાર સંસ્કૃત પાઠશાળાઓને ગ્રાન્ટ આપે છે. તે સમયે જેની કીર્તિ અને સુવાસ દૂરદૂર સુધી પ્રસરી હતી એ જયદત્ત શાસ્ત્રીજીની પાઠશાળા આજે બંધ પડી છે એનું દુઃખ થાય છે.

સિદ્ધપુરની કમનસીબી એ છે કે, જયદત્ત શાસ્ત્રીજી હોય અથવા નરહરી શાસ્ત્રી હોય એના તેજસ્વી સપૂતો વિશે ક્યાંયથી આધારભૂત માહિતી મળી શકે તેવું એકાદ નાનું પ્રકાશન પણ આજે સિદ્ધપુર પાસે ઉપલબ્ધ નથી. જ્યાં એક સમયે સંસ્કૃતના મંત્રોચ્ચારનો ઘોષ ગુંજતો રહેતો, એક સમયે જેના વાતાવરણમાં એક જુદા જ પ્રકારની ઊર્જાનો અનુભવ થતો, જ્યાં મારા બાળપણમાં કબડ્ડી અને વાઘકૂકરી અથવા ઢગલાબાજી કે થપ્પો જેવી રમતોથી આગળ વધીને ગીલ્લીદંડા, વૉલિબોલ અને ક્રિકેટ સુધીની સારામાં સારી ટીમ ઉપસ્થિત હતી. જેણે મારા બાળપણને ઊર્જાના એક અવિરત પ્રવાહથી સદાય પોષણ આપ્યું તે જગ્યા આજે વેરાન પડી છે.

અમારું ક્રિકેટનું મેદાન અધ્યયન મંદિરના બરાબર સામે હતું. રાજપુરમાંથી પણ સારી એવી સંખ્યામાં ખેલાડીઓ આવતા. સિદ્ધપુરમાં રમતી અન્ય ટીમો સાથે અમે શનિ-રવિ કે અન્ય રજાના દિવસ દરમિયાન મેચ ગોઠવતા. આવી એક મેચની સ્મૃતિ વાગોળતાં તાજેતરમાં જ અમારા ભાણા ભાઈ અને શાસ્ત્રીજીના દોહિત્ર જે પોતે પણ મુંબઈમાં વડીલ તરીકે સારી એવી ખ્યાતિ ધરાવે છે તેમણે લખ્યું છે કે, “Second there was a match with best team of Sidhpur against Rajpur eleven led by the Jaynarayan Vyas when Vyas ji was the bowler, Shantumama was wicket keeper I had come to deliver water when I overheard you telling Babamama to field at short mid wicket & assured a catch would arrive off their best batsman on the next ball. Which did happen & Babamama's hand was swollen with the hard hit.” - સંદર્ભ શ્રી યતિશ પંડ્યા, વૉટ્સએપ મેસેજ તારીખ 23 માર્ચ, 2017.

શાસ્ત્રીજીની હયાતી દરમિયાન જ એમના દોહિત્ર યતીશનો જન્મ થયો અને પૌત્રીઓ શેફાલી અને રોમશાનો જન્મ થયો. અગાઉ લખ્યું છે તેમ મારે કોઈ ભાઈ-બહેન નહોતાં. વેકેશનમાં મીનાબહેન સિદ્ધપુર આવે એટલે પહેલા યતીશનો હવાલો હું સંભાળી લેતો. એની સાથે બાળક બનીને વાત કરવામાં, ખભે બેસાડી ઘરે લઈ જવામાં, નવડાવી-ધોવડાવી જમાડવામાં મને ખૂબ આનંદ આવતો. યતીશને પણ મારી સાથે સારૂં ફાવતું. મારી મા સાથે પણ એને વાતો કરવાની અને સાંભળવાની મજા આવતી. એની નર્સરી “રાઈમ”માંથી એ ક્યારેક “બાબા બ્લેક શીપ.....” ગાઈ સંભળાવે તો ક્યારેક વળી “લાન માજી બાવલી....” ગાય તો ક્યારેક વળી શૌર્ય ગીત “ઝીકું કીંવા મરૂં માણુસ કીધા શત્રુ સંગે યુદ્ધ આમચે શુરૂ” ગાય. બહુ મજા આવે.

ક્યારેક જમીને બપોરે મારા ત્યાં જ સૂઈ જાય. ઘણાં વર્ષો પછી એક બાળક સાથે બાળક બનીને રહેવાનો શું આનંદ હોય છે તેનો પ્રત્યક્ષ અનુભવ થયો. સમય જતાં એમાં શેફાલી અને રોમશા જોડાયાં. યતીશ સાથે એક પ્રેમચંદ કરીને એનો મિત્ર પણ આવતો. આ બાળગોપાળની ટોળી મારી સાથે ખૂબ હળીમળીને રમે. આજે પણ નાના બાળકો સાથે સમય ગાળવો ગમે છે. કારણ કે હું એમની ભાષામાં એમના જેટલી જ પારદર્શતા અને નિર્દોષતાથી વાત કરી શકું છું. મીનાબહેન, બાબુલાલ જેમને અમે આદરથી બાબુજી કહેતા, ભાઈ પતંજલિ, નાની બહેનની અમારી ટોળી જામતી. શરૂઆતમાં જીપ કરીને અંબાજી, બહુચરાજી, શકટંબા વિગેરે દેવસ્થાનોના સિદ્ધપુર આવે એટલે બાબુજી દર્શને જાય એ વણલખ્યો નિયમ હતો. બાબુજી પણ સોલિસિટર જેવી ઉચ્ચ પદવી ધરાવતા હોવા છતાંય અમારી સાથે ભળી જતા. અમારી દેવદર્શન માટેની મુલાકાતો પિકનિક બની જતી. સહસ્ત્રકળાનાં દર્શન કરવાનો પણ મીનાબહેનનો અતૂટ નિયમ હતો. અમે સામૂહિક સહસ્ત્રકળાનાં દર્શને ઉપડીએ અને પાછા આવતાં કનુ ઠાકરના ઘરે ગોવિંદલાલનો આઈસક્રીમ ખાઈને કોઠો ટાઢો કરીએ. સિદ્ધપુરમાં લખમણ માસ્તરના ગોટાં એ સમયે બહુ પ્રખ્યાત હતા. બાબુજી પણ ખાવા-પીવાના શોખીન એટલે ક્યારેક લખમણ માસ્તરના ગોટાનો પણ વારો આવી જતો. વેકેશનમાં આ સમય ક્યાં જતો રહેતો એ ખ્યાલ પણ નહોતો આવતો.

આ ઉપરાંત અઠવાડિયામાં બે-ત્રણ દિવસ રાત્રે અમારી ફીસ્ટ એટલે કે સ્વયં પાકી પાર્ટી ગોઠવતા. બટાકાવડાં, પેટીસ, ભજીયાં અથવા સેવઉસળ જેવું કાંઈક અમે બધા ભેગા થઈ બનાવતા. રાત્રે આઠ-નવ વાગ્યા પછી આ શરૂઆત થાય અને એકાદ વાગે અમે ભાગે પડતું વહેંચી લઈ ઝાપટી જઈએ. ત્યારે નહોતો ગેસ થતો કે નહોતી એસિડિટીની વ્યાખ્યાની ખબર, નહોતી વજન વધવાની ચિંતા કે નહોતી આંબલીની ચટણી રાત્રે ન ખવાય એવી કોઈ સમજ. શાસ્ત્રીજીના રોજીંદી મુલાકાતીઓની બેઠક ચાલુ હોય ત્યારે અમારામાંથી ભાગ પાડીને એમની પણ પ્લેટ બનાવવી પડતી. જે કચવાતા મને અમે કરતાં. મોટી કોઠી લાવીને જાતે આઈસક્ર્મ બનાવતા અને જાફત ઉડાવતા. રાત્રે બે-ત્રણ વાગ્યે આ બધું પૂરું થાય એટલે વિખરાઈએ. આ બધી જાહોજલાલી હીરાબહેનની હયાતી સુધી ચાલી. હીરાબહેન ગયા પછી થોડોક સમય બાબુજી અને મીનાબહેન કે ક્યારેક આશુભાઈનું પરિવાર આવે, પણ જે રોનક અને મજા શાસ્ત્રીજીની અને હીરાબહેનની હયાતીમાં અમે માણી તે અદભૂત હતી એનું શબ્દશઃ વર્ણન શક્ય નથી.

લગભગ સાઈઠના દાયકાની શરૂઆતમાં બાબુજી ગાડી લાવ્યા. એમનો ચંદુ ડ્રાયવર અને આ એમ્બેસેડર ગાડી લઈ અમે દેવદર્શને અંબાજી, બહુચરાજી કે પશવાદળ જવા માટે નીકળી પડતાં. આ ગાડીનું બોનેટ ખોલીને રેડીયેટરનું પાણી કઈ રીતે બદલાય, ગાડી પડી હોય ત્યારે બેટરીના છેડા છુટા કરી નાખીએ તો બેટરી ન ઉતરી જાય વિગેરે ટેકનિકલ બાબતો હું ચંદુના માર્ગદર્શન નીચે શીખ્યો. આ એમ્બેસેડર ગાડીને ધોઈ કરીને બરાબર ચકચકિત રાખવામાં પણ હું મદદ કરતો. આ વખતે મનમાં એક સ્વપ્નું રમ્યા કરતું કે ક્યારેક આપણે પણ ગાડી લાવીશું અ પછી બધાને લઈને ફરવા નીકળીશું. એ વખતે મનમાં એવો વિચાર નહોતો આવતો કે આપણે જ્યારે ગાડી લાવીશું ત્યારે બીજા બધા પણ મોટા થઈ ગયા હશે અને આ બાળસેના અસ્તિત્વમાં નહીં હોય. મીનાબહેન અને બાબુજી મુંબઈથી આવે ત્યારે એસ. મોહનલાલના હલવાથી માંડી બેડેકરનાં અથાણાં સુધી અને મુખવાસ માટે મગની દાળ સુધીની વસ્તુઓ લઈ આવે. કેરીની સિઝનમાં રત્નાગીરી હાફૂસની પેટી લેતા આવે. પૈસા પાણીની જેમ વાપરે. મનમાં ખૂબ અહોભાવ થતો કે કેટલા મોટા માણસો છે. કેવા ઉદારદિલ માણસો છે. કેવા પ્રેમાળ માણસો છે. હું જે પ્રકારનાં વાતાવરણમાં ઉછરી રહ્યો હતો અને જે નાણાંભીડ વેઠીને અમારૂં કુટુંબ નભતું હતું તેની સરખામણીમાં આ જાહોજલાલી મારી મુગ્ધાવસ્થામાં મને ટાટા-બિરલાથી જરાય કમ નહોતી લાગતી. સાચું કહું તો એ ગાળો એવો હતો જ્યારે હું બાબુજી, મીનાબહેન અને તેમના પરિવારથી અભિભૂત હતો.

આમ હોવાછતાંય એક છુપા આદરની લાગણી મને હંમેશા આશુતોષભાઈ માટે રહેતી. શાસ્ત્રીજીના મધ્યસ્થ ખંડમાં લટકતો એમનો શિલ્ડ સાથેનો ફોટોગ્રાફ અને ડિગ્રી સર્ટિફિકેટ હું ઘણીવાર અહોભાવથી જોયા કરતો. ક્યારેક જ આશુભાઈ સિદ્ધપુરની ઉડતી મુલાકાતે આવે, ત્યારે એમનો પ્રભાવી અને કાંઈક અંશે સત્તાવાહી અવાજ તેમજ વાત કરવી ઢબ મને ગમતી.

અગાઉ કહ્યું છે તેમ શાસ્ત્રીજીનાં નાનાં બે સંતાનો, નાની બહેન અને ભાઈ પતંજલિ મારાં સમવયસ્ક હતાં. પતંજલિ અને હું સહાધ્યાયી હતા. છેક અગિયારમા ધોરણ સુધી અમારી આ સંગત ચાલી. અમારી આ ટુકડીમાં બીજા બે મિત્રો આઠમા ધોરણ બાદ જોડાયા. એમાં એકનું નામ ત્રિભોવન સુથાર (જગો) અને બીજાનું નામ શાંતુ પટેલ. અમારી ચાર જણની મંડળી છેક સુધી રહી. શાંતુ અને જગો નસીબદાર હતા. તેઓ સિદ્ધપુર કૉલેજમાંથી જ ગ્રેજ્યુએટ થયા. બંગલે રહીને જ ભણ્યા. મારા અને પતંજલિના નસીબમાં એ નહોતું. આજે પાછું વળીને જોવું છું ત્યારે પૂરી પ્રમાણિકતાપૂર્વક કહી શકું કે, મને જો ફરી એકવાર પસંદગી કરવાની તક આપવામાં આવે તો જેટલું ભણવાનું હોય તેટલું બધું જ સિદ્ધપુરમાં રહીને જ ભણું. આમેય માણસના જીવનમાં કહેવાતી પ્રગતિને અને ભણતરને ઝાઝો સંબંધ નથી હોતો.

દુનિયાનું કેન્દ્રસ્થાન મારી મા અને મારૂં ઘર હતા, પણ એ દુનિયાનું પર્યાવરણ અને પ્રાણવાયુ શાસ્ત્રીજીની પાઠશાળા હતાં એમ કહેવામાં હું જરાય અતિશયોક્તિ નથી કરતો. હીરાબહેન જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સિદ્ધપુરમાં હું હોવ તો મારો જાગૃત અવસ્થાનો વધુમાં વધુ સમય મેં પાઠશાળામાં ગાળ્યો છે. મૃત્યુંજય મહાદેવની પૂજા પણ કરી છે. ઉનાળામાં ગળતી પણ ચઢાવી છે. કરણ અને બીજાં ફૂલો ભેગાં કરીને શણગાર પણ કર્યો છે. લીમડા પર ચઢીને ગાયો માટે લીમડો પણ પાડ્યો છે. ગંગા અને ગીતા એ બે ગાયોમાંથી ગીતા સાવ શાંત. એની પાસે ઊભા રહીએ એટલે ડોક અદ્ધર કરે. એને સારો એવો સમય પંપાળીને વહાલ કરવાનો મોકો પણ લીધો છે. આમ સારા-નરસા અનેક અનુભવો થકી મારૂં વૈચારિક ઘડતર થયું તેમાં શાસ્ત્રીજીની પાઠશાળાના વાતાવરણમાંથી મળતી રહેલી ઊર્જા સતત મારૂં ચાલકબળ બની રહી.

શાસ્ત્રીજીની પાઠશાળા

મારા ઘર કરતાંય વિશેષ સમય જ્યાં મેં ગાળ્યો હશે.

જ્યાં અનેક રમતો શીખ્યા અને શારીરિક ઘડતરનો પાયો નંખાયો.

આ શાસ્ત્રીજીની પાઠશાળા.... આજે બંધ પડી છે કારણ કે

શાસ્ત્રીજી પછી શું ? એનું આયોજન વિચારાયું નહીં અથવા તો થયું નહીં.

જો એ થયું હોત તો.... આજે પણ મંત્રજાગરણના સામૂહિક ઘોષથી મૃત્યુંજય મહાદેવનું મંદિર ગાજતું હોત.

કદાચ કાળને એ મંજૂર નહોતું.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles