Wednesday, March 1, 2017
સરસ્વતી – કુંવારિકાની સ્મૃતિ મારા બાળપણ સાથે જડાયેલી છે. ચંપકેશ્વરથી માંડી વટેશ્વર સુધીના એના કિનારે ઘણું રખડ્યો છું. સરસ્વતીને મેં અરવડેશ્વર પાસે જ્યાં પૂજ્ય દેવશંકરબાપા સંધ્યાપૂજા કરતા હતા ત્યાં પાનોમાં થઈને વહેતી જોઈ છે. મેળોજ-મુડાણાના રસ્તે એના ધરા અને એ ધરાને કિનારે ઉગેલ પાનમાંથી ફુટી નીકળતાં એનાં ડૂંડા જેવાં ઘા બાજરીયાં જોયાં છે. ક્યાંક શેવાળની અંદર સંતાકૂકડી રમીને તો ક્યાંક થોડાં ઉંડા પણ સ્થિર જળમાં તરતી માછલીઓ જોઈ છે અને માધુપાવડીયાથી ઉતરી સહસ્ત્રકળા માતા જવાના રસ્તે પાણીમાં ઉભા રહી રેતીમાં ઉંડા ઉતરતા જવાની રમત પણ રમી છે. સરસ્વતી નદીનો કાંઠો એ આજુબાજુના વિસ્તાર માટે કાશીના મણિકરણીકા ઘાટ જેવો પવિત્ર ગણાતો (આજે પણ ગણાય છે) દૂરદૂરના ગામડેથી એ સમયે શબ ખભે ઉંચકીને કે ગાડામાં લઈને માધુપાવડીયાથી આગળના સરસ્વતીના કિનારે અગ્નિદાહ દેવા ચિતા ખડકાતી. અત્યારે સિદ્ધપુરમાં મુક્તિધામ નામે સ્મશાન બન્યું છે જ્યાં શબને અગ્નિદાહ અપાય છે પણ પેલાં સરસ્વતીના વહેતાં પાણી અને એમાં વહાવી દેવાતા અસ્થિનો રિવાજ હવે નથી જાળવી શકાતો. સિદ્ધપુરમાં સરસ્વતીના કિનારે અગ્નિદાહ અપાય ત્યારે અન્ય જગ્યાઓની માફક ચિતાભસ્મ અને અસ્થિ ભેગાં કરવાની પ્રથા નહોતી આજે પણ નથી. સિદ્ધપુરથી સ્વર્ગ હાથવેંત જ છેટુ છે અને અહીં જેનો અગ્નિદાહ થાય તે મોક્ષ પામે છે એવી માન્યતા છે. અમે સરસ્વતી નદી ઉતરીને સામે પાર સહસ્ત્રકળા માતાના દર્શને જવા લાલપુરવાળા નેળીયામાં પ્રવેશતા ત્યારે સળગતી ચિતા અને ક્યારેક હમણાં જ લઈ આવ્યા હોય એવા શબ માટે તૈયાર કરાતી ચિતા કંઈક ભયમિશ્રીત ભાવથી તીરછી નજરે હું જોઈ લેતો. એવું કહેવાતું કે સરસ્વતીના તટ ઉપર ચોવીસ કલાક ક્યાંકને ક્યાંક ચિતા સળગતી રહે છે. ગંગા પરનું ખુલ્લું સ્મશાન મણિકરણીકાની ચિતાઓ જેમ વરસોથી ઠંડી નથી પડી તેમ હું ગમે ત્યારે સહસ્ત્રકળા જવા માટે એ રસ્તેથી નીકળ્યો છું કોઈકને કોઈક ચિતા સળગી રહી હોય તેવું મેં જોયું છે. મણિકરણીકા ઘાટ માટે તો એવું કહેવાય છે કે ભગવાન શંકર ખુદ મડદાના કાનમાં તારકમંત્ર ફૂંકે છે. આ કારણથી કાશીનું મરણ વખણાય છે. અહીંથી જ્યારે જ્યારે પસાર થયો મારા બાળમાનસમાં મૃત્યુના ભયની એક છુપી ધ્રુજારી પસાર થઈ જતી હતી. ક્યારેક એવો વિચાર આવતો હતો કે પોતાના જ સ્વજનને આ રીતે સળગાવી દેવાની ક્રૂરતા કરનાર માણસો કેવા પાષાણદિલ હશે ? ત્યારે –
“वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णांति नरोङपराणि ।
तथा शरीराणि विहाय जीर्णा न्यन्यानि संयाति नवानि देही ।।”
ફિલોસોફી કોઈએ શીખવાડી નહોતી. હા, ભગવાન બુદ્ધ બધું છોડીને ચાલી નીકળ્યા તે પહેલાં એમણે માણસને રોગી, વૃદ્ધ એમ અનેક રીતે યાતના અનુભવતો જોયો અને છેવટે મૃત્યુના અંતિમ પગથિયે શબ જોઈને વૈરાગીત થયા હતા. એ પાઠ ભણતા ત્યારે ભગવાન બુદ્ધની આંતરમનની શક્તિઓ કેટલી તીવ્ર હશે અને એમનું ચિંતન કેટલું ઉર્ધ્વગામી હશે તે ખ્યાલ નહોતો આવતો. ત્યારપછી તો “સ્મશાન વૈરાગ્ય” શબ્દ પણ મારા શબ્દકોષમાં ઉમેરાયો. હું એવું માનું છું કે રોજ એકવખત કોઈ માણસ સ્મશાનની મુલાકાતે જાય તો આ દુનિયાનાં મોટાભાગનાં પાપ અટકી જાય. માણસે છેવટે તો અહીં જ આવવાનું છે. રાજા હોય કે રંક અહીંથી કશું જ લઈ જઈ શકાતું નથી એ વાત જ્યારે જ્યારે સ્મશાનની સળગતી ચિતાની જ્વાળાઓ આકાશ તરફ જતી જોવું છું ત્યારે મને એમાં વંચાય છે.
ક્યાંક વાંચેલી એક નાની ઘટના યાદ આવે છે. જાપાનની કોઈ મોટી કંપનીમાં એક દિવસ નવા ચેરમેને પોતાના હોદ્દાનો ભાર સંભાળ્યો. મુખ્ય હોદ્દાઓ સંભાળતા સીનીયર અધિકારીઓની અંગત ફાઈલ જોતાં જોતાં એના ધ્યાને આવ્યું કે કંપનીના મેનેજીંગ ડિરેક્ટરે છેલ્લા કેટલાંય વરસોમાં એકપણ દિવસ રજા લીધી નહોતી. આ વાતની એણે મનોમન નોંધ લીધી. થોડાક દિવસ વીત્યા હશે. એક દિવસ એણે પેલા મેનેજીંગ ડિરેક્ટરને પોતાની સાથે આવવા કહ્યું. જાતે ગાડી ચલાવીને મેનેજીંગ ડિરેક્ટરને પોતાની બાજુમાં બેસાડી એ નીકળી પડ્યો. એની ગાડી કેટલાક સમય બાદ જ્યાં જઈને ઉભી રહી એ એક કબ્રસ્તાન હતું. પેલા મેનેજીંગ ડિરેક્ટરને આશ્ચર્ય થયું કે શા માટે આ માણસ પોતાને અહીંયા લઈ આવ્યો છે ? થોડો સમય મૌનમાં પસાર થઈ ગયો. એકાએક પેલા ચેરમેને એના ખભે હાથ મુકી કહ્યું “ભાઈ ! એક દિવસ તારે, મારે, બધાએ અહીં આવવાનું છે. કશું જ શાશ્વત નથી. આપણી કંપનીને એવો મેનેજીંગ ડિરેક્ટર ન જોઈએ કે જેના વગર એક દિવસ પણ ચાલી શકે નહીં. મેં નક્કી કર્યું છે કે આ ઘડીથી આવનાર છ મહિના માટે તું રજા પર ચાલ્યો જઈશ. તારે કુટુંબ સાથે જ્યાં જવું હોય ત્યાં કંપનીના ખર્ચે જવા માટેની બધી જ વ્યવસ્થા કરવાની મેં મારા સેક્રેટરીને સૂચના આપી છે.” ઘણી બધી જગ્યાએ આપણે આવું થતું જોઈએ છીએ. મારા વગર તો ચાલે જ નહીં. હું ઘરમાં ન હોઉં તો બધું અસ્તવ્યસ્ત થઈ જાય. એક દિવસ હું ફેક્ટરી ન જવું તો તકલીફ થઈ જાય. આવું વિચારીને જીવવાવાળાઓએ બેફામની આ પંક્તિઓ યાદ રાખવા જેવી છે –
“મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.”
સરસ્વતી નદીને કિનારે ભડભડ બળતી ચિતાઓ અને એની આસપાસ વીંટળાઈને બેઠેલા ડાઘુઓ એક દ્રશ્ય હતું. પણ બીજી વાસ્તવિક્તા એમાંનાં કેટલાક વ્યવહારિક માણસો નજદીકની ધર્મશાળામાં લાડુ કે મગદળ, દાળ, ભાત, શાક જમવાની વ્યવસ્થામાં લાગી જતા તે પણ હતું. આ ઘટનાઓની ઉંડી છાપ મારા વિચારોમાં હંમેશા એક દ્વંદ બનીને પડઘાતી રહી છે. ઘણીવાર બધું છોડીને ભાગી છુટવાની ઈચ્છા એ એનો એકતરફનો અંતિમ છેડો છે તો જીવનમાં આગળ વધવાની મથામણ એનો બીજીતરફનો અંતિમ છેડો છે. સરસ્વતીના કિનારે જોયેલી આ ચિતા ક્યારેક એક અંતિમ તરફ ખેંચે છે તો સાંસારિક જવાબદારીઓ બીજા અંતિમ તરફ ખેંચે છે. સરવાળે બાવાનાં બેય બગડ્યાં એમ કહું તો જરાય ખોટું નથી.
સંસારમાં રહીને પણ વિરક્ત બની શકાય છે એ ભાવ અત્યાર સુધી ગમે તેવા તોફાની દરિયામાં પણ મારી નાવને સમતોલ રાખવામાં મોટું બળ બન્યો છે. ખેર !1980 પછી તો સરસ્વતી વહી જ નથી એમ કહીએ તો ચાલે. સરસ્વતીમાં પાણી હતું ત્યારે કાંઠે બળતી ચિતાઓ પણ એટલી ભયાનક નહોતી લાગતી જેટલો ભયાનક આજે સરસ્વતીનો સૂકોભઠ પટ લાગે છે. સરસ્વતી જ્યારે સૂકાતી ત્યારે પણ એના પટમાં રેતી ખોદીને અમે વીરડા ગાળતા અને ઝમીને જે પાણી ભેગું થાય તે માથે ચડાવતા. આજે આ શક્ય નથી પણ સંસ્મરણોના વીરડા ગાળી યાદોનું ભલે ચાંગળુ તો ચાંગળુ પાણી માથે ચડાવાનો આ પ્રયત્ન મને પાછો બાળક બનાવી દે છે.
આ એ સરસ્વતી છે જ્યાં કોઈને વિદ્યા ન ચડતી હોય તો એની મા સવા શેર દૂધ સરસ્વતીના પ્રવાહમાં અભિષેકરુપે અર્પણ કરી દેતી અને બાળક ભણતું થાય એવા મા સરસ્વતીના આશીર્વાદ માંગતી. આ એ સરસ્વતી છે જેને મળવા કાર્તિક સુદ ચૌદસની રાત્રે એની બે બહેનો ગંગા અને યમુના માધુપાવડીયે પધારે છે અને એ સમયે સરસ્વતીમાં ડૂબકી ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યાનું પુણ્ય આપે છે એવી માન્યતા છે. આ એ સરસ્વતી છે જ્યાં કાર્તિક સુદ ચૌદસની રાત્રે દીવા પ્રગટાવીને એનાં વહેતા જળમાં મુકી પૂર્વજોના મોક્ષ માટે પ્રાર્થના કરવાની પરંપરા હતી. આ એ સરસ્વતી છે જ્યાં માધુપાવડીયે મોક્ષપીપળો આવેલો છે અને ગોગાબાપજી (નાગ દેવતા)નું ઉદગમ સ્થાન ગણી આજે પણ હજારો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શને આવે છે અને દૂધનો અભિષેક કરે છે. રાજ્યના પવિત્ર યાત્રાધામ વિભાગના સૌજન્યથી ગોગાબાપજીનું એક સરસમજાનું મંદિર પણ અહીંયા બન્યું છે.
જમચકલાથી આગળ જઈએ એટલે નદી તરફના આ રસ્તે અનેક મંદિરો આવેલાં છે જેમાં સરસ્વતી માતાનું મંદિર પણ છે. એક સમય હતો જ્યારે પૂર્વ તરફનાં ગામડાનો વ્યવહાર આ માધુપાવડીયે થઈ જમચકલે થઈ મંડીબજાર નિશાળ ચકલો અને ત્યાંથી અચલાપુરા પાસે ગંજબજારમાં નીકળતો. બીજો અલવાને ચકલે થઈ પથ્થરપોળ થઈ ઝાંપલીપોળ અને ત્યાંથી સીધો સ્ટેશન જતો. મારા બાળપણમાં ગંજબજાર અચલાપુરા પાસે હતું અને એ સિદ્ધપુર શહેરમાં હોવાને કારણે જમચકલાથી માંડી ગંજબજાર સુધીના વિસ્તારની જાહોજલાલી હતી. દિવાળી વખતે તો જમચકલાથી નિશાળ ચકલા સુધીની બજારની રોનક જ બદલાઈ જતી. હું સાતમા ધોરણમાં હતો ત્યારે શાળા નંબર એકમાં દાખલ થયેલો અને મારું એસએસસીનું પરિણામ આવ્યું ત્યારે પણ આ ગંજબજાર ત્યાંજ હતું. ગંજબજાર સિદ્ધપુર શહેરની બહાર ગયું ત્યાં સુધી આ વિસ્તારની જાહોજલાલી હતી. આજે આ બધું ભૂતકાળ બની ગયું છે.
મોક્ષપીપળાની નીચે ગોગાબાપજીનું મૂળ સ્થાન છે તેની સાથે જોડાયેલ એક બીજી વાત પણ છે. બાવાઓની એક જમાત ફરતી ફરતી જમનાપુરની જાળી ગામે પહોંચી. થોડોક સમય રોકાઈ એ આગળ વધી ત્યારે કાશીનાથ નામના એક બાવાજીએ આ પવિત્ર ભૂમિ છે કહી ત્યાંજ ધૂણી ધખાવી. ટુંડાલીનો એક રબારી કાશીનાથ મહારાજને વારંવાર મળતો અને એમને દૂધ ધરાવતો. કાશીનાથ મહારાજે આ રબારીને કહ્યું કે શેષનાગનો વાસ હોય એવી આ પવિત્ર ધરતી છે. કાશીનાથ મહારાજે આ રબારીને પોતાના તપોબળનો પરચો આપ્યો અને પછી એક દિવસ એકાએક જમનાપુરની જાળીથી નીકળીને સિદ્ધપુર પહોંચી ગયા. સરસ્વતી નદીના કિનારા ઉપર ગોગબાપજીનું જે મૂળ સ્થાન છે ત્યાં આ રબારીએ કાશીનાથ મહારાજને દૂધ પાયું અને તેમણે ખુશ થઈ ગોગાબાપજીને (જમનાપુર જાળીનો ગોગો) એમને સોંપ્યા. શરત એ હતી કે જો ક્યાંય પણ એ રબારી કંડીયાને નીચો મુકે તો ગોગાબાપજી ત્યાંજ સ્થાયી થઈ જશે. એવું કહેવાય છે કે દાસજની સીમમાં કેટલાક રબારી ભાઈઓ ચલમપાણી કરતા હતા. તેમણે આ ભાઈને આવકાર્યા અને બે મિનિટ રોકાઈ ચલમપાણી કરવા આગ્રહ કર્યો. બસ !અહીં જ ભૂલ થઈ. પેલા રબારીએ જેવો કંડીયો નીચો મુક્યો કે ગોગબાપજી ત્યાં સ્થિર થઈ ગયા. આજે પણ દાસજીયા ગોગ તરીકે એમનો ઉંઝા પાસે દાસજ ગામમાં મોટું સ્થાનક છે અને દાસજીયા ગોગ તરીકે બધી જ કોમમાં એ પૂજાય છે.
સરસ્વતી આજે નથી પણ એ જ્યારે વહેતી ત્યારે એના કાંઠે ઉગેલી લીલીછમ ધરોમાં બેસીને કે પછી નદીની સરસમજાની રેતમાં બેસીને તે વખતે સિદ્ધપુરમાં જેની બોલબાલા હતી એવા “લખમણ માસ્તરના ગોટા અને એની માટીના કુલ્લડમાં મળતી સ્પેશ્યલ ચટણી”નો સ્વાદ આજે સરસ્વતીના પાણીની જેમ જ સિદ્ધપુરમાં સૂકાયો છે.
કેટકેટલું જોડાયું છે સરસ્વતીની સાથે
એના કિનારાનાં તિર્થસ્થાનો
માધુપાવડીયે કાર્તિકી પૂનમ (ચૌદસ)ની રાત્રે તરતા મુકાતા દીવડાઓ
નદીને કિનારે ભડભડ બળતી એ ચિતાની આકાશ તરફ લબકારા લેતી જ્વાળાઓ
એ વીરડા અને એનું તરસ છીપાવતું પાણી
પારસ પીપળીનો ગોગો
લખમણ માસ્તરના ગોટા
જમચકલેથી નિશાળ ચકલા સુધીની બજારની જાહોજલાલી
અચલાપુરા પાસે ધમધમતું ગંજબજાર
કેવું હતું સિદ્ધપુર ?
આજે પણ સિદ્ધપુર જઊં છું તેટલીવાર
એની ધૂળમાંથી મારું ભૂતકાળનું સિદ્ધપુર
શોધવા પ્રયત્ન કરું છું
આ પણ એક જમાનો હતો
જેના સથવારે મારું બાળપણ વીત્યું
આ પણ એક જમાનો છે
જેના સથવારે હું મારા અતીતને વાગોળવા મથું છું.
પણ....
અંગ્રેજીમાં કહેવત છે –
Time and Tide waits for None
આ અવળચંડો સમય ક્યાં કોઈને માટે રોકાય છે ?














