પૌરાણિક સિદ્ધપુરમાં સ્વયં લક્ષ્મીજીએ નિવાસ કર્યો હોવાથી તે શ્રીસ્થળ તરીકે ઓળખાય છે
એવું કહેવાય છે કે ‘નાણાં વગરનો નથિયો ને નાણે નાથાલાલ’. વિષ્ણુ સ્વરૂપ ભગવાનજીની તો આપણે ખૂબ વાત કરી. પણ ભગવાન વિષ્ણુ હોય અને લક્ષ્મીજી ન હોય એવું તો બને નહીં. એ વાત સાચી છે કે ગોવિંદમાધવના મહાડમાં ગજલક્ષ્મી અને લક્ષ્મીપોળમાં લક્ષ્મીનારાયણ સ્વયં બિરાજમાન છે. આમ તો શ્રી એટલે કે લક્ષ્મી અને સરસ્વતીને ભાગ્યે જ બને. એટલે પંડિતોનું શહેર - સરસ્વતી તીરે વસેલું શહેર - એવા સિદ્ધપુરને લક્ષ્મીજી સાથે લેણું માપસરનું જ હોય.
આજે આ માન્યતા ખોટી પાડવી છે. સિદ્ધપુરનું બીજું નામ છે શ્રીસ્થળ. શ્રીસ્થળ એટલે કે જ્યાં શ્રી - લક્ષ્મી વસે છે તે સ્થળ. પૌરાણિક સિદ્ધપુરમાં સ્વયં લક્ષ્મીજીએ નિવાસ કર્યો હોવાથી તે શ્રીસ્થળ તરીકે ઓળખાય છે.
શ્રીસ્થળની ઉત્પત્તિ અંગે એક પૂર્વાક્ત ઇતિહાસ પુરાણોમાં છે. ગરુડ પુરાણ અનુસાર દુર્વાસા મુનિના શાપને કારણે લક્ષ્મીજી સમુદ્રમાં પડ્યા. જ્યારે સમુદ્રમંથન યોજાયું ત્યારે લક્ષ્મીજી પણ બહાર આવ્યા અને પુન: શ્રી હરિને વર્યા. શ્રી તેમજ શ્રી હરિ ગરુડ પર સવાર થઈ વૈકુંઠ ભણી જઇ રહ્યા હતા તે સમયે નીચે પૃથ્વી પર સુમધુર કોલાહલ સંભળાયો. વેણુથી ઉત્પન્ન કવણ-કજણ મધુર કલકલાટના દ્રશ્યને નજરે નિહાળવા લક્ષ્મીજીએ આગ્રહ કર્યો અને ગરુડ સહિત તેઓ પૃથ્વી ઉપર ઉતર્યા. અહીં દેવો, યક્ષો, ડકરું, વેણુ અને વાદ્યોના સુમધુર સ્વરો અને અંગ-ચપળ સ્ફૂર્તિભર્યા નૃત્ય મહોત્સવને જોઈ લક્ષ્મીજી આનંદવિભોર બની ગયા.
નૃત્યમાં ફરતા ફરતા ઘુમરીઓ લેતાં પાર્વતીજીએ શ્રી લક્ષ્મીજીના ગળામાં મધમધાટ પુષ્પોનો એક હાર પહેરાવી દીધો. નૃત્યના આ મનમોહક વાતાવરણે લક્ષ્મીજીના મનમાં આ ભૂમિ પર મહાદેવ-પાર્વતી સાથે વસવાનો મોહ જગાડી દીધો. લક્ષ્મીજીએ શ્રી હરિને મનની વાત કરી. શ્રી હરિએ લક્ષ્મીજીની ઈચ્છા જાણી આ ભૂમિ પર રહેવા એક સુંદર નગર બનાવવા વિશ્વકર્માને કહ્યું. શ્રી હરિએ કહ્યું કે શ્રીની ઈચ્છાથી આ નગરનું નિર્માણ થયું છે જેથી હવેથી આ નગર શ્રીસ્થળ નામથી ઓળખાશે.
શ્રી સાથે શ્રી હરિના હોવાના કારણે ઋષિમુનિઓએ તેને પ્રાચિ માધવ તીર્થનું નામ પણ આપેલું છે. શ્રી હરિ અહીં નિવાસ કરતાં હોવાથી નિવાસના ચારે દરવાજેથી શ્રી હરિના દર્શન માટે દેવો અહીં આવાગમન કરે છે.
સદાશિવ તો હિમાલયમાં રહે છે, તો આ આ ભૂમિ સામ્બ સદાશિવનું મહાલય તીર્થ કેવી રીતે? આ પ્રશ્ન ઋષિઓએ સુત પુરાણીને પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે ઉનાળા અને ચોમાસાના આઠ મહિના મહાદેવજી હિમાલયમાં રહે છે. પરંતુ શિયાળાના ચાર માસ તેઓ આ શ્રીસ્થળની ભૂમિ પર આવીને વસે છે. ઋષિમુનિઓએ આ રહસ્યને સંપૂર્ણપણે સમજવા બીજો પ્રશ્ન કર્યો કે આમ કેમ? ત્યારે મુનીઓની ઉત્સુકતા જાણી સુત પુરાણીએ સમગ્ર ઇતિહાસ કહ્યો. આ ઇતિહાસને કારણે શ્રીસ્થળ એક મહાલય તીર્થ તરીકે પ્રાચીન સમયથી સુવિખ્યાત છે.
શ્રી હરિ અને મહાદેવજીના નિવાસને કારણે આ ભૂમિએ એક સર્વોચ્ચ તીર્થનું સ્થાન લીધેલું છે. પ્રાચિ સરસ્વતી પણ પોતાના પવન જળથી આ ભૂમિને પખાળતા આગળ વધે છે. શ્રીસ્થળના પ્રાચિ માધવના દર્શન ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરે છે. તેમના દર્શનમાત્રથી નર્કના દુ:ખોથી દૂર રહી શકાય છે. શ્રીસ્થળમાં પ્રવેશમાત્રથી પાપો તત્કાળ નાશ પામે છે.
આ કથા મુજબ પણ હર અને હરિના મિલનનું સ્થળ એટલે આપણું સિદ્ધક્ષેત્ર અથવા શ્રીસ્થળ. મહાદેવજી શિયાળામાં ચાર માસ માટે શ્રીસ્થળની ભૂમિ પર આવીને વસે છે એટલે એવું કહી શકાય કે શિયાળાના આ ચાર માસ દરમિયાન ભગવાન મહાકાલ શંકર સ્વયં સિદ્ધપુરની ભૂમિ પર વસે છે. કદાચ આ કારણથી જ મહાશિવરાત્રિ પર્વના દિવસે સિદ્ધપુરમાં ભાગ્યે જ કોઈ એવો મહોલ્લો હશે કે જ્યાં શિવમંદિરોમાં ભગવાન શંકરની પ્રહર પૂજા-અર્ચના ન થતાં હોય. આ લખું છું ત્યારે સમજાય છે કે શિવરાત્રિની રાત્રે સિદ્ધપુરના જેટલાં શિવમંદિરોના દર્શન થાય તેટલા સારા કારણ કે ભગવાન સ્વયં એ સમયે ક્યાંક ને ક્યાંક પૂજા-અર્ચનાથી અભિષીક્ત થઈ રહ્યા હોય છે.
આમ, શ્રી અને પાર્વતી બંને સરસ્વતી કિનારે વસતા હોય એવો સમય એટલે શિયાળો.