પ્રિન્સિપાલ સાહેબની કેબિનમાં અમે ત્રણ જણા હતા. આમાંથી પ્રિન્સિપાલ સાહેબ અને પંડ્યા સાહેબ બંને સાથેનો મારા માટે આ પહેલો વાર્તાલાપ હતો. એકાદ ક્ષણ વીતી હશે ત્યાં પ્રિન્સિપાલ સાહેબે પૂછ્યું, “પરીક્ષા આપી આવ્યો ?” મેં “હા” એમ કહી ડોકું હલાવ્યું. “જી” અથવા “હા જી” કહેવા જેટલી સૌમ્ય ભાષા સાથે મારો હજુ પરિચય નહોતો થયો. એમણે મને પરીક્ષામાં શું પૂછાયું ?, કેટલા વિદ્યાર્થીઓ હતા ? વિગેરે પૂછ્યું, જેનો મેં માંડીને જવાબ આપ્યો. પંડ્યા સાહેબે સીધો પ્રશ્ન કર્યો, “શું લાગે છે ? પાસ થઈ જઈશ ?” મારી પાસે હતી એટલી હિંમત અને આત્મવિશ્વાસ ભેગો કરી મેં જવાબ ઢસડી નાખ્યો - “પાસ થઈ જવાશે.” પ્રિન્સિપાલ સાહેબના મ્હોં પર આ જવાબથી દોરાતી સંતોષની રેખાઓ અને એક સૌમ્ય તથા લાગણીસભર પ્રતિભાવ મને જાણે કહી રહ્યાં હતાં કે, પરીક્ષામાં પાસ થવાશે કે નહીં તે તો પરિણામ આવ્યે ખબર, પણ એલ.એસ. હાઈસ્કૂલમાં દાખલ થતાંની સાથે જ આ બંને દિગ્ગજો મારી સાથે સીધી વાત કરે એ ઘટના જ મારા માટે ખૂબ સંતોષ અને આનંદની વાત હતી. બીજી નાની-મોટી બે-ચાર વાતો પૂછી પ્રિન્સિપાલ સાહેબે વાત પૂરી કરતાં કહ્યું, “ભણવામાં ધ્યાન રાખજે તો ખૂબ આગળ વધી શકીશ. મુંબઈ નહીં એક દિવસ અમેરિકા પણ જવાશે.” હું પ્રિન્સિપાલ સાહેબની ઑફિસમાંથી એકદમ હળવોફૂલ થઈને આનંદિત મને બહાર નીકળ્યો. મારી ઊંચાઈ કદાચ એક વ્હેંત વધી ગઈ હતી !
દરેક ઘટનાનું એક મહત્ત્વ હોય છે. ખાસ કરીને જ્યારે તમે કોઈ સામાજિક જૂથ કે સમાજના સભ્ય હોવ ત્યારે આ પ્રકારની ઘટના અને એને કારણે ઊભી થતી છાપ અગત્યનાં હોય છે. એલ. એસ. હાઈસ્કૂલમાં મેં એક પણ પરીક્ષા આપી ન હતી. આમ છતાંય શિક્ષક સાહેબોમાં અને વિદ્યાર્થીઓમાં છેક મુંબઈ પરીક્ષા આપવા જાય એવા મોટા ગજાના વિદ્યાર્થી તરીકેની મારી છાપ ઉપસી રહી હતી. ગુજરાતીમાં એક કહેવત છે – “આવતી વહુ અને બેસતો રાજા પડી તો પડી.” મારા કિસ્સામાં આ કહેવત ક્યાંક ને ક્યાંક બંધ બેસતી થતી હોય તેવું દેખાતું હતું. એલ. એસ. હાઈસ્કૂલમાં દાખલ થયે હજુ મને માંડ ત્રણેક મહિના જેટલો સમય થયો હતો. દરમિયાનમાં પહેલા વર્ગ 8-ફમાંથી પસંદ કરીને પરીખ સાહેબે મને એક આશાસ્પદ વિદ્યાર્થી તરીકે ધોરણ 8-કમાં લઈ ગયા અને ત્યારબાદ હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલમાં દાખલ થવાની મુંબઈ રાજ્યની પરીક્ષા આપવા માટે મને પસંદ કરવામાં આવ્યો જેણે મારી છાપ ઉપર ચાર ચાંદ લગાવી દીધા. એલ. એસ. હાઈસ્કૂલના મુખ્ય બિલ્ડીંગમાંથી નીકળીને ચાલતો ચાલતો હું મહેતા ભવનમાં મારા ધોરણ 8-કમાં જવા માટે રવાના થયો. રિસેસ અથવા શાળા છૂટે ત્યારે વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગાજી ઊઠતું શાળાનું આ પરિસર અત્યારે વિદ્યાર્થીઓ વર્ગખંડોમાં હોવાથી એકદમ શાંત હતું. ચાલતાં ચાલતાં રસ્તામાં આવતો અખાડાનો રૂમ અને ત્યારબાદ ચિત્રકામ માટેનો પતરાના છાપરાવાળો ઓરડો પસાર કરી હું મહેતા ભવનનાં પગથિયાં ચઢ્યો. સામે જ મારા ક્લાસ 8-કનો દવાજો હતો. દરવાજે જઈને મેં અત્યંત નમ્રતાથી પરવાનગી માંગી – “MAY I COME IN SIR ?” પરીખ સાહેબે ડોકું હલાવી હા કહી એટલે વર્ગખંડમાં દાખલ થઈ દરરોજની જગ્યાએ જઈને બેઠો.
પરીખ સાહેબ તે સમયે ગણિત શીખવાડી રહ્યા હતા. નિશાળનું રાબેતામુજબનું ભણવાનું હવે ચાલુ થઈ ગયું હતું. ગુજરાતી શાળામાં હતા ત્યાં સુધી છ માસિક પરીક્ષા ન હતી. અહીંયાં દિવાળી વેકેશન પહેલાં છ માસિક પરીક્ષા લેવાવાની હતી. એનો કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો. આ પરીક્ષા આવી. પહેલીવાર પાટલી પર બેસીને પ્રશ્નપત્રના જવાબો લખ્યા. પેપરો સારાં લખાયાં. આમેય, પરીક્ષાનો કોઈ બોજો અત્યાર સુધી મગજપર રહેતો નહોતો. આ પરીક્ષા દરમિયાન એક નવો અનુભવ થયો. સાતમું ધોરણ એલ. એસ. હાઈસ્કૂલમાં ભણ્યા હોય તેવા અને બીજા કેટલાક દબંગ વિદ્યાર્થી પરીક્ષામાં ગેરરીતિઓ કરતા જોવા મળ્યા. કાપલી શું કહેવાય તે પહેલી વખત ખ્યાલ આવ્યો. આ લોકોની સંખ્યા બહુ ન હોતી, પણ નાના સ્વરૂપે વવાયેલું એક બીજ અંકુરિત થઈ રહ્યું હતું. પરીક્ષામાં કાપલી લઈ જવાય અથવા ચોરી કરાય એવો રજમાત્ર ખ્યાલ ત્યાં સુધી મગજમાં નહોતો. મારા માટે આ અનુભવ આશ્ચર્યમિશ્રિત વેદનાનો હતો. હું એ સમયની વાત કરૂં છું જ્યારે કોઈ વિદ્યાર્થી ટ્યુશન જતો હોય તો એને પણ “ટ્યુશનિયો” કહી બધા ચીડવતા. અહીં તો એથીયે આગળની સ્થિતિમાં માત્ર આઠમા ધોરણનો વિદ્યાર્થી પહોંચ્યો હતો. ખેર ! આ ચિઠ્ઠી કે કાપલીવાળા વિદ્યાર્થીનું એ જમાનામાં કોઈ મહત્ત્વ કે ગણના નહોતી.
પરીક્ષા પતી ગઈ. લગભગ દસેક દિવસ પછી દિવાળી વેકેશન પડવાનું હતું. સિદ્ધપુરમાં નીકળતી વિવિધ પલ્લીઓની સિઝન પૂરી થઈ હતી. શરદપૂનમ પછીનો સમય હતો. તે જમાનામાં નદીમાં પાણી વહેતું એટલે રાત્રે સહેજ ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થાય તેવું મસ્ત વાતાવરણ બનતું. દૂર દૂર દિવાળીના દીવા દેખાવા માંડ્યા હતા. ફટાકડાની દુકાનો અને લારીઓ મંડાવા માંડી હતી. આમ, એકબાજુ વેકેશન અને બીજી બાજુ દિવાળીના આગમનનો બમણો આનંદ મનમાં ઊભરી રહ્યો હતો.
વેકેશન પડવાના બે દિવસ પહેલા અમારૂં પરિણામ જાહેર થયું. તે સમયે વર્ગશિક્ષક જ પ્રગતિપત્રકમાં પરિણામ ભરીને આપી દેતા. પરીખ સાહેબે પરિણામની જાહેરાત કરતાં પોરસાઈને કહ્યું, “આઠમા ધોરણના બધા જ વિદ્યાર્થીઓમાં છ માસિક પરીક્ષાના પરિણામમાં પ્રથમ દસ વિદ્યાર્થીઓ ધોરણ 8-કમાંથી આવે છે અને આપણા વર્ગનો કોઈ વિદ્યાર્થી નાપાસ નથી.” પરીખ સાહેબના ચહેરા પર આનંદની સ્પષ્ટ અભિવ્યક્તિ જોઈ શકાતી હતી. પોતાના ક્લાસના આ દેખાવથી સ્વભાવિક રીતે જ તેઓ ખૂશ હતા.
પેલા પ્રથમ દસ વિદ્યાર્થીઓનાં નામ તેમણે દસમા નંબરથી શરૂ કરી બોલી બતાવ્યાં. એ જાહેરાતમાં મારૂં નામ છેલ્લા નંબરે હતું એટલે કે એલ. એસ. હાઈસ્કૂલની પ્રથમ પરીક્ષા - ધોરણ-8ની છ માસિક પરીક્ષા મેં પહેલે નંબરે પાસ કરી હતી. ગમ્યું. પણ એ સમયે આ પહેલે નંબરે પાસ થવાથી કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી નાંખી છે એવો ભાવ મનમાં જરાય નહોતો. કારણ કે પહેલા ધોરણથી બધી જ પરીક્ષાઓ પહેલા નંબરે પાસ કરવાની ટેવ પડી ગઈ હતી. એક વખતે તમે પહેલા નંબરે પાસ થતા જ રહો એટલે કદીક જ આ તક મળે ત્યારે થતો આનંદ ઝૂંટવાઈ જાય છે. સાથે સાથે આ ક્લાસમાંથી કયા કયા મિત્રો સાથે હરીફાઈમાં ઊભું રહેવાનું હતું તે પણ લગભગ સ્પષ્ટ થઈ ગયું. મારા આ સાથી મિત્રો હતા – ગાંગલાસણવાળા ભાઈ માધુભાઈ પટેલ અને લીલાચંદ પટેલ, સિદ્ધપુરમાંથી હિંમત જીવણલાલ શાહ, હરગોવન શંકરલાલ પ્રજાપતિ, કાણોદરથી અપડાઉન કરતા શ્રી એમ. એન. પોલરા બિલિયાના શ્રી આર. કે. પટેલ વિગેરે. આ યાદીમાં થોડાક સમય માટે સિદ્ધપુરમાં મામલતદાર તરીકે આવેલ શ્રી સિદ્ધપુરીયાના પુત્ર મુકુંદ એમ. સિદ્ધપુરીયાનું નામ આગળ જતાં ઉમેરાયું અને નીકળી પણ ગયું. કારણ કે મામલતદાર સાહેબની બદલી થઈ ગઈ. એવું જ એક નામ આગળ જતાં અરવિંદ નટવરલાલ પરીખનું ઉમેરાયું. આઠમાની પ્રથમ છ માસિક પરીક્ષાના પરિણામે આ રીતે આઠમા ધોરણમાં બધા જ વિદ્યાર્થીઓમાં મારૂં નામ પ્રસ્થાપિત કરી દીધું. આત્મવિશ્વાસનો એક નવો અને મજબૂત ડૉઝ આ પરિણામે મને પીવડાવી દીધો.
વેકેશન પડ્યું. આમ તો વેકેશન અને તે પણ દિવાળીના તહેવારો દરમિયાનનું એટલે મોજ-મજા અને આનંદ-મસ્તીને મબલખ માણવાનો સમય
નિશાળમાં રજા – રમવાની મજા
ફટાકડા અને દારૂખાનું ફોડવાની મજા
મઠીયાં, ઘૂઘરાં, સેવ અને સુંવાળી ખાવાની મજા
રાત્રે જાગવાની મજા
મોડા ઉઠવાની મજા
મજા જ મજા... ભરપૂર મજા
આવા આ જથ્થાબંધ મજાના માહોલમાં બે એવા બનાવ બનવાના હતા જેની આજે કલ્પના કરીએ તો પણ ધ્રુજી જવાય છે.
બંને બનાવને પોતપોતાની આગવી ભંયકરતા હતી.
બંને બનાવમાં તમને હતા ન હતા કરી નાખવાની ક્ષમતા હતી.
બંને બનાવ એવા કે ક્ષણભર પહેલાં તમે એની કલ્પના પણ ન કરી હોય
દિવાળીના દીવા થાય અને મેરાયાં નીકળે તે પહેલાં
આ બંને ઘટના ઘટવાની હતી
એવું તે શું બનશે ?
કલ્પના કરી જૂઓ
તમે ખોટા પડશો એની ખાતરી આપું છું.