ઉતરાયણ તો વીતી ગઈ... હજુ તો વડોદરામાં એક વરસ પૂરું નથી થયું પેલો આખો ગામડિયો થોડો સુધર્યો છે ખરો પણ હજુય અડધો ગમાર તો છે જ.

ઉતરાયણ તો વીતી ગઈ...

હજુ તો વડોદરામાં એક વરસ પૂરું નથી થયું

પેલો આખો ગામડિયો થોડો સુધર્યો છે ખરો

પણ હજુય અડધો ગમાર તો છે જ.

 

થોડા દિવસો પહેલાં કોઈક મેગેજીનના પાને જે વાંચવા મળ્યું તે અનાયાસે જ તે સમયની મારી મનોસ્થિતિને જાણે કે વ્યક્ત કરતું હતું. લખાણ કાંઈક આ મુજબ હતું-

 

“હમણાં પવન આવશે-

ની આશામાં

કેટલાયે પતંગો,

ઉડ્યા વગરના પડી રહ્યા છે...

આ મનની અગાશી પર...”

 

આ શબ્દ તે વખતે મારી કોટેશન(અવતરણ)ની નોટબુકમાં ટપકાવી લીધા હતા. આજે પણ આ શબ્દો મારા વર્કિંગ ટેબલના કાચની નીચે મુકાયેલ કેટલાક અવતરણોમાં સ્થાન શોભાવે છે. આશાનો દોરાયો મનુષ્ય દોડ્યા કરે છે. મનુષ્ય નામના પતંગને આશાની દોર ચગતો રાખે છે જો હવા અનુકુળ હોય તો અને જો હવા અનુકુળ ન હોય તો અથાગ પ્રયત્નોરૂપી ઠુમકા મારવા છતાય ક્યારેક પતંગ હવામાં રાખી શકાતો નથી.

 

આશા માટે એવું કહેવાય છે કે એનાથી બંધાયેલા દોડે છે અને જે મુક્ત છે તે બિલકુલ પાંગળાની માફક પડ્યા રહે છે. મનની અગાશીમાં આશા અપેક્ષાઓરૂપી કેટલાય પતંગ પડ્યા રહે છે. ક્યારેક સાનુકુળ હવા નીકળશે એની રાહ જોતા. વર્ષોનાં વર્ષો વીતી જાય છે અને ક્યારેક અણધારી રીતે મનની અગાશીમાં પડેલ આશાનો એ પતંગ સાનુકુળ હવા મળતા સડસડાટ આકાશને આંબવા ઊડી નીકળે છે. સાનુકુળ હવામાં ચગતા આ પતંગને ક્યારેક વાતાવરણ બદલાશે અથવા ક્યારેક અણધાર્યો કોઈ હુમલો એની દોરી કાપી નાખશે એનો ખ્યાલ સરખો નથી હોતો. એ વર્તમાનમાં મસ્ત છે. જીવન જીવવાની કદાચ આ જ સાચી રીત છે. વર્તમાનની મસ્તીમાં મસ્ત રહીને જીવો. પવન સાનુકુળ હોય ત્યારે એકદમ આભને આંબવા ઉડી નિકળો તો પણ એ ખ્યાલ રાખવો કે-

 

“યે દુનિયા પતંગ,

નીત બદલે યે રંગ,

કોઈ જાને ના,

ઉડાનેવાલા કૌન હૈ”

 

આપણી સૌની આશા અપેક્ષા હોય છે. જ્યારે વાતાવરણ સાનુકુળ હોય ત્યારે રોજ ઉતરાયણ અને પવન પડી જાય તો વીલે મોઢે અગાશીમાં ડાફેરા મારવાનું જીવનનો આ ક્રમ ચાલ્યા જ કરે છે.

 

વડોદરાની ઉતરાયણની જેમ આગવી રસમ છે તેમ એ જમાનામાં વડોદરામાં લટાર મારવાની પણ આગવી મજા હતી. વડોદરા ખૂબ મોટું શહેર નહોતું. આમ તો સ્ટેશનથી વડોદરા શહેરને વીંધીને જતા બે જ રાજમાર્ગ. એક સ્ટેશનથી માંડવી થઈ પાણીગેટ અને બીજો સ્ટેશનથી માર્કેટ. વડોદરાના ઔર્ધોગિક વિસ્તારને જોડતો સ્ટેશનથી એલેમ્બિક અથવા નવા યાર્ડ રુટ હતો ખરો પણ એનો હેતુ અત્યંત મર્યાદિત હતો. વડોદરામાં એ જમાનામાં દિનેશમીલ, યમુનામીલ, સહાજી આયરન, એલેમ્બિક અને સારાભાઇ કેમિકલ્સ જેવા ઔર્ધોગિક વિસ્તારો હતાં. થોડા ઘણા એકમો માણેજા વિસ્તારમાં હતા પણ ખુબ મર્યાદિત અને મોટા ભાગે મકરપુરા જી.આઈ.ડી.સી.થી આગળ હિંદુસ્તાન બ્રાઉન બોવેરી કે પ્રિસીજન બેરીગ્સ જેવાં મોટાં એકમો અને ટ્રેક્ટર બનાવતું પશાભાઈ પટેલનું વિશ્વામિત્રી ખાતે આવેલું હિંદુસ્તાન ટ્રેક્ટર્સ. એમ આંગળીના વેઢે ગણાય એટલાં આ એકમો જ ઔર્ધોગિક વડોદરાની ઓળખ હતાં. આ સિવાયનું વડોદરા એક શાંત અને લગભગ પ્રદૂષણ મુક્ત કહી શકાય એવું સોજું શહેર હતું જ્યાં શહેરના પ્રમાણમાં ઐતિહાસિક અને જોવાલાયક કહી શકાય એવાં ઘણાં સ્થળો હતાં.

 

એક પદયાત્રી તરીકે અને કયારેક સાયકલ સવાર થઈને રખડતા રખડતાં વડોદરાથી પરિચિત થવા માટે મેં સારા એવા સમયનું રોકાણ કર્યું હતું. આ રખડપટ્ટી મોટા ભાગે એકલવીર તરીકેની હતી. સતત છ વરસના મારા અભ્યાસકાળ દરમ્યાન આ રખડપટ્ટી ચાલતી રહી. વડોદરા વિષે ઘણું જાણ્યું એનાથી પણ એના કરાતાંય વધુ તો ક્યારેક EME ટેમ્પલ, ક્યારેક કમાટીબાગ બેન્ડસ્ટેંડ અથવા ઝૂ તો ક્યારેક કમાટીબાગ મ્યુઝિયમ, ક્યારેક કોઠીથી શરૂ થઈને માંડવી સુધીનો વડોદરાનો રાજમાર્ગ તો ક્યારેક સયાજી ગંજ હેવામોરના ખૂણાના ટેબલ પર બેસીને કોફીની ચુસ્કી લેતાં ગાળેલો સમય મને મારી જાત સાથે પરિચિત થવાનો પણ ખુબ મોટો અવસર આપી ગયો. મોતીબાગ પર રમાતી રણજી ટ્રોફી મેચ કે ડી.એન. હોલના સામેના ગ્રાઉંડ પર રમાતી ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચંદ્રશેખર, પ્રસન્ના, ફારૂક ઇંજિનિયર, વાડેકર, માંકડ જેવા તે સમયાના ઉગતા સિતારાઓને ખુબ નજદીકથી જોવાનો મોકો અવિસ્મરણીય બની રહ્યો.

 

મારા વ્યક્તિત્વ ઘડતર ઉપર વડોદરાએ ત્રિપાંખીઓ હુમલો કર્યો હતો. પહેલો હોસ્ટેલની જિંદગી અને વર્ગમાં કોસ્મોપોલિટન વાતાવરણ સાથે પનારો પાડવાનું આવ્યું તે, બીજું વડોદરાના શહેરી જીવનનાં પાસા અને એનાં જોવાલાયક સ્થળોથી રૂબરૂ થયો તે અને ત્રીજું આ બધું જોતાં જોતાં મારી જાત સાથેના સતત વાર્તાલાપે એક અણઘડ લગભગ ગામડિયો કહી શકાય એવા મને ઘડીને આત્મવિશ્વાસથી ભરપૂર જયનારાયણ વ્યાસનું સર્જન કર્યું તે. વડોદરામાં વિતાવેલાં એ વિધ્યાર્થી અવસ્થાનાં વરસો સાચા અર્થમાં મને તરાસી રહ્યાં હતાં, તાવી રહ્યાં હતાં.

 

આવું જ એક સ્થળ જ્યાં એક દિવસ અનાયાસે જઇ ચડવાનું થયું તે હતું અઢીસો વરસ કરતાં પણ વધુ જુનું મૈરાળ ગણપતીનું ઐતિહાસિક મંદિર. આ મંદિર ધુંડીરાજ ગણપતિ મંદિર તરીકે જાણીતું છે. મહારાષ્ટ્ર ક્રીડા મંડળ, વાડી ફડનીસ રોડ એ સરનામે આવેલ આ મંદિર ગોપાલરવ મૈરાળ દ્વારા બાંધવામાં આવેલ. આ મંદિર ગુજરાતનાં ગણપતી મંદિરોમાં પુરાતનમાં પુરાતન મંદિરોમાંનું એક છે. શહેરના ગીચ વસ્તી ધરાવતા વાડી એરિયામાં જુનાં રહેણાંકનાં મકાનોની વચ્ચે ઢબુરાઈને પડેલું આ મંદિર ઉત્તમ કોટિના સાગના લાકડામાંથી બનાવેલું છે. ૪૪ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલ આ મંદિર ૧૬ ઇંચ વ્યાસના ૪૪ થાંભલા પર ઊભું કરાયું છે. કહેવાય છે કે આ માટે હૈદરાબાદ, રાજસ્થાન અને મુંબઈથી મજદૂરો લાવવામાં આવ્યા હતા. સંપૂર્ણપણે લાકડાનું બનેલું આ મંદિર એના થાંભલા ઉપરની અદ્દભુત કોતરણીને કારણે મન મોહી લે છે. આ મંદિરની વિશેષતા એ છે કે એમાં ગણેશજીની પત્નીઓ રિધ્ધિ અને સિધ્ધી તેમજ બાળકો લાભ અને લક્ષની મૂર્તિઓ છે. સામાન્ય ગણેશ મંદિરમાં મુષકરાજ(ઉંદર) ગણેશજીના પગ પાસે હોય છે જેને બદલે અહિંયા એમને આરસના પેડેસ્ટલ ઉપર ગર્ભગૃહની બહાર બેસાડવામાં આવ્યા છે.

 

આ મૈરાળ કુટુંબ માટે એવું કહેવાય છે કે ગણપતિની સ્થાપના કરનાર સ્વર્ગસ્થ ગોપાલરાવ મૈરાળે વડોદરા સ્ટેટનાં મહારાજા ખંડેરાવ ગાયકવાડને નવ કોટિનું દાન કર્યું હતું. આ કારણથી ગોપાલરવ કોટી નારાયણ કહેવાતા હતા. ગોપાલરાવ મૈરાળ મહારાજા ખંડેરાવના દરબારમાં દીવાન હતા. તેની સાથોસાથ ગાયકવાડ કુટુંબના બેન્કર તરીકે અમાપ ધન સંપત્તી પણ ધરાવતાં હતા. મહારાજા ખંડેરાવને તેમણે નવ કોટિ એટલે કે તે સમયના રૂપિયા નવ કરોડનું દાન કર્યું હતું. એવું કહેવાય છે કે વાડીના મૈરાળ ગણપતી મંદિરથી માંડવી નજરબાગ સુધી સોનામહોરો ભરેલાં ગાડાંની લાઇન લાગી હતી. (મુંબઈ સમાચાર ૫ સપ્ટેમ્બર,૨૦૧૭) મંદિરની નીચે એક વિશાળ ભોંયરું છે જેમાં અઢળક ખજાનો રહેતો હતો. વર્ષોથી આ ભોયરામાં કોઈ ગયું નથી.

 

આજે ૪૪ હજાર ચોરસ ફૂટ જગ્યામાં ઉભેલું અને ૨૧૦૦ સ્ક્વેર ફૂટ બાંધકામ ધરાવતું આ મંદિર અને એની આજુબાજુનું પરિસર વડોદરાના ઐતિહાસિક વારસા તરીકે જે રીતે જળવાવું જોઈએ તે રીતે જળવાતું નથી. હજુ આજે પણ ક્યારેક ક્યારેક વડોદરા જવાનું થાય તો અંહી લટાર મારવાનું મન થાય છે. યાદ આવે છે ગોપાલરવ મૈરાળની. વડોદરાએ જે નરરત્નો જોયાં છે તેમાં ગોપાલરવ મૈરાળ કદાચ વિસરાઈ ગયેલું નામ છે.

 

નાનું મોટું દાન આપીને તક્તીઓ મૂકવાની હરીફાઈ કરતા અથવા પોતાનો ફોટો છાપામાં છપાય કે સમાજના મેળાવડામાં પોતાના નામનો ઉલ્લેખ થાય એ માટે ટળવળતા આજના કહેવાતા મોટા માણસોમાંથી કેટલા ભાગીએ તો ગોપાલરવ મૈરાળ બને? કદાચ ન પણ બને!

 

આ વડોદરું છે. માંડવીની પોળથી આગળ માંડવી અને ત્યાંથી જમણી બાજુ વળી જઈએ એટલે વાડી વિસ્તાર આવે. વાડી અને મચ્છીપીઠ વિસ્તારને આપણે આધુનિક સંદર્ભમાં કોમી રમખાણોના કેન્દ્રબિંદુ તરીકે ઓળખીએ છીએ.

 

કોમી રમખાણો એ વડોદરા કે વાડી કે મચ્છીપીઠની ઓળખ નથી.

એની ઓળખ હોવી જોઈએ મૈરાળનું ગણપતી મંદિર.

એની ઓળખ હોવી જોઈએ સ્વ. ગોપાલરવ મૈરાળ.

એની ઓળખ હોવી જોઈએ નવ કોટિ નારાયણ તરીકે ઓળખાતા આ દાનવીર.

પહેલીવાર આ ગણપતી મંદિર જોયું ત્યારથી મને ત્યાં જુદા જ વાઈબ્રેશનનો અનુભવ થયો છે.

એ અનુભૂતિ આજે પણ અકબંધ છે.

વડોદરાના વિધ્યાર્થી જીવનની શરૂઆતની રઝળપટ્ટી

કોઈ જ કારણ વગર

ક્યારેક પગપાળા, ક્યારેક સાયકલ પર, ક્યારેક બસમાં

હું વડોદરાથી પરિચિત થવા મથતો હતો.

વચ્ચે વચ્ચે અંતરમુખી બની કલાકો સુધી આ સ્થળોએ

બેસી વિચાર્યા કરતો હતો

શેના વિચારો? શેનાં શમણાં?

હજુ તો વડોદરામાં એક વરસ પૂરું નથી થયું

પેલો આખો ગામડિયો થોડો સુધર્યો છે ખરો

પણ હજુય અડધો ગમાર તો છે જ.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles