નગરધણી પહેલાં સિદ્ધનાથ મહાદેવને મળવા લક્ષ્મીજી સાથે સજોડે જતાં પણ હવે એવું બનતું નથી.
હોળી-ધૂળેટી રંગે ચંગે પૂરાં થયાં. ભગવાન ગોવિંદ માધવ, રણછોડરાયજી, રાધાકૃષ્ણ, ગોવર્ધનનાથજીની નગરયાત્રા ભક્તોએ ખૂબ આનંદપૂર્વક માણી. મૂળ તો આ બધા વિષ્ણુના સ્વરૂપોનો શિવસ્વરૂપને મળવાનો ઉત્સવ. ભગવાન ગોવિંદરાય-માધવરાય એના આગેવાન. આ બધા ભેગા થઈને શિવસ્વરૂપ ભગવાન સિદ્ધનાથ મહાદેવની પટેલલોકના મહાડમાં મુલાકાતે જાય. ભક્ત સમુદાય આખો આનંદના હિલોળે ચઢે. આજથી માત્ર થોડા વરસો પહેલાં આ નગરયાત્રામાં એક પાલખી જોડાતી હતી. હવે એ નથી જોડાતી. એ પાલખી હતી ગોવિંદમાધવ ભગવાનનું આંગણું એટલે માંડ કેટલાક ઘર જ્યાં આવેલા છે તે ગોવિંદમાધવનો મહાડમાં સ્થાપિત લક્ષ્મીજીની. જમચકલા બાજુથી આવો અને વરિષ્ઠ પત્રકાર સ્વ. શ્રી ગોવિંદલાલ ઠાકર (પ્રવાસી)ના ઘરના બરાબર સામે જમણા હાથે વળો એટલે ગોવિંદમાધવનો મહાડ આવે. આ ગોવિંદલાલ પ્રવાસીના પુત્ર સ્વ. શ્રી રંજનભાઈ ઠાકરે પણ વકીલાત ન કરી પૂર્ણકાલીન પત્રકારત્વને સમર્પિત રહી સનસનાટી નામનું પાક્ષિક ચલાવ્યું. આજે એમના પુત્ર વરિષ્ઠ પત્રકાર શ્રી કમલેશભાઈ ઠાકર, ત્રીજી પેઢીએ આ જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે. આજે પણ સિદ્ધપુર બહાર રહેતા સિદ્ધપુરવાસીઓમાં સિદ્ધપુરથી પ્રગટ થતાં બે પાક્ષીકોની રાહ જોવાય છે, એક સનસનાટી અને બીજું સત્યમ શિવમ સુંદરમ. સનસનાટી પાક્ષિકના મથાળે છપાતી પંક્તિઓએ મને હંમેશા પ્રભાવિત કર્યો છે. આ પંક્તિઓ છે –
ખીંચો ન કમાનો કો, ન તલવાર નિકાલો
અગર તોપ મુકાબિલ હૈ અખબાર નિકાલો
એક જમાનામાં જ્યારે ગોવિંદભાઇએ આ પંક્તિઓ પસંદ કરી હશે ત્યારે પ્રેસની નીતિમત્તા અને એનો પ્રભાવ ચરમસીમાએ હતો. ઇન્દિરા ગાંધીની કટોકટીને પણ નહીં નમનારા જનસત્તાના માલિક રમણલાલ શેઠ જેવા ખુદ્દાર માલિકો અને તંત્રીઓ હતા. ગુજરાત સમાચારનું પ્રેસ બાળી નખાય તોય અડગ અને નીડર પત્રકારત્વમાંથી વિચલિત નહીં થનાર અખબારો અને મીડિયાનો એ જમાનો હતો. આજે આ બધુ વિચારીએ છીએ તો દુ:ખ થાય છે. હવે તો સાપ ગયા ને લીસોટા રહ્યા. નથી એ પત્રકારો રહ્યા કે નથી એના ખુદ્દાર માલિકો અને તંત્રીઓ રહ્યા.
વળી પાછા મૂળ વાત પર આવીએ. એક જમાનામાં અતિપ્રતિષ્ઠિત ભાનુભાઇ ઇનામદારનું મકાન વટાવીએ, વિદ્વતા અને સરસ્વતી જેના મકાનમાં આંટાફેરા કરે એવા બચુક શાસ્ત્રી, રમણ શાસ્ત્રી, હરીશ શાસ્ત્રી અને કિરણ શાસ્ત્રીનું એક જમાનાનું નિવાસસ્થાન વટાવી સહેજ આગળ વધીએ એટલે ડાબા હાથે કમલેશભાઈ સનસનાટીનું નિવાસસ્થાન આવે. એના બરાબર સામે દરવાજામાં પ્રવેશો એટલે ભગવાન ગોવિંદમાધવનું આંગણ એવો ગોવિંદમાધવનો મહાડ આવે.
ધૂળેટીને દિવસે નીકળતી આ નગરયાત્રાની પદ્ધતિ કંઈક આ પ્રમાણે છે. અહીંયાં પ્રોટોકોલ જડબેસલાક ગોઠવાયેલો છે. પહેલા રણછોડરાયજી ભગવાન ગોવિંદમાધવને બોલાવવા આવે. એમની પાલખીઓ નીકળે એ સાથે લક્ષ્મીનારાયણની પાલખી જોડાય. આગળ રણછોડરાયજી જોડાય અને આ બધા વિષ્ણુ સ્વરૂપો સિદ્ધનાથ મહાદેવને મળવા પટેલલોકના મહાડમાં પહોંચે. ત્યાં આ બધા જ ભગવાનોનું આરતી ઉતારી પૂજનઅર્ચન થાય અને પછી દેવાધિદેવ મહાદેવને મળીને નારાયણ પાછા સ્વસ્થાને જવા નીકળી જાય. આ યાત્રામાં સૌથી પહેલાં રહછોડરાયજી છૂટા પડે કારણ કે એ ગોવિંદમાધવને લેવા માટે સૌથી પહેલા નીકળ્યા હતા! હવે પ્રોટોકોલ જાળવવાનો વારો લક્ષ્મીનારાયણનો આવે. તે ભગવાન ગોવિંદમાધવને મૂકવા માટે છેક એમના મંદિર સુધી પધારે. ગોવિંદમાધવના પૂજારી આરતી ઉતારી ભગવાનને આવકારે, ત્યાર બાદ લક્ષ્મીનારાયણને નિજમંદિરે જવા વિદાય અપાય. જુઓ, કેવો સરસ પ્રોટોકોલ છે! રણછોડરાયજી પહેલા આવ્યા તે પહેલા વિદાય થયા અને લક્ષ્મીનારાયણ છેલ્લા આવ્યા એટલે છેલ્લા વિદાય થયા, પણ નગરધણીનો પ્રોટોકોલ બરાબર જાળવ્યો.
આ વર્ણન અત્યારનું છે. આજથી કેટલાંક વરસો પહેલાં ભગવાન ગોવિંદમાધવની પાલખી નીકળે એટલે મહાડમાં જ થોડી આગળ જઈને ઊભી રહી જાય. ભક્તજનો ‘રાધેગોવિંદ રાધે’ની ધૂન બોલાવે અને બરાબર ભગવાન ગોવિંદમાધવની પાછળ એક પાલખી બીજી જોડાય. આ પાલખી એટલે જેમના વગર સ્વયં ભગવાન અધૂરા છે તે લક્ષ્મીજીની પાલખી. એક જમાનામાં કકલદાસ ઠાકરના ઘરનું સમારકામ કરતાં ઓરડાના પાછળના ભાગમાંથી જાણે રાહ જોતી હોય તેમ એક અત્યંત દેદીપ્યમાન મૂર્તિ મળી આવી. લક્ષ્મી માતાની આ મૂર્તિની સવારી ઐરાવતની હતી. ચાર હાથ, એમાં ઉપરના બે હાથમાં હાથી, એવી જ હાથીની આખી બોર્ડર અને એક હાથ તથાસ્તુ કહેતો ખુલ્લો, ચોથા હાથમાં કમળ. અત્યંત પ્રાચીન આ મૂર્તિની બેઠક નીચે કોઈ પ્રાચીન લિપિમાં કશુંક લખેલું છે. એ જમાનામાં ખૂબ વિદ્વાન એવા જયદત્ત શાસ્ત્રીજી, જે કકલદાસ ઠાકરના જમાઈ થાય, તેમણે પણ ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો, હજુ ઉકેલી શકાઈ નથી. જાણે મીણમાંથી કંડારી હોય એવી અત્યંત નાજુકતાથી ઘડેલી આ મૂર્તિના કાન અને નાકમાં વાળી અને ચૂની પહેરાવવા માટેનાં છેદ છે. ગળું આખુંય મુક્ત છે એટલે માને ગળામાં હાર અથવા બીજો કોઈ શણગાર પહેરાવવો હોય તો બિલકુલ આસાનીથી એ પહેરાવી શકાય છે. અત્યંત પ્રસન્ન મુદ્રા અને હેત વરસાવતી આંખોવાળી આ માની પ્રતિમા જેટલી તેજસ્વી પ્રતિમા મેં ક્યાંય જોઈ નથી. આ લક્ષ્મીજી ભગવાન ગોવિંદમાધવની પાછળ નગરયાત્રાએ પધારતાં. વરસો સુધી આ પ્રથા ચાલી, કારણ કે શાસ્ત્રીજીની પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓ પાલખી ઊંચકવા આવતા. પછી કકલદાસ ઠાકરના પુત્ર કનૈયાલાલ ઠાકરની ઉત્તરાવસ્થામાં આ બધુ પહોંચી ન વળાય તે માટે લક્ષ્મીજીની પાલખી નીકળવાનું બંધ થયું. આજે વિષ્ણુ સ્વરૂપો નગરયાત્રાએ પધારે છે પણ લક્ષ્મીજી એમની સાથે નથી હોતાં. યોગાનુયોગ કહો કે ગમે તે, જે રુટ (રસ્તે)થી આ નગરયાત્રા પસાર થતી તે મંડીબજાર, નિશાળ ચકલો વગેરે વિસ્તારો એ જમાનામાં સમૃદ્ધિથી છલકાતા. ક્યારેક આવનાર સમયનાં એંધાણ આગળથી વરતાઇ જતાં હોય છે એમ હવે લક્ષ્મીજી આ યાત્રામાં નથી હોતાં એટલે જાણે કે આ વિસ્તારની લક્ષ્મી પણ રિસાઈ ગઈ છે. ઉનાળામાં બપોરે ૧૨ વાગ્યા પછી અહીંથી નિકળીએ તો કરફ્યુ પડ્યો હોય તેવો ભાસ થાય છે. મેં આ બાજુ નિશાળ ચકલાથી માંડી મંડીબજાર અને જમ ચકલાથી સિદ્ધપુરની બજારની રોનક અને જાહોજહાલી બાળપણમાં જોઈ છે. આજે આ બધુ વિલાઈ ગયું છે. સાચું ખોટું તો ભગવાન નારાયણને ખબર પણ હું માનું છું કે લક્ષ્મીજી હવે આ યાત્રામાં નથી જોડાતાં અને ભગવાન પરત આવે ત્યારે જ પોતાના નિજમંદિરે એકલા જ પરત ફરે છે તેને કારણે ભગવાન પોતાનાં સહધર્મચારિણી વગર ભગવાન શિવને મળવા જાય છે એવું કોઈ વિદ્વાનોને કેમ નહીં સૂઝયું હોય? હજુ પણ હું માનું છું કે આ યાત્રામાં લક્ષ્મીજીની પાલખી ફરી જોડાય તો ભગવાન પાછા સજોડે થાય એવું થવું જોઈએ. બીજી એક હકીકત પણ છે. કનૈયાલાલ ઠાકરની મોટી દીકરી સુહાસિની આ લક્ષ્મી માતાની ખૂબ લાડકી. એ બાપાને ઘરે રહી ત્યાં સુધી ખૂબ ભાવપૂર્વક લક્ષ્મીમાતાની પૂજા કરવાનો એનો ઇજારો. કદાચ એટલે જ એ ત્યાંથી વિદાય થઈ અને મારા ઘરે આવી એના પગલે પગલે લક્ષ્મી માતાની મહેર પણ અમારા કુટુંબ પર થઈ છે. સુહાસિનીને લક્ષ્મીજી ફળ્યાં છે. એણે ખૂબ સાચા દિલથી માની સેવા કરી હશે.
જ્યાંથી આ મૂર્તિ નીકળી ત્યાં નીચે ખજાનો છે એવું કોઇકે કથન કરેલું એટલે એક દિવસ આ ઓરડો ખોદાયો અને એમાંથી એક ઘડો નીકળ્યો પણ એમાં માત્ર લીલું કાચ જેવુ પાણી હતું. કદાચ કનૈયાલાલ ઠાકરના નસીબની એ લક્ષ્મી નહીં હોય. કકલદાસ ઠાકર એકના એક પુત્ર હતા. એવું જ કનૈયાલાલનું હતું. એમના પુત્ર ઉપવર્ષ ઠાકર પણ એકના એક પુત્ર અને એવું જ એમના પુત્ર હર્ષ ઠાકરનું પણ! આ એક દીકરાવાળી પ્રથા પણ અદ્ભુત રીતે આ કુટુંબમાં ચાલી આવે છે.
મેં જોયું છે કે આ ઘરમાં ક્યારેય ખાધેપીધે કોઈ દુ:ખ પડ્યું નથી. એ ઘરની દીકરીઓ પણ સારા ઘરે જ ગઈ છે. પૂ. હીરાબાને જયદત્ત શાસ્ત્રીજી સાથે પરણાવ્યાં હતા તે કનૈયાલાલ ઠાકરનાં મોટાં બેન થાય. કનુ ઠાકરના ભાણીજીયા અને એમના સંતાનોની વાત કરીએ તો કનુ ઠાકરની નાની દીકરી ત્રિગુણા અને ચેતનભાઈ ત્રિવેદીનો સંસાર પણ સારો ચાલે છે અને એમના સંતાનોને ત્યાં પણ સંતાનો છે. એટલે ત્રિગુણા અને તેના પરિવાર પર પણ લક્ષ્મી માની મહેર રહી છે એમ કહેવું ઉચિત છે.
એમનાં બીજાં બહેન ભાણીજીયાં પણ સુખી છે અને એમાંય કાન્તિલાલ પાધ્યાના દીકરા નિશ્ચલ પાધ્યાએ તો લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ક્ષેત્રે ખૂબ નાની વયે મોટું નામ કાઢ્યું છે. એની બહેન રાજુ પણ પૂર્વ પોલીસ ઈન્સ્પેકટર નટવરલાલ પાધ્યાના દીકરા અંબીકેશ સાથે પરણાવી છે. અને એમની દીકરી પણ ડોક્ટર છે. આસુતોષ શાસ્ત્રી, પતંજલિ શાસ્ત્રી, મીનાબેન અને વ્રજેશ્વરી એ હીરાબાનાં સંતાનો. તેમનો ભાણેજ યતિશ અને તેનો પરિવાર, સેફાલી અને ડૉ. હરીશ ભટ્ટનો પરિવાર તો સુખી છે જ પણ આસુતોષ શાસ્ત્રીનાં દીકરા શૌનક અને પતંજલિ શાસ્ત્રીના દીકરા સલુષે નાની ઉંમરે ખૂબ પ્રગતિ કરી છે. એમને મળીએ ત્યારે આનંદ થાય છે. યતિશ પંડ્યા એટલે જયદત્ત શાસ્ત્રીના જમાઈ સોલિસિટર બાબુલાલ પંડ્યાના દીકરા પણ મુંબઈમાં એક કાબેલ વકીલ તરીકે પ્રસિદ્ધિ ધરાવે છે અને એમનાં બંને સંતાન આંતરરાષ્ટ્રીય લૉ ફર્મમાં કામ કરે છે. મારા બંને દીકરાઓ સમીર અને સાકેત ખૂબ સારું ભણ્યા છે અને એમનાં સંતાનો પણ તેજસ્વી પાક્યાં છે. દીકરી સપના ખૂબ નાની ઉંમરે લાઈફ સ્ટાઈલ મેનેજમેન્ટ કોચ તરીકે વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે.
અમારા ઉપવર્ષ ઠાકર માત્ર બારમા ધોરણ સુધી ધીરે ધીરે ભણ્યા છે (કદાચ લક્ષ્મી અને સરસ્વતીને બનતું નહીં હોય!) એમના પિતાશ્રી પણ ખાસ કશું ભણ્યા નહોતા. આમ છતાંય કનુ ઠાકરની એક ઇજ્જત હતી અને ઉપવર્ષ ઠાકર બારમું ધોરણ પાસ, જીઆઇડીસીમાં છેક ડિવિઝનલ એકાઉન્ટન્ટ સુધીના ઉચ્ચ હોદ્દે પહોંચ્યા એ મને આજે પણ ચમત્કાર જેવું લાગે છે. એમની દીકરી શ્રેયાને સરસ મજાનો વર મળ્યો છે. ઉપવર્ષ ઠાકરના જમાઈ ચિંતન આચાર્ય એક ખૂબ જ પ્રેમાળ અને સહજ વ્યક્તિત્વ ધરાવતો યુવાન છે. શ્રેયા એના ઘરમાં ગઈ એટલે લક્ષ્મી તો હતી જ પણ હવે એના ત્યાં એક નાની દીકરી આવી છે જેનું નામ તક્ક્ષવી રાખ્યું છે. બાય ધ વે, તક્ક્ષવી એટલે લક્ષ્મી!
આટલું બધુ અનુસંધાન કોઈ અનાયાસે મળી જાય એવું માનવાની મારી તૈયારી નથી. કકલદાસ ઠાકરને ત્યાં લક્ષ્મીજી જ્યારથી સ્થાપિત થયા ત્યારથી તે કુટુંબ ઉપર સદૈવ એમની અમીદ્રષ્ટિ રહી છે. અને ભવિષ્યમાં પણ રહેશે એમાં કોઈ શંકા નથી.
પહેલાં જ્યારે લક્ષ્મી માતા આ નગરયાત્રામાં જોડાતા ત્યારે એમની પાલખી પહેલાં પોતાના નિજમંદિરે પધારી જાય ત્યાં સુધી થોડે આગળ જઇ ભગવાન ઊભા રહે અને ત્યાર પછી ભગવાન ગોવિંદમાધવ પોતાના નિજમંદિરે પધારે.
આજે લક્ષ્મી માતાના એ મંદિરમાં જ્યારે જ્યારે માની સમક્ષ ઊભા રહીને આંખ મીંચીને દર્શન કર્યા છે, એક તેજપુંજ મારા શરીરમાં ઝણઝણાટી કરાવતો હોય તેવો અનુભવ મને હંમેશા થયો છે. ભગવાન ગોવિંદમાધવ, રણછોડરાયજી અને લક્ષ્મીનારાયણનાં સહયાત્રી લક્ષ્મીજીની પાલખી નથી જોડાતી એટલે શ્રદ્ધાળુઓ ભલે ‘રાધેગોવિંદ રાધે’ની ધૂન બોલાવે પણ રાધે વગર તો ‘આધે ગોવિંદ આધે’ થઈ જાય તે વાત ક્યાંકને ક્યાંક આ યાત્રાને થોડીક ઝાંખી પાડે છે. શું લક્ષ્મીજીની પાલખી ફરીથી નીકળે એ માટેની તૈયારીઓ વાળા કોઈ શ્રદ્ધાળુ ભૂદેવો આપણામાં નથી? મંદિર ખાનગી માલિકીનું હશે, લક્ષ્મીમાતાનો સહુનાં છે ને? કે પછી કાળપ્રભાવ એમને આવું વિચારતા રોકે છે?