વડોદરાના ઉત્સવ અને ગણેશોત્સવ વિશે કેટલીક રસપ્રદ બાબતો આપણે જોઈ. એની ચર્ચા કરતા મેં વડોદરાની નવરાત્રી અને તેમાંય ખાસ કરીને માંડવી પાસે ઘડિયાળી પોળની ગલીમાં સુપ્રસિદ્ધ જગતજનની મા અંબાના મંદિર તેમજ આ શહેરની આ પ્રાચીન મંદિર ઉપરની આસ્થા અંગેની વાત કરી હતી. આ મંદિર અતિપ્રાચીન છે. દોઢસો ચોરસફૂટ જેટલા વિસ્તારમાં આવેલ આ મંદિરને કારણે આજુબાજુનો સમગ્ર વિસ્તાર માની ભક્તિના રંગે રંગાઈ જાય છે. દરરોજ અહીં હજારો દર્શનાર્થીઓની ભીડ જામે છે. આ મંદિરમાં હરસિદ્ધિ માતા, મહાલક્ષ્મી માતા તેમજ લક્ષ્મી નારાયણ એમ ત્રણ મૂર્તિ બિરાજમાન છે. હરસિદ્ધિ માતાની આરસપહાણની મૂર્તિનું મુખ પશ્ચિમ દિશા તરફ છે, જ્યારે આ મૂર્તિની જમણી બાજુ માતા મહાલક્ષ્મી અને ડાબી બાજુ શ્રી લક્ષ્મી નારાયણની મૂર્તિ બિરાજમાન છે.

આ મંદિરની ઐતિહાસિકતા અંગે એવું કહેવાય છે કે, ઉજ્જેનના રાજા વિક્રમાદિત્ય અને તેમના દીકરી હરસિદ્ધિ માતાના અનન્ય ભક્ત હતા. વિક્રમાદિત્યના દીકરીનું લગ્ન રાજપીપળા થતા હરસિદ્ધિ માતાને તે પોતાની સાથે રાજપીપળા લઈ ગઈ હતી. પણ જ્યારે રાજા વિક્રમાદિત્યએ રાજપીપળાથી માતાને પોતાની સાથે લાવતા હતા ત્યારે માતાએ તેમને પાછું વળીને નહીં જોવાની શરત મૂકી હતી. રાજા અને તેમનો રસાલો આગળ ચાલતો હતો અને માતાજીના ઝાંઝરનો અવાજ આવતો હતો. એક તબક્કે માતાજી પરીક્ષા કરવા ઊભાં રહી ગયાં અને ભાવવશ રાજાએ પાછું વળીને જોયું. ત્યારે માતાજીએ કહ્યું, બસ હવે મારો અહીં જ નિવાસ થશે. માતાજી જ્યાં ઉભા રહી ગયાં હતાં તે સ્થળ પર એક મંદિર બનાવવામાં આવ્યું. જે આજે અંબામાતાના મંદિરના નામે ઓળખાય છે.’ આ મંદિરને વડોદરાના માઈભક્તોની આસ્થાનું પ્રતિક કહેવાય છે. બીજી વિશેષતામાં કહો તો, ગુજરાતમાં આ એકમાત્ર સ્થળ એવું છે જ્યાં નવરાત્રિ દરમિયાન માત્ર પુરુષોના જ ગરબા થાય છે. પુરુષો જ પરંપરાગત ગરબાના તાલે ફરી માતાજીની આરાધના કરે છે. પુરુષો જ ગરબો ગાય છે.

વડોદરામાં યોજાતો બીજો મહત્વનો ઉત્સવ ભગવાન નરસિંહજીનો ઐતિહાસિક વરઘોડો છે. નવરાત્રી પતે અને દિવાળીના તહેવારો પૂરા થાય ત્યારબાદ દેવદિવાળીના દિવસે નરસિંહજીના વરઘોડાનો પ્રસંગ આવે છે. આમ જોઈએ તો આ ભગવાનના તુલસીવિવાહ પ્રસંગનો વરઘોડો છે.

વડોદરા શહેરની નરસિંહજીની પોળમાં બિરાજમાન ભગવાન નરસિંહજી વર્ષમાં એકવાર કારતક સુદ પુનમના દિવસે નગરચર્યા કરી તુલસીજી સાથે લગ્ન કરવા નિજ મંદિરમાંથી વરઘોડા અંતર્ગત બહાર પધારે છે. ૨૦૧૬ માં આ વરઘોડાને ૨૭૯ વરસ પૂરા થયાં.  

ભગવાનના લગ્નનો માહોલ પણ રમણીય હોય છે. સામાન્ય લગ્નોમાં લગ્ન પૂર્વે યોજાતી વિધિઓની જેમ ભગવાનના લગ્નમાં પણ વિધિઓ થાય છે. ભગવાનને પીઠી લગાડવાની વિધી સુધી ભક્તો ભગવાનને ભાવથી પૂજે છે. તમામ વિધિઓ અને પ્રક્રિયાઓ બાદ ભગવાનનો વરઘોડો સાંજે પાંચ વાગ્યે નિકળીને માંડવી થઇને ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરે પહોંચે છે. ત્યાં ગોર મહારાજ દ્વારા આરતી કરીને ભોગ ચડાવવામાં આવે છે. ભગવાનનો વરઘોડો માંડવી, ચાંપાનેર ગેટ અને ફતેપુરા થઇ રાત્રે 11 વાગે તુલસીવાડી ખાતે પહોંચે છે. જ્યાં શાસ્ત્રોકત વિધિથી ભગવાનના તુલસીજી સાથે વિવાહ યોજાશે. ત્યાર બાદ બીજા દિવસે વહેલી સવારે સાત વરઘોડો નિજ મંદિરે પરત આવે છે.

આ વરઘોડા સાથે જોડાયેલ એક બીજી બાબત તત્કાલીન સરકારમાં IPS કેડરમાં નોકરી કરતા વડોદરાના પોલિસ કમિશનરશ્રી જસપાલસિંહ, જેમનું તાજેતરમાં જ નિધન થયું તેની સાથે જોડાઈ છે.

જસપાલસિંહ IPS અધિકારીશ્રીમાંથી જાહેર જીવનમાં કઈ રીતે આવ્યા તેની પણ ભગવાન નરસિંહજીના વરઘોડા સાથે જોડાયેલી એક લગભગ ભૂલાઈ ગયેલી કથા છે. ગુજરાતના જાહેર જીવનમાં ધૂમકેતુની માફક ચમકી ગયેલ અને વડોદરા શહેરના તેમજ રાજ્યના રાજકારણમાં હડકંપ મચાવી દેનાર જસપાલસિંહને નરસિંહજીના વરઘોડાના પ્રસંગે એકાએક વરઘોડાના હીરો અને તેમાંય યુવાનોના હૃદયસમ્રાટ બનાવી દીધા હતા.

જસપાલસિંહ 1983માં વડોદરાના પોલીસ કમિશ્નર બન્યા એ વખતે માહોલ તણાવપૂર્ણ હતો. ગુજરાતમાં કોમી તોફાનો ભડકેલાં હતાં. કોંગ્રેસનું શાસન હતું તેથી હિંદુઓ ફફડાટમાં હતા. ફફડાટ એટલો હતો કે પરંપરાગત રીતે દર વસરો નિકળતો વડોદરાની શાન ગણાતા ભગવાન નરસિંહજીનો વરઘોડો પણ નહીં નિકળે એવું લાગતું હતું. ભગવાન નરસિંહજીનો વરઘોડો કોમી રીતે સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતો. માંડવીથી ચાંપાનેર દરવાજા, યાકુતપુર, ફતેપુરા, કોયલી ફળિયા, કુંભારવાડા થઇ તુલસીવાડી પહોંચતો વરઘોડો નિકળે તો તેના પર હુમલો થાય અને કોમી તોફાનો ભડકે તેવી દહેશત હતી તેથી ગુજરાત સરકારે વરઘોડો કાઢવા ના પાડી દીધી હતી. જસપાલસિંહને વડોદરાના પોલીસ કમિશનર તરીકે માંડ 100 દિવસ થયા હતા. આ સંજોગોમાં એ કોઈ જોખમ લે એવી શક્યતા નહોતી પણ જસપાલસિંહ ભડવીર સાબિત થયા. તેમણે સરકારમાં બેઠેલા પ્રધાનોની સૂચનાને અવગણીને ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો ધામધૂમથી કઢાવ્યો હતો. જસપાલસિંહે વરઘોડામાં તોફાન ના થાય એટલે મુસ્લિમ અસામાજિક તત્વોને પકડીને અંદર કરી દીધા હતા. તેમણે એવો જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો કે કોઈ કાંકરીચાળો પણ ના કરી શક્યું ને વટભેર ભગવાનનો વરઘોડો નિકળ્યો. જસપાલસિંહની આ મર્દાનગી પર વડોદરાવાસીઓ ઓવારી ગયા હતો. જો કે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને જસપાલસિંહની નાફરમાની પસંદ ના આવી તેથી તેમની તાત્કાલિક બદલી કરી નાંખી. વડોદરાનાં લોકો એ બદલી સામે રસ્તા પર ઉતરી આવ્યા અને જસપાલસિંહના બંગલાની બહાર હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી. જસપાલસિંહ બહાર નિકળી ના શકે તેવી હાલત થઈ ગઈ. આ લોકચાહના જોઈ જસપાલસિંહે રાજીનામું ધરી દીધું અને રાજકારણમાં ઝંપલાવી સાવધાન પક્ષ બનાવ્યો. તેમના પક્ષે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપનો સફાયો કરીને જીત મેળવી. જસપાલ પોતે મેયર બન્યા. કેજરીવાલ અધિકારીમાંથી સફળ રાજકારણી બન્યા તેના વરસો પહેલાં જસપાલે એ કરી બતાવ્યું હતું. જસપાલસિંહ પછી ધારાસભ્યપદે પણ ચૂંટાયા અને ભાજપની સરકારમાં પ્રધાન પણ બન્યા હતા.

હું જ્યારે સુરેશ મહેતા મંત્રીમંડળમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો કેબિનેટ મંત્રી હતો ત્યારે શ્રી જસપાલસિંહ મારા રાજ્યકક્ષાના મંત્રી હતા અને ત્યારબાદ 1998માં રચાયેલ શ્રી કેશુભાઈ પટેલ મંત્રીમંડળમાં તેઓ કેબિનેટ મંત્રી પણ હતા. જોશીલી ભાષામાં પ્રવચન કરવા અને પોતાના સ્વતંત્ર મિજાજ માટે જાણીતા જસપાલસિંહ અકોટામાં ગ્રીન પાર્ક સોસાયટીમાં પત્ની હેમંતીકાબહેન સાથે રહેતા હતા. 91 વરસની જૈફ ઉંમરે તેમનું તારીખ 20 ફેબ્રુઆરી, 2017ના રોજ નિધન થયું ત્યારે કદાચ વડોદરાની આજની પેઢી આ જાંબાઝ ઑફિસર અને બેબાક રાજકારણીનો ભૂતકાળ ન જાણતી હોય તેવું બને, પણ જસપાલસિંહ સાથે વિધાનસભામાં ત્રણ ટર્મ સાથી ધારાસભ્ય તરીકે અને સાથી મંત્રી તરીકે રહેવાનો મને મોકો મળ્યો છે. નરસિંહજીના વરઘોડાને આ રીતે હેમખેમ પસાર કરાવીને જસપાલસિંહ યશના અધિકારી તો બન્યા જ, પણ કદાચ ભગવાનના આશીર્વાદના કારણે લાંબી સનદી સેવાની નોકરી બાદ રાજ્યના કેબિનેટ મંત્રી સુધી પહોંચીને વડોદરાના સયાજીગંજ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનો તેમને મોકો પણ મળ્યો. વડોદરાના પ્રથમ નાગરિક પણ બન્યા. ચીમનભાઈ જેવા ખૂંખાર મુખ્યમંત્રીને પણ બેટૂક ભાષામાં સ્પષ્ટ સંભળાવી દેનાર જસપાલસિંહને નરસિંહજીનો વરઘોડો યુનિવર્સિટીના વિદ્યાર્થી રાજકારણે જેમ રાજ્યકક્ષાના નેતાઓ અને પ્રધાનો અથવા સાંસદો આપ્યા તે જ રીતે વડોદરાનો આ લોકોત્સવ પણ રાજ્યકક્ષાના એક નેતા જે આમ જોઈએ તો પરપ્રાંતીય સનદી અધિકારી તરીકે વડોદરા આવ્યા હતા તેમને ગુજરાતના જાહેર જીવનમાં પણ ઉચ્ચ આસને બેસાડી દીધા.

આ ઉપરાંત, શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરમાંથી દેવપોઢી અગિયારસના દિવસે નીકળતા વરઘોડા સાથે સંકળાયેલ એક વિશિષ્ટ વાત પણ અહીં ઉલ્લેખ કરવા યોગ્ય જણાય છે.

સમગ્ર દેશમાં એક માત્ર વડોદરા શહેરમાં દેવપોઢી અગિયારસના દિવસને ફુગ્ગા અગિયારસ તરીકે ઉજવવામાં આવે છે. ફુગ્ગા અગિયારસના દિવસે બાળકો અને યુવાઓ ફુગ્ગામાં પાણી ભરીને એક-બીજા ઉપર ફુગ્ગા મારે છે અને તેનો આનંદ લૂંટે છે. આ એક જુદા જ પ્રકારનો ઉત્સવ વડોદરા શહેરમાં કેટલાંક વર્ષો પહેલાં જ ભારે ધૂમધામથી ઉજવાતો હતો. જો કે હવે આજના દિવસે શહેરના ગણ્યાગાંઠ્યા વિસ્તારો અને ચારદરવાજાની પોળોમાં જ ગણ્યાગાંઠ્યા લોકો દ્વારા ઉજવાય છે.

વર્ષો પૂર્વે શહેરના જુના વિસ્તારો વાડી, ચોખંડી, એમ.જી. રોડ, પાણીગેટ, રાવપુરા, રાજમહેલ રોડ ખાતે યુવાનો ફુગ્ગામાં પાણી ભરીને એકબીજા ઉપર ફુગ્ગાનો મારો ચલાવતા હતા. જોકે, કાળક્રમે ફુગ્ગા અગિયારસની ઉજવણીનો ઉત્સાહ ઓસરી રહ્યો છે. હવે ફુગ્ગા અગિયારસ હોવા છતાં, શહેરમાં ફુગ્ગા અગિયારસનો માહોલ જોવા મળતો નથી.

આમ, વડોદરાના લોકોત્સવમાંથી કેટલાક મહત્વના ઉત્સવોનું વર્ણન કર્યું. ફુગ્ગા અગિયારસ સાથે સંકળાયેલ એક અકસ્માતનો પ્રસંગ પણ ઉલ્લેખ કરવા યોગ્ય જણાય છે.

વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે શહેરના કમાટીબાગમાં વર્ષ 1879ની સાલમાં ઝૂલતો પુલ તૈયાર કરાવ્યો હતો. અને વર્ષો સુધી ઝૂલતો પુલ કમાટીબાગમાં આવતા સહેલાણીઓમાં આકર્ષણનું કેદ્ર રહ્યો હતા. કહેવાય છે કે, હરિદ્વારના લક્ષ્મણ ઝુલાની યાદ અપાવતા આ હેંગીંગ બ્રિજ તારના દોરડાથી ઝુલતા પુલને બનાવવામાં આવ્યો હતો. અંદાજે 65 મીટરની લંબાઇ ધરાવતો ઝૂલતો પુલ 1965ની સાલમાં  લોકોની ભારે ભીડ અને ઘસારાને કારણે તૂટી પડ્યો હતો. કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ઘણા બધા ઘવાયા હતા. આમ, ફુગ્ગા અગિયારસની ઉજવણીનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો હતો. ત્યારબાદ ફરીથી આ પુલને બાંધવામાં આવ્યો ન હતો. પરંતુ હવે ફરીથી વડોદરા કોર્પોરેશને ઝુલતા પુલને નવી ટેકનોલોજીના ઉપયોગ સાથે બાંધવાની વિચારણા હાથ ધરી છે .

૨૦૧૪માં ઝુલતા પુલને ફરીથી તેના મૂળ સ્થળે જ બાંધીને કમાટીબાગમાં આવતા સહેલાણીઓમાં આકર્ષણનુ કેદ્ર ઉભુ કરવાની દિશામાં સેવાસદને માં ડગ માંડ્યા હતા.

વડોદરાની નવરાત્રિ,

ઘડિયાળીની પોળમાં આવેલ અંબાજી મંદિર તરીકે જાણીતું મા હરસિદ્ધિનું મંદિર,

આ મંદિરનું ઐતિહાસિક મહત્વ,

નવરાત્રીમાં માત્ર પૂરૂષો જ ગરબા ગાય એવી પ્રણાલી

વડોદરાની નવરાત્રીની વિશિષ્ટતા હતી.

અલકાપુરી અને કૂંજ સોસાયટી જેવા વિસ્તારોમાં

નવરાત્રીમાં ઝાકઝમાળ ગરબા યોજાય.

યુવા ઉત્સવના આ પ્રસંગને વધાવતું

વડોદરાનું યૌવન હિલોળે ચઢે તે

વડોદરાની નવરાત્રીનું એક વિશિષ્ટ અને ગજબનું આકર્ષણ હતું.

ભગવાન નરસિંહજીનો વરઘોડો

જસપાલસિંહને પોલીસમાંથી પ્રધાન એણે બનાવ્યા.

જસપાલસિંહ વડોદરાના મેયર પણ બન્યા.

નરસિંહરાવનો વરઘોડો તણાવપૂર્ણ માહોલમાં પણ દબદબાપૂર્ણ રીતે કાઢીને

સહીસલામત ઉત્સવની ઉજવણી પૂરી કરવાનું કદાચ

જસપાલને મળેલ આ ફળ હતું.

વડોદરામાં દેવપોઢી અગિયારસ

ફુગ્ગા અગિયારસ તરીકે જાણીતી છે.

કમાટીબાગનો ઝૂલતો પૂલ આ દિવસે 1965માં તૂટી પડ્યો હતો.

જાનહાની અને અફડાતફડી થઈ ગઈ હતી.

આ છે વડોદરાના કેટલાક વિશિષ્ટ તહેવારોની વાત

ગણેશોત્સવ બાદ નવરાત્રી, દિવાળી, નરસિંહજીનો વરઘોડો

અને ફુગ્ગા અગિયારસ

વડોદરા આ દિવસોમાં ઉત્સવોનું શહેર બની જતું

લોકજીવનમાં ઉત્સવો એ જ પ્રાણવાયુ છે ને ?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles