ઝેરીબાવાનો મઠ
ઝેરનાં પારખાં ન હોય અને...
સતનાં પારખાં પણ ન હોય
સિદ્ધપુરમાં હું ઉછરી રહ્યો હતો. સરસ્વતીનાં પાણી સિદ્ધપુરની ધરતીને પાવન કરતાં ખળખળ વહેતાં હતાં. તે જમાનામાં ૧૨ થી ૧૫ લાડુ સહેજે ખાઈ જાય એવા ખાધેપીધે ખમતીધર ભૂદેવો સિદ્ધપુરમાં વસતા હતા. શિયાળો આવે અને જેને પિકનિક અથવા ઉજાણી માટેનાં સ્થળો કહેવાય એવા ખડાલીયા હનુમાનથી માંડી ચંપકેશ્વર અને વટેશ્વર સુધીનાં જુદાં જુદાં સ્થળોએ પોતપોતાના મિત્રવર્તુળ સાથે પહોંચી જઈને ગોઠઉજાણી કે ફિસ્ટ, જે નામ દેવું હોય તે, પણ ઢળતી સાંજે મસ્ત મજાનું પાકું ભોજન દાબી અને પરિતૃપ્ત થઈ રાત્રે ઘરે પાછા ફરે એવી કંપનીઓ (આ શબ્દ ટુકડી અથવા ટોળી માટે વાપર્યો છે) સવારથી પાકા સીધા સાથે ધામા નાખી મોટે ભાગે સ્વયંપાકી બની પોતાનું મનગમતું ભોજન અને સાથોસાથ એમાંનો એકાદો બરાબર લસોટીને બુટી તૈયાર કરી લેતો. તે જમાનામાં ઝેરી બાવાની જગ્યા આવી ફિસ્ટ અથવા ગોઠ કરવાવાળા માટે પસંદગીની જગ્યાઓમાંની એક જગ્યા હતી. માધુ પાવડિયાંવાળો સરસ્વતીનો કિનારો છોડો એટલે નદીના સામે કિનારે આ જગ્યા ગામની નજદીક અને નદી કિનારે હોવાને કારણે પિકનિક અથવા ગોઠ કરવા માટે ખૂબ સાનુકૂળ હતી. ઝેરી બાવાની જગ્યાનો પણ એક ઇતિહાસ છે.
ઝેરી મહારાજ (બાવા)નું મૂળ નામ શ્રી બ્રહ્મભારતી મહારાજ હતું. લગભગ ૧૨૦૦ વરસ પહેલાં કામરુ દેશમાંથી સિદ્ધપુર આવ્યા અને સરસ્વતી નદીના તટે જંગલ વિસ્તારમાં તપ આદર્યું. સિદ્ધપુરમાં તેમણે આશ્રમ એટલે કે મઠની સ્થાપના કરી જે આજે નાના મઠ તરીકે ઓળખાય છે. શ્રી બ્રહ્મભારતી મહારાજના ગુરુભાઈનું નામ ભીમભારતી હતું જેમણે સ્થાપેલો મઠ મોટા મઠ તરીકે ઓળખાય છે.
કામરુ દેશથી આવેલા સાધુઓ સરસ્વતી તટે તપ કરી રહ્યા છે તેવી માહિતી મળતાં રાજા સિદ્ધરાજ જયસિંહે તેઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. રાજાએ સવા શેર ઝેર પોતાના દૂતો દ્વારા બંને ગુરુભાઈઓ બ્રહ્મભારતી મહારાજ તેમજ ભીમભારતી મહારાજને પ્રસાદ તરીકે મોકલાવ્યું. આ ઝેર બ્રહ્મભારતી ગુરુગાદી પર બેસીને પી ગયા. એ પછી ત્રણ દિવસે રાજા સિદ્ધરાજે પોતાના દૂતોને તપાસ કરવા મોકલ્યા ત્યારે બ્રહ્મભારતી મહારાજ ગુરુગાદી પર બેસેલા હતા અને ચલમ પીતા હતા. આ દ્રશ્ય જોઈને દૂતો રાજા સિદ્ધરાજ પાસે ગયા અને તેમને આ વાત કરી. સિદ્ધરાજને વાત પર વિશ્વાસ ન બેઠો. તેમણે જાતે સિદ્ધપુર જઇ તપાસ કરવાનો નિર્ણય કર્યો અને બ્રહ્મભારતી મહારાજના આશ્રમે આવ્યા. તેણે મહારાજને ચલમ પીતા જોયા. સિદ્ધરાજ મહારાજ પાસે ગયા અને પોતે મોકલાવેલ અમૃતપ્રસાદ (જે ખરેખર તો ઝેર હતું!) પરત આપવા કહ્યું. સિદ્ધરાજની માંગણી સાંભળી બ્રહ્મભારતી મહારાજે પોતાના જમણા પગના અંગૂઠામાંથી ઝેર કાઢીને રાજાને પાછું આપ્યું. આ જોઈ રાજા સિદ્ધરાજ બ્રહ્મભારતી મહારાજના પગમાં પડી ગયો. બ્રહ્મભારતી મહારાજે રાજાને કહ્યું કે મારે જો આવી રીતે પરીક્ષા આપવાની હોય તો તેના કરતાં હું મૃત્યુ વધુ પસંદ કરીશ. આમ કહી બ્રહ્મભારતી મહારાજે પોતાની જગ્યામાં જ જીવતા સમાધિ લઈ લીધી. બ્રહ્મભારતી મહારાજે ઝેર પીધું આથી તેઓ ઝેરીબાવા કે ઝેરી મહારાજ તરીકે ઓળખાયા.
ઝેરીબાવાની વિશેષતા અંગે પ્રવર્તતી એક માન્યતા એવી છે કે કોઈને પણ ગાંઠ થઈ હોય, એરુ/સાપ કરડ્યો હોય અને ઝેરીબાવાના નામનો દોરો હાથમાં બાંધવામાં આવે તો તે વ્યાધિમાંથી મુક્તિ મળે છે. ઝેરીબાવાની જગ્યામાં શ્રી નારસંગાવીર, શ્રી ખીજડીયાવીર, શ્રી મસાણિયાવીર, શ્રી કાલભૈરવ એવા સાડા ત્રણ ખાતાના બસો બાવન દેવોની પૂજા કરવામાં આવે છે. છેલ્લાં ત્રીસ વરસથી શ્રી દેવભારતીના પરિવારના શ્રી રામચંદ્રભારતી દ્વારા ઝેરી મહારાજની પૂજા કરવામાં આવે છે. ઝેરી મહારાજની ગાદી પરંપરાના ગાદીપતિ તરીકે તેમને પૂજવામાં આવે છે. ઝેરી મહારાજની ગાદીએ પરંપરા મુજબ ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુપૂજન થાય છે તેમજ ભાદરવા સુદ બીજના દિવસે હવન કરવામાં આવે છે. જેનો ભક્તજનો મોટી સંખ્યામાં લાભ લે છે. ઝેરીબાવાની ગાયકવાડ સમયની ૮૮ વીઘા જમીન હતી જે ગણોતધારા કાયદામાં જતી રહી. હાલ એક વીઘા જમીનમાં પૂજારી નિભાવખર્ચ કરે છે.
સિદ્ધપુરમાં અન્ય મઠોમાં મોટો મઠ, નાનો મઠ, ગઢીનો મઠ, કાકાનો મઠ, નવલખો મઠ, હરિનો મઠ, શંકરાચાર્ય મઠ, દંડીસ્વામી મહારાજનો મઠ ઉપરાંત બીજા બેત્રણ મઠ આવેલા છે.
ઝેરી બાવાની જગ્યા સરસ્વતી નદીને કિનારે મોટા મઠ અને વાલકેશ્વર વચ્ચે આવેલી છે. આજે તો ફિસ્ટો કરવાવાળા ઓછા થતા જાય છે. ૧૨ થી ૧૫ લાડુ દબાવી જાય તેવા ભૂદેવો પણ રહ્યા નથી. છેલ્લે છેલ્લે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ નાગેન્દ્રભાઈ ઠાકરના પ્રત્યક્ષ પરિચયમાં જોવા મળ્યું તેમ ૭૦ વરસની ઉંમરે પણ માણસ અઢી કિલો શિખંડ અને આઠથી દસ મગદળના લાડુ, તપેલી ભરીને ચૂરમું અને ઘી કે કથરોટ ભરીને મોહનથાળ ખાઈ શકે. આ અનુભવ તેમની બાજુમાં બેસીને જમતાં મેં કર્યો છે. એ જૂની પેઢીને હું જર્મન મશીનો કહું છું. મારા બાપા ૭૫ વરસની ઉંમરે બે હાથમાં પાંચ-પાંચ શેર વજન ઊંચકીને રેતાળ રસ્તે ત્રણ થી ચાર કિલોમીટર ચાલતા ઘરે આવતા એમ નાગેન્દ્રભાઈ પણ ૭૦ વરસ ઉપરની ઉંમરે અમારા શહેર પ્રમુખ તરીકે પગે ચાલીને એક યુવાનને પણ શરમાવે તેવી ઝડપે શહેર ખૂંદી વળતા. હવે તો ‘ઘી ના ખવાય’, ‘ડાયાબિટીસ છે, ચા મોળી આપજો’, ‘ડાયેટિંગ કરું છું, વજન ઉતરવાનું છે’ એવી વાતો કરતી યુવાન પેઢી ચોખ્ખો માલ ખાવામાં સાવ નિર્માલ્ય થઈ ગઈ છે. નહીં ખાવાનું ખાય છે, પીવે છે. પણ હજી ક્યાંક ક્યાંક શિયાળામાં ફિસ્ટો થાય છે. પણ મસ્તીથી રવિવારનો એ આખો દિવસ ગાળીને સાંજે પાકો માલ પેટમાં પધરાવી ઘરે પાછી ફરતી એ પેઢીના હાકલા પડકારા હવે જોવા મળતા નથી. એ આખી પેઢી જ જાણે કે ઇતિહાસ બની ગઈ છે. ઝેરી બાવાની આ જગ્યા હવે ઇતિહાસ બની ગયેલ કેટલાક પાકા માલના શોખીન ફિસ્ટ કરવાવાળાઓની યાદમાં કદાચ આજે ઝૂરતી હશે.