જે પરિસ્થિતિ આપણને ગભરાવતી હોય તે પરિસ્થિતીને સામે ચાલી ભટકાવાથી આપણી બીક ભાગી જાય છે અને એક સમય તો એવો એહસાસ થાય છે કે આપણે ખોટા ગભરાતા હતા. વાસ્તવિકતામાં ધાર્યા કરતા કંઈક જુદો જ અનુભવ થાય અને આ બીક કાયમ માટે ભાગી જાય તેવું મહદઅંશે બનતું હશે. અણગમતી પરિસ્થિતિથી ભાગી છૂટવાને બદલે “Catch the Bull by the Horn” એટલે કે આખલા સાથેની લડાઈમાં એને કાબુમાં લેવા માટે જેમ શિંગડાથી પકડાય તે જ રીતે વિપરીત કે અણગમતી પરિસ્થિતિને સામે ચાલીને ભટકાવાથી જ બીક ભાગી જાય. Public Speaking એટલે કે જાહેર સંભાષણનો મારો પહેલો અનુભવ પણ કંઈક આવો જ હતો. આ અનુભવ સફળ રહ્યો એટલું જ નહીં પણ એણે મને બધા જ વિદ્યાર્થીઓમાં જાણીતો કરી દીધો એમાંથી કેટલાકે તો સામે ચાલી મારી સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો. અત્યાર સુધી Low Profile એટલે કે ખાસ ચડાવ ઉતાર વગરની જિંદગી જીવનાર હું હવે મારામાં પણ કંઈક ક્ષમતા છે એ પુરવાર થતાં વધુ આત્મવિશ્વાસથી ચાલતો થયો. એકાએક મારી ઊંચાઈ જાણે કે છ ઇંચ વધી ગઈ અને જે કેમ્પસમાથી હું ભાગી છૂટવા માંગતો હતો એ જ કેમ્પસ હવે મને આકર્ષતું હોય તેમ લાગ્યું. મારા વ્યક્તિત્વ વિકાસની દિશામાં આ એક મોટું ટર્નીંગ પોઈન્ટ હતુ એમ કહું તો યોગ્ય ગણાશે. બાબરદેવાએ ભલે અનેકને ગોળીએ દીધા હશે. મને તો એણે માલામાલ કરી મૂક્યો!

 

જાન્યુઆરી, ફેબ્રુઆરીના મહિના વડોદરાનું યુનિવર્સિટી કેમ્પસ પુરબહારમાં ખીલી ઉઠ્યું હોય એવા મહિના છે. હોસ્ટેલ ડે થી માંડી ફનફેર સુધીની અનેક ઇવેન્ટ આ બે મહિના દરમિયાન થાય અને તેમાં જો તમારું મિત્રવર્તુળ મોટું હોય તો કોઈને કોઈના મહેમાન તરીકે તમે પણ આ ઉજવણીમાં સામેલ થઈ શકો. દરેક કોલેજનો પોતાનો વાર્ષિકોત્સવ એટલે કે ફેકલ્ટી ડે પણ ઉજવાતો. આનંદ, ઉલ્લાસ અને હિલોળે ચડેલું યૌવન આ બધા પ્રસંગોને એક ખાસ આકર્ષણ પૂરું પાડતું. જો કે પ્રેપરેટરી એટલે યુનિવર્સિટીની બચ્ચાપાર્ટી હજુ લગભગ કોરિસલેટ જેવા આ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને એમ.એસ. યુનિવર્સિટીનાં સભ્ય તરીકે પહેલે પગથીયે પગ મૂકવાનો થતો. મુંઝવણભર્યો પણ રોમાંચક અનુભવ અનેરો હતો. મુગ્ધાવસ્થામાં પગલાં પાડનાર આ યુવાધનને ભાવિનાં મધુર સપનાં દેખાડનાર યુનિવર્સિટી શિક્ષણની શરૂઆતના પ્રથમ વરસનો અનુભવ સૌથી વધુ રોમાંચક હોય છે. એક મર્યાદિત વાતાવરણમાં અને મોટે ભાગે ઘરના સુરક્ષિત માહોલમાં લગભગ પરાવલંબી જીવન જીવતી વ્યક્તિ એકાએક આ નવા વાતાવરણમાં ફંગોળાય ત્યારે પોતાને જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા ઉપરાંત મર્યાદિત બજેટમાં કઈ રીતે જીવવું અને પોતાની પ્રાથમિકતાઓ ગોઠવવી તેની તાલીમ અહીં મળે છે. કંઈક આ જ વિચારને કેંદ્રવર્તી રાખી યુનિવર્સિટીનાં કોઈપણ મહત્વના પ્રસંગે ગવાતું મ.સ.મહાવિદ્યાલય ગીત પણ પ્રોફેસર શ્રી ચંદ્રવદન મહેતાએ કંઈક આવી જ ઉર્મિઓ અને ભાવિ માટેનાં શમણાં આંખમાં આંજી તિમીર અને દૈન્ય સામે બાથ ભીડતી યુવાપેઢી માટે લખ્યુ છે.

 

આ ગીત એક નવા નિશાળિયા જેવા પ્રેપરેટરી સાયન્સના વિદ્યાર્થી તરીકે ગવાતું સાંભળવાનો અને તેમાંથી શબ્દો પકડી સાથે સાથે ગાવાનો અનુભવ મારા માટે અત્યંત રોમાંચક હતો. રાષ્ટ્રગીતની જેમ જ યુનિવર્સિટી ગીતનુ પણ અલગ મહત્વ હતું અને તેમાંય ખાસ કરીને પ્રથમ વરસમાં દાખલ થતા વિદ્યાર્થીઓ માટે આ યુનિવર્સિટી તેમની પાસેથી શું અપેક્ષા રાખે છે તેનું સુંદર શબ્દાવલોકન આમાંથી પૂરું પડે છે. પ્રોફેસર ચંદ્રવદન મહેતા દ્વારા રચિત મ.સ. મહાવિદ્યાલય ગીત મેં સાંભળેલા યુનિવર્સિટી ગીતોમાંથી સર્વ શ્રેષ્ઠમાંનુ એક છે. જો કે સીદીને વહાલાં સિદકાં એ કહેવત મુજબ કદાચ મારા યુનિવર્સિટી શિક્ષણના પ્રવેશદ્વારે જ જેની સાથે મારો પરિચય થયો એ યુનિવર્સિટી ગીત મને સૌથી વધુ ગમે તે સ્વાભાવિક છે.

 

મારી યુનિવર્સિટી-એમ.એસ. યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ બીજી ત્રણ યુનિવર્સિટીઓ સાથે પનારો પડ્યો છે પણ આજે મને સૌથી વધુ પ્રિય યુનિવર્સિટી ગીત મ.સ.મહાવિદ્યાલયનું જ રહ્યું છે. જે નીચે મુજબ છે-

 

“અમે વડોદરાના વિદ્યાપીઠના સપના સારવનારા

અમે જ્યોત જલાવી સુષ્ટિ નવલી સહસા સર્જનહારા

 

અમે ગગનકુસુમ કર ધરનારા

અમે ગગન મગન થઈ ફરનારા

અગન બાથ અમે ભરનારા

અમે દૈન્યતિમિરને હરનારા

શ્રી સયાજી વિદ્યાપીઠના જ્ઞાનદીપને ધરનારા

સત્યમ શિવમ સુંદરમ નો મંત્ર અનંતર ભજનારા”

 

જાન્યુયારીનો મહિનો ઝડપથી પૂરો થઈ ચૂક્યો હતો. દિવાળી વેકેશન પત્યું એટલે સિધ્ધપુરથી પાછો આવ્યો તેને ત્રણેક મહિના જેટલો સમય થવા આવ્યો હતો. બીજી ટર્મ ઝડપથી પસાર થઈ રહી હતી. વડોદરા હવે સાવ અજાણ્યું નહોતું લાગતું. સિધ્ધપુરનો મોહ થોડો ઓછો થયો હશે પણ સિધ્ધપુર તે સિધ્ધપુર એમ થોડું ભુલાઈ જાય? ફેબ્રુઆરી અને માર્ચ પરીક્ષા નજદીક આવતી જાય તે મહિનાઓ હશે એટલે મન ક્યારનુંય કૂદતું હતું કે બે-ત્રણ દિવસ સિધ્ધપુરની હવા ફેફસામાં ભરી આવું. જાન્યુઆરીનું છેલ્લું અઠવાડિયું હતું. 26મી જાન્યુઆરી રજાનો મેળ આવી જાય તે રીતે ગોઠવી મેં સિધ્ધપુરની મુલાકાત લેવાનું પાકું કરી નાંખ્યું. થોડો વડોદરાનો ચેવડો અને ખાસ તો એક બેપડી દીવાલવાળું દૂધ ગરમ કરવાનું કુકર ખરીદ્યું. આ કુકરની વિશેષતા એ હતી કે એના અંદરના અને બહારના પડ વચ્ચેની જગ્યામાં પાણી ભરી વાલ્વ બંધ કરી દેવાનો અને પછી એમાં દૂધ ભરી ગરમ થવા મૂકવાનું. ગરમી વધતી જાય અને બે પડની વચ્ચે ભરાયેલું પાણી ગરમ થતું જાય તેમ તેમ અંદર દૂધ પણ ગરમ થતું જાય. 100 ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું તાપમાન થાય એટલે પાણીની વરાળ બને અને એ વરાળ ભેગી થઈ પેલા વાલ્વમાંથી નીકળે અને શીસોટી વાગે. જાણે કે કહેતી હોય કે દૂધ ગરમ થઈ ગયું ઉતારી લો! જ્યાં સુધી પાણી પૂરેપુરું બળી ન જાય ત્યાં સુધી ટેમ્પરેચર 100 ડિગ્રી સેન્ટિગ્રેડથી વધે નહીં એટલે દૂધ ઉભરાય જાય નહીં. મને આ પ્રોડક્ટ ગમી. નોવેલ્ટી પણ ખરી એટલે ઘર માટે ખરીદી લીધી. જેથી પ્રાઇમસ પર દૂધ ગરમ કરવા મૂકીને મા નિશ્ચિંત બની બીજું કામ નિપટાવી શકે. દૂધ ઉભરાઇ જવાની કોઈ ચિંતા એને રહે નહીં.

 

બીજો એક તુક્કો સૂજ્યો. વડોદરા આવીને મેં મસ્કાબન, બ્રેડબટર અને બટરટોસ્ટનો સ્વાદ માણ્યો હતો. મને એ ભાવતું. સિધ્ધપુરમાં તે સમયે એક જ બેકરી હતી અને એનું ઉત્પાદન મર્યાદિત હતું. ડબલરોટી અથવા બન સિધ્ધપુરમાં જોવા મળતાં નહીં. એટલે મેં છ બન ખરીદ્યા અને પછી સાથે ખાવા માટે પોલસનના બટરનું પેકેટ ખરીદ્યું. એ જમાનમાં હજુ અમુલ લોકપ્રિય બન્યું નહોતું અને પોલસનનું બટર પ્રચલિત હતું. કોઈ ખોટેખોટી ખુશામત કરતું હોય ત્યારે હળવાશમાં કહેવાતું-

 

“પોલસન માર નહીં!”

 

નાની બેગમાં બે જોડ કપડાં અને મારી ખરીદીનો સામાન એક થેલીમાં મૂકી મેં સિધ્ધપુરની વાટ પકડી. મા માટે ખાસ યાદ કરીને આગલા દિવસે સાંજે છ વેણી પણ લીધી હતી. વહેલી સવારની બસમાં અમદાવાદ અને ત્યાંથી સિધ્ધપુર લગભગ સાંજે ચાર વાગે પહોંચ્યો. આજના જમાના જેવી સરળ મુસાફરી એ સમયે નહોતી અને ઉપલબ્ધ વિકલ્પ પણ મર્યાદિત હતા.

 

ઘરે પહોંચીને પહેલું કામ મારી ખરીદીની એક પછી એક આઈટમ કાઢીને મા ને સોંપવાનું હતું. મિલ્ક કુકર અને વેણી તો ખાસ મા માટે જ ખરીદી હતી. ચેવડો ઘરે પણ ખવાય અને પાડોશી છોકરાંને થોડો થોડો આપી શકાય એ હિસાબે લીધો હતો. પણ બન અને બટર તો મારા બાપાને વધુ પસંદ આવશે એમ સમજીને ખરીદેલું. મેં બટરનું પેકેટ બહાર કાઢ્યુ ત્યારે એના હાલ જોઈને મોં માથી લગભગ ચીસ નીકળી ગઈ. મુસાફરી દરમિયાન બટર પીગળ્યું હતું. પેકેટની બહાર પણ એનો રેલો પહોંચ્યો હતો. બધું ચોપડું થઈ ગયું હતું. સદ્દનસીબે થેલીમાં બગડે એવુ બીજું કંઈ નહોતુ અને બટરનું પેકેટ પેલા મિલ્ક કૂકરમાં મૂકીને ઢાંકણું બંધ કર્યું હતું એટલે બટર પીગળ્યું એ સિવાય બીજું કંઈ નુકશાન નહોતું. એના જે કંઈ અવશેષો વધ્યા હતા એને સ્ટીલની એક વાટકીમાં કાઢી લીધા. બાકી ખોખું બહાર ફેંકી દેવા સિવાય કોઈ ઉપાય નહોતો. જાન્યુઆરીનો મહિનો હતો એટલે બટર પિગળીને સાવ પ્રવાહી નહોતુ બની ગયુ જેને કારણે લગભગ અડધા કરતાં વધારે ભાગ પાછળ બચી ગયો. ખેર, જે કંઈ બચ્યું હતુ તેમાંથી રાત્રે મસ્કાબન બનાવીને અમે ત્રણેએ ખાધું. મા માટે તો ક્યારેક ક્યારેક કંઈક ખરીદ્યું હતું પણ બાપા માટે એમને ગમતી કોઈક વસ્તુ ખરીદવાનો આ મારું લાગણીસભર સાહસ સાવ નિષ્ફળ ન ગયું એ આનંદ સાથે અમે બન બટરની જ્યાફત માણી ત્યારે ખબર પડી કે આ બટરને ફ્રીજમાં રાખવું પડે. આ રીતે એની હેરાફેરી થઈ શકે નહીં. જીવનમાં વધુ એક પાઠ શીખ્યો. ફ્રીજ વિષે માત્ર જાહેર ખબરો જોઈને જાણ્યું હતું બાકી ભર ઉનાળે શિયાળામા બનાવેલ માટલી મા વાપરવા કાઢતી અને એમાંથી ઝમતા પાણીનાં પ્રસ્વેદ બિંદુઓ માટલીની અંદરનું પાણી વધુ ઠંડુ કરતાં. સવલત ગણો કે લક્ઝરી ઉનાળો શરૂ થાય અને મા નવું માટલું વાપરવા કાઢે એટલે પહેલા બે-ત્રણ દિવસ તો ભીની માટીની સુગંધ અને સ્વાદવાળુ નવા માટલાનું આ “મટકા કોલા” પીવાની મજા આવતી.

 

બે શબ્દ સાથે પરિચય થયો.

એક પોલસન

કોઈ ખોટી ખોટી ખુશામત કરતું હોય ત્યારે આ શબ્દ વપરાતો

મુંબઈની પારસી ડેરીનું ઉત્પાદન

પોલસન એટલે બટર-માખણ

બીજો શબ્દ તે...

ફ્રીજ-રેફ્રીજરેટર

ઠંડા પાણીનું કબાટ સાદી ભાષામાં !!

અત્યાર સુધી કોઈ પનારો નહોતો પડ્યો

પણ...

બટર અને બીજી બગડી જાય તેવી વસ્તુઓ

દૂધ, ફળ, શાકભાજી વિગેરે

જાળવી રાખવાં હોય તો ફ્રીજ જોઈએ

અને આવું ન કરીએ તો?

સદ્દનસીબે બટરનુ પેકેટ કપડાંની બેગમાં નહોતું મૂક્યું

નહીં તો શું થયું હોત?

ખેર! કપડાંને માથેથી એક ઘાત ગઈ અથવા

પોલસનથી પરિચિત થવાની તક ખોવાઈ.

આ મુસાફરીએ

બે નવા શબ્દો અને પરિસ્થિતિથી

રૂબરૂ કરાવ્યો

તે હતા...

પોલસન અને ફ્રીજ


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles