ભૂત પિશાચ નીકટ નહીં આવે

મહાબીર જબ નામ સુનાયે

ખડાલીયા હનુમાનની પલ્લીનો લ્હાવો – એક યાદગાર અનુભવ

 

જેમ સરસ્વતીને સામે કિનારે આવેલા તીર્થસ્થાનો / મંદિરો અમારા રઝળપાટનું સ્થાન રહેતા તે જ રીતે રાજપુર ગામની બહાર જ્યાં અમે રહેતા તે નટવરગુરુના બંગલાની લગોલગ જયદત્ત શાસ્ત્રીજીની વિદ્વાન તરીકેની ખ્યાતિ. ગુજરાતમાં અને તેમાંય ખાસ કરીને વઢિયાર પંથકમાંથી કર્મકાંડ અને પુજા અર્ચના જેવા ક્ષેત્રમાં જેમને જવું હતું તેવા વિદ્યાર્થીઓ અહી આવતા. વહેલી સવાર એમના અધ્યયન કાર્યના ભાગરૂપે સ્વર અને આરોહઅવરોહ જાળવીને બોલતા મંત્રગાનથી ગુંજી ઊઠતું. આ પાઠશાળામાં આવેલું મહાદેવજીનું મંદિર એટલે મૃત્યુંજય મહાદેવનું મંદિર મારી મા અને બાપા માટે આસ્થાનું સ્થાન હતું. શિવરાત્રીએ અને મારા જન્મદિવસે આ શિવમંદિરમાં અભિષેક થતો. શ્રાવણના પવિત્ર મહિનામાં રોજ અમારા તરફથી બીલી ચઢે અને પુજા થાય તે ઉપરાંત સોમવાર અને શિવરાત્રિના દિવસે અભિષેક થાય. શ્રાવણ મહિનામાં આ મંદિરમાં અખંડ દીવો રહે જે જ્યોત જલતી હોય ત્યારે દિવેટને મોગરો વળી જાય તે કાપવાનું તેમજ દીવો નિયમિત ચાલુ રહે તે જોવાનું કામ મારા બાપા પૂરી ચીવટથી કરતા. મહાશિવરાત્રી જાય પછી શિવજીના લિંગ પર ગળતી એટલે કે એક તાંબા અથવા પિત્તળના મોટા પાત્રને નીચે કાણું કરી અને તેમાંથી ધીરે ધીરે પાણી ભગવાન પર ટપક્યા કરે તે રીતની વ્યવસ્થાનું ધ્યાન પણ મારા બાપા રાખતા.

વેકેશન હોય ત્યારે પાઠશાળામાં આવેલ કુવે નાહીને અમે ભગવાન શિવની પુજા કરતા. પાઠશાળામાં લાલ કરેણ, પીળી કરેણ અને લીમડા કરેણનાં ઝાડ હતાં જેનાં ફૂલ તોડી લાવી મંદિરમાં ભગવાનની આજુબાજુ સરસ રીતે ગોઠવતા. ઉનાળામાં વેકેશનના દિવસોમાં અમે ત્રણ-ચાર કલાક આ રીતે મંદિરમાં વિતાવતા. ખૂબ મજા આવતી. પાઠશાળામાં પારિજાત, મોગરો, જૂઈ, જાઈ, ચમેલી વિગેરે સુગંધી પુષ્પોના ઝાડ/છોડ/વેલ પણ હતાં. ચોમાસુ શરૂ થાય એટલે આ બધાં ફૂલોની સિઝન શરૂ થતી. બધાં જ ફૂલ એકએકથી ચઢિયાતી સુગંધવાળાં ફૂલ હતાં પણ એમાંય પારિજાતનું કેસરી દાંડીવાળું એકદમ શુભ્ર રંગનું અને મહેક મહેક થતું ફૂલ સૌથી વધુ ગમતું. સાંજ ઢળે અને રાત પડે ત્યારે આ ફૂલો ખીલી ઊઠે અને તેનો મઘમઘાટ વાતાવરણને તરબતર કરી દે. આમાં રાતરાણીની ફોરમ ભળે ત્યારે વાતાવરણ મહેક મહેક થઈ ઊઠતું. શાસ્ત્રીજીના બંગલાના આંગણામાં બોરસલીનું ઝાડ હતું. એના નાનાં નાનાં પણ સરસ મજાનાં ફૂલની મહેક ચોમાસાની ભીની હવાને ભરી દેતી. આ બધાં ફૂલો પણ મહાદેવની પૂજામાં વપરાતા – એક બોરસલી સિવાય. આ સિવાય બારામાસી એટલે કે સદાફૂલી, જાસૂદ અને ચોમાસુ હોય ત્યારે ધતૂરાનાં ફૂલ પણ ખીલી ઉઠતાં. ચોમાસામાં કેટલાક છોડ જમીનમાંથી જાણે કે ફૂટી નીકળતા. એમને અમે ગુલબાસ કહેતા. મૂળ સક્કરીયાં જેવુ કંદ જમીનમાં હોય તેમાંથી ચોમાસામાં આ છોડ ફૂટી નીકળતો. લાલ અને પીળાં બે પ્રકારના ફૂલ આવતાં. એની વિશેષતા એ હતી કે એ સૂર્યાસ્ત થવા આવે એટલે ખીલે અને સવારે વિલાઈ જાય. આથી ઊલટું એક એવી પણ વેલ થતી જેમાં ફૂલ સૂર્યોદય થાય એટલે ખીલે અને સાંજ પડે એટલે બીડાઈ જાય. અમે એને ઓફિસ ટાઈમ કહેતા. આ ઉપરાંત પાઠશાળાના કૂવા પર અને શાસ્ત્રીજીના બંગલાની પાછળ દેશી ગુલાબ પણ ખૂબ સારાં થતાં. ક્યાંક ક્યાંક વજ્રદંતી અને એનાં પીળા ફૂલ તો ક્યાંક જમીન પર છાટલાની માફક વિસ્તરેલી શંખપુષ્પી અને એનાં ફૂલ. ક્યાંક વાડ ઉપર ઉગેલી ધોલીનાં સફેદ ફૂલ તો દુધેલીનાં નાનાં નાનાં ફૂલ. વાડમાં જ ઊગતી બીજી એક ઝીણા પત્તાવાળી વેલનાં લાલચટ્ટક ફૂલ તો કકડવેલીયાનાં અને જંગલી કારેલીનાં પીળાં ફૂલ. વચ્ચે વચ્ચે કેનાના લાલ અને પીળાં ફૂલ. આ બધુ અમારી આજુબાજુ ઋતુ પ્રમાણે ફૂટી નીકળતું. મારા બાપાને કુંડામાં ફૂલઝાડ ઉગાડવાનો શોખ એટલે ચોમાસામાં ઝીનિયા અને બાલ્સન તો શિયાળો આવવા થાય ત્યારે હજારીગલ અને બરાબર શિયાળામાં પોપી અને ક્રિસેન્થીયમ જેવાં ફૂલ અમારા ચોકની પાળી ઉપર મુકેલ કુંડામાં રંગની મહેફિલ જમાવતાં. ફૂલઝાડ ઉછેરવાનો શોખ મને મારા બાપા તરફથી વારસામાં મળ્યો છે. અને હજુ પણ ભગવાનની દયાથી એ એવો જ જળવાઈ રહ્યો છે. મારા ઘરની આગળના ચોકની પાળી ઉપર મોટામોટા પંખાથી માંડી નાનાં મોટા ફૂલઝાડનાં ચાલીસેક કુંડા હતાં. ત્યાં બાંધેલા તાર ઉપર સરસ મજાની ઘટાટોપ જૂઈની વેલ અને બીજી બાજુ પાંચ પત્તીની આસમાની રંગનાં ફૂલ આવે તેવી વેલ. આ બધાના કારણે કુદરતના ખોળે રમીને મારું બાળપણ ઉછર્યું છે અને એ વાતાવરણની મહેક આજે પણ આંખ મીંચીને ક્યારેક વિચારે ચઢું ત્યારે મારા મનને ભરી દે છે. આંખ ખૂલે ત્યારે જે શુષ્ક વાતાવરણ અને પ્રદૂષણમાં આપણે રહીએ છીએ તે જોઈને કાળજું કકડી ઊઠે છે. એક નિ:સાસો નંખાઈ જાય છે. શાને માટે આપણે મોટા થયા? મારું ચાલે તો મારે હજીય મારા જીવનના એ પંદર વરસમાં પાછા ફરવું છે. મૃત્યુંજય મહાદેવ અને શાસ્ત્રીજીની પાઠશાળાનું, નટવરગુરુના બંગલાનું, મારા જંગલી ઉછેરનું એ વાતાવરણ મારા જીવનના સંભારણાના અમુલ્ય ખજાનામાં બંધ પડ્યું છે. જો કે આજે તો આ બધું વર્ણન કર્યું એમાંનું કશુંય ત્યાં પણ હયાત નથી. હા, મૃત્યુંજય મહાદેવનું મંદિર હજીય જેમનું તેમ ઊભું છે અને મારા માટે આજે પણ એ શ્રદ્ધાનું કેન્દ્ર છે.

શાસ્ત્રીજીની પાઠશાળાથી આગળ જઈએ એટલે ધૂળિયો રસ્તો આગળ જાય તો એક જમાનામાં જ્યાં ખડાલીયા નામનું ગામ વસતું હશે તેવું કહેવાતું એ ખડાલીયા ગામના નામે જ પ્રસિદ્ધ ખડાલીયા હનુમાનનું મંદિર આવે. ઘેઘૂર વડલો જેના નીચે આરામથી હજાર માણસો બેસી શકે એવી વિશાળ વડવાઇઓ નાખીને વિકસેલા થડ પર લટકતી વડવાઈઓ, હીંચકા ખાઈ શકાય એવી વડવાઇઓ. બાજુમાં જ પીપળાનું એક મોટું ઝાડ જેના ઉપર ભમ્મરીયા મધ બેસતાં અને એના નીચે એક નાનકડી કૂઈ. એ જ પરિસરમાં એક નાની ધર્મશાળા જેવુ જ્યાં કોઈ પ્રસંગે રસોડુ કરવું હોય અને જમવાનું હોય ત્યારે એનો ઉપયોગ થાય. મોટાભાગે શનિવારે આ હનુમાનના દર્શને એ સમયે પણ કેટલાક લોકો આવતા. માનતા માની હોય તે બાજરીનાં વડા ધરાવવા આવે અને પછી ત્યાં મંદિરના પરિસરની બહાર બેસીને તેનો પ્રસાદ લે. આ રીતે ધરાવેલાં વડાં ઘરે પાછાં ન લઈ જવાય.

હનુમાનનું દેવળ દક્ષિણાભિમુખ એટલે સ્વાભાવિક રીતે પીઠ ઉત્તર તરફ અને એ જ દિશામાં બે ખેતરવા દૂર અમદાવાદ-દિલ્હી મીટરગેજ રેલવેની લાઇન પસાર થાય. ત્યાંથી ચાલીને આગળ જઈએ તો ધારેવાડા સ્ટેશન આવે ત્યાં સુધી અમે ચાલતા ચાલતા ઘણી વાર જતાં. હનુમાનના દેવળ પાસે ઊભા રહીને ધમધમાટ દોડી આવતી દિલ્હી મેઈલ અથવા દિલ્હી એક્સ્પ્રેસ જોવાની મજા કંઈક ઓર જ હતી. એ જમાનામાં ડીઝલ એન્જિન નવાં નવાં આવેલાં. આ એન્જિન લાલ રંગનાં અને લાલ બહાદુર શાસ્ત્રી એ વખતે રેલવે પ્રધાન હતા એટલે ડીઝલ એન્જિનને અમે લાલ બહાદુર શાસ્ત્રી કહેતા. મોટા ભાગે આ એન્જિન માલગાડી ખેંચવા વપરાતાં. એનો વધારે ઉપયોગ પાલનપુર-ગાંધીધામ લાઇન પર થતો.

ખડાલીયા હનુમાનની પલ્લી આસો સુદ ચૌદસના દિવસે ભરાય. પલ્લીનું પાત્ર ઊંચકીને આગળ ભૂવો દોડતો હોય એવી ધમધમાટ કરતી પલ્લી ખીલા તરવાડામાંથી મૂળ ઠાકર પણ પટેલ તરીકે જાણીતા કુટુંબ દ્વારા ભરાય અને ત્યાંથી નીકળી ખડાલીયા હનુમાને રાત્રે લગભગ નવ-દસ વાગે પહોંચે. એ દિવસે ખૂબ લોકો આવે. છેક શાસ્ત્રીજીની પાઠશાળાના ઝાંપા સુધી ચોળાફળી, ભેળ, ચવાણું, ભજીયાગોટા, પાણીપુરી વગેરેની લાઈનો લાગે.

અમારા માટે તો આ મોટો તહેવાર. એક બાજુ ચંદ્રની શીતળ ચાંદની રેલાતી હોય, બીજી બાજુ પેટ્રોમેક્સના ઝળહળા અજવાળે લારીઓ લાગે. માણસોની મેદની ઉમટે અને અમારા માટે લગભગ અલભ્ય કહી શકાય એવું પાણીપુરી, ચોળાફળી વગેરે સામે ચાલીને ઘરઆંગણે મળે. હા, અમે ભજીયાં અથવા ગોટા નહોતા ખાઈ શકતા. રગડો નહોતા ખાઈ શકતા. કારણ કે એ રાંધવામાં પાણી વપરાય એટલે એઠું થાય એવા ચુસ્ત નિયમોમાં અમારો ઉછેર. બહાર ભજીયાં કે પૂરી જે પાણીથી રંધાય તે ખવાય જ નહીં. એટલે અમારા માટે પાણીપુરી અને ચોળાફળી બે જ વિકલ્પ. ક્યારેક ચવાણું, તે પણ માત્ર બટાકાની છીણનું, સેવ કે ગાંઠિયા ન ખવાય. હું, શાસ્ત્રીજીનાં બે સંતાનો, ભાઈ પતંજલિ અને બેન વજ્રેશ્વરી, પાઠશાળામાં ભણતા એક-બે વિદ્યાર્થીઓ, તેમાં ખાસ ચંદ્રશેખર જોશી, આવી અમારી ટોળી ભેગી થઈ ઘરેથી જે ચાર-આઠ આના મળ્યા હોય એમાંથી ચંદ્રશેખર કે બીજા કોઈને મોકલીને વસ્તુઓ મંગાવી મસ્તીથી ચાંદનીમાં રેતમાં બેસી જયાફત ઉડાડીએ. આ સ્વાદ અને આ મજા મને કોઈ પંચાતારક હોટલમાં નાસ્તો કરતાં કે જમતા મળી નથી. શાસ્ત્રીજીની પાઠશાળાના નાકે એક પાટ મૂકી પીવાના પાણીની પરબ થાય ત્યાં થોડો સમય ગાળીએ. એ દિવસે મૃત્યુંજય મહાદેવનાં દર્શન માટે પણ ભીડભાડ હોય. ટૂંકમાં અમારું જંગલી એકાંત આસો સુદ ચૌદસની એ રાતે ચાર-છ કલાક માટે ભીડભાડ અને ઘોંઘાટીયું બની જાય. આનંદ મા’તો ન હોય અને મનમાં તો એમ જ થાય કે આ સમય આગળ ચાલે જ નહીં. પલ્લી છેક સવાર સુધી ન આવે અને આપણે મજા કર્યા કરીએ. પણ એ બધાં મનના ઘોડા દર વખતે સાચા ન દોડે એટલે છેવટે પલ્લી આવી પહોંચે. રસ્તામાં  અમારા બંગલાના સામે જ અંબાજી માતાની દેરીએ રોકાઈ ન રોકાઈને આંગી આપે અને પછી જે દોટ મૂકે તે હનુમાનજીના મંદિર ભેગા. પલ્લી પહોંચે ત્યારે મંદિરના પરિસરમાં હકડેઠઠ ભીડ હોય.

મા આ દિવસે અચૂક દર્શક કરવા લઈ જાય. એનો સમય સાડા ચાર-પાંચ વાગ્યાનો. ગિરદી ન હોય. ભાનુકાકા પૂજારી પ્રમાણમાં નવરા હોય. બહાર માળી બેન પાસેથી આકડાના ફૂલનો હાર લઈએ. અને એક નાળિયેર હનુમાનજીને વધેરાય. અરધું કાચલું પાછું મળે. પૂજારીકાકા કપાળમાં અને ગળે સિંદુરનો ચાંદલો કરે અને અમે મા દીકરો ત્યાંથી પાછા ઘર તરફ વળી જઈએ. ઘર તરફ જતાં પગ થોડા વધુ જલદી ઉપડે. એટલા માટે કે મા જેવી ઘેર પહોંચી એટલે પાણિયારેથી ગિલાસ લઈ પાણી પીવાનું અને પછી રાજાનો ઘોડો છૂટ્ટો તે સીધા શાસ્ત્રીજીની પાઠશાળામાં. હા, એ પહેલાં મા પાસેથી જે મળે વાપરવા તે લઈ લેવાનું. કોઈ કજિયો ચાલે નહીં. મા આ દિવસે થોડી વધારે ઉદાર રહેતી કારણ કે એના માંડ તાણીતુસીને ભેગા થતા બે છેડા વચ્ચેથી પણ એ ખાસ્સો એક રૂપિયો મને વાપરવા માટે કાઢી આપતી. અને હા ! તે દિવસોમાં રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો. ગાયનું દૂધ છ રૂપિયે વીસ લીટર અને ભેંસનું દૂધ ૮ રૂપિયે વીસ લીટર. ઘઉં ૭ રૂપિયે વીસ કિલો અને જુવારબાજરી ચાર કે પાંચ રૂપિયે વીસ કિલો મળતા. રૂપિયે દોઢ રૂપિયે કિલો ખાંડ અને ૮ રૂપિયે તો ૧૦ કિલોનો ગોળનો રવો આવતો. એ જમાનામાં એક પૈસાની એક એટલે ૧ રૂપિયાની ૬૪ પાણીપુરી મળતી.

આ જમાનામાં ૧ રૂપિયો વાપરવા મળે અને તે પણ મા પાસેથી, જે પોતાનું બજેટ કઈ રીતે પૂરું કરતી હશે તે મને ત્યારેય નહોતું સમજાતું અને ત્યાર પછી પણ ક્યારેય નહોતું જ સમજાવાનું.

આમ સિદ્ધપુરના ઉત્તર સીમાડે રાજપુરથી આગળ શાસ્ત્રીજીની પાઠશાળા અને નારાયણ સ્વામીનો આશ્રમ વટાવીને છેક રેલવે લાઇનની લગોલગ જ્યાં પહેલાં ખડાલીયા નામનું ગામ હતું ત્યાં આ ખડાલીયા હનુમાનનું મંદિર જેનું ખાસ્સું મહાત્મય હતું.

બરાબર એ મંદિરની સામે તળાવ હતું. ચોમાસામાં એ છલોછલ ભરાય ત્યારે હનુમાનના મંદિરમાં જવું હોય તો ઢીંચણસમાણા પાણીમાંથી પસાર થઈને જવું પડતું. એક સમયે ઢોર ચરાવવા ગયેલા ઠાકોરના બે છોકરાઓ આ તળાવમાં ડૂબીને મરી ગયા હતા. આવડું મોટું તળાવ અને એની ઊંડાઈ હતાં. બીજી બાજુ રાજપુરથી ગોરજીનો આશ્રમ અને આનંદગિરિના આશ્રમ વચ્ચેનો રસ્તો વટાવીને પણ ચોમાસુ વાવેતર ન હોય ત્યારે ખેતરમાં થઈ ખડાલીયા હનુમાન પહોચાતું. સંપૂર્ણ ખુલ્લી જગ્યા, ખુલ્લાં ખેતરો. રસ્તામાં આવતાં આંબાવાડીયા. એક આંબાવાડીયુ તો હનુમાનના મંદિરને અડીને લગોલગ અને હનુમાનના મંદિર પર છાંયો કરવા જ જાણે વિસ્તર્યો હોય એવો વિશાળ આંબો મંદિરના પ્રાંગણમાં. ક્યાંક ક્યાંક ચણીબોર અને બાજુમાં આંબાવાડીયામાં એક મોટા બોરની બોરડી. મજા મજા થઈ જતી. બોર, ડોડાં અને લાડુડી કરીને એક ગોળ દાણા જેવુ જંગલી ઘાસ પર ઊગે છે જે અમે ખાતા. ને કાચી કેરીઓ. આ બધુંય ખડાલીયા હનુમાનના રસ્તે જતાં આવતાં અમે માણ્યું છે. ખૂબ મજા કરી છે અને એથીય વિશેષ તો સંપૂર્ણ એકાંતમાં ઉભેલા એ હનુમાન જ્યાં રાત્રે કોઈ જવાની હિંમત નહોતી કરતું ત્યાં શરત સ્વીકારીને રાતના બાર વાગે નાળિયેર મૂકીને પાછા આવવાનું સાહસ પણ કર્યું છે. પ્રશ્ન થાય, બીક નહોતી લાગતી? લાગતી’તી. પણ ગજવામાં ચાકુ રાખીએ એટલે કોઈ જ ભૂતપલિત આવે નહીં એવી એક માન્યતા અને બીજી એથીય હાસ્યાસ્પદ માન્યતા કે ભૂતની ચોટલી કાપી લઈએ તો એ આપણું ધાર્યું કામ કરે એટલે ક્યારેક ભૂત મળે તો ચોટલી કાપવા માટેનાં પણ આયોજનો ! ખૂબ મજાનું અને અલ્લડ બાળપણ હતું. જો કે મા હંમેશા કહેતી ભૂતપ્રેત નામની કોઈ વાત જ નથી અને એના સાથે એક કહેવત પણ ટાંકતી –

મનછા ભૂત અને શંકા ડાકણ                                   

એટલે મનના વિચારોમાં જ ભૂત છે અને શંકા પડે ત્યાં ડાકણ ! મનમાં બીક હોય તો ઝાડનું ઠૂઠું પણ ઉભેલો માણસ દેખાય અને રાત્રિના અંધકારમાં કોઈ ઝાડ પરથી પાંખો ફફડાવીને ઊડતી ચીબરી હ્રદયના ધબકારા વધારી દે.

માએ શીખવાડયું હતું કે આવી કોઈ પણ પ્રકારની ભિતી લાગે તો બજરંગ બલીનું સ્મરણ કરવું. હનુમાન ચાલીસામાંથી એ ટાંકતી –

ભૂત પિશાચ નીકટ નહીં આવે

મહાબીર જબ નામ સુનાયે

આમ ખડાલીયા હનુમાનની પલ્લી એ મારા બાળપણમાં જેની અમે આતુરતાથી રાહ જોતા એવડો મોટો ઉત્સવ હતો.        


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles