મારા બાપા માંદગીમાંથી બેઠા થયા ત્યારે દિવાળીના દીવા દેખાતા હતા. શાળામાં છ માસિક પરીક્ષા પતી ગઈ ત્યારબાદ દિવાળી વેકેશન પડ્યું હતું. અગાઉ લખ્યું તેમ આસો સુદ છઠના દિવસે એમણે પહેલીવાર ઘરબહાર પગ મૂક્યો. ધીરે ધીરે એ બહાર નીકળતા થયા અને દિવાળી સુધીમાં તો લગભગ એમની તબિયત સામાન્ય થઈ ગઈ. એમણે રાબેતામુજબની કામગીરી શરૂ પણ કરી દીધી. મારી માના કહેવા મુજબ, મારા બાપાને નવો અવતાર મળ્યો હતો. આ કારણથી આ દિવાળી અમારા માટે એક વિશિષ્ટ આનંદ લઈને આવી હતી. દિવાળીમાં ખૂબ મજા કરી. દિવાળીના તહેવારો પૂરા થયા. મન ભરીને કાત્યોકનો મેળો પણ માણ્યો અને એ પછી પાછી સ્કૂલ પણ શરૂ થઈ ગઈ.
આ સમય દરમિયાન ડિસેમ્બર મહિનામાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારત આવવાની હતી. 12 ડિસેમ્બર, 1959થી 28 જાન્યુઆરી 1960ના સમયગાળા દરમિયાન આ ટીમ ભારતમાં દિલ્હી, કાનપુર, મુંબઈ, કોલકાતા અને મદ્રાસ એમ પાંચ ટેસ્ટમેચ તેમજ ઈન્ડિયન બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવન સામે કેટલીક ત્રણ દિવસની મેચ પણ રમવાની હતી. ઑસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન રીશી બેનો હતા અને તેમાં નીલ હાર્વે, નોર્મન ઓ’નીલ, રેલીન્ડવોલ, એલન ડેવિડસન, ઈયાન મેકીફ્ફ, પીટર બર્જ, વૉલી ગ્રાઉટ તેમજ લિન્ડસે ક્લીન જેવા ખ્યાતનામ ખેલાડીઓ હતા. એ સમયે ઑસ્ટ્રેલિયન ટીમનો વિશ્વમાં ડંકો વાગતો હતો. ભારત આવ્યા પહેલાં એ સોળ ટેસ્ટમેચ રમી હતી. એમાંથી અગિયાર જીતી હતી અને એક પણ હારી ન હતી. બોલિંગ – બેટીંગ અને ફીલ્ડીંગ ત્રણેય વિભાગોમાં એની પાસે ઉત્કૃષ્ટ ખેલાડીઓ હતા.
આની સરખામણીમાં ગુલાબરાય રામચંદ (જી. રામચંદ)ના નેતૃત્વ નીચે નરી કોન્ટ્રાક્ટર, પંકજ રૉય, રામનાથ કીની, જશુ પટેલ, બાપુ નાડકર્ણી, પોલી ઉમરીગર, ચંદુ બોરડે, અબ્બાસઅલી બેગ, સુરેન્દ્રનાથ જેવા ખેલાડીઓ વાળી ભારતીય ટીમની છબી મગતરા જેવી હતી. એણે રમેલ 13 ટેસ્ટમેચમાંથી 11 હારી હતી. બે ડ્રો ગઈ હતી. વેસ્ટઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવી ટીમોના ફાસ્ટ બોલરોનો સામનો કરતાં આપણા ખેલાડીઓના પગ ધ્રૂજતા, કેચ છોડવો અથવા બે પગ વચ્ચે થઈને બોલ નીકળી જાય જેવી બાબતો એની કંગાળ ફિલ્ડિંગ માટે સામાન્ય હતી. સામા પક્ષના ધૂરંધર બેટ્સમેન આપણા બોલરોને નિર્દયતાપૂર્વક ઝૂડી નાંખતા અને રનના ઢગલા ખડકતા. આ કંગાલીયત હોવા છતાંય ભારતમાં ક્રિકેટ માટે લગભગ ગાંડપણ કહી શકાય તે હદ સુધીનો CRASE હતો.
ઑસ્ટ્રેલિયન ટીમ ભારત આવી. ટેલિવિઝન જેવી સવલતો એ જમાનામાં નહોતી. સુરતી ફરસાણ માર્ટના ખાંચામાં શંકરલાલ દરજી મારા બાપાના સ્નેહી હતા. એમના ત્યાં રેડિયો હતો અને શંકરલાલને ક્રિકેટનો પણ ગાંડો શોખ હતો. સિદ્ધપુર જીમખાના ટીમના સંજીવન બાપુના આ શંકરલાલ મિત્ર. મોટી મેચ વખતે બાઉન્ડ્રી ઉપર ઊભી કરવા ઝંડીઓ બનાવી આપે એ એમનું સક્રિય ક્રિકેટમાં પ્રદાન ! શંકરલાલને ત્યાં PHILLIPS નો સરસ ચાર બેન્ડનો રેડિયો હતો. મને એ કૉમેન્ટ્રી સાંભળવા બેસવા દેતા.
ઑસ્ટ્રેલિયન ટીમ 1959-60ની સીઝન માટે ભારત આવી. પહેલી ટેસ્ટમેચ 12 ડિસેમ્બરથી 16 ડિસેમ્બરસુધી ફિરોઝશાહ કોટલા મેદાન ઉપર દિલ્હી ખાતે રમાઈ. ભારત એક દાવ અને 127 રનથી નામોશીભરી રીતે હાર્યું. બીજી ઈનિંગમાં પંકજ રૉયનાં 99 અને ઑસ્ટ્રેલિયન ઈનિંગમાં નીલ હાર્વેના 114 રન મુખ્ય હતા. શરૂઆત જ કંગાળ રીતે થઈ. આ દેશમાં પગ મૂકતાં જ ઑસ્ટ્રેલિયન ટીમ આપણા પર હાવી થઈ ગઈ.
આ વર્ણન એટલા માટે લખું છું કે, ત્યારપછી બીજી ટેસ્ટમેચ ગ્રીનપાર્ક કાનપુર ખાતે 19 થી 24 ડિસેમ્બર વચ્ચે રમાઈ ત્યારે ભારતીય ટીમનું મનોબળ કેવું હશે અને ભારતીય ટીમ પાસેથી દેશના ક્રિકેટ ચાહકોની અપેક્ષાઓ પણ કેવી હશે એનો થોડો ખ્યાલ આવે.
કાનપુર ખાતેની ટેસ્ટમેચ આ બધી અપેક્ષાઓ કે ધારણાઓનો મૂળમાંથી છેદ ઉડાડી નાંખે તે દિશામાં ગઈ. આશ્ચર્યજનક રીતે ભારત આ ટેસ્ટ 119 રનથી જીત્યું ! જેની સ્વપ્નમાં પણ કોઈએ કલ્પના નહોતી કરી એવી ઘટના બની. આખા દેશમાં ઉન્માદ અને ઉમંગનું એક મોજું ઉછળ્યું. ઠેર ઠેર ને ઘેર ઘેર આ મુદ્દે ચર્ચા ચાલી. ઑસ્ટ્રેલિયા જેવી વિશ્વવિજેતા ટીમ સામે જેનું દસાડા દફ્તરમાં ક્યાંય નામ નહોતું તે ભારતીય ક્રિકેટ ટીમ જીતી એટલું જ નહીં, પણ 119 રન જેટલી સરસાઈથી જીતી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ ઘટના હતી અને એ કારણથી એની આખા દેશમાં ચર્ચા હતી.
આ થઈ સમગ્ર દેશની વાત. ગુજરાત માટે આ ઘટનાનું વિશેષ મહત્ત્વ હતું. કારણ કે, આ વિજયના શિલ્પી તરીકે જે ગૌરવવંતું નામ સપાટી પર ઉપસ્યું હતું તે હતું શ્રી જશભાઈ એમ. પટેલનું. બાળપણમાં આંબાના ઝાડ પરથી પડી જવાના કારણે જે ઈજા થઈ હતી તે ઈજા જશભાઈ માટે સ્પીન બોલિંગમાં ટોચનાં બોલર તરીકે પ્રસ્થાપિત થવાનું કારણ બની ગઈ. આ ખોડવાળા હાથે બોલિંગ નાંખનાર જશભાઈની બોલિંગ એક્શન તેમજ બોલ પડ્યા પછી એની ગતિ તેમજ સ્પીન બંને અલગ પ્રકારનાં બની જતાં. જશુભાઈ પટેલ માટે કાનપુર ટેસ્ટ એ જીવનનું યાદગાર સંભારણું બની રહ્યું. કારણ કે, પહેલી ઈનિંગમાં નવ (1.92 રનની એવરેજ સાથે) અને બીજી ઈનિંગમાં પાંચ (2.14 રનની એવરેજ સાથે) મળી જશુભાઈએ કાનપુર ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની કુલ 14 વિકેટો ઝડપી. બીજી ઈનિંગમાં રીશી બેનૌ, બેરી જાર્મેન, લીંડસે ક્લીન અને કેન મેક્કે જેવા ખેલાડીઓ ભારતીય બોલરો સામે ઝીંક ન જીલી શક્યા અને શૂન્ય રને આઉટ થયા. માત્ર 50 ઓવર અને 4 બોલમાં ઑસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 105 રનમાં ખખડી ગયું. ભારતીય ટીમનો અને જશુભાઈ પટેલનો જયજયકાર થઈ ગયો. રાતોરાત જશુભાઈ હીરો બની ગયા.
આ ઘટનાના થોડા દિવસ બાદ ભારતીય બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવન સામે ઑસ્ટ્રેલિયન ટીમ એક ત્રણ દિવસની પ્રદર્શન મેચ અમદાવાદમાં રમવાની હતી. જશુભાઈ પટેલ પણ ગુજરાતના હોવાના નાતે બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવન તરફથી રમવાના હતા. આ ખબર આવી ત્યારે ક્રિકેટ માટેનો મારો ઉન્માદ ચરમસીમાએ હતો. મેં જીદ પકડી. મારા બાપાને કહ્યું, મારે અમદાવાદ આ મેચ જોવા જવું જ છે. થોડી રકઝક પછી હું મારૂં ધાર્યું કરાવવામાં સફળ થયો. મારા બાપાએ મારા માટે ટિકિટની વ્યવસ્થા કરી દીધી. ત્રણ દિવસની મેચની બાળકો / વિદ્યાર્થીઓ માટેની ટિકિટ હતી પાંચ રૂપિયા. મેચ એચ. એલ. કૉલેજ ઑફ કોમર્સના ગ્રાઉન્ડ પર મેટીંગ વિકેટ પર રમાવાની હતી. મારા બાપાના એક સ્નેહી ગાંધીગ્રામ એટલે કે એલિસબ્રિજ સ્ટેશને રેલ્વેમાં સ્ટેશન માસ્તર હતા. એમના ઘરે પડાવ નાંખ્યો. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના કૂકડાના ચિહ્નવાળી ટિકિટ મારા હાથમાં હતી. એ જમાનામાં અમદાવાદમાં પાકું સ્ટેડિયમ નહોતું. લાકડાનાં પાટીયાં જોડીને સ્ટેડિયમ ઊભું કરાતું. બાળકોએ સૌથી આગળ નીચે જમીન પર બેસીને મેચ જોવાની હતી. બાઉન્ડ્રી દોરડાંની બનાવી હતી જે પોલી હતી. ક્યારેક ક્યારેક એનો દુરૂપયોગ કોઈ બાળક ખેલાડીને મળવા ગ્રાઉન્ડ ઉપર દોડી જાય તેવો થતો. પોલીસ વ્યવસ્થા માટે હતી ખરી, પણ કોઈ ગ્રાઉન્ડ પર દોડી જાય તો એની પાછળ પડે અથવા ટીંગાટોળી કરી લઈ આવે કે માર મારે એવું નહોતું થતું. ખેલાડી પણ જો પેલો બાળક તેના સુધી પહોંચી જાય તો એની સાથે હાથ મીલાવી ક્યારેક બરડામાં ધબ્બો મારી એને રાજી કરી દેતો. રીશી બેનો અને નીલ હાર્વે સિનિયર ખેલાડીઓ હતા. ઓ’નીલ એ વખતે યુવા ખેલાડી તરીકે ટીમમાં હતો. આ ટીમનો મુખ્ય વિકેટકીપર બેરી જારમન હતો. બીજો વિકેટકીપર વૉલી ગ્રાઉટ હતો. ગ્રાઉટ મશ્કરા સ્વભાવનો હતો અને કાંઈકની કાંઈક ચેષ્ટા કરી બધાને હસાવતો.
એચ. એલ. કોમર્સ કૉલેજની મેટિંગ વિકેટ પર બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવને ટોસ જીતીને દાવ લેવાનું નક્કી કર્યું. બુદ્ધિકુંદરમ અને એમ. એલ. જયસિંહા ઓપનિંગ ખેલાડીઓ તરીકે મેદાનમાં ઉતર્યા. બંને પાકા રંગે અને સારી ઊંચાઈ ધરાવતા હતા. કુંદરમ આગળ જતાં ભારતીય ટીમનો વિકેટકીપર બન્યો. કુંદરમ – જયસિંહાની જોડીએ ઘણો લાંબો સમય ભારતીય ટીમની ઓપનિંગ જોડી તરીકે રમતની શરૂઆત કરાવી.. મેચ શરૂ થઈ. મારા માટે આ અવર્ણનીય અનુભવ હતો. મારા વયજૂથમાંથી અથવા સિદ્ધપુરમાંથી આ રીતે મેચ જોનાર હું કદાચ પહેલો હતો જે ઘણાં બધાં કારણોસર મારા બાપાને સલામ કરવાનું મન થાય છે. એ કારણોમાં આવા પ્રસંગોનો બહુ મોટો ફાળો છે. પુનરાવર્તનનો ભોગે પણ હું લખીશ કે જે પ્રકારની આર્થિક પરિસ્થિતિ અને બે છેડા ભેગા કરવાની મથામણ વચ્ચે મારા બાપાએ એમની મોટાભાગની જિંદગીની ધાણી કરી નાંખી તે સ્થિતિમાં બીજા કોઈએ કદાચ ભાગ્યે જ પોતાના દીકરા માટે પેટે પાટા બાંધીને પણ દુનિયા સાથે પરિચિત થવાની અને દિવાળીથી માંડીને દશેરા સુધીના તહેવારો માણવાની આટલી ઉદારદિલ સવલત આપી હોત.
આ બધા પ્રસંગોએ મને ઘડ્યો છે. ઘણું શીખવાડ્યું છે પણ ખરૂં અને એ માટે જો વિશેષ ઉલ્લેખ કરવાપાત્ર કોઈ વ્યક્તિ હોય તો તે તમે છો. નર્મદાશંકર કુબેરજી વ્યાસ ! તમે જે આપ્યું, જે વેઠ્યું, જે સહન કર્યું કદાચ વેદનાઓ પણ વેઠી હશે તેનું એક નાનું વ્યાજ સરખું પણ હું ચૂકવી શક્યો નથી. જ્યારે બધું જ આવ્યું ત્યારે 1980માં મા ચાલી ગઈ અને ક્યારેય માંદા નહીં પડનાર તમે પક્ષાઘાતથી બીમાર થઈને લગભગ સ્થગિત જીવન જીવ્યા. કાશ ! મારી મા અને બાપા સ્વસ્થ રહીને બીજાં દસેક વરસ જીવ્યાં હોત તો ? કમસેકમ મૂડીનું થોડું વ્યાજ તો આપી શકત. આટલી બધી ઉતાવળ શેની હતી ઉપર જવાની ?
વળી પાછા મૂળ વાત પર આવીએ. મેચ જોવાની ખૂબ મજા આવી. ભારતીય ટીમના નવ વિકેટે 293 રન થયા. જશુભાઈ પટેલ બેટિંગમાં નહોતા આવ્યા.
ત્યારપછી ઑસ્ટ્રેલિયાનો દાવ આવ્યો. પહેલી બે વિકેટ મેક્ડોનાલ્ડ (પાંચ) અને પીટર બર્જ (ચાર) સસ્તામાં પડી ગઈ. બંનેને મુખરજીએ આઉટ કર્યા હતા. પણ ખરી પનોતી ત્યારબાદ બેઠી. ઓ’નીલ ચોથા ક્રમે બેટીંગમાં આવ્યો. એણે અને સ્ટીવન્સે તો જાણે કે નક્કી કર્યું હતું કે, આઉટ જ ન થવું. ટેનિસ બોલથી રમતા હોય તે રીતે એ લોકો આપણા બોલરોને નિર્દયતાથી ઝૂડતા હતા. ઓ’નીલ એવા છગ્ગા ફટકારતો હતો કે બે-ત્રણ વખત તો બોલ સ્ટેડિયમ કૂદીને બહાર રોડ પર પડ્યો અને ખોવાઈ ગયો. બંનેમાંથી એકેય ઉપર આપણા બોલરની કોઈ જ અસર થતી નહોતી. છેવટે 96 રન બનાવી સ્ટીવન્સ આઉટ થયો અને ઓ’નીલની સાથે ફેવેલ જોડાયો. બાકી રહેતી કસર આ બે જણાંએ પૂરી કરી. ઓ’નીલનો સ્કોર થયો 284 અને ફેવેલનો 112. ઑસ્ટ્રેલિયાનો સ્કોર થયો છ વિકેટે 554 (ડિક્લેર).
ખરી અગત્યની વાત હવે આવે છે. જેની બોલિંગ જોવા માટે પ્રેક્ષકો આતુર હતા, જેને કાનપુર ટેસ્ટના વિજયના આર્કિટેક્ટ તરીકે બિરદાવાયો હતો, જેના જીવન વિશે પાનાં ભરીને ગુજરાતી છાપાંઓએ આરતી ઉતારી હતી તે જશુભાઈ પટેલ મેદાન પર જ ન આવ્યા. ત્યાં મેચ જોવા આવેલા વડીલોએ અમને ઉશ્કેર્યા એટલે છોકરાઓએ નારા લગાવવાના શરૂ કર્યા. “WE WANT JASHUBHAI”. ખૂબ હો... હા... કરી ત્યારે જશુભાઈ મેદાન પર આવ્યા. એમને બોલિંગ આપવામાં આવી. એમણે પહેલો બોલ ઓ’નીલને ફેંક્યો અને એ સનસનાટ કરતો આકાશમાર્ગે સ્ટેડિયમ કૂદી અને બહાર જઈ પડ્યો. આ એક વિશાળ સિક્સર હતી. ઑસ્ટ્રેલિયનો કાનપૂરમાં જે કાંઈ બન્યું તે અને જશુભાઈ પટેલની બીક ગ્રીનપાર્ક પર મૂકીને જ આવ્યા હતા તેનુ સિગ્નલ ઓ’નીલે આપી દીધું. ઓ’નીલ પોતાની કારકિર્દીની શરૂઆત કરતો હતો. કાનપુરમાં પહેલી ઈનિંગમાં 16 અને બીજી ઈનિંગમાં માત્ર 5 રન જ કરનાર નોર્મન ઓ’નીલે અમદાવાદમાં પોતાની કક્ષા કઈ છે અને ભવિષ્યમાં એના હાથે દુનિયાભરના બોલરોની કેટલી નિર્દયતાથી પીટાઈ થવાની છે તેની જાહેરાત 28-29 ડિસેમ્બર, 1959ના દિવસે એચ. એલ. કોમર્સ કૉલેજના મેદાન પરથી કરી દીધી. વિશ્વભરના બોલરો માટે આ ખતરાની ઘંટડી નહીં, પણ ઘંટ હતો !
YES ! NORMAN O’NIL HAD ARRIVED. – હા ! નોર્મન ઓ’નીલ ક્રિકેટ વિશ્વમાં નવી ઊંચાઈઓ સર કરવા માટે આવી પહોંચ્યો હતો. ત્યારપછી ઘણી મેચ જોઈ છે. ટેસ્ટમેચ પણ જોઈ છે. વિશ્વવિખ્યાત મેલબોર્નના MCG મેદાન પર પણ ટેસ્ટમેચ જોવાનો લ્હાવો મને તે સમયે ઑસ્ટ્રેલિયામાં રહેતા મારા દીકરા સમીરના કારણે મળ્યો છે. લોર્ડઝ અને ઑવલ પર પણ મેચ જોઈ છે, પણ ડિસેમ્બર 1959ના અંતમાં એચ. એલ. કોમર્સ કૉલેજના મેદાન પર ઑસ્ટ્રેલિયા જેવી તે સમયે ક્રિકેટ વિશ્વમાં ટોચ પર બિરાજતી ટીમને અને તેમાંય ઓ’નીલને રમતો જોવા મળ્યો તે આખીયે ઘટના આજે પણ ક્રિકેટ વિશ્વ ક્રિકેટ સાથેનાં મારાં આટલાં વર્ષોના પરિચયની શ્રેષ્ઠ ઘટના છે.
તે દિવસે 1959ના ડિસેમ્બરના અંતમાં
કોમર્સ કૉલેજની મેટિંગ વિકેટ પર
કાનપુરમાં ભવ્ય રીતે જીતેલી ભારતીય ટીમના
વિજયોત્સવના પડઘા પણ હજુ શમ્યા નહોતા ત્યારે
જે રીતે...
બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવનના ખેલાડીઓની
ઑસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ધોલાઈ કરી
જશુભાઈ પટેલે ફૂડ પોઈઝનિંગ થવાના કારણે પ્રેક્ષકોને નિરાશ કર્યા
જશુભાઈ બોલિંગમાં આવ્યા ત્યારે જે રીતે ઓ’નીલે તેમની ધોલાઈ કરી
માત્ર પાંચ રૂપિયામાં ત્રણ દિવસ બાઉન્ડ્રી પાસે ગ્રાઉન્ડમાં બેસીને
આ ત્રિદિવસીય મેચ જોવાનો મોકો મળ્યો એ મારા માટે...
ક્રિકેટ વિશ્વની ચારધામ યાત્રાની શરૂઆત હતો
આજે પણ એનું સ્મરણ એટલી જ ધન્યતાનો અનુભવ કરાવે છે.
આભાર ! નર્મદાશંકર વ્યાસ
જીવનભર ચાલે એવું એક મોટું સંભારણું ભેટ આપવા માટે.