આજે ખ્યાલ નથી આવતો વધતા જતા પ્રદૂષણ અને ટ્રાફિકમાં વિકાસ સામે વિરાસતની આ લડાઈમાં વિરાસત કેટલી ઝીંક ઝીલી શકશે.
આજે ખ્યાલ નથી આવતો
વધતા જતા પ્રદૂષણ અને ટ્રાફિકમાં
વિકાસ સામે વિરાસતની આ લડાઈમાં
વિરાસત કેટલી ઝીંક ઝીલી શકશે.
વડોદરાનો મારો વસવાટ જેમ જેમ લંબાતો ગયો, હું હૉસ્ટેલ જીવનથી અને શહેરથી પરીચિત થવા માંડ્યો. જે ઝડપથી હું ભાષાથી માંડી રહેણી-કરણીની પદ્ધતિ અને વડોદરાના જનજીવનથી માંડી વડોદરાના વિદ્યાર્થીજીવન સુધીની બાબતો અંગે શીખી રહ્યો હતો એ મને ખૂદને પણ ક્યારેક નવાઈ પમાડી જતું. ગામડાની પ્રાથમિક શાળામાં ભણીને આવેલ અને જેને શહેર ન કહી શકાય એવા તાલુકા સેન્ટરે જેણે હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો હતો તેમજ આવતાવેંત કશું જ ન સમજણ પડવાના કારણે પહેલી ટેસ્ટમાં જેણે ઉકાળ્યું હતું એવો વિદ્યાર્થી હવે વડોદરાની શિક્ષણપદ્ધતિ અને જીવનપદ્ધતિ બંનેથી પરિચિત થઈ રહ્યો હતો. હા ! ઘર ક્યારેક યાદ આવતું, પણ બહુ એકલવાયું નહોતું લાગતું. અહીંયા કઈ રીતે રહી શકાશે એ ચિંતા હવે નહોતી રહી. પ્રેપરેટરી સાયન્સના વરસ દરમિયાન મારી પાસે સાયકલ નહોતી અને આમ છતાંય વડોદરાના ખૂણેખૂણેથી હું પરિચિત થઈ રહ્યો હતો. મારામાં સ્વભાવગત થોડીક વધુ કૂતૂહલવૃત્તિ હતી એમ કહું તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય. આ કારણથી ખાંખૂંચ અને પૂછપરછ કરવી એ મારા સ્વભાવનું એક મૂળભૂત પાસું હતું. મેસનું ખાવાનું હવે ફાવી ગયું હતું અને સાથોસાથ થોડાક વધુ પરિચયો થતાં લંચ કે ડીનર સમયે પણ મેસના ટેબલ પર કોઈની કોઈની કંપની મળી રહેતી. ડાહ્યાલાલ મહારાજને મારા બાપાએ મારી ભલામણ કરી હતી, પણ ધીરે ધીરે મારામાં વિકસતા જતા પેલા આખલા જેવા સ્વભાવના કારણે ક્યારેય પણ મારે એનો ઉપયોગ કરવાનો દહાડો આવ્યો નહોતો.
નાના કર્મચારીઓ સાથે આમેય આખી જિંદગી મારે વધારે સારૂં બન્યું છે. મેસમાં નોકરી કરતો વસંત મરાઠે, અમારો ગૂરખો બાબુસિંગ, સ્વીપર કમ એટેન્ડન્ટ ભોલે અને હૉસ્ટેલમાં નિયમિત આંટા મારતા મોચી, નાનુ ધોબી અને છનિયા બ્રેડબટરવાળા સાથે પણ આપણે દોસ્તી કરી હતી. એટલું જ નહીં, પણ હવે ધોબી અને બ્રેડબટરવાળા બંને જગ્યાએ આપણી ઉધારી પણ ચાલતી.
મારા બાપાએ એક શિખામણ આપી હતી. એ કહેતા હતા કે, “ગજવામાં ગમે તેટલા પૈસા હોય તો પણ થોડું ઘણું ઉધાર લેવાની ટેવ રાખો. કાયમ રોકડાથી જ ખરીદ્યું હશે તો કો’ક દિવસ ગજવામાં પૈસા નહીં હોય અથવા હાથ સંકડામણમાં હશે ત્યારે શરમ આવશે.” ઉધાર અંગે સમજાવતાં એ કહેતા, “આ માટેનો અંગ્રેજી શબ્દ “ઑન ક્રેડિટ” છે.” પછી એ કહેતા, “ક્રેડિટ” એટલે શાખ. જેની શાખ હોય એને જ ઉધાર મળે. એટલે તમને કોઈ ઉધાર આપે છે એ તમારી શાખ છે. ઉધાર આપવાવાળાને તમારામાં વિશ્વાસ હશે તો જ પૈસા બાકી રાખશે. એ બહાને એ વ્યક્તિ સાથે તમારો ગ્રાહક તરીકેનો સંબંધ પણ બંધાશે.”
અદભૂત શિખામણ હતી મારા બાપાની. મારા બાપાની અર્થવ્યવસ્થા આમેય નાણાંખાધવાળી વ્યવસ્થા હતી. એ માણસ બે છેડા કેમ કરીને ભેગા કરતા હશે તે મને આજેય નથી સમજાતું, પણ બજારમાં એમની “ક્રેડિટ” મોટી. એટલે ઉધારીનો તહેવાર ચાલે અને એમ કરતાં કરતાં એમનું જીવન નભી ગયું એ વાત પણ એટલી જ સાચી. આપણે આ સિદ્ધાંત અપનાવી લીધો હતો. એટલે કેન્ટિન અને ધોબી, બ્રેડબટરવાળો છનિયો એ મારી ઉધાર અર્થવ્યવસ્થાના પ્રથમ પ્રયોગો હતા. આગળ જતાં જ્યારે જાણવા મળ્યું કે, આપણા કરતા મોટું દેવું રાજ્યનું અને એના કરતાં પણ મોટું દેવું દેશનું હોય છે અને કેટલાક ઉદ્યોગપતિઓ તો કરોડો રૂપિયાની ઉધારી છતાંય એશો-આરામની જિંદગી જીવે છે ત્યારે મારા બાપાની ફિલોસૉફી મને સમજાઈ કે ઉધાર તો જેવી જેની આવડત બધા જ કરે છે. આપણે નાના માણસો તો ઈજ્જત-આબરૂવાળા છીએ એટલે પેટે પાટા બાંધીને પણ આ ઉધારી ચૂકવી દઈએ છીએ, પણ સમાજના પેલા કહેવાતા મોટા માણસો અબજો રૂપિયાની ઉધારી લઈને વટથી ફરે છે. ત્યારે પંક્તિ યાદ આવે છે – “સમરથ કો નહીં દોષ ગુંસાઈ”. મારા ઘરથી દૂર રહેવાના અને હૉસ્ટેલમાં રહીને લગભગ સ્વાયત્ત જીવન જીવવાના અનુભવમાંથી શીખેલ ઘણી બધી બાબતોમાં ઉધારી પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ પણ આવી જાય છે.
આથી ઊલટું, હૉસ્ટેલની જિંદગીની બીજી એક બાબત પણ શીખવા જેવી છે. તમે જરાક પૈસાટકે સુખી છો એવું ખ્યાલમાં આવે તો નોકર, પટાવાળા, ધોબી વગેરે ઘણા બધા એક યા બીજા બહાને તમારી પાસેથી ઉધાર પૈસા લઈ જાય. મોટાભાગે આ પૈસા પાછા આવતા નથી. અનુભવે મને શીખવાડ્યું તે પ્રમાણે મેં વચ્ચેનો રસ્તો કાઢ્યો હતો. કોઈ નાની ઉધારી માંગે તો આપી દેવી. એમ સમજીને આપવી કે આ પૈસા પાછા નથી આવવાના અને મોટી ઉધારી આપવા જેટલી મારી ત્રેવડ નહોતી. સરવાળે ક્યાંક નાનાં નાનાં “બેડ ડેટસ્” થયા હશે, પણ બહુ મોટું ધિરાણ કોઈ પણ કારણસર નહીં આપી શકાયું એટલે આપણી બેંકોની માફક મોટા પાયે પાછા ન આવે એવા પૈસા ખોવામાંથી હું બચી ગયો. આજની બેન્કિંગ ઈન્ડસ્ટ્રી દ્વારા જો શરૂઆતથી આ સિદ્ધાંત અપનાવાયો હોત તો અબજો કરોડોના બેડડેટસ્ ન ઊભા થયા હોત. ખેર ! આપણે નાના મ્હોંએ મોટી વાત ન કરવી જોઈએ. આમેય, મારે બેંકો સાથે બહુ લેણું નથી. ગમે તે કારણે પણ આ જ દિવસ સુધી બેંકો પાસેથી કોઈ ઉધારી કરી હોય એ બાકી નથી અને મારી બેંક પાસે કોઈ બહુ મોટી રકમ જમા નથી. સરવાળે બધું સરભર ચાલે છે.
જો કે, થોડાક વખત પહેલા એક નાણાં વ્યવસ્થાપનના નિષ્ણાત ફિલોસોફરે મને શિખામણ આપેલી કે, બેંકમાં નાણાં રાખવાં એના કરતા બેંક પાસેથી નાણાં ઉધાર લેવાં વધારે સારા. એ હળવા મૂડમાં કહે છે કે, “ભૂલેચૂકે જો બેંક ફડચામાં જાય તો આપણે કોઈ ચિંતા નહીં. કારણ કે આપણી ખાસ કોઈ પૂંજી ત્યાં જમા હોય નહીં અને આપણી લોન બોલતી હોય એટલે હપ્તા ભરીએ તે મુજબ બેંકના સ્ટેટમેન્ટમાં આપણું નામું લખાય અને દર વરસે બેંકના સિક્કા સાથે આપણને એ સ્ટેટમેન્ટ મળી જાય.” આમ, એ ભાઈના મતે બેંક પાસેથી ઉધારી કરવી એ આદર્શ નાણાં વ્યવસ્થાપન છે. કારણ કે તમારા નાણાં તમારા જેટલા બીજા કોઈ પાસે સલામત નથી. જો કે, આ હળવાશમાં થયેલો વાર્તાલાપ છે. ગંભીરતાથી લેવા જેવો નથી.
વળી પાછા વડોદરાની વાત પર પાછા આવીએ.
અમારી યુનિવર્સિટી બરોડા કૉલેજ તરીકે 1882માં સ્થપાઈ અને 19મી સદીના અંતમાં એના મકાનોનું બાંધકામ થયું છે. રોબર્ટ ફોલોઅર્સ ક્રિશોમ (1840-1915) દ્વારા આ મકાનોની ઈંડો-સારાસેનિક સ્ટાઈલમાં ડિઝાઈન કરવામાં આવી છે. બીજાપુરના ગોળગુંબજ વિશે તમે સાંભળ્યું હશે. એના ઉપર આધારિત એક મોટો ગુંબજ અહીં બાંધવામાં આવ્યો છે અને એનું સુશોભન ભારતીય તેમજ બાઈઝેન્ટાઈન સ્ટાઈલ પર થયું છે. આ ગુંબજ એટલે એમ. એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીનો ગુંબજ. આ આર્ટ્સ ફેકલ્ટીમાં અમારા ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી વિષયના ક્લાસ લેવાતા. ગણિતનો વર્ગ પણ અહીં જ ચાલતો એટલે એના બાંધકામથી પરિચિત થવાનો મને મોકો મળ્યો હતો. લગભગ 140 વરસ જૂના આ ડોમને અત્યારે ભારત સરકારની આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયા (ASI) દ્વારા રીપેર અને રીસ્ટોર કરવામાં આવી રહ્યો છે. આ ડોમને ડબલ ડોમ સ્ટ્રક્ચર અને ગોળગુંબજ બાદ એશિયાની બીજા નંબરની મોટી મેસનરી ડૉમ તરીકે પ્રસ્થાપિત કરે છે. ફેકલ્ટી ઑફ આર્ટ્સ, ફેકલ્ટી ઑફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી, ફેકલ્ટી ઑફ પ્રોફેશનલ આર્ટ્સ, ફેકલ્ટી ઑફ સાયન્સ, ડિપાર્ટમેન્ટ ઑફ એન્જિનિયરીંગ અને દાદાભાઈ નવરોજજી હૉલ તેમજ પૉપ્યુલેશન રિસર્ચ સેન્ટરનાં બિલ્ડિંગોને ઐતિહાસિક વારસો ગણી એની જાળવણી અને મરામત કરવાનું કામ આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયા (ASI)ના પરામર્શમાં હાથ ધરવામાં આવ્યું છે. ફેકલ્ટીની બહાર સ્ટેશનથી માંડવી તરફ જતા રસ્તે સતત ટ્રાફિક ધમધમતો રહે છે એને કારણે આ ડૉમનો બહારનો ભાગ પણ કાળો પડી ગયો છે. આપણે વિકાસ જોઈએ છે. અહીંયા વિરાસત એના અસ્તિત્વ માટે લડી રહી છે. વિકાસ, વિરાસત અને વડોદરા બરાબર પ્રાસ મળી રહે છે. નહીં ? જોવાનું એ રહે છે કે, વિકાસ જીતશે કે વિરાસત. અત્યારે તો ફેકલ્ટી ઑફ આર્ટ્સના આ ડૉમની બરાબર સામેના રાજમાર્ગ પર કાર્બન ડાયોક્સાઈડ ઓકતો ટ્રાફિક દિવસે ન વધે એટલો રાત્રે વધી રહ્યો છે.
પ્રેપરેટરી સાયન્સમાં જ્યારે આ ઐતિહાસિક બિલ્ડીંગમાં આવેલા ક્લાસરૂમોમાં બેસીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અમારા પ્રવેશકાળે અભ્યાસ કરતા હતા ત્યારે આ ખબર નહોતી. આ ખબર પડી ત્યારે એ ક્લાસરૂમોમાં બેસીને ભણવાની કોઈ તક નહોતી. ક્યારેક આપણે અમૂલ્ય ખજાના પર બેઠા હોઈએ, પણ એના મૂલ્ય અંગેની કોઈ ગતાગમ જ નહોય એવી સ્થિતિ પ્રેપરેટરી સાયન્સમાં ભણતા હતા ત્યારે હતી. આ એ જ બિલ્ડિંગ છે જ્યાં ડૉ. સુરેશ જોષી, કવિ કુમાર અને કુંવર ચંદ્રપ્રકાશસિંહને માણ્યા છે. અહીં જ ડૉ. રણજીતરામ પટેલ “અનામી” સાથે પરિચયમાં આવવાનું થયેલું.
ફેકલ્ટી ઑફ આર્ટ્સ
એમ. એસ. યુનિવર્સિટી વડોદરા સયાજીગંજ
લગભગ 140 વરસ પહેલા બંધાયેલો
એનો ઐતિહાસિક ડૉમ
બીજાપુરના ગોળગુંબજ પછી
ઈંટના બાંધકામવાળી એશિયાની આ બીજા નંબરની
મોટામાં મોટી ડૉમ.
આજે 140 વરસ જેટલા સમયમાં કાળના થપેડા ઝીલતા ઝીલતા
ક્યાંક ઘવાઈ છે, ક્યાંક ઘસાઈ છે.
એનો બહારનો ભાગ ટ્રાફિક પ્રદુષણના કારણે કાળો પડી ગયો છે.
આર્કિયોલૉજિકલ સર્વેની નિષ્ણાત સલાહ મુજબ
આ ડૉમનું રીપેરીંગ હાથ ધરાયું છે.
પણ....
આજે ખ્યાલ નથી આવતો
વધતા જતા પ્રદૂષણ અને ટ્રાફિકમાં
વિકાસ સામે વિરાસતની આ લડાઈમાં
વિરાસત કેટલી ઝીંક ઝીલી શકશે.