Monday, January 16, 2017
કોઈપણ પ્રકારના તણાવ વગર હળવાશ અને મક્કમતાથી ડગલાં ભરતો હું આગળ વધ્યો. જીવણે બારણું ખોલી મને કોન્ફરન્સ રુમમાં સરકાવી દીધો. અત્યાર સુધી કોઈ કોર્પોરેટ હાઉસનો કોન્ફરન્સ રુમ જોવાનો મોકો નહોતો મળ્યો. મારે કહેવું જોઈએ કે પહેલી નજરે જ જીઆઈડીસીના કોન્ફરન્સ રુમના ઈન્ટીરીયર અને ગોઠવણીએ મને તાજૂબ કરી દીધો. ઘડીભર મનમાં થયું કે સંસ્થા તો આ પણ કંઈ ખોટી નહોતી. આમ તો હું જ્યારથી અહીં આવ્યો ત્યારથી અત્યાર સુધીનો મારો અનુભવ સારો રહ્યો. દરેક પગલે એક પ્રકારની ચોક્સાઈ અને વ્યવસ્થાપન શક્તિનો અનુભવ થતો ગયો. હવે હું એના છેલ્લા તબક્કે પહોંચ્યો હતો. મેં જોયું તો ત્યાં હાજર વ્યક્તિઓમાં એક ડૉ. રંગરાજન પણ હતા. થોડી હળવાશ થઈ. અધ્યક્ષની ખુરશીમાં બેઠેલ વ્યક્તિ જીઆઈડીસીના તે સમયના ચેરમેન અને ગુજરાત સરકારના છેલ્લા ICS મુખ્ય સચિવશ્રી લલિતચંદ્ર દલાલ હતા. મને જે રીતે ઘેસાણીએ માહિતી આપી હતી તે જોતાં બાકીના બેમાં એક પ્રમાણમાં ઉંમર લાયક દેખાતા જાહેર બાંધકામ વિભાગના સચિવ શ્રી એમ.ડી. પટેલ હતા અને બીજા યુવાન જીઆઈડીસીના ચીફ એક્ઝીક્યુટીવ અને IAS અધિકારીશ્રી સુરેશચંદ્ર શેલત હતા. એવો તર્ક મેં મારી જગ્યા લેતા પહેલાં કર્યો. દલાલ સાહેબે ઔપચારિકતા ખાતર હાલ હું શું કામ કરું છું ? અને મને આ નોકરીમાં કેમ રસ છે? તે પ્રશ્નો થકી ચર્ચાની શરુઆત કરી. ત્યારબાદ તેમણે ડૉ. રંગરાજન સાહેબ સામે જોઈને કહ્યું “Yes Professor Your Turn”.
દલાલ સાહેબની આ વાતનો પડઘો ડૉ. રંગરાજન સાહેબે કંઈક જુદી જ રીતે પાડ્યો. તેમના કહેવાનો અર્થ એવો હતો કે હજુ થોડા અઠવાડીયા પહેલાં જ આઈઆઈએમના એફબીએ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની અખિલ ભારતીય કસોટીના ભાગરુપે તેમણે મારો ઈન્ટરવ્યુ લીધો હતો. હું આ ચકાસણીમાં સફળ રહ્યો હતો અને મને આઈઆઈએમના પીએચડી સમકક્ષ અભ્યાસક્રમ એફબીએ માટે પસંદ કરવામાં આવ્યો હતો.
ડૉ. રંગરાજને કોઈ પ્રશ્ન ના પૂછ્યો એટલે બાકીના બે શ્રી એમ.ડી. પટેલ અને શ્રી શેલતે પણ કોઈ પ્રશ્ન ન પૂછ્યો. ખૂબ ટૂંકા સમયમાં અમારી આ પર્સનલ ઈન્ટરવ્યુની વિધિ આટોપાઈ ગઈ. મેં સહુને “હેવ એ નાઈસ ડે સર” કહી શુભકામના વ્યક્ત કરી વિદાય લીધી. મારું કામ પુરું થયું હતું. ઘેસાણીની કેબિનમાં ડોકાચીયું કરી બાય અને થેંકયુ કહી હું ફડીયા ચેમ્બર્સના ત્રીજા માળેથી સડસડાટ કરતો નીચે ઉતરી ગયો અને મારા વાહનમાં બેસી અસારવા જવા રવાના થયો. ત્યાંથી કુટુંબને લઈને સિદ્ધપુર પહોંચવાનું હતું. એકંદરે આજનો દિવસ સારો રહ્યો અને તેમાંય પેલા ટ્રાવેલ એલાઉન્સના પૈસાની મૂડી આજની મોટી નગદ પ્રાપ્તિ બની રહી. આ લગ્નનું બહાનું ન હોત તો હું જીઆઈડીસીના આ ઈન્ટરવ્યુમાં હાજર રહ્યો હોત કે કેમ એ શંકાનો વિષય છે.
સિદ્ધપુર પ્રસંગ પતાવી વડોદરા પાછો પહોંચ્યો અને વળી પાછો હાઉસીંગ બોર્ડની નોકરી અને રોજીંદા કામમાં જોતરાઈ ગયો. બાકીનો ફેબ્રુઆરી મહિનો એમ જ કોઈ નોંધપાત્ર ઘટના વગર પસાર થયો.
પત્રકારો સાથે મારે હંમેશા સારી લેણાદેણી રહી છે. હું હાઉસીંગ બોર્ડમાં હતો એ દરમ્યાન ઈન્ડિયન એક્સપ્રેસ જૂથના એક પત્રકાર મારી નિયમિત મુલાકાતે આવતા. ચાની ચૂસકી લેતાં લેતાં અમે દુનિયાભરની પંચાત વાગોળતા. કિરીટભાઈ સાથે બેસવું ગમે અને તેમની વાતો પણ સાંભળતા રહેવાનું મન થાય એવો સરસ સ્વભાવ ધરાવતા હતા. અમારા પરિચય બાદ મિત્રતા ગાઢી થવાનું આ પણ એક કારણ હતું. જો કે એમની કલમ બહુ તેજ હતી અને કોઈની પણ શેહશરમમાં આવ્યા વગર એ ગમે તેવા ચમરબંધીની પણ ખબર લઈ નાંખતા. અંગ્રેજી ભાષા પર એમનું સારું પ્રભુત્વ. બધા એમનાથી ગભરાય પણ મારે મેળ સારો. એકાએક એક દિવસ જાણવા મળ્યું કે “વડોદરા ડાયનેમાઈટ કેસ” એટલે કે વડોદરા સુરંગ પ્રકરણમાં જ્યોર્જ ફર્નાન્ડિઝની સાથે કિરીટ ભટ્ટ, ટાઈમ્સ ઓફ ઈન્ડીયાવાળા વિક્રમ રાવ, એવા જ બીજા સીનીયર પત્રકાર સતીષ પાઠક આ કેસમાં આક્ષેપિત હતા અને એમની ધરપકડ કરવામાં આવી હતી. કટોકટી દરમ્યાન સમગ્ર દેશને હચમચાવી ગયેલા આ પ્રકરણની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. આક્ષેપ હતો કરજણની આજુબાજુ રેલ્વે ટ્રેક પર ડાયનેમાઈટ બીછાવી ટ્રેનને ઉડાડી દેવાનો. આ પ્રયાસ હતો. સીબીઆઈએ જ્યોર્જ ફર્નાન્ડિઝ અને બીજા ચોવીસ વ્યક્તિઓ સામે ચોરીછુપીથી ડાયનેમાઈટ મેળવી સરકારી બિલ્ડીંગો અને રેલ્વે ટ્રેકને કટોકટીના વિરોધમાં ઉડાડી મુકવાનું આયોજન કરવાનો આક્ષેપ મુક્યો હતો. રાજ્ય સામે બળવો કરી સરકારને ઉથલાવી પાડવા પ્રયત્ન કરવાનો પણ આક્ષેપ હતો. આમાં આક્ષેપિત બધાને જૂન 1976માં ધરપકડ કરી તિહાર જેલમાં રાખવામાં આવ્યા હતા. આ કેસમાં બીજા મહત્વના આક્ષેપિત તરીકે ઉદ્યોગપતિ વિરેન જે. શાહ, જી.જી. પરીખ, સી.જી.કે. રેડ્ડી, પ્રભુદાસ પટવારી અને દેવી ગુજ્જર તેમજ અન્યનો સમાવેશ થતો હતો. આ કેસ દિલ્લી ખાતે ચલાવવામાં આવ્યો. ખાસ અગત્યની બાબત તો એ છે કે જ્યોર્જ ફર્નાન્ડિઝ 1977માં બિહારના મુઝફ્ફરપુર ખાતેથી લોકસભાની ચૂંટણી જેલમાં રહ્યા રહ્યા લડ્યા. એમના ટેકેદારોએ જેલના પાંજરામાં પૂરાયેલા અને સાંકળોથી બંધાયેલા જ્યોર્જ ફર્નાન્ડિઝના ફોટા સાથે જોરદાર પ્રચારકાર્ય કર્યું અને જ્યોર્જ જેલમાં બેઠે બેઠે જંગી બહુમતીથી આ ચૂંટણી જીતીને સાંસદ બન્યા એટલું જ નહીં પણ મોરારજીભાઈ દેસાઈ પ્રધાનમંડળમાં કેબિનેટ મંત્રી પણ બન્યા. જનતા પાર્ટીના શાસન દરમ્યાન આ કેસ પણ પાછો ખેંચી લેવાયો અને સમગ્ર પ્રકરણનો અંત આવ્યો. કિરીટભાઈ ભટ્ટ ભાવનગરના વતની હતા અને મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ ચાર-પાંચ વરસ પહેલાં હૃદયરોગના હુમલાથી એમનું અવસાન થયું. પછી તો પ્રભુદાસ પટવારી ગવર્નર પણ બન્યા. વીરેનભાઈ પણ ગવર્નર બન્યા. આવું બધું થયું. આ કિસ્સો વાંચીએ ત્યારે તકદીર કેવા કેવા ખેલ કરી શકે છે તેનો એક જાત અનુભવ નજર સામે આવે છે. કટોકટી થોડી લાંબી ચાલી હોત તો ?જનતા પોતાની સાથે છે અને કટોકટી દરમ્યાન રેલ્વેથી માંડીને બધી સેવાઓ નિયમિત થઈ ગઈ છે એની મોટી છાપ પોતાને ફાયદો કરાવશે એ ગણતરીએ ઈન્દિરાજીએ ચૂંટણી વહેલી આપવા માટેનો જે જુગાર ખેલ્યો હતો તે જો એમની ધારણા મુજબ સાચો પડ્યો હોત તો જ્યોર્જ ફર્નાન્ડિઝ કે વિરેન શાહ કેટલાં વધુ વરસ જેલના સળિયા પાછળ રહ્યા હોત ? કોણ આપી શકે એનો જવાબ.
આ સમગ્ર બનાવમાંથી લેવાની શીખ એ છે કે તકદીર ક્યારે ફર્નાન્ડિઝની માફક જેલમાંથી મહેલમાં અને ત્યારબાદ ઈન્દિરાજીની માફક મહેલમાંથી જેલમાં ધકેલી દે તેનો કોઈ વિશ્વાસ ન રાખવો.
આ સંદર્ભમાં રોબર્ટ મોન્ટગોમેરીએ જે કહ્યું છે તે અને તેની સાથે ઓલિવર ક્રોમવેલ બન્નેની ઉક્તિઓ એકસાથે નીચે ઉતારું છું. ઘમંડ અને ગુમાન, સત્તા અને સાહ્યબીમાં ભાન ભુલી જતા માટે આ ઉક્તિઓ દીવાદાંડીની ગરજ સારે છે.
“તમે સફળતા મેળવો તો સ્વાભાવિક છે કે તાળીઓ પડશે. તાળીઓ પડશે એટલે તમે તેને સાંભળશો. પણ આવી તાળીઓ વિશે મારી એક સલાહ છે, એન્જોય ઈટ નેવર ક્વાયટ બિલિવ ઈટ. હા... પ્રશંસાની મોજ લો, પણ એ પ્રશંસા ઉપર ભરોસો રાખતા નહીં.”
રોબર્ટ મોન્ટગોમેરી
“ડુ નોટ ટ્રસ્ટ ધ ચિરરિંગ. ફોર ધોઝ પરસન્સ વુડ શાઉટ એઝ મચ ઈફ યુ આર ગોઈંગ ટુ બી હેંગ્ડ. લોકોની પ્રશંસાની ચિચિયારીઓથી ભરમાશો નહીં, કારણ કે જે લોકો પછડાઈ પછડાઈને તમારી પ્રશંસા કરે છે તે લોકો તમને ફાંસી થશે ત્યારે એટલી જ તીવ્રતાથી તાળીઓ પાડશે.”
ઓલિવર ક્રોમવેલ.
માર્ચનું પહેલું અઠવાડીયું હજુ શરુ થયું હતું. વિદાય લેતા શિયાળાની હળવી ઠંડી આનંદદાયક બની રહેતી. વસંતનું આગમન ક્ષિતિજે દેખાતું હતું. આંબા ઉપર મહોર ફૂટવાની શરુઆત થતી હતી. દૂર દૂર કોયલના ટહુકા પણ સંભળાવા લાગ્યા હતા.
બરાબર આવી જ એક ખૂશનુમા સવારે વળી પાછું જીઆઈડીસીના લોગોવાળું પરબીડીયું બારણા નીચેથી ઘરમાં સરકી આવ્યું. આ વખતે એટલી બધી ઉત્કંઠા નહોતી. મેં એ પરબીડીયું ફોડી એમાંના કાગળ પર નજર ફેરવી.
એ પત્ર હતો જીઆઈડીસીમાં મારી માર્કેટીંગ અને પ્લાનીંગ ઓફિસર તરીકેની પસંદગીનો.
આપણી પાસે હવે બે વિકલ્પ હતા. મને તે સમયે પ્રચલિત દો રાસ્તે (1969) ચલચિત્રના ટાઈટલ સોંગની પ્રથમ પંક્તિઓ યાદ આવી ગઈ.
दो रंग दुनिया के और दो रास्ते...
दो रुप जीवन के जीने के वास्ते
दो रंग दुनिया के और दो रास्ते
મારી પાસે પણ બે રસ્તા હતા.
કયા રસ્તે જવું તે નક્કી કરવાનું હતું.
બધું ગમે તેવું અને આનંદીત કરી મુકે તેવું બની રહ્યું હતું.
માત્ર એક વિચાર એમાં થોડીક ગમગીનીની છાંટ ઉમેરી દેતો.
એ વિચાર હતો....
હવે તો વડોદરુ છોડવું જ પડશે.
છેલ્લી વખતે પણ પેલો ભવિષ્યવેતા જ સાચો પડ્યો.
ખેર, જે થશે તે સારું જ થશે.