છ કાને પડેલી વાત ક્યારેય ખાનગી રહેતી નથી.
માણસ સામાજિક પ્રાણી છે.
માણસ માણસની સોબત ઝંખે છે.
એક ગામથી બીજા ગામ રેલવેમાં કે બસમાં જાય તો પણ પાંચ-દસ મિનિટમાં તો પેલો સાથી મુસાફર કે બહેન-
ક્યાં જાય છે?
ક્યાંના છે?
ક્યાં રહે છે?
વિગેરે પ્રાથમિક પરિચયની વાતો તો થઈ જ જાય.
બે બહેનો હોય અને પ્રવાસ ઘણો લાંબો હોય તો મોંઘવારીથી માંડીને પરિવાર સુધીની વાતો એકદમ આત્મીયતાથી એકબીજાની સાથે નીકળી આવે. અને છૂટા પડતાં પહેલાં તો સરનામાની આપલે પણ થઈ જાય. મૂળભૂત રીતે ભારતીય અને તેમાંય ગુજરાતી મોટાભાગે હૂંફાળા સ્વભાવવાળું પ્રાણી છે.
એકબીજા સાથે વાત કરવી એ પછી સાથી મુસાફર હોય, સાથી કર્મચારી હોય, ભાઈબંધ હોય કે બહેનપણી કશું ખોટું નથી. અતડા રહેવામાં અભિમાની તરીકેનો સિક્કો લાગી જાય એ શક્યતાઓ નકારી શકાય નહીં.
આપણે ત્યાં કોઈ અંગત વ્યક્તિ કે મિત્ર માટે શબ્દપ્રયોગ થાય છે “વાતનો વિસામો”. માણસને પોતાની વાત વહેંચવા માટે કોઇને કોઇ વ્યક્તિના કાન, ધીરજ, સમજદારી અને સહાનુભૂતિનો સહારો જોઈએ છે. આવો સહારો મળે ત્યારે માણસના મનમાં સંઘરાયેલી વાતો જીભના ટેરવેથી બહાર પડે છે. જેમ બંદુકની ગોળી કે ગોફણનો ગોળો એકવાર છુટે પછી પાછા નથી વાળી શકાતાં એમ ઘણા જતનથી મનમાં સંઘરી રાખેલ કોઈ પણ વાતને વાચા ફૂટે એટલે સમજી લેવાનું કે એ વાત અથવા રહસ્ય ઉપરનો તમારો એકાધિકાર ગયો.
એક સુભાષિતમાં આ બાબતે બહુ જ સરસ વાત કહેવાઈ છે –
षट्कर्णे भिद्यते मन्त्रश्चतुष्कर्णः स्थिरोभवेत |
द्विकर्णस्य च मन्त्रस्य व्रह्माSप्यन्तं न गच्छति ||
આનો અર્થ થાય જ્યારે કોઈ પણ મંત્ર કે કોઈ વસ્તુ સિદ્ધ કરવાની ચાવી અથવા રહસ્ય બે વ્યક્તિઓ સુધી જ સીમિત રહે ત્યારે સ્થિર છે. એનો અર્થ બે કાન વાત કહેનારના અને બે કાન વાત સાંભળનારના એમ ચાર કાન સુધી વાત સલામત છે. ત્યાં સુધી એનું રહસ્ય જળવાઈ રહે છે, પરંતુ આ વાત જો છ કાન સુધી એટલે કે ત્રીજા કોઈ વ્યક્તિના કાને પડે તો એ વાતની ગોપનીયતા જાળવી શકાતી નથી. એ વાત રહસ્ય રહેવાની પોતાની શક્તિ ખોઈ નાખે છે.
આમ છ કાને ગયેલો મંત્ર અથવા વાત ભેદાઈ જાય છે એટલે કે પોતાનો ભેદ અથવા ગોપનીયતા ખોઈ બેસે છે. અત્યાર સુધી આપણે વાત કરી બે માણસના ચાર કાન અને ત્રણ માણસના છ કાન સુધીની જ.
પણ.....
બે માણસ વચ્ચે થયેલી વાત ખાનગી રહેશે જ એવી કોઈ ખાતરી આપી શકાય નહીં અને એટલે આ સુભાષિતના બીજા ચરણમાં કહ્યું છે તેમ.
द्विकर्णस्य च मन्त्रस्य व्रह्माSप्यन्तं न गच्छति ||
અર્થ થાય કોઈ રહસ્ય અર્થ અથવા મંત્ર જ્યાં સુધી એક જ વ્યક્તિની પાસે એટલે કે બે કાન સુધી સીમિત રહે છે ત્યાં સુધી સાક્ષાત બ્રહ્માજી પણ એનો તાગ પામી શકતા નથી. એટલે કે આ વાત સદૈવ ગુપ્ત રહે છે.
કેટલીક એવી વાતો છે જે માત્ર પોતાના પાસે જ રાખવી, કોઈને પણ કહેવી નહીં અને જો કહેશો તો એ ભેદ ખુલ્લો થઈ જાય અને તમને નુકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થશે.
અને છેલ્લે.....
આ લેખ પૂરો કરું છું ત્યાં એક સંદેશો મારા મેસેજમાં ઝબકી ઊઠે છે –
કોઈ એક સંબંધ તો એવો રાખો
જેમાં મન ભરીને જીવી શકાય
અને હળવા થઈ શકાય
બાકી તો બધે
સાચવવાનું જ છે.....!
પણ
આ એક સંબંધ મળતાં મળતાં ક્યારેક જિંદગી પૂરી થઈ જાય.
આવી કઈ વાતો છે જે માત્ર પોતાના સુધી જ સીમિત રાખવી તેની વિગતે ચર્ચા આવતીકાલે.
 
                    













