Thursday, May 7, 2015

જશભાઈ.

જશભાઈ પટેલ.

જશભાઈ એટીકેટી.

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી વિદ્યાર્થી આલમનો હૃદય સમ્રાટ. યુનિવર્સીટી રાજનીતિનો બેતાજ બાદશાહ.

આ જશભાઈ પટેલ મહામંત્રી તરીકેનાં જેટલાં ઈલેક્શન લડ્યાં બધાં જ જીત્યા.

તમે પૂછશો કેટલાં ?

કદાચ આ ગણતરી તો જશભાઈને પણ નહીં આવડે.

કારણ ?

કારણ કે જશભાઈ જ્યારે બેચલર ઓફ એન્જિનિયરીંગ (સિવિલ)ના અભ્યાસક્રમ માટે જોડાયા ત્યારે પચાસનો દાયકો વિદાય લઈ રહ્યો હતો.

કોર્સની મુદ્દત હતી સાડા ત્રણ વરસ.

પણ...

જશભાઈ ભણતા જ ગયા... ભણતા જ ગયા... ભણતા જ ગયા...

સાઈઠનો જ્યારે ઉતરવા માંડ્યો.

મોટાભાગના પાસ થઈને પોતાની કારકીર્દીમાં ઠરીઠામ થયા અને કેટલાક તો જશભાઈના સહાધ્યાયી કે જુનીયર જશભાઈના પ્રોફેસર બની ગયા.

પણ...

જશભાઈ ભણતા જ રહ્યા !... ભણતા જ રહ્યા !!... ભણતા જ રહ્યા !!!...

સાઈઠના દાયકાની મધ્યમાં ઉનાળાની એક આળસુ બપોરે પોતાની રુમમાં વામકુક્ષી કરી રહેલા જશભાઈને એક ઝાટકો લાગ્યો. આમ તો વરસોથી હોસ્ટેલ જ એમનું ઘર બની ગઈ હતી. પણ આજે ?

આજે એક ફોન આવ્યો જે જશભાઈ પાસેથી આ ઘર અને યુનિવર્સીટી કેમ્પસ બધું છીનવી લે તેમ હતું.

ફોન કોઈ મિત્રનો હતો.

જશભાઈને લાગ્યું વળી પાછી કંઈ જરુર ઉભી થઈ હશે. ઉંઘ ભરેલી આંખે બગાસુ ખાતાં ખાતાં જશભાઈએ ફોન ઉપાડ્યો અને આળસુ અવાજે કહ્યું “હેલો !”

સામે છેડેથી જે કંઈ કહેવાઈ રહ્યું હતું તે સાંભળીને જશભાઈનું મોં અડધું ખુલ્લું જ રહી ગયું.

એવું તે શું બન્યું ?

આ વિદ્યાર્થીરત્નને કોઈ સમાચાર આપી રહ્યું હતું “જશભાઈ ! કોંગ્રેચ્યુલેશન્સ !!ફાઈનલી ધ યુનિવર્સીટી ઈઝ ગેટીંગ રીડ ઓફ યુ. યુ હેવ ક્લીયર્ડ યોર ફાઈનલ એક્ઝામ.”

ઘડીભર તો જશભાઈને પણ સમજમાં નહીં આવ્યું હોય કે હરખ કરવો કે નહીં. છેલ્લાં લગભગ પંદર વરસથી યુનિવર્સીટીની આ દુનિયા જ એમનું સર્વસ્વ હતી.

જેનું આદિ તેનો અંત છે એ જશભાઈએ લગભગ વીસ વરસમાં પૂરવાર કર્યું ! જે કોર્સ ભણવા માટે એ દાખલ થયા ત્યારે સાડા ત્રણ વરસની અવધિ હતી તે વધીને પાસ થયા ત્યારે ચાર વરસની થઈ ગઈ હતી ! જશભાઈ માટે આ સમાચાર ચોક્કસ એક આંચકો પૂરવાર થયા હશે. એમણે જવાબ આપ્યો “બેસ્ટ જોક ઓફ ધ ડે” અને ફોન મૂકી દીધો. હજુ પણ તેઓ માનવા તૈયાર નહોતા કે છેવટે જશભાઈ પટેલ બી.ઈ. (સીવીલ)ની ડિગ્રી માટે લાયક બન્યા હતા !!

આ જશભાઈ એટલે...

બેઠી દડીનો દેહ. સહેજ શ્યામવર્ણું શરીર. ખરબચડો ચહેરો. સહેજ વાંકડીયા કહી શકાય તેવા વાળ. એક સાવ સામાન્ય વ્યક્તિત્વ લાગે એવા જશભાઈ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના ઈતિહાસમાં અજાત શત્રુ વિદ્યાર્થી નેતા તરીકે અંકિત થઈ ગયા. એક કે બે વિષયમાં વિદ્યાર્થી નાપાસ થાય ત્યારે એને વરસ બગડતું. બાજુમાં જ વલ્લભ વિદ્યાનગરમાં યુનિવર્સીટીએ આવા વિદ્યાર્થીને આગળના વરસનો અભ્યાસ કરવાની છુટ સાથે આ પરીક્ષા પસાર કરવાની સવલત આપી હતી. આને અંગ્રેજીમાં એલાઉડ ટુ કીપ ટર્ન એટલે કે એટીકેટી કહેવાતું. વડોદરા યુનિવર્સીટીમાં આવી સવલત નહોતી. વિદ્યાર્થીઓની આ માંગને જશભાઈ જેવો નેતા મળ્યો. લડત ઉગ્ર બની. શરુઆતમાં યુનિવર્સીટી સત્તાવાળાઓ ન ઝુક્યા. પણ જશભાઈ એમ ઝુકે તેમ નહોતા. આંદોલન ઉગ્ર બન્યું. સમગ્ર યુનિવર્સીટીમાં હડતાલ પડી. છેવટે સંઘશક્તિનો વિજય થયો અને ત્યારથી મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં પણ વલ્લભ વિદ્યાનગરની તેમજ અન્ય યુનિવર્સીટીઓની માફક એટીકેટી પ્રથા શરુ થઈ. જશભાઈની લોકપ્રિયતાને આ ઘટનાએ ચારચાંદ લગાવી દીધા અને ત્યારથી જશભાઈના નામની પાછળ પૂછડું લાગ્યું “એટીકેટી”. જશભાઈ હવે જશભાઈ એટીકેટી તરીકે જાણીતા થયા. એક કુશળ સંગઠક અને સંવેદનશીલ વિદ્યાર્થી નેતા જશભાઈ પછી તો લોકપ્રિય બનતા જ ગયા. બગલમાં ડાયરી અને મોંમાં સીગરેટ, ખાદીનાં સફેદ કપડાં, ટૂંકી બાંયનો બુશર્ટ કે શર્ટ અને પાટલૂન એ જશભાઈની ઓળખ બની ગયાં. બહુ ઓછાને ખબર હશે કે યુનિવર્સીટીમાં લૉ ફેકલ્ટી શરુ કરાવનાર પણ આ જશભાઈ હતા !!

યુનિવર્સીટીના ખૂંખાર વાઈસ ચાન્સેલરો પણ જશભાઈનો મરતબો જાળવે અને જશભાઈ પણ ક્યારેય કોઈ ખોટી માંગ લઈને તેમની સામે ઉભા ન રહે એવી જબરજસ્ત પ્રતિષ્ઠા એમણે ઉભી કરી. વડોદરામાં એમને કોઈ ન ઓળખે એવું તો બને જ નહીં. આ જશભાઈએ ચૂંટણીમાં માત્ર ઉભા જ રહેવાનું. પરિણામ નક્કી હોય. એક સમયે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગના ડીન પ્રો. મદન હતા. લશ્કરમાંથી આવેલા ખૂબ કડક હોવાની છાપ. બહાર લોબીમાં નીકળે તો ભલભલો તોફાની વિદ્યાર્થી પણ આઘોપાછો થઈ જાય. આવા મદન સાહેબ પણ જશભાઈ માટે પ્રેમ અને લાગણી ધરાવે. એક વખતે તત્કાલિન ડીન પ્રો. એલ.બી. શાહને સામેથી આવતા જોયા એટલે જશભાઈએ મોમાંની સિગરેટ બાજુમાં ફેંકી દીધી. એક ક્ષણ શાહ સાહેબ ત્યાં રોકાયા અને આંખમાં આંખ નાખી કહે “કેમ ફેંકી દીધી ? મફત આવે છે ?? લઈ લો, નકામી બગડશે !!” આવા ખેલદિલ પ્રોફેસરો પણ હતા !!

આજે આટલે અટકીએ આવતા ગુરુવારે જશભાઈ સાથેનો આપણો પરિચય આગળ વધારીશું.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles