પુરાણા સમયની વાત છે. એક રાજા પોતાના રાજ્યનો કુશળતાપૂર્વક વહીવટ કરતાં કરતાં ખૂબ લાંબા સમય સુધી શાસનવ્યવસ્થા ચલાવતો રહ્યો. એના સુશાસનની વાત દૂર દૂર સુધી પ્રસરી. રાજા હવે વૃદ્ધ થયો હતો. માથાના લગભગ બધા જ વાળ સફેદ થઈ ગયા હતા. પોતાના રાજ્ય વહીવટનો આ અંતિમ તબક્કો હતો એ રાજાને ખ્યાલ હતો. આ તબક્કાને યાદગાર બનાવવા એણે રાજ્યમાં એક મોટા ઉત્સવનું આયોજન કર્યું. અન્ય રાજ્યોના રાજવીઓને તેમજ પોતાના ગુરુદેવને પણ એણે ખુબ સ્નેહથી નિયંત્રિત કર્યા. રાજ્યની સુપ્રસિદ્ધ નર્તકીને આ ઉત્સવમાં મહેમાનોનું મનોરંજન કરવા માટે નિમંત્રિત કરવામાં આવી. આ કાર્યક્રમ ચાલતો હોય તે દરમિયાન જો કોઇ મહેમાનને યોગ્ય લાગે તો એ સુવર્ણમુદ્રા કે અલંકાર વિગેરેથી નર્તકીને પ્રોત્સાહિત કરી શકે. પોતાના ગુરુજીને પણ મનમાં યોગ્ય લાગે તો આ નર્તકીને ભેટ આપવા માટે રાજાએ થોડીક સુવર્ણમુદ્રાઓ આપી.
છેવટે સાંજનો જલસો શરૂ થયો. નર્તકીએ રંગત જમાવી. એક એકથી ચડિયાતાં નૃત્યો રજૂ કર્યાં. સવાર પડવા આવી. નર્તકીએ જોયું તો એનો તબલચી ઝોકે ચડ્યો હતો. એને સતર્ક કરવા માટે નર્તકીએ એક દુહો કહ્યો.
બહુત બીતી, થોડી રહી,
પલ પલ ગઇ બિતાય.
એક પલ કે કારને,
ક્યોં કલંક લગ જાયે.
તબલાવાળો સતર્ક થઈ ગયો અને એણે પાછું લયમાં તબલાવાદન શરૂ કરી દીધું. સભામાં બેઠેલા દરેક વ્યક્તિએ આ દોહાનો પોતપોતાની રીતે અર્થ કાઢ્યો. ગુરુજીએ આ દુહો સાંભળીને પોતાની પાસેની બધી જ સોનામહોર નર્તકીના સામેં ફેંકી ફેંકી.
પ્રોત્સાહિત થઈને નર્તકીએ ફરીથી આ જ દુહો કહ્યો. સાંભળીને રાજકુમારીએ પોતાનો નવલખો હાર એને ભેટ આપી દીધો.
ફરી આ દુહો કહ્યો, રાજકુમારે પોતાનો રાજમુગટ ઉતારીને એને ભેટ આપી દીધો.
રાજા આ બધું જોઈ રહ્યો હતો. મનમાં ને મનમાં એ ખૂબ ધૂંધવાતો હતો. છેવટે એનાથી ન રહેવાયું. નર્તકી ફરીથી આ જ દુહો બોલવાનું ચાલુ કરી રહી હતી ત્યારે એણે રાડ પાડીને કહ્યું, ‘બસ કર, એક દુહાથી તે બધાને લૂંટી લીધા. હજુ કેટલું જોઈએ?’
રાજાના ગુરુએ આ વાત સાંભળી. તેમની આંખમાં આંસું હતાં. એમણે રાજાને કહ્યું, ‘આ નર્તકીને આ રીતે અપમાનિત ન કર, એ હવે મારી ગુરુ છે. એણે મારી આંખો ખોલી દીધી છે. એનો કહેવાનો અર્થ હતો, મેં આખી ઉંમર ભક્તિમાં વિતાવી અને આજે એમાંથી ચલિત થઈને તારા આમંત્રણથી રાજદરબારમાં આ નૃત્ય જોઈને પોતાની સાધના નષ્ટ કરવા માટે હું અહીં આવ્યો છું. હું ચલિત થયો. હવે વધુ નહીં. હું તો આ ચાલ્યો.’
આમ કહી ગુરુજી પોતાનું કમંડળ લઈને આશ્રમ તરફ ચાલી નીકળ્યા.
હવે કુંવરીનો વારો હતો. એણે કહ્યું, ‘હું જુવાન થઈ ગઈ છું. આપ રાજકાજમાં એવા વ્યસ્ત રહેતા હતા કે મારું લગ્ન કરવાની વાત જાણે કે વિસરી જ ગયા હતા. મેં આજ રાત્રે તમારા મહાવત સાથે ભાગી જવાનું નક્કી કર્યું હતું. મારી જિંદગી બરબાદ થઈ ગઈ હોત. આ નર્તકીએ મને સદબુદ્ધિ આપી. જાણે એ મને કહી રહી હતી કે ઉતાવળ ના કરીશ, તારું લગ્ન થશે જ. શા માટે પોતાના પિતાને કલંકિત કરવાનું કાર્ય કરી રહી છે?’
રાજાએ યુવરાજ સામે જોયું. યુવરાજે કહ્યું, ‘પિતાજી, આપ વૃદ્ધ થઈ ગયા છો. છતાંય હજુ ક્યારે રાજ છોડશો એવો કોઇ ઇરાદો તમે જાહેર કર્યો નથી. મેં યુવાનીના જોશમાં તમારી સામે બંડ પોકારી આજ રાત્રે જ મારા વફાદાર સૈનિકો દ્વારા તમારી કતલ કરાવી દેવાનું નક્કી કરી નાખ્યું હતું. પણ આ નર્તકી એ મને સમજાવ્યું કે અરે પાગલ, આજ નહીં તો કાલ રાજ તો આખરે તને જ મળવાનું છે. શા માટે તારા બાપના ખૂનનું કલંક માથે લે છે? ધીરજ ધર, સારું થશે.’
રાજાએ જ્યારે આ બધી વાતો સાંભળી તો એને પણ આત્મજ્ઞાન થયું. એને પોતાની ભૂલોનો અહેસાસ થયો. રાજ્ય કારોબાર ચલાવવાની પળોજણમાં ક્યાંક પિતા તરીકેનો ધર્મ ચૂકાયો હતો. ક્યાંક પોતાના જ બાળકોની પરવરીશમાં ધ્યાન નહોતું અપાયું તે ખ્યાલ આવ્યો. એણે તરત જ ફેંસલો કર્યો, હાલને હાલ રાજકુમારનું રાજતીલક કરી દેવાનો. એણે પોતાના પુત્રને રાજતીલક કરી રાજગાદી સુપ્રત કરી. વારો હવે દીકરીનો હતો. એણે દીકરીને કહ્યું, ‘આ સભામાં એકએકથી ચડિયાતા રાજકુમારો અને રાજવીઓ ઉપસ્થિત છે. તને જે યોગ્ય લાગે તેના ગળામાં વરમાળા પહેરાવી તું એને તારા પતિ તરીકે સ્વીકારી લે’. રાજકુમારીએ રાજાએ કહ્યા પ્રમાણે પોતાની પસંદગી કરી લીધી.
આ બધું પત્યું એટલે રાજા પોતે રાજપાટનો ત્યાગ કરીને પોતાના ગુરુની પાછળ જંગલમાં એમના આશ્રમે જવા નીકળી પડ્યો. એણે સન્યસ્ત સ્વીકારી લીધો.
આ બધું અત્યાર સુધી ચૂપચાપ જોઈ રહેલી નર્તકીએ પોતાના મનમાં વિચાર કર્યો કે મારા એક દુહાથી રાજા, યુવરાજ અને રાજકુમારી તો સુધર્યાં જ પણ એમના ગુરુ જેવા સન્યાસીએ પણ મને ગુરૂપદે સ્થાપિત કરી ત્યારે હજુ પણ મારા અંતરાત્મામાં ઉજાસ કેમ નથી થતો? એણે પણ વૈરાગ્યના રસ્તે ચાલવાનું નક્કી કરી લીધું. આજ પછીનું સંપૂર્ણ જીવન ઈશ્વરને સમર્પિત. પોતાની પાસે તો નૃત્યની કળા જ હતી પણ હવે એ નૃત્ય કરશે તો પણ પ્રભુના દરબારમાં.
એક દુહાની આ પંક્તિઓએ કેટલું બધું બદલી નાખ્યું, નહીં?
દરેકના મનમાં સદવૃત્તિ પડેલી હોય છે જ.
ક્યારેક એને આવો બોધ એકાએક મળી જાય,
ક્યારેક આત્મજ્ઞાનનો પારસમણી સ્પર્શી જાય
ત્યારે પોતાની ભૂલો અને જે અવગણાયું હોય તેનો એકરાર થાય છે.
અને ત્યારે એ નરમાંથી નરોત્તમ કે નારાયણ અને નારીમાંથી નારાયણી બની જાય છે.
ઈશ્વર કોઈ મંદિરમાં વસે છે કે નહીં એ ખબર નથી
પણ એ માણસના મનમાં જરૂર વસે છે.
જીવનના અભાવો સામે જીવવામાં પણ આ નર્તકીનો બોધ ખૂબ ઉપયોગી બને છે.
નર્તકીથી શરૂઆત કરી ગુરુજી, રાજા, યુવરાજ અને રાજકુમારી, બધાને મળ્યા,
પણ આ આખીય વાતનો અંત મારે જાત અનુભવમાંથી કરવો છે.
અભાવની પરિસ્થિતિ અમારા માટે કોઈ નવાઈ નહોતી
‘એક સાંધે ત્યાં તેર તૂટે’ એ કહેવત પ્રમાણે કેટલાય વરસો અમે ત્રણ જીવ્યાં
મા, બાપા અને હું
ક્યારેક મા અકળાઈ જાય. એનો સ્વભાવ જરા આકરો.
બાપા ત્યારે ખૂબ સાહજિકતાથી જે વાત કહેતા તે એ વખતે નહોતી સમજાતી,
આજે એ સમજાય છે.
બાપા કહેતા, ‘બહોત ગઈ, થોડી રહી, વો ભી બીત જાયેગી.’
આ વાક્ય પણ પેલી નર્તકીના દુહા જેવું છે.
તમે સત્તાના સિંહાસન બેઠા હોવ,
મોટા ધનપતિ હોવ,
ખૂબ પ્રતિષ્ઠિત કથાવાર્તાકાર કે ગુરુજી હોવ,
એ ભુલાઈ જાય છે કે દરરોજ સૂરજ ઉગે છે જીવનમાંથી એક દિવસ ઓછો થાય છે.
સન્માર્ગે ચાલવાની અને સત્કર્મો કરવાની તકના એ ચોવીસ કલાક નીકળી ગયા.
બહોત ગઈ - ઘણા બધા સૂર્યોદયો થયા અને સૂર્યાસ્તમાં પરિણમ્યા,
થોડી રહી - જે થોડી ઘણી જિંદગી બાકી રહી છે તે સતકર્મોમાં વાપરો.
નહીંતર?...
વો ભી બીત જાયેગી - એ પણ વીતી જશે.
મારા બાપા આટલા મોટા ફિલસૂફ હતા તે સમજતાં મને આટલાં બધાં વરસ લાગ્યાં, બોલો!
આને બુદ્ધિનો બળદિયો જ કહેવાય ને!
જે માનો તે, પણ બહોત ગઈ અને થોડી રહી, વો ભી બીત જાયેગી !!!