નિરાશ ન થાવ. હાક મારો હરિ હાથ દેવા ઊભો જ છે
બાળક જન્મે તે પહેલાં...
કેટલાંક મા-બાપ જ નક્કી કરે છે કે...
આપણા બાળકને એન્જીનિયર બનાવવું છે કે પછી ડોક્ટર કે પછી મોટો અધિકારી
ઇશ્વર દરેકને જુદી જુદી ક્ષમતા આપે છે
આને કારણે આગવા જન્મજાત ગુણો કે ખૂબીઓ અથવા ખામીઓ દરેકને મળે છે
કોઇ કવિ થવા સર્જાયો છે
કોઈ ચિત્રકાર તો કોઈ શિલ્પકાર
કોઈ મોટો રમતવીર
તો કોઈ દાક્તર કે એન્જિનિયર
કોઈ નેતા કે અભિનેતા
તો કોઈ વહીવટી ક્ષેત્રે નિષ્ણાત
સફળતા માટેનો સૌથી પહેલો મુદ્દો એ છે કે તમારામાં શું પડ્યું છે
કહેવાય છે દરેક વ્યક્તિનો જન્મ એક વિશિષ્ટ કામ માટે થાય છે
ડૉ. જીતેન્દ્ર અઢિયા તા. ૨જી એપ્રિલ ૨૦૦૮ના દિવ્ય ભાસ્કરમાં લખે છે
“આપણું ખૂબ જ શક્તિશાળી અર્ધજાગૃત મન તેને આપેલાં સૂચનો મુજબ વફાદારીપૂર્વક કામ કરે છે. તેને પોતાનો કોઈ એજન્ડા હોતો જ નથી. અલ્લાદ્દીનના જાદુઈ ચિરાગમાંથી પ્રગટ થતા જીન જેવું છે, તેના માલિકનો હુકમ લેવા માટે સદાય તત્પર. બીજી રીતે કહીએ તો એક ફળદ્રુપ જમીન જેવું છે. જેવાં બીજ વાવો તેના જ ઝાડ ઊગે અને તે પ્રમાણે ફળ મળે, પણ કમનસીબે આપણે બધા આદત મુજબ ખોટાં બી વાવતાં હોઈએ છીએ. આ બીજ એટલે આપણા વિચારો, આપણા શબ્દો, આપણી માન્યતાઓ, આપણી લાગણીઓ અને આપણી વૃત્તિ. જો તમારા જીવનમાં તમે ખોટાં ફળ મેળવી રહ્યાં હો તો તમારી ભૂલ સ્વીકારો. આ બધાં ફળ તમે પોતે વાવેલા નકારાત્મક્તાના બીજનાં જ ફળ છે. હવે તમારે નવેસરથી ખેતી કરવાની છે. નવાં બીજ હકારાત્મકતાનાં બીજ વાવવાનાં છે. અર્ધજાગૃત મન હવે પછી તેમને હકારાત્મક ફળો આપશે.”
તમારા અર્ધજાગ્રત મનની ખૂબ જ ખંત અને વિવેકબુદ્ધિથી રખેવાળી કરો.
કોઈ પણ વ્યક્તિ આ જમીનમાં વણજોઈતાં બીજ વાવી ન જાય
નકારાત્મક વિચારો અને નકારાત્મક વ્યક્તિઓને ટાળો
ક્યારેક તમને ન ગમતી ઘટના ઘટે એ પણ ઈશ્વરની ઈચ્છા સમજી સ્વીકારી લો
નિરાશ ન થાવ
નિરાશા કરતાં આશા હંમેશાં વધુ મોટી છે
પૈસે ટકે ગરીબ હશો તો વેળા વળશે
પણ...
મનના ગરીબની વેળા કદીએ વળતી નથી
મનના ગરીબ ના બનો
કહેવાય છે કે હજારોએ નિરાશામાં અમર આશા છુપાઈ છે
એક પ્રસંગ યાદ આવે છે
અગાઉ એનો ઉલ્લેખ ક્યાંક થયો હોવાનું સ્મરણ છે
પુનરોક્તિના ભોગે પણ એ અહિયાં મુકું છું
વાત કાંઈક આમ છે
એક ગામ હતું
એ ગામમાં એક શિવાલય હતું
શિવાલયમાં રોજ સાંજે આરતી થાય
શંખ, નગારાં, ઘંટ વિગેરેથી વાતાવરણ રમ્ય બની જાય
આરતી સમયે એક વ્યક્તિ અચૂક આવે
એના વગર આરતી જામે જ નહીં ને
એ ઘંટ એટલો સરસ વગાડે કે સમો બંધાઈ જાય
આ વ્યક્તિની ઘંટ વગાડવામાં અદભૂત હથોટી હતી
સમય વીતતો ગયો
મંદિરના વહીવટમાં નવા ટ્રસ્ટીઓ આવ્યા
શિક્ષણના એ પ્રખર હિમાયતી હતા
એમણે નક્કી કર્યું કે મંદિરની સેવામાં કોઈ અભણ માણસ ના જોઈએ
પેલો ઘંટ વગાડવાવાળો ભણ્યો નહોતો
બિલકુલ અંગૂઠાછાપ
એનું ઘંટ વગાડવાનું બંધ થઈ ગયું
નિયમિત આરતીમાં આવતા હતા તેમને એની ખોટ સાલવા લાગી
ટ્રસ્ટીઓને મનાવીને પેલા માણસને પાછો લાવવા ઘણા બધા લોકો પ્રવૃત્ત બન્યા
પણ ત્યાં સુધીમાં તો...
પેલા ભાઈએ રોજીરોટી માટે ગામ છોડી નજીકના શહેરમાં જવાનું નક્કી કરી લીધું હતું
પોતે અભણ હતો અને આ ગામમાં કોઈ ઝાઝી ઉદ્યોગ કે વેપારની પ્રવૃત્તિ પણ નહોતી
લોકો એને જ્યારે ફરીથી ઘંટ વગાડવા આવવા માટે કહેવા આવ્યા
ત્યારે એણે એમને પોતાનો નિર્ણય જણાવ્યો
એની પાસે મૂડી હતી નહીં અને ગામમાં ઝાઝી મજૂરી મળે તેવી શક્યતા પણ નહોતી
એની વાત સાંભળી મનાવવા આવેલા લોકોમાંથી એકે કહ્યું
‘બસ, આટલો જ પ્રશ્ન છે ને? અમે બધા ભેગા થઈને તને એક નાની હાટડી કરી આપીએ અને અમારી જરૂરિયાતની નાની-મોટી વસ્તુ તારી પાસેથી જ ખરીદીશું.’
પેલો માણસ માની ગયો
વળી પાછો ઘંટ વગાડવા જવા માટેનો એનો રાબેતા મુજબનો ક્રમ ચાલુ થયો
સમયને જતા કાંઈ વાર લાગતી નથી
માણસ કાબેલ, મહેનતુ અને પ્રમાણિક હતો, સાથે સાથે જીભની મીઠાશ પણ ખરી.
એનો ધંધો જામી ગયો
ઘંટ વગાડવાનું ચાલું રહ્યું પણ સાથોસાથ ધંધો વિસ્તરતો ચાલ્યો
નાની હાટડીમાંથી મોટી દુકાન થઈ
અને એક દિવસે એણે એક કારખાનું નાખ્યું
ખેતીના ઓજારો બનાવવાનું અને રિપેર કરવાનું
ધંધો જામતો ગયો
વરસો વહેતાં ગયાં
હવે એની પાસે ઘંટ વગાડવા જવા જેટલો સમય નહતો
તેણે બીજા એક-બે જણને સરસ તાલીમ આપીને તૈયાર કરી દીધા હતા
એ ઘંટ વગાડવાથી નિવૃત્ત થયો અને ધંધામાં ધ્યાન પરોવ્યું
એનું એકમ સારો વિકાસ કરી રહ્યું હતું
તકદીર તેના પર મહેરબાન હતું
આમ કરતાં વરસો વિત્યાં
વળી પાછું એક સાંજે મંદિરમાં કેટલાક યુવાનો અને ટ્રસ્ટીઓ ચર્ચાએ ચડયા
મંદિર જૂનું થયું હતું
એનો જીર્ણોદ્ધાર કરાવવો એ મુદ્દે સહુ સહમત થયા
આશરે અંદાજ મૂક્યો અને ફાળો ઉઘરાવવાનું નક્કી થયું
નાણાંભંડોળ ઊભું કરવા માટે જુદી જુદી ટુકડીઓએ કામ શરૂ કરવાનું હતું.
ચર્ચામાં કોઈએ સૂચવ્યું કે આ આપણા ગામની હદમાં જ
કારખાનું છે, ધંધો સારો કરે છે, ત્યાંથી જ શરૂઆત કરીએ.
બધા સહમત થયા.
એક ડેલિગેશન પેલા શેઠને મળવા જશે એવું નક્કી થયું.
થોડાક દિવસો બાદ આ ડેલિગેશન શેઠની ફેક્ટરી પહોંચ્યું
શેઠે બધાને ઉમળકાથી આવકાર આપ્યો, બેસાડ્યા, ચા-પાણી કર્યાં
પછી એમના આવવાનું પ્રયોજન પૂછ્યું
ડેલિગેશનના એક પ્રતિનિધિએ મંદિરના જિર્ણોદ્ધાર માટેના ફાળાની વાત કરી
શેઠે કહ્યું, ‘બહુ સરસ, બોલો મારી પાસેથી શું અપેક્ષા છે?’
‘શેઠ ખરચ બહુ મોટો છે અને તમે જાણો છો આપણા ત્યાંથી આટલો ફાળો ઉઘરાવવો સરળ નથી.
અમે આપની પાસે બહુ મોટી આશા લઈને આવ્યા છીએ’
સહેજ સ્મિત સાથે શેઠે કહ્યું, ‘બોલો’
પેલા આગેવાને કહ્યું, ‘પાંચ લાખ’.
શેઠે પોતાના મુનીમને બોલાવ્યા અને તેમની વ્યક્તિગત ચેકબુક લાવવા કહ્યું.
મુનીમ ચેકબુક સાથે હાજર થયા
શેઠે કહ્યું, ‘લખો, ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧.’
પેલા પ્રતિનિધિમંડળના સભ્યોનાં મોં તો આનંદ અને આશ્ચર્યથી પહોળાં થઈ ગયાં.
બધાના મોંમાંથી એકસાથે ઉદ્ગાર નીકળી પડ્યો, ‘વાહ!’
એટલી વારમાં મુનીમે સિક્કા માટેનું શાહીનું પેડ શેઠની સામે ધર્યું
શેઠે એના પર પોતાનો અંગૂઠો દબાવી મત્તું માર્યું.
સાક્ષી તરીકે પેલા મુનીમે મત્તું માર્યું.
ત્યારે આ પ્રતિનિધિમંડળમાંથી એક જણ બોલ્યો
‘અરે શેઠ! તમે ભણ્યા નથી તો પણ આટલી પ્રગતિ કરી છે
તો જો ભણ્યા હોત તો?’
પેલા શેઠે ચહેરા પર સ્મિત ફરકાવતાં કહ્યું,
‘જો ભણ્યો હોત ને ભાઈ તો હજુ પણ ઘંટ વગાડતો હોત.’
બધા ખડખડાટ હસી પડ્યા અને શેઠને રામરામ કરી બહાર નીકળ્યા.
આ આખીય વાર્તાનો સાર એ છે કે ધંધામાં સફળ થવા માટે તમે ઉચ્ચ અભ્યાસ કે એમબીએ કરો એ જ એકમાત્ર જરૂરિયાત છે એવું નથી,
મહેનત અને ખંતથી કામ કરો
તકદીર જે દા’ડે આપવા બેસે તે દા’ડે બેરોકટોક આપશે.
‘હું આટલું બધું ભણ્યો અને તોય માંડ બે છેડા ભેગા કરું છું
અને...
પેલો ભગો સાવ ઠોઠ હતો પણ આજે મર્સિડીઝમાં ફરે છે.’
આવો અફ્સોસ ક્યારેય ના કરશો.
શ્રમ અને પુરૂષાર્થ જરૂરી છે, બુદ્ધિ અને ચાતુર્ય પણ એટલાં જ જરૂરી છે,
પણ આ બધાથી આગળ ઇશ્વરની કૃપા અને તકદીર ફળે છે.
હું તકદીરવાદી બનવાનું નથી કહેતો.
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥
વાત સાવ સાચી છે પણ સાથે સાથે આપણા પૂર્વજોનું અનુભવસિદ્ધ ડહાપણ એવું પણ કહે છે કે
પ્રારબ્ધ વગર પુરુષાર્થ પાંગળો છે
મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા
નિરાશ ના થશો, પ્રયત્ન કરતા રહો.
ક્યારેક તો તકદીર પલટાશે.
હંમેશા યાદ રાખો, તમારો જન્મ એક વિશિષ્ટ કાર્ય માટે થયો છે
અને એટલે જ તમે બીજાથી જુદા પડો છો
ભગવાને એકસરખા તકદીરવાળા કે આવડતવાળા બે વ્યક્તિઓ પેદા કર્યા નથી.
તમે બેજોડ છો. તમારી શક્તિઓને જાગૃત કરો, કાર્યરત થાઓ.
હાક મારો તો હરિ સાથ દેવા ઊભો જ છે
એના રાજ્યમાં ક્યારેક દેર થાય છે પણ અંધેર તો નથી જ.
તમારા કાર્ય અને જીવનકાર્યને શ્રદ્ધાથી વળગી રહો
મહેનત કરો અને કરતા રહો
એક દિવસ સફળતા તમારા બારણાં ઠોકતી આવશે.