Thursday, February 9, 2017
મને પ્રત્યક્ષ જ્ઞાન આપવા માટે જુદા જુદા નૂસખા મારાં બાપા અજમાવતા હતા. ક્યારેક એમનો કોઈ કાગળ રજીસ્ટર એડીથી મોકલવાનો હોય તો એ મને પોસ્ટ ઓફિસ ધકેલી દેતા. ક્યારેક મનીઓર્ડર કરવા મોકલતા જેમાં મનીઓર્ડરનું ફોર્મ મારે ભરવાનું રહેતું. ક્યારેક વળી ટીકીટો લેવા કે જવલ્લે કોઈક વખત તાર (ટેલીગ્રામ) કરવા મોકલી દેતા. એનાથી ફાયદો એ થયો કે પોસ્ટ ઓફિસનું ખાતું કઈ રીતે ચાલે છે તે હું સમજી શક્યો. એમાં ક્યારેક ભૂલ પણ થતી. એક વખત હરિફાઈની પાવતી મંગાવવા માટે મનીઓર્ડર કરી એની રસીદ બીજા કવરમાં મુકી પોસ્ટ કરવાની હતી જે હું ભુલી ગયો અને રસીદ ગજવે ઘાલી ઘરે પહોંચી ગયેલો! પોસ્ટ ઓફિસમાં જે ટપાલ નાંખીએ તે ચાર-સાડા ચાર વાગ્યે નીકળી જતી અને ત્યારબાદ જો કોઈ કાગળ મોકલવો હોય તો લેટ ફી લગાડી જુદા ડબલામાં નાંખવો પડતો. એવી જ એક કેટેગરી એ વખતે એક્સપ્રેસ ડીલીવરીની હતી. વધારાની ટીકીટ ચોંટાડી પોસ્ટ કરેલ આ ટપાલ એના સરનામે રવિવારની રજાના દિવસે પણ પહોંચાડાતી. આમ છતાંય ચૂકી જવાય તો સાંજે સાડા છ વાગ્યે સિદ્ધપુર રેલવે સ્ટેશને પહોંચી જવાનું અમદાવાદ જતો દિલ્હી મેલ આવે એટલે એમાં લાલ રંગે રંગેલો રેલવે મેલ સર્વિસ (RMS)નો ડબ્બો હોય તેમાં લેઈટ ફીની વધારાની ટિકીટ લગાડી આ કાગળ નાંખી દેવાનો. રેલવેમાં આ ડબ્બો ટપાલખાતા માટે મેઈલ ટ્રેનમાં જોડાતો અને તેમાં જુદાં જુદાં સ્ટેશનેથી આવેલ ટપાલના કોથળાની ટપાલનું સોર્ટીંગ કરી શકાય તે માટે સંખ્યાબંધ ખાનાં રહેતાં. આ પ્રક્રિયા સમજવા માટે મને એક દિવસ તેમણે સિદ્ધપુરથી અમદાવાદ RMSના ડબ્બામાં મુસાફરી કરાવેલી. આ મુસાફરી દરમ્યાન ચાલુ ટ્રેને સોર્ટીંગની જે કામગીરી થતી તે જોવાની ખૂબ મજા આવેલી.
મારા બાપાનો જીવ મૂળભૂત રીતે પ્રત્યક્ષ શિક્ષણનો હતો. ઘરે પીવાના પાણીના ગ્લાસને પુરો ભરી એનાં ઉપર પૂઠું ઢાંકી એને ઉંધો કરવાથી હવાના દબાણને કારણે પાણી રોકાઈ રહે છે ત્યાંથી માંડીને માટીની કુલડીમાં પોટેશીયમ પરમેંગ્નેટને ગરમ કરી બરાબર ગરમ થાય એટલે એમાં અગરબત્તી ઉતારતા અને ધીરે ધીરે સળગતી અગરબત્તી એકદમ પ્રજ્વલ્લીત થઈ ઉઠતી તે જોવાની મજા આવતી. આજ રીતે હળદર અને ચુનો ભેગાં થાય તો કંકુ જેવો રંગ બને અને લીંબુનો રસ નાંખેલ પાણીમાં ખાવાનો સોડા (સોડા બાયકાર્બ) નાંખીએ તો ઈનોની માફક ઉભરો આવે એવું પ્રત્યક્ષ પ્રયોગો થકી એ સમજાવતા. અંધારી રાત્રે સપ્તર્ષિ, ધ્રુવનો તારો, સમી સાંજે ઉગી રહેલ શુક્રનો તારો, હરણીયું (મૃગશીર્ષ) જેવા તારાની અને આકાશગંગાની ઓળખ વિશીષ્ટ રીતે કરાવતા. સપ્તર્ષિના તારાની સાથે અરુંધતીનો તારો દેખાય તો આંખનું તેજ સારું છે એવું માનવું એ કહેતા. આજ રીતે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય ત્યારે કાળા કાચના ચશ્મા લગાવી ગ્રહણ શરુ થાય ત્યાંથી પુરું થાય ત્યાં સુધીની બાબતો એ સમજાવતા. ઝીણા અક્ષરો વાંચવા માટે એમની પાસે બીલોરી કાચ (મેગ્નીફાઈંગ ગ્લાસ) હતો. આ કાચનો ઉપયોગ સૂર્યના કિરણોને એકત્રિત કરી નારિયેળનું છોતરું સળગાવી અગ્નિ પેદા કરવામાં પણ થાય તે પ્રયોગ અનેક વખત જાતે પણ કર્યો છે. અંધારી રાત્રે ગણેશીયું (અત્તરડો)ની સાથે રેલવેની મેટલ (કપચી) અથવા ચકમકના પથ્થર અફાળવાથી તણખા થાય એ સમજાવતા તો ક્યારેક સિદ્ધપુરના રસ્તા પર દોડી જતી ઘોડાગાડીના ઘોડાની નાળ ઘસાવાને કારણે તણખા થતા તે સમજાવી આ બધું ઘર્ષણ (ફ્રીક્શન)થી થાય છે તે મારા ભેજામાં નાંખવાનો પ્રયત્ન કરતા. આ બધાને કારણે મારું સામાન્ય જ્ઞાન સતત વધતું રહેતું. એકવખત પાંચમા ધોરણમાં શિક્ષણાધિકારી સાહેબ શાળામાં તપાસણી અર્થે આવ્યા અને એમણે બીજા બધા પ્રશ્નો સાથે ટપાલ સેવાઓ બાબત પ્રશ્નો પૂછ્યા. એમણે જે કંઈ પૂછ્યું એનાં બેધડક સાચા જવાબો મળતા ગયા એટલે એમણે મારા વર્ગશિક્ષક સાહેબને પૂછી નાંખ્યું – “આ કોઈ પોસ્ટ માસ્તરનો છોકરો છે?” એમને ક્યાં ખબર હતી કે આ પોસ્ટ માસ્તરનો નહીં પણ સ્ટેશન માસ્તરનો છોકરો હતો. એ દિવસે ખરેખર મજા આવી ગઈ !
આવું જ શિક્ષણ એમણે મને વનસ્પતિ અને તેના ગુણો વિશે આપેલું. એમનો આયુર્વેદનો શોખ અને જ્ઞાન ખૂબ સારું. મને એમણે ગળો, વિલાયતી ગોખરું, નગોડ, શંખપુષ્પિ, કણજો, કુંવેશ, ડોડી, ચણોઠી, ધતુરો, લીમડો, અરડુસી, ટાપોટીયો, કુંવારપાઠુ, આકડો, ખરસાંડી, બોરસલ્લી, બાવળ, વડ, પીપળો, આંબલી, મહેંદી, વજ્રદેતી જેવી અનેક વનસ્પતિઓના ઔષધિય ઉપયોગો અને ગુણધર્મો સમજાવેલા. સાટોડી જેને સંસ્કૃતમાં પુનર્નવા કહે છે તેનો કાઢો મૂત્રલ છે અને ડાયટોર જેવી ડાયયુરેટીક કરતાં સારું કામ કરે છે, મેથી, ધતુરો, નગોડ જેવી વનસ્પતિઓ વાના દુઃખાવા સામે અકસીર છે, ભાંગ અને નેપાળાના પણ ઔષધીય ગુણો છે, વિટામીન સીની ચ્યુસી જેવી ગોળી કરતાં આંબળુ વધારે સારું છે, ગળો સત્વ હિમોગ્લોબીન વધારે છે, શંખપુષ્પિ યાદદાસ્ત વધારવામાં કામ આવે છે, બ્રાહ્મી મગજ અને વાળ માટે સારી છે અને કડું કરિયાતુ અથવા ત્રિફળા ઘણી બધી રીતે ઉપકારક છે એવું એ સમજાવતા. એમણે મને કહ્યું હતું કે “યસ્ય ગૃહે નાસ્તિ માતા તસ્ય માતા હરિતકી” એટલે કે હરડે માતાના જેટલી જ ગુણકારી છે, વીંછી કરડ્યો હોય તો કૌવચનું બીજ ધસી એના ડંખ ઉપર મુકી દેવાથી રાહત થાય છે અને મધમાખી કે ભમરી કરડી હોય તો કુંભારની માટીના પીંડામાંથી માટી ઓગાળી એનો લેપ કરવાથી ફાયદો રહે છે આવી અનેક બાબતો એ મને સમજાવતા. પરિણામે મારો આયુર્વેદમાં રસ વધ્યો. લગભગ આઠમા ધોરણ સુધીમાં મેં આર્યભીષક પુસ્તકનો તરજુમો વાંચી નાંખ્યો હતો. મારા માટે આ વિષય હંમેશાં રસનો વિષય રહ્યો છે એનું કારણ આ તાલીમ હતી એમ કહી શકાય.
આ બધું કરતાં કરતાં પણ એ સતત મારી કારકીર્દીની ચિંતા કરતા. જુદી જુદી સારી સ્કુલોના પેપર લઈ આવતા અને મારી પાસે એ સોલ્વ કરાવતા (ખાસ કરીને ધોરણ 10 અને 11). મને કંઈક શીખવા મળે એવી એક તક મારા બાપા જવા દેતા નહોતા. એ સર્કસ જોવા લઈ જાય તો પણ સર્કસના પ્રયોગો તો જોવાના જ પણ ત્યારબાદ પ્રસિદ્ધિ માટે સર્ચલાઈટ કઈ રીતે આકાશમાં બીમ ફેંકે છે તે જોવા ખાસ લઈ જાય. એકવખત અમદાવાદ કે.લાલના શોમાં લઈ ગયા. ખૂબ મજા આવી. મારા માટે અત્યંત રોમાંચક અને યાદગાર અનુભવ રહ્યો. અમે શો જોઈને બહાર નીકળ્યા એટલે આ સજ્જને મને સીધો જ પ્રશ્ન પૂછ્યો – “બેટા ! કેવો લાગ્યો આ શો ? આમાંથી શું સમજ્યો ?” આપણે ઉત્સાહમાં શો ના ભરપેટ વખાણ કરી નાંખ્યા અને કહ્યું કે આ માણસ ખરેખર કોક દૈવી શક્તિ ધરાવે છે. એમણે ઠંડા કલેજે મને કહ્યું “જો બેટા ! આમાંથી બોધ લેવાનો હોય તો એ છે કે આપણે સ્ટેજ ઉપર જે ઘટનાઓ બનતી જોઈએ છીએ તે આપણી નજરે જોઈએ છીએ, સાંભળીએ છીએ તે આપણા કાનથી સાંભળીએ છીએ અને વિચારીએ છીએ તે મગજથી વિચારીએ છીએ. આમ છતાંય આમાંનું કશું સાચું હોતું નથી. બધું આભાસી અને હાથચાલાકી છે. બોધ એ લેવાનો છે કે આપણી સગી આંખે જોયેલી અને આપણા સગા કાને સાંભળેલી ઘટના સાચી નથી હોતી તો કોઈ વ્યક્તિ તમને ગમે તે કહે એ સાચું જ છે એવું પૂરતી ચકાસણી વગર ક્યારેય માની લેતો નહીં.” આ શીખ મને જીવનમાં ઘણી કામ આવી છે. હું નથી માનતો કે કોઈ યુનિવર્સીટીનો મેનેજમેન્ટ પ્રોગ્રામ આટલી સરળતાથી આ વાત મારા મગજમાં નાંખી શક્યો હોત.
કદાચ આ કારણથી જ મારામાં સંપૂર્ણ વિશ્વાસ હોવા છતાં હું એસએસસી પાસ થયો ત્યાં સુધી મારા બાપાની ચકોર નજર મારી પ્રવૃત્તિ પર સતત રહેતી. રાજપુરની પ્રાથમિક શાળા હોય, શાળા નંબર એક હોય કે એલ.એસ. હાઈસ્કુલ મારા શિક્ષકો સાથે એ હંમેશા સંપર્ક રાખતા. પંદરેક દિવસે એકાદો આંટો પણ સ્કુલમાં મારી જતા. આમાં એક દિવસ મોટી ગરબડ થઈ ગઈ. આઠમા ધોરણાં હું એલ.એસ. હાઈસ્કુલમાં દાખલ થયો. અમારા વ્યાયામ શિક્ષક ગોસાઈ સાહેબ મારા બાપાના સહાધ્યાયી હતા. એક દિવસ સાંજને સમયે પી.ટી.નો પિરીયડ હતો અને મારા બાપા સ્કુલમાં પ્રગટ થયા. એમણે આમ તેમ જોયું હું દેખાયો નહીં એટલે પૂછપરછ કરી. ગોસાઈ સાહેબ જવાબ આપે તે પહેલાં મારા એક ઉત્સાહી વિદ્યાર્થી મિત્રે ભાંગરો વાટી નાંખ્યો – “જયનારાયણ તો લીમડા પર હશે.” પછી તો ગોસાઈ સાહેબે પણ કહ્યું હશે કે હું એમના માટે લીમડાના દાતણ પાડવા શાળાના કમ્પાઉન્ડમાં આવેલ ઝાડ ઉપર ચડ્યો હતો. મૂળ વાત એવી હતી કે પી.ટી.ના પિરીયડમાં લેફ્ટ રાઈટ ન કરવી પડે એટલે ગોસાઈ સાહેબનો લીમડાના દાતણ માટેનો પ્રેમ જોઈ મેં એમને પટાવી લીધા હતા. સાહેબ હું તમારા માટે સરસ લીમડાના દાતણ પાડી લાવું. સોદો પાકો થયો એટલે આપણે રામ પી.ટી.નો પિરીયડ શરુ થાય કે લીમડાનો રસ્તો પકડીએ. છેક ટોચ ઉપર એક ત્રિપાંખીયું ડાળુ હતું જેને હું ખુરશી કહેતો એના ઉપર આરામથી બેસી હવા ખાવાની અને પિરીયડ પુરો થવા આવે ત્યારે સરસમજાના દાતણની બે ચાર સોટી તોડી નીચે ઉતરવાનું. આ માટે એક નાનું ચપ્પુ પણ હું ગજવામાં રાખતો. સાહેબને દાતણ આપીએ એટલે સાહેબ ખુશ થઈ જાય અને આપણે પણ ખુશ ! આ પોલ એ દિવસે મારા બાપાના સરપ્રાઈઝ ચેકીંગને કારણે પકડાઈ ગઈ. ગોસાઈ સાહેબ તો પી.ટી.નો ક્લાસ લેતા હતા પણ મારા બાપાએ તો ઘરે એ દિવસે મારી પરેડ લઈ નાંખી. મારી માએ પણ ઠીક ઠીક સંભળાવ્યું. ઝાડ ઉપરથી પડીએ તો શું થાય એ વિશેનો એક વધારાનો પિરીયડ મારે ભણવો પડ્યો. જો કે મેં પણ સ્પષ્ટ કહી દીધું કે આપણા ખેતરમાં લીમડા પર ચડીએ છીએ તો નથી પડી જવાતું તો સ્કુલમાં કઈ રીતે પડી જવાય. ખેર, આ પછી પણ ગોસાઈ સાહેબ માટે દાતણ પાડી લાવવાનું બંધ ન થયું તે ન જ થયું. આ લીમડાનું ઝાડ આજે પણ એલ.એસ. હાઈસ્કૂલના પ્રાંગણમાં અડીખમ ઉભું છે.
આ સરપ્રાઈઝ ચેકીંગ એ મારા બાપાનો મારા માટેનો અવિશ્વાસ નહોતો પણ હું બ્રેક વગરની ગાડી ન બની જઉં તેની ચિંતા હતી એવું મારું માનવું છે.
મારા બાપાએ મને જે કંઈ શીખવાડ્યું અને જે રીતે શીખવાડ્યું એના પરથી ક્યારેક એવો વિચાર જરુર આવે છે કે ગમે તેવો અઘરો વિષય હોય જો એને સમજાવનાર કાબેલ હોય તો એ વિષય અઘરો રહેતો નથી.
બાપાની આંગળી પકડીને બાળપણથી શરુ થયેલ આ શિક્ષણયાત્રા હજુ પણ અટકી નથી. ક્લાસમાં મારા વિદ્યાર્થીઓને પણ બને તેટલું સરળ રીતે રજૂઆત ગોઠવીને ભણાવ્યું છે. હું કદાચ આ કારણથી જ એક સફળ શિક્ષક બની શક્યો એવું લાગે છે. મારા ચારિત્ર ઘડતર અને ધાર્મિક વિચારોની વાવણીનું કામ, મારું સ્પષ્ટવક્તાપણું અને ક્યારેક આકરો સ્વભાવ મારી મા નો વારસો છે. તે સામે આજીવન વિદ્યાર્થીવૃત્તિ, સાવ બેફિકરાઈભર્યું જીવન અને પદ કે નોકરીની તમા કર્યા વગર ઉભા થઈ જવાની વૃત્તિ મારા બાપાનો વારસો છે.
મા-બાપ
શબ્દો બે
ધ્યેય એક જ
મારા વિકાસ અને પ્રગતિનું
બન્ને નોંખાં વ્યક્તિત્વ
બન્નેની ખૂબીઓ
બન્નેની ખામીઓ
આ બધાનો સરવાળો એટલે.....
હું....
પણ...
સર્જક ગમે તેવો કાબેલ હોય
સર્જન ક્યારેય સંપૂર્ણ નથી હોતું
આનું ઉત્તમ ઉદાહરણ હું છું
મા-બાપે જે આપ્યું તે જાત નીચોવીને આપ્યું છે.
એમાંથી કેટલુંક ગ્રહણ કરી શકાયું
કેટલુંક છૂટી ગયું.
જે છૂટી ગયું તે માટે નીચેની પંક્તિઓ.....
બહુત દિયા દેનેવાલે ને તુઝકો
આઁચલ હી ન સમાએ તો ક્યા કીજે
બીત ગયે જૈસે યે દિન રૈના
બાકી ભી કટ જાયે દુઆ કીજે
જો ભી દે દે માલિક તૂ કર લે કુબૂલ
કભી કભી કાઁટો મેં ભી ખિલતે હૈં ફૂલ
વહાઁ દેર ભલે હૈ, અંધેર નહીં
ઘબરા કે યૂઁ મત ગિલા કીજે
ચલચિત્રઃ સૂરત ઔર સીરત (1962)