Thursday, May 28, 2015

આપણી રોજબરોજની જીંદગીમાં સતત એક યા બીજો પ્રશ્ન આપણને પીડતો હોય છે. સુભાનપુરા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ કાર્યરત થઈ એટલે એક પ્રશ્ન ઉકલ્યો. સુભાનપુરા, ઈલોરાપાર્ક, આત્મજ્યોતિ તેમજ હાઈટેન્શન રોડ વિસ્તારની જનતા પાણીની જબરજસ્ત તંગીથી પીડાતી હતી. આ વિસ્તારની વસતી તો વધી પણ એને માટેની આંતરમાળખાકીય સવલતોનો વિકાસ થાય એ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દુર્લક્ષ સેવી રહ્યું હતું. આ આખા વિસ્તારમાં દૂરના વિસ્તારોમાં આવેલ પાણીની ટાંકીઓ અને ગ્રેવીટીથી પાઈપલાઈનમાં નખાતા પાણીનું સંમિશ્રણ કરીને પૂરતા પ્રેશરે પાણી આપવાની કવાયત નિષ્ફળ નીવડી હતી. પાણી પૂરતા પ્રેશરે અને પૂરતા જથ્થામાં મળે એવી આ વિસ્તારની જનતાની માંગ હતી. જશભાઈએ આ પ્રશ્નમાં ઝંપલાવ્યું. પ્રાથમિક અભ્યાસ કરતાં આ ઈજનેરને જણાયું કે પાણીની તકલીફ ભોગવતી આ સોસાયટીઓની બરાબર વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક પચ્ચીસ એકરનો પ્લોટ અનામત જમીન તરીકે ખાલી પડ્યો હતો. જો આ પ્લોટમાં પૂરતી ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી અને સમ્પનું આયોજન કરી શકાય તો પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ હતો. કોઈ અગમ્ય કારણોસર આ થતું નહોતું. જનતા ટેક્સ ભરતી હોય ત્યારે એની વ્યાજબી સવલતો અને સગવડોનો હક્ક સચવાવો જોઈએ એ વાત તત્કાલીન સમયના મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના ભેજામાં ઉતરતી નહોતી. એક સમયે તીવ્ર લોકલાગણીને માન આપી આ ઓવરહેડ ટાંકી બનાવવા માટેનું વચન કોર્પોરેશને આપ્યું પણ અમલીકરણના તબક્કે ગમે તે રાજરમત ખેલાઈ હોય આ ટાંકી અન્યત્ર ખસેડાઈ ગઈ. જશભાઈએ સતત આ માટે જનજાગૃતિ અભિયાન તેમજ રજૂઆતોનો મારો ચલાવે રાખ્યો. ઈલોરાપાર્ક વિસ્તારના ભાસ્કરભાઈ પટેલ, રાવજીભાઈ સોલંકી તેમજ અન્ય જાગૃત નાગરિકો પણ આમાં જોડાયા અને માંગ બુલંદ બની. છેવટે લોકલાગણીનો અને ધીરજનો વિજય થયો. નવ નવ વરસથી ચાલતી આ લડાઈને અંતે એપ્રિલ 2002માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ પ્લોટમાં ઓવરહેડ ટાંકી બાંધવાનો નિર્ણય લઈ તેના ઝડપી અમલની જાહેરાત કરી. વિધિની વિચિત્રતા તો એ છે કે આ જમીન જે ખેડૂતોએ આપેલ તેમણે પોતાને મળવાપાત્ર કોઈપણ પ્રકારનું વળતર નહીં લેવાની ઉદારતા દાખવી હતી. તેઓની ઈચ્છા આ વિસ્તારના નાગરિકોની સગવડો અને સવલતો સચવાય તેવાં જનહિતના કામો આ ગ્રાઉન્ડમાં આકાર પામે તેવી હતી. આખરે તેમનું આ સ્વપ્ન નવ નવ વરસના અથાગ પ્રયત્નો પછી સિદ્ધ થયું (વડોદરા સમાચાર – તા. 23-4-2002). લોકશાહીની કેવી બલિહારી છે ? દરેક નાના મોટા પ્રશ્ન માટે આંદોલન કરો, વણથાકે રજૂઆતોનો દોર ચલાવો અને ત્યારે નસીબદાર હોવ તો તમે સફળ થાવ. બધી વાતમાં સરકાર પર આધાર નહીં રાખવો જોઈએ એ વાત સાચી પણ આઝાદી માટેની લડતમાં જેમણે પોતાનાં જીવન હોમી દીધાં તેમણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે આઝાદ ભારતની કહેવાતી પ્રજાકીય સરકારો આટલી નિમ્ભર અને બિનસંવેદનશીલ આવશે. આપણને આઝાદી આપવા માટેની દરખાસ્ત જ્યારે બ્રિટીશ પાર્લામેન્ટમાં રજૂ થઈ ત્યારે એના ઉપરની ચર્ચામાં ભાગ લેતાં એક સમયના બ્રિટીશ વડાપ્રધાન ચર્ચિલે કહ્યું હતું –

“Power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low caliber and men of straw. They will have sweet tongues and silly hearts. They will fight among themselves for power and India will be lost in political squabbles.”

Winston Churchill in British Parliament of India Independence Act moved by Prime Minister Clement Atlee.

મારી સમજ મુજબ આનો ગુજરાતી તરજૂમો આ મુજબ થાય – “સત્તા, ગુંડા, નિર્લજ્જ અને ચારિત્રહિન લોકોના હાથમાં જશે. બધા જ ભારતીય નેતાઓ હલકી ક્ષમતા ધરાવતા અને માટીપગા હશે. તેમની જીભ મધુર હશે પણ હૃદય મૂર્ખનું હશે. તેઓ આપસ આપસમાં સત્તા માટે ઝઘડશે અને ભારત રાજકીય કાવાદાવામાં ખોવાઈ જશે.”

આજે આઝાદીનાં લગભગ સાત દાયકા બાદ વિન્સ્ટન ચર્ચિલના આ કડવા શબ્દો સાચા પડી રહ્યા છે એવું લાગે છે ? કલ્પના કરો ભગતસિંહ, ખુદીરામ બોઝ, સુભાષબાબુ, સરદાર પટેલ, મહાત્માજી જો આજે ફરી એકવાર આ માટીપગાઓની વચ્ચે વિચરણ કરવા પૃથ્વી પર અવતરે તો એમના શું હાલ થાય ? આ પરિસ્થિતિ જોઈને આજે પણ આપણા અંતરમાંથી ઉનો નિસાસો નીકળે છે “હે રામ !”. આમાં જશભાઈ જેવો કોક અદૃશ્ય થઈ જતી ઝરણીના છેલ્લા પૂરાવા જેવો વહી રહ્યો છે એ મનને આનંદ આપે તેવી બાબત છે.

આ ટાંકી બંધાઈ અને એનું ડિસેમ્બર 2006માં લોકાર્પણ કરવામાં આવ્યું. વિધિની વિચિત્રતા જુઓ એ માટે છેલ્લા એક દાયકાથી જેણે લડત ચલાવી હતી એ આ વિસ્તારના સામાજીક કાર્યકર જશભાઈ પટેલને આ ટાંકીના લોકાર્પણ સમયે બિનરાજકીય હોવા છતાં યાદ સુદ્ધા ન કર્યા (દિવ્યભાસ્કર – તા. 29-12-2006). જશભાઈ કોઈ રાજકીય આગેવાન નથી. કોઈ પક્ષની એણે કંઠી નથી બાંધી છતાં નખશીખ ખાદીધારી આ મૂકસેવકનું તેજ પોતાના હોદ્દાને આધારે પ્રકાશિત પેલા અશ્વત્થામાઓ સહન નહીં કરી શક્યા હોય. એ કદાચ ભૂલી ગયા હશે કે જ્યારે એ “ચાલુ”માંથી “માજી” બની ચૂક્યા હશે ત્યારે પણ જશભાઈ તો જશભાઈ જ રહેવાના છે. આ અકિંચન ફકીરે ક્યારેય કોઈ માનપાનની કે ગુલાબના હાર પહેરવાની તમા નથી કરી. ગીતાના સિદ્ધાંત “કર્મણ્યે વાધિકારસ્તે....” મુજબ એ કામ કરે જાય છે અને કરશે. જશભાઈને બોલાવ્યા હોત તો આ કહેવાતા સત્તાધારીઓ આટલા વામણા ન લાગત. ખેર, માણસનું મન ભગવાને કદાચ આજ રીતનું બનાવ્યું છે. કહ્યું છે –

“આકાશે તારાની ભાત; ધરતી હોય ફૂલ બિછાત

સર્જી તો કાં સર્જી તાત; માનવના મનમાં મધરાત ?”

જશભાઈએ આજ જગ્યાએ ઘણા લાંબા સમયથી જેની માંગ પડતર હતી તે બગીચાનું લોકભાગીદારીથી નિર્માણ શરુ કરવા માટેની જેહાદ આગળ વધારી. સામાન્ય મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના વિસ્તારોમાં બગીચો એ કોઈ મોજશોખ કે લક્ઝરીની બાબત નથી પણ થાક્યા પાક્યાનો વિસામો છે. ગીચોગીચ વસતીમાં રહેતાં બાળકોને રમવાની થોડી મોકળાશ મળે એવું કિલ્લોલ કરવાનું સ્થાન છે. બાળકીઓ ગૌરી વ્રતના તહેવારોમાં નિર્ભયતાથી હરીફરી શકે, રમી શકે, સ્વચ્છ અને સુંદર પર્યાવરણની મજા લૂટી શકે અને એ રીતે એમનો ગૌરી વ્રતનો તહેવાર સાચા અર્થમાં ઉજવણી બની જાય એ માટેની જરુરીયાત છે. આ માટે સ્થાનિક રહીશોને દૂર દૂરના મોટા બગીચાઓમાં જવા માટે ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યા ન વેઠવી પડે એ માટે પણ આવા સ્થાનિક બગીચા જરુરી છે. ખેડૂતોએ આ માટે જમીન મફતમાં આપી છે અને એ રીતે લોકભાગીદારીની શરુઆત તો થઈ જ ગઈ છે ત્યારે આ પ્રકારનો બગીચો બનાવવાની મંજૂરી અને સહકાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આપે એવી જશભાઈની માંગ લોકલાગણીનો પડઘો પાડતી હતી. છેવટે આ પ્રયાસો સફળતામાં પરિણમ્યા. સુભાનપુરા વિસ્તારમાં વહિવટી વોર્ડ નં. દસની કચેરીની બાજુમાં એક સરસમજાનો ઉદ્યાન તૈયાર થયો. વડોદરા શહેરના આ એકસઠમા ઉદ્યાનનું લોકાર્પણ તત્કાલીન મેયરશ્રી એન.વી. પટેલના હાથે 25મી સપ્ટેમ્બર 2005ના રોજ થયું. આ દિવસ વિશ્વભરમાં “વર્લ્ડ હાર્ટ ડે” તરીકે ઉજવાય છે. તે વિસ્તારના કોર્પોરેટરશ્રી કૌશિકભાઈ પટેલ અને કંચનબેન રાયે પોતાના પાર્ષદ કોટામાંથી ત્રણ લાખ સાડત્રીસ હજાર જેટલી રકમ ફાળવી આપી આ લોકભાગીદારીના પ્રકલ્પમાં પોતાનું યોગદાન નોંધાવ્યું. છસ્સો રનીંગ મીટર જેટલા લાંબા જોગીંગ ટ્રેક સાથેનો આ ઉદ્યાન આ વિસ્તારનું ઘરેણું બન્યું. ટાંકીના લોકાર્પણ વખતે ભુલાઈ જનાર જશભાઈ પટેલને આ પ્રસંગે સન્માનવામાં પણ આવ્યા. છેવટે “સહુનો સાથ, સહુનો વિકાસ” સૂત્ર ચરિતાર્થ થયું. આજે આ ઉદ્યાનને લગભગ એક દાયકા જેટલો સમય વીત્યો છે. હવે આ જગ્યા નાની પડે છે. બાજુમાં ખાલીજગ્યા પડી છે જેમાં દુનિયાભરનો કૂડોકચરો પડ્યો રહે છે. છેલ્લાં કેટલાક વરસોથી જશભાઈ અને તેમના સાથીઓએ આ ખાલી પ્લોટ ઉદ્યાનના વિસ્તૃતીકરણ માટે આપવા રજૂઆતો કરી છે. હજુ સુધી એનું કોઈ પરિણામ આવ્યું નથી. પણ પરિણામ ન આવે એટલે થાકી હારીને મુદ્દો હેઠો મુકે એ સંસ્કાર જશભાઈમાં નથી. નવા આવતા મેયર સાહેબો અને કમિશ્નર સાહેબોના દરવાજા પ્રજાનો આ અદનો સેવક ખખડાવતો રહે છે. ક્યારેક તો કોઈકની સંવેદના જાગશે ને ?

 

જશભાઈ એટલે જશભાઈ. પ્રશ્નો એને શોધતા આવે અને એમાં વજૂદ દેખાય તો પારકી છઠ્ઠીનો જાગતલ ભાઈડો કામે લાગે. કોઈને પણ મળવામાં કોઈ નાનમ નહીં જરા જેટલોય અહંકાર નહીં. એની એકમાત્ર કામના છે કોઈનું પણ દુઃખ દૂર કરવાની. વ્યક્તિગત હોય કે સમાજનો કોઈપણ પ્રશ્ન હાથ ધરી એને ઉકેલ સુધી લઈ જવાની. પ્રશ્ન પતી જાય એટલે સંપૂર્ણ નિર્લેપ ભાવે એનું ફળ કૃષ્ણાર્પણ કરી આગળ ચાલી નીકળવાની. આ જશભાઈ આજે એક્યાશી વરસની વયે પણ કોઈ યુવાનને શરમાવે એવા જોશ અને ઉત્સાહથી કામ કરે છે. એના અવાજનો રણકો આજે પણ સાઈઠના દાયકામાં મેં સાંભળ્યો હતો તેવો જ છે. સાવ બાળક જેવું નિર્દોષ અને ખિલખિલાટ હાસ્ય એ જશભાઈની આગવી મૂડી છે.

આ જશભાઈ સમક્ષ બીજો એક પ્રશ્ન આવ્યો.

ભક્તાણીના સરકારે બે ટૂકડાં કરી નાંખ્યા છે.

આવું કેમ ચાલે ?

અને જશભાઈ વળી પાછા કામે લાગ્યા.

આ ભક્તાણી એટલે શું ?

કેટલાને ખબર છે એનું મહત્વ શું હતું અને એ ક્યારે શરુ થઈ ?

કોઈ નહીં અને સરકારે એના બે ટૂકડા શું કરવા કરી નાંખ્યા હશે ?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles