સર મોક્ષગુંડમ વિશ્વેસરૈયા જેવા સ્વપ્નદ્રષ્ટા સિવિલ એન્જીનિયર અને દક્ષ વહીવટકારના નામ સાથે જોડાયેલ હોસ્ટેલ એમ. વી. હોલ મારું હવે પછીના પાંચ વરસ માટેનું સિરનામું
સર મોક્ષગુંડમ વિશ્વેસરૈયા એક ઉચ્ચ કોટીના ઇજનેર, દક્ષ વહીવટકાર અને રાષ્ટ્રપુરુષ જેમને ભારતરત્ન ખીતાબથી આ દેશનું સૌથી મોટું નાગરીક સન્માન આપવામાં આવ્યું તેવી વિશિષ્ઠ પ્રતિભાનુ નામ જેની સાથે જોડાયેલું હતુ અને જેમની યાદમાં ૧૫ સપ્ટેમ્બરને (એમનો જન્મ દિવસ) અત્યંત ગૌરવપૂર્વક આ દેશના ઇજનેરો “એન્જીનિયર્સ ડે” તરીકે ઉજવે છે. તે પોતે એક બહુશ્રુત વિદ્વાન હતા. ભારતની આ અર્થવ્યવસ્થાનું આયોજન સંબંધી પહેલું પ્રકાશન “Planned Economy for India and Reconstructing India” એમની દેન છે. આજે પણ દેશની અર્થ વ્યવસ્થાના આયોજકો આ પ્રકાશનને પાયાનું સંદર્ભ મટીરિયલ ગણીને ચાલે છે. કૃષ્ણરાજ સાગર ડેમ જેના થકી માંડીયા વિસ્તારની આજુબાજુની હજારો એકર વેરાન જમીનમાં કૃષિ ઉત્પાદન થવા માંડ્યુ તે એમની દેન છે.
વિશ્વેસરૈયા સાહેબનું બચપન પણ અભાવમાં વીત્યું અને ટ્યુશન કરીને પોતાનો ખર્ચ કાઢતાં આગળ ભણીને તેઓ ૧૮૮૪માં પુનાની ખ્યાતનામ કોલેજ ઓફ એન્જીનિયરીંગમાંથી સિવિલ એન્જીનિયરીંગના સ્નાતક થઈને મુંબઈ રાજ્યના પબ્લીક વર્ક ડિપાર્ટમેન્ટમાં આસીસ્ટન્ટ એન્જીનિયર તરીકે જોડાયા. સિંધુ નદીમાંથી સક્કર મ્યુનિસિપાલિટીને પાણી આપવાની યોજના તેમના માર્ગદર્શન નીચે અમલમાં મુકાઇ. વિશાખાપટ્ટનમ બંદર દરીયાથી ઘસાતું જતું હતું તેને પોતાની તીક્ષ્ણ ઈજનેરી બુદ્ધીનો ઉપયોગ કરી તેમણે બચાવી લીધી. ૧૯૦૯માં મૈસુર રાજ્યના ચીફ એન્જીનિયર અને ૧૯૧૨માં દીવાન પદે તેમની નિમણૂક કરવામાં આવી. બેંગલોરની ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કોલેજ (૧૯૧૭) જે આગળ જતાં તેમના માનમાં વિશ્વેસરૈયા કોલેજ ઓફ એન્જીનિયરીંગ તરીકે જાણીતી થઈ તે એમની દેન હતી. કાવેરી નદી ઉપર માંડીયા જીલ્લામાં કૃષ્ણરાજ સાગર બંધ (૧૯૨૪) તેમના મુખ્ય ઇજનેર તરીકેના માર્ગદર્શન હેઠળ પૂરો થયો. આ ઉપરાંત મૈસુર રાજ્ય દ્વારા સ્થપાયેલ ધી મૈસુર સોપ ફેક્ટરી, ધી પેરાસિટોઈડ લેબોરેટરી, ભદ્રાવતી આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ સ્ટીલવર્ક (જે અત્યારે વિશ્વેસરૈયા આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ તરીકે જાણીતું છે), શ્રી જયચામરાજેન્દ્ર પોલીટેકનીક, ધી બેંગલોર એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, ધી સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, ધી સેન્ચ્યુરી ક્લબ અને મૈસુર ચેમ્બર્સ ઓફ કોમર્સ એમનું પ્રદાન છે.
આવા મહામાનવના નામ સાથે જોડાયેલ હોસ્ટેલમાં રહીને મને સિવિલ એન્જીનિયરીંગનો સ્નાતક બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું તે મારે મન મોટી ઘટના છે.
સર મોક્ષગુંડમ વિશ્વેસરૈયાના જીવનમાંથી સદા યુવાન કેમ રહેવું અને પોતાનું કામ કરતાં કરતાં છેવટ સુધી કઈ રીતે પ્રવૃત્ત રહેવું તે અંગેની એક સરસ વાત આજે મનમાં આવે છે.
ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે માણસ વૃદ્ધ ક્યારે થાય? માણસ ઘરડો ક્યારે થાય? આપણે જોઈએ છીએ ૮૦ વર્ષ, ૯૦ વર્ષ, ૯૫ વર્ષ અને તરવરાટ સાથે કોઈ વૃદ્ધને કામ કરતો જોઈએ છીએ. ક્યારેક પાંત્રીસ-ચાળીસ વર્ષનો યુવાન માથે હાથ દઈને બેઠો છે. એને જીવનમાં બધે અંધકાર દેખાય છે, નિરાશા દેખાય છે. એની ઉંમર એકાએક જાણે વધી ગઈ હોય. કેટલાક તો અકાળ વૃદ્ધ થઈ જાય છે. એટલી બધી પાકટ વાતો કરવા માંડે જાણે આખી દુનિયાનું જ્ઞાન, આખી દુનિયાની સાવચેતી એનામાં જ ભરાઈ ગઈ છે ત્યારે પ્રશ્ન મનમાં એ થયો કે વૃદ્ધત્વની વ્યાખ્યા શું? અને વૃદ્ધત્વ આવ્યું છે તે કઈ રીતે સમજવું.
આજે માત્ર બે જ વાત કરવી છે. વાત પહેલી, કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના ભૂતકાળના ગુણગાન ગાવા માંડે ત્યારે સમજી લેવાનું કે વર્તમાનમાંથી અને ભવિષ્યમાંથી એની શ્રદ્ધા વિલીન થઈ ગઈ છે. અમારા સમયમાં તો આમ હતુ, અમે તો ટ્યૂબલાઈટના અજવાળે બેસીને ભણતા હતા. અમારા જમાનામાં આમ થતું હતું, અત્યારે આમ થાય છે. ભાઈ થતુ હતુ તે વખતે જે થતું હતું. અમે આમ કરતા હતા અને તમે અત્યારે આ રીતે કામ કરો છો. કરતા હતા તમે. તમારો જમાનો હતો એ વખતે એ રીતે હતુ. માણસ પોતાના ભૂતકાળનાં ગુણગાન ગાવામાંથી ઉંચો ન આવે તે પહેલી નિશાની છે વૃદ્ધત્વની. એ માનતો થઈ જાય છે કે એનો સારામાં સારો સમય પસાર થઈ ગયો છે. આવનાર સમય એના માટે કોઈ નવી આશા લઈને આવવાનો નથી. નહીં તો તમને જો વિશ્વાસ હોય કે આપણે જે કર્યું છે તે પાશેરામાં પહેલી પૂણી હતી હજુ તો ઘણું બધું આગળ બાકી છે. તમે ક્યારેય ભૂતકાળના ગુણગાન ગાવાનું અને વારંવાર ભૂતકાળના દાખલાઓ આપવાનું નહીં કરો. અમે હતા ત્યારે આવું થતું હતું, અમારા જમાનામાં આમ હતું, અમે તો આ પ્રમાણે કામ કરતા હતા આવું સાંભળવા મળે ત્યારે માનવું કે ધીરે ધીરે આ માણસ પર વૃદ્ધત્વનો ઓછાયો આવી રહ્યો છે.
વૃદ્ધત્વની બીજી નિશાની છે માણસની જીજ્ઞાસાવૃત્તિનો અંત. નવું શીખવાની વૃત્તિ જ્યારે મરી પરવારે ત્યારે માની લેવાનું કે માણસ ઘરડો થયો. એને તમે કહો કે ચાલ ઝૂમાં એક નવું પ્રાણી આવ્યું છે આપણે જોતા આવીએ. આપણે કાગડા બધે કાળા સાંભળ્યુ છે પણ ઝૂમાં સફેદ કાગડો આવ્યો છે. અને તમને જવાબ મળે કે હવે શું કરવા હતા કાગડા જોઈને. મૂકોને માથાકૂટ. અહીં બેઠાં બેઠાં ભગવાનનું નામ લઉં છું હું તો. અરે ભાઈ ! કુતૂહલ કેમ નથી થતું આપણને કે સફેદ કાગડો આવ્યો છે. કોઈ દિવસ આવું પક્ષી નથી જોયું તો ચાલો જોઈ આવીએ. આ કૂતૂહલવૃત્તિનો એક અદભુત દાખલો. ભારતના પનોતા પુત્ર એક કૂશળ એન્જિનિયર એથીયે વધુ આગળ વધીને સફળ વહીવટકાર, મૈસુરના દીવાન એવા સર એમ વિશ્વેસરૈયાના જીવનમાંથી આજે મારે આપવો છે. એ સરમુક્ષગુંડન વિશ્વસરવૈયા નિવૃત્તિ પછી ૯૯ વર્ષની ઉંમરે પહોંચ્યા અને એમનો સોમો જન્મદિવસ આવવાનો હતો ત્યારે એમનું કોઈ સગું મદ્રાસ જવાનું હતું એણે પૂછ્યું, “દાદા હું ચેન્નાઈ જઉં છું. તમારો જન્મદિવસ આવે છે. બોલો તમારા માટે શું ગીફ્ટ લેતો આવું?” વિશ્વેસરૈયા સાહેબે જવાબ આપ્યો કે જો વેબસ્ટરની ડિક્શનરીની નવી એડિશન આવી છે. મારી પાસે નથી. તું લેતો આવજે.
વિચાર કરો તમે. નવ્વાણું વર્ષની ઉંમરે પહોંચેલો માણસ ડિક્શનેરીની નવી એડિશન મંગાવે છે. આપણામાંનો કો’ક હોય તો એને ટોણો મારત કે ભલા માણસ નાખને ખાડામાં. તારે આ ડિક્શનેરી જોઈને જિંદગીનો હવે કેટલો સમય ગાળવાનો છે? નવ્વાણું વર્ષે પહોંચ્યો હવે તો ઈશ્વરનું નામ લે. ના, કર્મ જ સાચો ઈશ્વર છે. જિજ્ઞાસાવૃત્તિ, નવું શીખવાની ભાવના, નવું અનુસરવાની ક્ષમતા, નવા વિચારો સ્વીકારવાની શક્તિ અને એના માટેની તૈયારી હોય એ માણસ ભલે ઉંમરથી વૃદ્ધ થતો જતો હોય, એનું શરીર ભલે વૃદ્ધ થતું જતું હોય એનો આત્મા ક્યારેય વૃદ્ધ થતો નથી. એ હંમેશા ચિરંજીવ યૌવન પ્રાપ્ત વ્યક્તિ છે એમ માનીને ચાલવાનું. એટલે વૃદ્ધત્વ આવતું રોકવું હોય, સદાય યૌવનનો આનંદ લેવો હોય તો જિજ્ઞાસાવૃત્તિ ક્યારેય નહીં ગુમાવતા. જ્યાં સુધી તમારામાં બાળક જેવી જિજ્ઞાસાવૃત્તિ છે જ્યાં સુધી તમારામાં નવું શીખવાની કંઈક ભાવના છે, જ્યાં સુધી તમારામાં નવા વિચારો સ્વીકારવાની, નવી ટેકનોલોજી સાથે પનારો પાડવાની તૈયારી છે ત્યાં સુધી તમે યુવાન છો.
મારા એક મિત્ર છે. લગભગ ૮૫ વર્ષની ઉંમર થઈ હશે. હમણાં એક દિવસ હું એમના ઘરે ગયો એ કશાકમાં પ્રવૃત્ત હતા. મેં પુછ્યું કે શું કરો છો ? તો કહે આ કેન્ડલમાં મારે પુસ્તકો ડાઉનલોડ કઈ રીતે કરવા એ શીખવું છે. મેં કીધું દાદા, તમારે ૮૫ વર્ષે કેન્ડલમાં પુસ્તક ડાઉનલોડ કરીને શું કરવું છે? તો કહે આ મસ્ત મજાનું નવું સાધન આવ્યું છે. આપણે લાયબ્રેરી સુધી લાંબા ન થવું પડે. આપણી સાથે રહે. અક્ષરો નાના-મોટા થાય. જેટલી ચોપડી અંદર નાખવી હોય એટલી નાખી શકાય. સરળતાથી ક્યાંક જઈએ તો સાથે લઈ જઈ શકાય. આ તો અદભુત શોધ છે એટલે હું એ શીખું છું. હવે જે વ્યક્તિમાં 85 વર્ષની ઉંમરે કેન્ડલ સાથે ધમાચકડી કરીને કેન્ડલ શીખવાની તૈયારી હોય એ માણસને વૃદ્ધ કહેવાય ખરો? અને એટલે આવા વ્યક્તિઓ ક્યારેય વૃદ્ધ થતા નથી. એ ચિરંજીવ યૌવન પ્રાપ્ત વ્યક્તિ છે. આનંદમાં રહે છે અને આનંદમાં જીવે છે કારણ કે એની પાસે ભવિષ્યને આશાથી જોવાની વૃત્તિ છે. કંઈક નવું શીખવા-સમજવાની તૈયારી છે અને એટલે ક્યારેય વૃદ્ધ થતો નથી.
તમારે પણ ક્યારેય વૃદ્ધ ન થવું હોય તો જીજ્ઞાસાવૃત્તિ ન ગુમાવતા. અમારા જમાનામાં આવું હતુને તેવું હતું એમ ભૂતકાળને યાદ કરીને રોદણાં ન રોતા. તમારો જમાનો હતો એ હવે ગયો. “તુમ્હારા ભી જમાના થા, હમારા ભી જમાના હૈ” તમારો છોકરો આવું કહેશે તમને. માટે આશા લઈને જીવો. આજ છે એના કરતાં કાલ સારી આવવાની છે એમ માનીને જીવો. કંઈક નવું શીખવાની વૃત્તિથી જીવો. મુશ્કેલીઓ બધાને છે, ઉંમર થશે તેમ શરીરની પણ ક્યાંકને ક્યાંક મર્યાદાઓ ઊભી થવાની છે. ક્યાંક આંખનો પ્રશ્ન થશે, ક્યાંક ઢીંચણનો પ્રશ્ન થશે. ક્યાંક બીજો કોઈ પ્રશ્ન થશે. તેમ હંમેશા વિચારીને ચાલો કે મને તો આટલો નાનો પ્રશ્ન છે, બીજા લોકોને આના કરતાં પણ ઘણા મોટા પ્રશ્ન છે. આનંદમાં રહો અને જો આનંદમાં રહેશો તો ચિરંજીવ યૌવન તમારી પાસે રહેશે. આ ચિરંજીવ યૌવનને પ્રાપ્ત કરો, ભલે ઉંમર વધે, જ્ઞાનવૃદ્ધ બનો, પણ આત્માથી વૃદ્ધ ન થાવ.
૯૯ વરસે વેબસ્ટરની ડિક્શનેરીની નવી એડીશન મંગાવનાર
ડો. સર મોક્ષગુંડમ વિશ્વેસરૈયા આજીવન વિદ્યાર્થી હતા.
નવું શીખવાની ધગશના ભેખધારી હતા
એક કુશળ વહીવટકાર હતા
અને એથીય આગળ જઈને...
આવનાર ભાવિની આરપાર જોઈ શકતા સ્વપ્નદ્રષ્ટા હતા.
યોગાનુયોગ એવું બન્યું કે...
પ્રો. ત્રિભોવનદાસ ગજ્જર જેવા મહાન વૈજ્ઞાનિક અને વિદ્વાન દ્વારા સ્થપાયેલ કલાભવન હવે મારી કોલેજ હતી
અને...
ભારતરત્ન સર મોક્ષગુંડમ વિશ્વેસરૈયા જેવા સ્વપ્નદ્રષ્ટા સિવિલ એન્જીનિયર અને આ દેશના બધા જ ઈજનેરોના રોલ મોડેલના નામ સાથે જોડાયેલ હોસ્ટેલ મારું આગામી પાંચ વરસનું સિરનામું હતું.
કેવો જબરદસ્ત યોગાનુયોગ કહેવાય નહીં ?














