featured image

વિરાટ વૃક્ષનું વામન સ્વરૂપ એટલે બોન્સાઇ. બોન્સાઇ વૃક્ષ પ્રથમ દ્રષ્ટિએ આશ્ચર્ય ઉપજાવે તેવું છે. બોન્સાઇ વૃક્ષને ઉગાડવાની રીત પણ અનોખી છે. બોન્સાઇ એ એક જાપાની શબ્દ છે, જેનો અર્થ ‘કુંડામાં વાવેતર’ એવો થાય છે. બોન્સાઇ કળાની શોધ ચીનમાં થઇ હતી પરંતુ બોન્સાઇ કળાનો ઉદય અને વિકાસ જાપાનમાં થયો. બોન્સાઇની કળા માટે આજે પણ જાપાન પ્રખ્યાત છે.

બોન્સાઇ એ મારો જૂનો શોખ છે અને એ શોખને છેલ્લા કેટલાય વરસોથી હું પોષતો આવ્યો છું. હવે તો મારા જાતે તૈયાર કરેલા બોન્સાઇ પણ ૨૦ વરસ ઉપરનાં થવા આવ્યાં છે. મારી પાસે જે જૂનામાં જૂનું બોન્સાઇ છે એ લગભગ ૬૦ વરસ ઉપરનું છે. આમ તો વડ, પીપળ, કલ્પવૃક્ષ, ચીકુ, બોરસલ્લી, કાર્ડીયા, ગુલમહોર, આંબલી, રાયણ, નાળિયેરી, આસોપાલવ, વિગેરેના મોટા ઝાડ જોયાં હશે. પારિજાત અને પેન્ડેનસ પણ ખાસ્સાં વધે છે. બિલી પવિત્ર ઝાડ મનાય છે. આ બધા અને એની સાથે ખરસાંડી, પોથોસ, મોગરો, જૂઈ, ફર્ન, કલોટણ, બોગનવેલીયા, ચાંદની, જંગલી તુલસી, ચંદન, કૈલાસપતિ, ફાયકસ, વાંસ, જેવી વનસ્પતિ અત્યારે મારી અગાસીમાં આવેલા બોન્સાઇ ગાર્ડનમાં એકદમ ખીલી ઉઠી છે. આમાં નાની નાની ચકલીઓ અને વિવરબર્ડ જેવાં પક્ષીઓ પણ દર શિયાળે આવતા થયા છે. ક્યારેક પતંગિયુ પણ દેખાઈ જાય છે. રાત્રે રાતરાણી, પારિજાત અને મોગરો, જૂઈ ખીલે ત્યારે ચોમાસાની ઋતુમાં મન ભરાઈ જાય એવી મગજ ને તરબતર કરી દેતી સુગંધ આ બગીચામાં આપણને તરોતાજા કરી દે છે. લગભગ વગડે રહીને ઉછર્યો છું એટલે મને માણસો કરતાં ઝાડ અને પશુઓ સાથે વધારે ફાવે છે કારણ કે કોઈ પણ કારણ વગર એ ખુશ રહી શકે છે. પોતે ખીલી ઊઠે અને સુગંધ આપણને આપે. પ્રમાણમાં માણસ જરા સ્વાર્થી અને બરછટ લાગે, ખરું ને?

તાજેતરમાં જ બોન્સાઇ માટે જે દેશ પ્રખ્યાત છે તે દેશ જાપાનના શ્રીમાન નાઓકી કુમાગાઈ, મિનિસ્ટર (પોલિટિકલ અફેર્સ), એમ્બેસી ઓફ જાપાન, ન્યુ દિલ્હી – મારે ત્યાં પધાર્યા ત્યારે થોડોક સમય અમે બંનેએ આ નાનકડા બગીચામાં પણ પસાર કર્યો. આનંદની અભિવ્યક્તિને ભાષાનાં બંધનો નડતાં નથી. સામાન્ય રીતે ડિપ્લોમેટ એટલે કે રાજનૈયિક હસે તો પણ માપી માપીને હસે છે. (જો કે આજકાલના રાજકારણીઓ તો સાવ ખોટે ખોટું હસે છે... સાવ ખોટ્ટું !!) પણ આ બગીચામાં શ્રીમાન નાઓકી કુમાગાઈનો ચહેરો જે રીતે ખીલી ઉઠ્યો અને જે આનંદની અભિવ્યક્તિ ભાષાના કોઈ બંધન વગર અરસપરસ બંનેના ચહેરાએ આપલે કરી એ સમય અવિસ્મરણીય હતો.

આવા અવિસ્મરણીય સમયને મારા બંને સાથીઓ ચિરાગ પંચાલ અને દીપક વાઘેલાએ ખૂબ કુશળતાથી કેમેરામાં કંડારી લીધો જેની એક ઝલક આપના સુધી આ પોસ્ટના માધ્યમ થકી પહોંચાડું છું. અલબત્ત ગમતાનો ગુલાલ કરવાના ભાવથી ! વ્યસ્ત તો આપણે બધા છીએ પણ ક્યારેક સમય મળે તો છોડ, ઝાડ, પશુ, પંખી ઈશ્વરની આ અદભૂત રચનાઓ સાથે પણ ગાળવા જેવો ખરો.

આ વાતના અંતમાં એક સરસ હિન્દી કવિતા જે મારા રાષ્ટ્રભાષાના અભ્યાસના શરૂઆતના તબક્કે ભણ્યો હતો તે તમને ગમશે જ. આ કવિતાનું શીર્ષક છે – હે જગકે સિરજનહાર પ્રભો, તબ યાદ તુમ્હારી આતી હૈ.

जब बहुत सुबह चिड़ियाँ उठकर ,

कुछ गीत खुशी के गाती हैं ।

कलियाँ दरवाज़े खोल-खोल ,

जब झुरमुट से मुसकाती है।

खुशबू की लहरें जब घर से ,

बाहर आ दौड़ लगाती है ।

हे जग के सिरजनहार प्रभु !

तब याद तुम्हारी आती है !!

जब छम - छम बूँदें गिरती है ,

बिजली चम - चम कर जाती है ।

मैदानों में वन - बागों में ,

जब हरियाली लहराती है ।

जब ठंड़ी - ठंड़ी हवा कहीं से ,

मस्ती ढोकर लाती है ।

हे जग के सिरजनहार प्रभु !

तब याद तुम्हारी आती है !! ( रामनरेश त्रिपाठी )

સાચે જ ઈશ્વર કેટલો દયાળુ છે, નહીં ?

કેટકેટલું એણે સર્જ્યું છે આપણે માટે ?

પણ આપણે તો નર્યા સ્વાર્થી

ગમતું હોય તે ગુંજે જ ઘાલીએ !!!

  


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles