Monday, January 30, 2017
જીવન અને મરણ એ માત્રને માત્ર ઈશ્વરના જ હાથમાં છે એવું હું માનું છું. આજે પણ મોટા નિષ્ણાત ડોક્ટરોના કન્સલ્ટીંગ રુમમાં
I Treat
He Cures
એટલે કે હું મારા જ્ઞાન અને અનુભવ મુજબ દરદીને સારવાર જરુર આપું છું પણ છેવટે એ સાજો થાય છે તે માત્રને માત્ર ઈશ્વરને કારણે એવું પાટિયું લટકે છે.
વિશ્વવિજયી બનવા નીકળેલ મહાન સિકંદરના વસિયતનામાનો દાખલો આજે પણ ઘણી જગ્યાએ ઉલ્લેખ પામે છે. સિકંદરે પોતાના વસિયતનામામાં કંઈક આ મતલબનું લખ્યું હતું –
જ્યારે મારો જનાજો કાઢો મારા બન્ને હાથ બહાર રાખજો જેથી પ્રજાને ખ્યાલ આવી શકે કે વિશ્વવિજય કરવા નીકળેલ અમારો સમ્રાટ આ દુનિયામાંથી કશું જ લઈ જઈ શક્યો નથી. સિકંદરનું બીજું ફરમાન રાજ્યના નામી હકિમ વૈદ્યોને જનાજાની આગળ ચલાવવાનું હતું. પ્રજા આ ઉદાહરણ પરથી જોઈ શકે કે આવરદા પુરી થઈ હોય તો ગમે તેવો મોટો વૈદ્ય, હકિમ કે ડોક્ટર હોય એને લંબાવી શકતો નથી.
આમ, મૃત્યુ એક એવી વસ્તુ છે કે જે માણસના હાથમાં નથી અને આ પૃથ્વી પર જન્મતો દરેક માણસ એક દિવસ તો ગરીબ-તવંગર, રાજા કે રંકના કોઈ ભેદ વગર મૃત્યુને આધીન થાય છે. એ જ્યારે આવે છે ત્યારે ક્યારેક ખબર પડે તે પહેલાં બાજ જેમ ઝપટ મારીને પોતાનો શિકાર ઉચકી જાય તે જ રીતે ભર્યાભાદર્યા માહોલમાંથી એકાએક કોઈને ઉપાડી જાય છે. જે હજુ ઘડી પહેલાં બોલતો-ચાલતો હસતો-રમતો હતો તે એકાએક ભૂતકાળ બની જાય છે. એટલે જ મોત માટે કહેવાયું છે કે –
“ન ગાતી હૈ ન ગુનગુનાતી હૈ
મોત જબ આતી હૈ
ચૂપચાપ ચલી આતી હૈ”
પ્રશ્ન થાય છે –
મોત પછીનું જીવન કેવું છે ?
સ્વર્ગ કે નર્ક જેવું કંઈ છે ખરું ?
પ્રાણ એકવખત દેહને છોડી દે પછી એનું શું થાય છે ?
આ પ્રશ્નોના જવાબ આજે પણ ઉપલબ્ધ નથી. આ કારણથી મોત હંમેશા અકળ અને અમંગળ રહ્યું છે. જીવનની બધી અનિશ્ચિતતાઓ માટે આયોજન કરવાનો માનવ સ્વભાવ છે.
પણ......
જે નિશ્ચિતતા છે તે મૃત્યુ અંગેનો અછડતો ઉલ્લેખ થાય તે પણ આપણને ગમતો નથી. ક્યારેક તો પોતે અમરપાટો લખાવીને આવ્યો છે એ ભ્રમમાં બધી જ બાબતો પોતાના જ હસ્તક રાખી એકાએક મોટા ગામતરે ઉપડી જનાર માણસ એની પાછળ એટલા બધા ગૂંચવાડા છોડી જાય છે કે એને ઉકેલતાં વરસો લાગે. સરવાળે એમાંથી વકીલો કમાય.
આજે કંઈક જુદી જ વાત કરવી છે.
વાતનો વિષય છે – શું કોઈનું મોત કોઈ પોતાને માથે લઈ શકે ?
પ્રાથમિક શાળામાં ઈતિહાસ ભણ્યા ત્યારે એક વાતનો ઉલ્લેખ મુગલવંશના ઈતિહાસ સાથે જોડાઈને સાંભળ્યો હતો. દિલ્લીની મુગલ સલ્તનતના સરતાજ બાદશાહ બાબર અને એના પુત્ર હુમાયુંને સ્પર્શતો આ પ્રસંગ હતો. હુમાયું ગંભીર માંદગીને બિછાને પટકાયો હતો. મોટા મોટા વૈદ્ય હકિમના ઉપાયો કારગત નહોતા નીવડતા. દિવસેને દિવસે એની તબિયત લથડતી જતી હતી. આ માંદગીમાંથી હુમાયું બેઠો થશે કે કેમ તે સહુની ચિંતાનો વિષય હતો. શહેનશાહ બાબરને હુમાયું માટે ગાઢ પ્રેમ હતો. પોતાના વ્હાલા દીકરાની આ દશા અને દિવસે દિવસે એના તરફ આગળ વધતી જતી મોતની છાયા બાબરના હૃદયને હચમચાવી દેતી હતી. કોઈપણ હિસાબે હુમાયું સાજો થાય તે માટે એણે જાતજાતની બાધા-માનતાઓ પણ કરી નાંખી હતી. જ્યારે કોઈ જ ઉપાય કારગત ન બન્યો ત્યારે એક દિવસ એણે આખરી ઉપાય અજમાવી લેવાનું નક્કી કર્યું. એ આખરી ઉપાય હતો. ખુદા અથવા માલિકના દરબારમાં ધા નાંખવાનો. બાબરે ખુદાને બંદગી કરી. બંદગી થકી તેણે શું માંગ્યું ? બાબરની માંગ હતી એનો દિકરો હુમાયું સાજો થઈ જાય અને જો એનું આયખું ટુંકુ પડતું હોય તો પોતાની જાન ખુદા લઈ લે અને એના વ્હાલસોયા પુત્ર હુમાયુંને સાજો કરી દે.
જાણે ચમત્કાર થયો હોય તેમ તે ઘડીથી જ ધીરે ધીરે હુમાયુંની તબિયત સુધરવા માંડી અને થોડા દિવસોમાં તો એ સાજો થઈ ગયો.
પણ....... સાથે જ એક બીજી ઘટના ઘટી.
તે જ ઘડીથી બાબર માંદો પડ્યો અને ધીરે ધીરે એની તબિયત કથળવા લાગી. છેવટે હુમાયું બરાબર સાજો થયો અને બાબરે દેહ છોડ્યો.
પોતાના વ્હાલસોયા પુત્ર હુમાયુંનું મોત એણે પોતાના પર લઈ લીધું.
આ ઘટના ચોપડીમાં વાંચી.
આપણે એને ઈતિહાસ તરીકે સાચી માનીએ છીએ
પણ.......
હું તો એક એવી ઘટનાનો સાક્ષી બન્યો છું જે ભલે ઈતિહાસને પાને ન લખાય પણ મારી સ્મૃતિમાં આજે પણ જીવંત છે અને ભવિષ્યમાં પણ જીવંત રહેશે.
ફેબ્રુઆરી હજુ શરુ થયો હતો
શિયાળાની એ ઠંડી અને સૂસ્તાતી સવાર હતી
લગભગ દસેક વાગ્યાનો સમય હશે
ઓફિસ જવા માટે તૈયાર થતો હતો
ત્યાંજ ફોનની ઘંટડી રણકી
સામે છેડે મારા સસરાશ્રી કનૈયાલાલ ઠાકર હતા
એમણે મને સંદેશો આપ્યો “નર્મદાશંકરભાઈની તબિયત એકાએક બગડી છે બને તેટલા જલ્દી સિધ્ધપુર આવી જાવ.”
અનેક પ્રકારની શંકાકુશંકાઓ અને અમંગળની ધારણાએ મનને ઘેરી લીધું.
મારી મા સાજીમાંદી રહે તેવું બનતું.
પણ પિતાજીને તો નખમાંય રોગ નહોતો
એ વખતે પણ લગભગ એંશી વરસની ઉંમરે પાંચ કિલો વજન ઉંચકીને સિધ્ધપુર શહેરથી ઘરે જઈ શકતા.
ચા, સોપારી કે પાન-બીડી જેવું કોઈ વ્યસન નહીં
વ્યસન માત્ર રોટલાનું
માંદા પડવાનો પણ મહાવરો નહીં
આટલા વરસોમાં હું જ્યારે છ કે સાત વરસનો હતો ત્યારે એક વખત ડબલ ન્યુમોનિયાની તે જમાનામાં અતિગંભીર ગણાતી બિમારી આવી ગયેલી. તે સિવાય ક્યારેય મેં મારા બાપાને દવાખાને ગયેલા કે દવા ખાતા જોયા નહોતા.
અમદાવાદથી સિધ્ધપુર લગભગ બે કલાકનું અંતર છે. એ દિવસે એ અંતર બે ભવના અંતર જેટલું લાંબુ લાગ્યું. કેમેય કર્યું સિધ્ધપુર આવે જ નહીં. ઘરે પહોંચ્યા ત્યારે બે ડોક્ટર સારવારમાં હાજર હતા. ડોક્ટર સંતદાસાણી અમારા ફેમીલી ડોક્ટર હતા અને સિધ્ધપુરમાં મારી ગેરહાજરીમાં મારા વૃદ્ધ માતા-પિતાના એ મેડીકલ ગાર્ડીયન પણ હતા. તેમણે જ અત્યારે અમદાવાદમાં પત્રકાર કોલોની સામે જેમની હોસ્પિટલ છે તે ડૉ. ભુપેન્દ્રભાઈ શુકલને બોલાવી લીધેલા હતા. ડૉ. ભુપેન્દ્રભાઈ એ સમયે ઉંઝામાં પ્રેક્ટિસ કરતા અને આજુબાજુ સીનીયર ફીઝીશીયન તરીકે એમનું નામ ખૂબ સારું હતું. ત્યાં ઘરે જ ખીંટીનો સહારો લઈ બાટલો ચડાવી દીધેલો. મારા બાપાને સ્ટ્રોક આવ્યો હતો અને જાણે ગાઢ નિંદ્રામાં સૂતા હોય તે રીતે ખાટલામાં સુવાડ્યા હતા. માત્ર શ્વાસોશ્વાસનો અવાજ સંભળાતો હતો. બીજું કશું જ ભાન નહોતું. બન્ને ડોક્ટરો મને બહાર લઈ ગયા અને પરિસ્થિતિની ગંભીરતા સમજાવતાં કહ્યું બચવાની શક્યતા માત્ર એક ટકો છે. જે થાય તે બધું જ આપણે કરીશું પણ મન મજબૂત રાખજે.
બધી વાતચીત કરીને ડોક્ટરો વિદાય થયા.
સામે ઢોલડી પર મારી મા બેઠી હતી
ધોળી પુણી જેવો ચહેરો અને સાવ શૂન્ય મનસ્ક.
મેં મારી મા ને ક્યારેય આવી નિઃસહાય અવસ્થામાં નહોતી જોઈ.
હું એની પાસે બેઠો
એણે મારા માથે અને બરડામાં હાથ ફેરવ્યો
ક્ષીણ અને તૂટક અવાજે એણે કહ્યું “ચિંતા ના કરીશ. બધું સારું થશે. મેં મારી આખી જીંદગી મા શક્તિ અને શંકરને પ્રાર્થના કરીને એક જ વસ્તુ માંગી છે. તમે બાપ અને દીકરો કુશળ રહો અને મને લઈ જાય. હું બેઠી છું ત્યાં સુધી એમને કાંઈ નહીં થાય.”
મારી મા નો અવાજ ક્ષીણ હતો પણ એ અવાજમાંની મક્કમતા મને ધ્રુજાવી ગઈ. ડાબી ફોડો કે જમણી મારે માટે કોઈપણ એક આંખ ગુમાવાની ઘડી આવી પહોંચી હતી.
તે દિવસે કોઈ ખાસ ઘટના ન ઘટી
બીજા દિવસના સૂર્યોદય સાથે જાણે કે ચમત્કાર થયો.
મારા બાપાની તબિયત થોડી થોડી સુધારા પર દેખાવા માંડી
પણ......
મારી મા બિમાર પડી
ધીરે ધીરે એની તબિયત બગડતી ચાલી
અને.......
એણે જે કહ્યું હતું તે કરી બતાવ્યું
એક બપોરે અમને બાપ-દીકરા બન્નેને પાછળ મુકી અખંડ સૌભાગ્યવતી પદમાબેન મોટા ગામતરે ચાલી નીકળ્યા. બપોરના લગભગ અઢી વાગ્યાનો સમય હતો. સુદ આઠમનો પુણ્યશાળી દિવસ. મારી મા ના ચહેરા પર પરમ શાંતિની ઝલક અને એક ગજબનું તેજ હતું.
છેલ્લી બાજી પણ એ જીતી ગઈ
એણે એનું ધાર્યું કર્યું
મારા બાપાનું મોત એણે પોતાના માથે લઈ લીધું
એનો સ્પષ્ટ આદેશ હતો – એની પાછળ કોઈપણ પ્રકારની રોકકળ નહીં કરવાની
એની ઈચ્છા હતી સરસ્વતીને કિનારે એનાં હાડકાં પડે તેવી
જીવતાજીવ તો એણે સતત સંઘર્ષ કર્યો પણ ખુદ્દાર રહીને
મૃત્યુ ?
એમાં પણ શરતો તો એની જ ચાલી.
મારી મા ના મૃત્યુના બરાબર તેર દિવસ થયા. તેરમા દિવસના શ્રાદ્ધ માટે જે રસોઈ બની તેમાંથી લાડુનો એક નાનો ટુકડો મારા બાપાએ પ્રસાદ રુપે બેઠા થઈને ખાધો.
આ પછી બરાબર દસ વરસ એ જીવ્યા.
લગભગ પંચાણું ટકા રીકવરી થઈ ગઈ
મારી સાથે જ રહ્યા.
મને લાગે છે 1980થી 1990 સુધીના એમનાં આયખાનાં દસ વરસ એ મારી માનું બેલેન્સ નીલ કરીને ટ્રાન્સફર થયેલાં વરસો હતાં.
હવે કહો જોઈએ.......
કોઈ કોઈનું મૃત્યુ પોતાને માથે લઈ શકે ખરું ?
બાબર અને હુમાયુંનો દાખલો એ મારે માટે ઈતિહાસ હતો
મારી માનો કિસ્સો એ મારો વર્તમાન છે.
કહેવાય છે ઈતિહાસનું પુનરાવર્તન થાય છે
History Repeats Itself
આ કિસ્સામાં પણ કંઈક આવું જ બન્યું હશે ને ?