૨૦૨૧નું વરસ મારા માટે અગણિત આપત્તિઓનું વરસ હતું. ૧૬ માર્ચથી એની શરૂઆત થઈ. મારી જીવન સંગીની સુહાસિની મને અલવિદા કહીને ઈશ્વરમાં ભળી ગઈ. ત્યારબાદ મે મહિનાથી શરૂ કરીને સતત હોસ્પિટલનો મહેમાન બનતો રહ્યો. બાયપાસ સર્જરી કરાવી, એમાંથી હજુ પૂરેપૂરો બહાર નીકળ્યો નહોતો ત્યાં બેધ્યાનપણામાં ઠોકર વાગી અને ખાસ્સું પાંચેક ફૂટ ઊછળી પછડાયો. ઘૂંટણ, હાથની કોણીઓ અને બંને પગે ખૂબ વાગ્યું. ભગવાનની એટલી કૃપા કે માથામાં ઇજા ન થઈ પણ આ ઇજાઓ ઘણી ગંભીર હતી. વળી પાછા હોસ્પિટલના મહેમાન. આ બધું ચાલતું હતું તે દરમિયાન જ ગેસ્ટ્રોએન્ડોલોજીસ્ટની સલાહ પ્રમાણે શરીરમાં કોઈ ગાંઠ કે અન્ય તકલીફ હોય તો તેનું નિદાન કરવા કોલોનોસ્કોપી અને એન્ડોસ્કોપી માટે ફરી પાછા હોસ્પિટલને હવાલે. પણ હજુ કાંઈક તો બાકી હતું. થોડા દિવસો બાદ મેં મારી યાદદાસ્ત સંપૂર્ણપણે ગુમાવી, કશું જ યાદ નહોતું. મારો પરિવાર અને ડોક્ટરો અત્યંત ચિંતામાં હતા. છેવટે નિદાન થયું સોડિયમ ડેફીસીયન્સીનું. નક્કી કરેલી સ્પીડથી નસમાં ઇન્જેક્શન ૨૪ કલાક ચાલુ. ધીરે ધીરે સુધારો થતો ગયો. તો પણ ખાસ્સો સમય ગયો. હું સાચા અર્થમાં સિરનામા વગરનો કાગળ બની ગયો. મારું નામ પણ મને યાદ નહોતું. મને કોઈપણ પ્રશ્ન પૂછવામાં આવે તો એનો મનઘડંત જવાબ આપી દેતો. અમદાવાદની હોસ્પિટલમાં રહીને જીદ કરતો કે મને વડોદરા શું કરવા લાવ્યા છો? પાછા ઘરે લઈ જાવ! આ કપરા સમયમાં મને મારા ચિકિત્સકોની કાળજી અને હૂંફ મળી. એટલે જ હૂંફ અને કાળજી મારા પરિવારની મળી. મારા મિત્ર કમલેશ દલાલ પણ રાત્રે હોસ્પિટલમાં જ સુઈ જતા. આમ કરતાં કરતાં લગભગ ઓક્ટોબર મહિનો આવી ગયો. દાક્તરી સલાહ મુજબ ફિઝિયોથેરાપીની કસરત અને રોજ ચાલવાનું એ વ્યાયામ થકી હવે ફરીથી સાજા થવાની દડમજલ ચાલુ થઈ. પ્રવાસ અને મોટી સંખ્યામાં મુલાકાતીઓને મળવા સામે મારા તબીબોની સ્પષ્ટ ના હતી. હવે રિકવરી ઝડપથી થઈ રહી હતી. ક્યારેક નાનોમોટો ખોટકો આવી જાય પણ સરવાળે બધું સારું થઈ રહ્યું હતું. એમ કરતાં ૨૦૨૧નું વરસ પૂરું થયું અને એની સાથે જ મારી મુશ્કેલીઓ પણ લગભગ પૂરી થઈ.
શિવ, સાંઈ અને શક્તિમાં મારા વિશ્વાસે એવું તો મનોબળ પૂરું પાડ્યું કે હવે ઢીંચણની કેટલીક ઈજા સિવાય હું પૂર્વવત સાજો થઈ ગયો છું.
મુસીબતો આવે છે ત્યારે એકલી નથી આવતી પણ એના સગાસંબંધીઓ, મિત્રો બધાને લઈને તમારા પર ત્રાટકે છે. ૨૦૨૧ના એ વરસે મને માણસનું શરીર કેટલું પાંગળું છે અને મનોબળ કેટલું મજબૂત હોઈ શકે, સાથે કોઈ પણ દૈવી શક્તિમાં વિશ્વાસ તમારા જીવનની સંજીવની બની શકે એ બધી બાબતોના સાક્ષાત્કાર પછી ઈસવીસન ૨૦૨૧નું વરસ પૂરું થયું. આજે ૨૦૨૨ના જુલાઈ મહિનામાં છીએ.
આ ગાળા દરમિયાન એક કરતાં વધુ વખત મોતના સાક્ષાત્કારથી માંડી ઘણા બધા અનુભવોમાંથી પસાર થયો. આજે લગભગ સ્વસ્થ છું.
માંદગીના આ લાંબા ગાળામાં મારા મિત્રો અને શુભેચ્છકોએ આ દરમિયાનમાં સતત મારી ચિંતા કરી. ઘણા મિત્રોને રૂબરૂ મળવા આવવું હતું પણ મને દાક્તરોએ ના કહી છે એ વાત સમજીને એમણે પોતાની શુભકામનાઓ મને મોકલી આપી. આ બધાનો હું આભારી છું.
છેલ્લાં કેટલાંક સમયથી ઘણા બધા મિત્રોનો આગ્રહ હતો કે એક સ્નેહસંમેલન જેવું રાખીએ જેથી બધા જ હિતચ્છુઓને એક જ સાથે મળી શકાય. આ લાગણીના પડઘા રૂપે તારીખ ૧૦ જુલાઈ ૨૦૨૨ ને રવિવારે સિદ્ધપુર ખાતે કાલુપુર તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરના હોલમાં આ શુભેચ્છા સમારંભ રાખ્યો છે. મારા શુભેચ્છકોમાં ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને નેતાઓનો ખૂબ મોટો વર્ગ છે પણ સાથોસાથ ‘તુલસી હીલમીલ ચાલીએ, નદી નાવ સંજોગ’ની ભાવનાને આત્મસાત કરીને જીવ્યો છું. કોઈપણ વ્યક્તિ માંદગીમાં હોય અથવા નાનુંમોટું કામ લઈને આવે ત્યારે મારે આંગણે સાંકેત હાઉસના પગથિયાં ચડેલ કોઈપણને રાજકીય વિચારસરણીથી પર જઈને મુશ્કેલીમાં મેં મદદ કરી છે. ભલે ભારતીય જનતા પક્ષની વિચારસરણી સાથે ન જોડાયા હોય તેવા અનેક શુભેચ્છકો પણ મારી માંદગીના સમય દરમિયાન મારી ખબરઅંતર પૂછતા રહ્યા છે. આ બધા જ ને કોઈ હિચકિચાટ ન થાય તે માટે આયોજકોએ આ સ્નેહ સંમેલનને માત્ર શુભેચ્છા મિલન પક્ષાપક્ષીથી દૂર રહીને કરવા માટેનું નક્કી કર્યું. એના સંદર્ભે આપણે રવિવારે ૧૦ વાગે તારીખ ૧૦ જુલાઈ ૨૦૨૨ના રોજ સિદ્ધપુર, હાઇવે રોડ કાલુપુર તાબાના સ્વામિનારાયણ ભગવાનના મંદિરના પ્રાંગણમાં મળીશું.
૯ અને ૧૦ જુલાઈ અત્યંત અગત્યની પ્રદેશ કારોબારીની બેઠક સુરત ખાતે છે. એમાંથી આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી ચંદ્રકાંતભાઈ પાટીલે મને ખૂબ જ સહૃદયતા અને ઉદારતાપૂર્વક મંજૂરી આપી છે. એમનો આભાર માનવાનો કેમ ભુલાય.
આ સ્નેહમિલન મારા માટે તમારો ઋણસ્વીકાર કરવાનો પ્રસંગ છે. સિદ્ધપુર તાલુકા તેમજ સરસ્વતી તાલુકાના સિધ્ધપુર વિધાનસભા મત વિસ્તારના ગામોના સહુ કાર્યકર મિત્રો તેમજ મારા શુભેચ્છકોને મારો મારા પ્રસંગને દીપાવવા હાજરી આપવા ખુલ્લુ નિમંત્રણ છે. માણસનો સંબંધ હંમેશા માણસાઈ સાથે શોભે છે. ૨૦૨૧ના આખા વરસ દરમિયાન જે જે લોકો મારી પડખે રહ્યા છે, જેની હૂંફ અને પ્રાર્થનાઓને કારણે હું લગભગ મોતના દરવાજે ટકોરો મારી પાછો આવ્યો છું એ સહુને –
‘અહેસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો
યે દિલ તુમ્હારી યાદ કા મારા હૈ દોસ્તો’
ની ભાવનાને હૃદય ધરી હું તમને મળવા માગું છું, તમારો આભાર માનવા માંગું છું.
મળીએ ત્યારે ૧૦ જુલાઈ ૨૦૨૨ની મધુર સવારના ૧૦ વાગે.
હું આવું છું...
તમે આવશો ને?
રાહ જોઈશ...