આજથી સવાસો વરસ પહેલાં સિદ્ધપુરમાં થયેલ પશુબલિ સાથેનો સોમયજ્ઞ
યજ્ઞ-યજ્ઞાદી થકી દેવતાઓને રીઝવવાનો માર્ગ આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે.
સમ્રાટ અશોકના જીવનકાળ દરમ્યાન કલિંગનું મહાયુદ્ધ લડાયું.
અશોક (રાજ્યકાળ ઈ.સ. પૂર્વે ૨૬૮-૨૩૨) પ્રાચીન ભારતમાં મૌર્ય વંશનો રાજા હતો
કલિંગના યુદ્ધમાં થયેલો નરસંહાર જોઈ તે વ્યથીત થઇ ગયેલો અને આ કારણે તેણે શાંતિની શોધમાં બૌદ્ધ ધર્મનો સ્વિકાર કર્યો. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેણે બુદ્ધના ઉપદેશને આચરણમાં પણ લાવવા પ્રયત્ન કર્યો. તેણે શિકાર તથા પશુહત્યાનો ત્યાગ કર્યો, બ્રાહ્મણો અને સંન્યાસીઓને ખુલ્લા હાથે દાન-ધર્મ કર્યા, જનકલ્યાણ અર્થે ચિકિત્સાલય, પાઠશાળા અને રસ્તાઓનું નિર્માણ કર્યું.
ત્યારબાદ યજ્ઞોમાં પણ પશુબલિ અપાતો બંધ થયો. અત્યારે યજ્ઞમાં બલિના પ્રતિક રૂપે કૂષ્માંડ એટલે કે કોળું વધેરાય છે. પણ જેમાં મોટા પ્રાણીઓનું બલિદાન અપાય તેવો સોમયજ્ઞ જે બ્રાહ્મણની ત્રણ પેઢીમાં પણ થાય તે દુ:બ્રાહ્મણ કહેવાય. એવી પણ માન્યતા પ્રવર્તે છે, એવું કહેવાય છે કે જેમ ૧૭ અથવા ૨૪ અથવા ૨૫ સંસ્કાર મનાય છે તેમ વાસ્તવિક સંસ્કાર ૪૮ છે અને સોમ સંસ્કાર તેમાંનો સંસ્કાર છે.
સિદ્ધપુરમાં ઇ.સ. ૧૮૯૩માં સોમયજ્ઞ થયો હોવાનો ઉલ્લેખ સુદર્શન ગદ્યાવલિ કે જે શ્રી મણિલાલ ન. દ્વિવેદી દ્વારા લિખિત અને હિંમતલાલ છોટાલાલ પંડ્યા અને પ્રાણશંકર ગૌરીશંકર જોશીએ ઇ. સ. ૧૯૦૯માં પ્રકાશિત પુસ્તકના પાના નંબર ૨૯૦ થી ૨૯૩ વચ્ચે આનું વર્ણન આપેલું છે.
માર્ચ ૧૮૯૩ એટલે કે આજથી ૧૨૫ વરસ પહેલા સિદ્ધપુરમાં રાજમાન ગણપતરામજી અગ્નિહોત્રીના યજમાન પદે થયો હતો જેનું વર્ણન સુદર્શન ગદ્યાવલિના પાન ૨૯૦ થી ૨૯૩ વચ્ચે નીચે મુજબ આપેલું છે.
સિદ્ધપુરમાં સોમયજ્ઞ
ફાલ્ગુન શુક્લ પુર્ણિમાએ અવભુથસ્નાન થઈ જેની સમાપ્તિ થઈ તે સોમયજ્ઞ સિદ્ધપુરમાં થયો છે. એવા જ સોમયજ્ઞ આગળ, એટલે કે પાછલાં પચીશ વર્ષમાં ભરૂચ અને વ્યાસમાં પણ થયા હતા. હાલ જે સોમયજ્ઞ થયો તેમાં પશુનો બલિ આપવામાં આવ્યો હતો અને હુતશેષનું પ્રાશન યજમાન તથા ઋત્વિજોએ કર્યું હતું એ વાર્તા વર્તમાનપત્રોમાં ચર્ચાનો વિષય થઈ પડી છે. સોમયજ્ઞના સ્વરૂપ વિષે અત્ર કાંઇ લખવાનું નથી. તે તો જેને જોવું હોય તેને દા. હૌગે પોતાના ઐતરેય બ્રાહ્મણના ભાષાંતરમાં સારી રીતે વર્ણવેલું છે ત્યાંથી જોઈ શકાશે, પરંતુ પ્રકૃત ચર્ચાને અંગે જ કાંઈક લખવાનો ઉપક્રમ છે.
પશુહોમ અને હુતશેષનું પ્રાશન એ વાતથી યજમાનની જ્ઞાતિના વિપ્રો આરંભે નાખુશી હતા પણ અવભુથને દિવસે તો તે સર્વેએ ભેગા થઈ યજ્ઞનારાયણ આગળ શાલ, પાઘડી અને રૂપિયા ભેટ કરી, પોતાની સંમતિ અને પ્રસન્નતા દર્શાવી હતી. વળી યજ્ઞમાં જે ઘણા વિદ્વાન વૈદિક બ્રાહ્મણો (ગુજરાતી તેમ દક્ષિણી) ભેગા મળ્યા હતા તેમના કહેવામાં તો એવો સ્પષ્ટ ઉદઘોષ હતો કે આ યજ્ઞકર્મ અશાસ્ત્ર કે અયોગ્ય છે, એમ જેને વિવાદ કરવો હોય તે આવો; છતાં કોઈએ તે પ્રમાણે વિવાદ કર્યો નથી. સાંભળ્યા પ્રમાણે વૈષ્ણવ સંપ્રદાયના પ્રસિદ્ધ શ્રી દેવકીનંદનાચાર્યજી પણ ત્યાં પધારવાના હતા, જો કે તેમના સંપ્રદાયમાંના દોલોત્સવની તિથિ સંબંધે મુંબઈમાં વિવાદ ઉઠવાથી તે આવતા અટકી ગયા હતા. કોઈ પ્રસંગે પ્રખ્યાત ભારત માર્તંડ શ્રી ગટ્ટુલાલજીએ પણ આ યજ્ઞ કર્મ વિષે પોતાની પૂર્ણ અભિરુચિ બતાવેલી એમ આ લખનારને સ્મરણ છે. એ યજ્ઞમાં સોમપાન, સોમહોમ, અને પશુહોમ, એ મુખ્ય કર્મ છે, અને અગ્નિહોત્રી વિના અન્યને તે કરવાનો અધિકાર નથી. યજમાન રા. ગણપતરામજી ઘણા નૈષ્ટિક શ્રોત્રિય અગ્નિહોત્રી છે. અને વેદકર્મ ઉપર બહુ શ્રદ્ધાવાળા હોઈ, સૂત્રામણિ આદિ યજ્ઞ કરવાનો આગળ ઉપર, ઈશ્વરેચ્છાએ વિચાર રાખે છે. સૂત્રામણિમાં સોમને સ્થાને સુરા વપરાય છે, અને પશુ પણ સોમ કરતાં પંચ ષડ્ગુણ લેવાય છે.
કેટલાકની જે એવી તકરાર છે કે આવા પશુમેધનો કલિયુગમાં નિષેધ છે. તે વાત ખરી નથી. “अग्निहोत्रं गवालम्भं संन्यासं पलपैतृकम्। देवराच्च सुतोत्पति: कलौ पञ्च विवर्जयेत्” એ પારાશર સ્મૃતિનું વચન છે, પણ તેમાં સ્પષ્ટ નિષેધ પશુમેધ માત્રનો નથી, પણ તેનો એકદેશ જે ગોવધ મધુપર્કાદિમાં થતો તેનો, અને શ્રાદ્ધમાં માંસપિંડ અપાતા તેનો, નિષેધ છે; અને જે પાંચ વાતનો એકંદરે એ વાક્યમાં નિષેધ છે તેમાંનાં અગ્નિહોત્ર અને સન્યાસ તે તો દેવલ સ્મૃતિના વચનથી (यावद्वर्ण विभागोऽस्ति यावद्वेदः प्रवर्तते । अग्निहोत्रं च सन्यासंतावत्कुर्यात्कलौयुगे) કલિમાં પણ કરવાની આજ્ઞા છે. એટલે આ આધાર ઉપરથી તો આ યજ્ઞકર્મને કશો બાધ આવતો નથી. વળી નવીન કલ્પનાને અનુસરનારા આર્ય સમાજીઓ વેદરાશિગત દેવતાવાચક પદમાત્રનો અર્થ એક તટસ્થ ઈશ્વર જ કરવાની મમતા રાખે છે, અને પશ્વાદિવાચક શબ્દોનું પણ અન્યથાલાપન કરવાની યુક્તિ સાધે છે, તે પક્ષને અનાદિ પરંપરાથી ચાલતો આવતો શ્રૌત સંપ્રદાય જ ખોટી પાડવાને પૂર્ણ છે. અર્થાત શાસ્ત્રવચનથી આ યજ્ઞકર્મને નિષિદ્ધ ઠરાવી શકાય એવું લાગતું નથી. આર્યલોકો પ્રાત:કાલે ઊઠીને બીજે પ્રાત:કાલે ઊઠે ત્યાં સુધીનાં કાર્યમાત્ર વેદ અને સ્મૃતિ અનુસારે ચલાવે છે, એટલે કે શ્રુતિ એ જ તેમને તો સર્વથા સ્વત:સિદ્ધ પ્રમાણ છે. તે શ્રુતિથી આ યજ્ઞકર્મને આધાર હોય, કે જે છે, તો તેને શાસ્ત્રદ્રષ્ટિથી તો નિષિદ્ધ કર્મ કહેવાય જ નહીં.
ત્યારે યુક્તિનો આશ્રય કરવો એ જ શરણ રહ્યું. પણ યુક્તિમાં એ ધાર્મિક આર્યોના તો એ જ સિદ્ધાંત છે કે શ્રી મનુએ કહ્યું છે તેમ, યુક્તિ વેદશાસ્ત્રાવિરોધીની હોવી જોઈએ તેવી કામ્યકર્મમાત્રની કોટિ ઉતરતા પ્રકારની જ થઈ અને જેનું ફળ સ્વર્ગ છે એવાં યજ્ઞાદિ તે કામ્ય કર્મમાં સમાય તો બાધક કાંઇ જણાતું નથી, જે જે કામ્યકર્મો છે તેના સાધક અમુક દેવતા રહે છે. અને તે દેવતાને આકર્ષવા માટે અમુક પ્રકારના હુતદ્રવ્યની અપેક્ષા રહે છે તો સોમાદિ યજ્ઞ જે કામ્યકર્મમાં સમાય છે તેમાં પણ કામનાને લઈ જે દેવતાનું આકર્ષણ ઇષ્ટ હોય તેને માટે અમુક માંસાદિનો હોમ હેવાનો સંભવ છે. અર્થાત એ કર્મ વેદવિહિત છતાં કામ્યકર્મ છે, અને જે કશી કામના ન રાખતા હોય તેમને સર્વથા વર્જ્ય છે. એમ પોતાની મેળે જ શાસ્ત્રોની પૂર્વાપર સંગતિથી સિદ્ધ થાય છે. કામનાને અંગે પશુવધાદિ કરવો પડે તે અમુક સ્વાર્થને લઈને કરવામાં આવતું કર્મ જેવું ગણાય તેવો ગણાય તો તેમાં શાસ્ત્રનો કાંઈ બાધ જાણતો નથી.
આ પ્રકારે મારા મનમાં આ યજ્ઞ સબંધે તર્ક ઉઠેલા છે, જોકે તે બધા નિશ્ચયરૂપ છે એમ હું કહી શકતો નથી. આ સંબંધે એક-બે બ્રાહ્મણગ્રંથોનો સૂક્ષ્મ અભ્યાસ કરવાની મને ઈચ્છા છે તે સિદ્ધ થયા પછી મારા વિચારો આ વિષયમાં વધારે ચોક્કસ થઈ શકશે. પરંતુ હાલ તુરંત જે દિશાએ તે વિચારોનું વલણ છે તે દર્શાવી, ચાલતી ચર્ચામાં તેથી કાંઈ સહાય મળે અથવા એ વિષયના વિદ્વાનો તે ઉપર કાંઇ વધારે અજવાળું પાડે, એ હેતુથી પ્રદર્શિત કર્યા છે. મને એવી પણ શંકા થયાં કરે છે કે જે જે સકામ કાર્યએ બધાં વામ જ ગણવાં જોઈએ અને આ યુગની પહેલાંના યુગમાં આટલાન્ટિઅન લોકો થઈ ગયા, જેમનામાં રાવણાદિનો સમાસ છે, તેમના અતિ વિપુલ અને પ્રબલ વામપ્રયોગોમાંથી, આપણા વેદ રાશિમાં પણ, કેટલીક કામ્યક્રિયાઓનાં વિધાન દાખલ થયાં હોય તો કાંઇ આશ્ચર્ય જેવું નથી; અને ઋષિઓએ વેદવિહિત તે વામ નહીં અને વેદવિહિત નહીં તે વામ, એવો ભેદ પછીથી પાડી દીધો હોય તો તે પણ બનવા સરખું છે. બાકી મદ્ય માંસના ઉપયોગ પરત્વે ક્રિયાનું તુલ્યત્વ છતાં વેદવિહિત સકામ કર્મ તે સાચું અને વેદવિહિત નહીં એવું સકામ તાંત્રિક કર્મ તે ખોટું એ વિષય વિભાગને યુક્તિનો કશો આધાર નથી, વચનમાત્રથી માનવાની વાત છે. (માર્ચ ૧૮૯૩)