વૈશાખનંદન
કહેવાય છે માણસને પોતાના નાક નીચે નથી દેખાતું. પોતે જે પ્રાપ્ત કરે એની કિંમત બીજા કોઈ કરે ત્યારે એ પણ એમાં જોડાઈ જાય છે.
એણે શું મેળવ્યું એના કરતાં એને શું નથી મળ્યું એની ચિંતા એ વધુ કરે છે.
હાઈસ્કૂલમાં અમારા સંસ્કૃતના શિક્ષક એક દ્રષ્ટાંત કહેતા. વાર્તા કંઇક આ પ્રમાણેની હતી.
ચોમાસુ આવે, વરસાદ પડે, ચારે બાજુ લીલોતરી છવાઇ જાય.
મબલખ ઘાસ ઉગી નીકળે છે
ઢોર-ઢાંખરને મોટી રાહત થઇ જાય.
થોડાક મહિના માટે તેમના ચારાના પ્રશ્નની ચિંતા ઉકલી જાય.
ઢોર-ઢાંખરને મજા પડી જાય.
આ કારણથી દૂધની આવક વધે.
પણ.....
આ બધા રાજીપા વચ્ચે એક પ્રાણી દૂબળું પડે
એ પ્રાણી એટલે ગધેડો.
સાહેબ કહેતા કે આ લીલાછમ ચારા વચ્ચે ઊભું ઊભું ગધેડું ચિંતા કરે કે આ ચારો બીજું કોઇ ખાઈ તો નહીં જાય ને ?
આ ચિંતામાં મોઢે આવેલો કોળિયો એ જમે નહીં.
ચોમાસામાં જ્યારે બધાં પ્રાણીઓ તાજાંમાજાં થાય ત્યારે ગધેડું દૂબળું પડે.
આથી ઊલટું......
જ્યારે વૈશાખ મહિનામાં ધોમધખતો તાપ પડતો હોય.
શરીરને બાળી નાખે તેવી લૂ ફૂંકાતી હોય.
લીલોચારો સુકાઈ ગયો હોય
ત્યારે બરાબર
ઉકરડામાં ગાય, બળદ કે ભેંસે છોડી દીધેલાં રાડાં(ડોકા) પડ્યાં હોય.
ગધેડું નિરાંતે એને પાંચ પકવાન સમજીને ખાય.
હાશ ! આ રાડાં બીજું કોણ ખાવાનું હતું તે ચિંતા થાય
એટલે ઉનાળામાં જ્યારે દુધાળા ઢોરનું દૂધ સુકાય અને ઢોર દુબળાં પડે ત્યારે ગધેડું તાજુંમાજું થાય અને એટલે
ગધેડાનું બીજું નામ વૈશાખનંદન પડ્યું.
વૈશાખનંદન એટલે વૈશાખ મહિનામાં જેને આનંદ થાય તેવું આનંદ ઘેલું પ્રાણી એટલે કે ગધેડાની જેમ કોઈક ખાઈ જશે એની લાયમાં પોતે ન ખાય.
કોઈ તક ઝડપી જશે એની લાયમાં પોતે હીજરાયા કરે.
હાથમાં કે નિકટમાં આવેલી તક પોતાને ના મળેતો કાંઇ નહી. બીજા ના લઈ જાય.
એ ભાવનાથી જીવે એને વૈશાખનંદન કહેવાય ??