૧૮ ઑક્ટોબર, ર૦રર, ડૉ. તેજસ પટેલની એપેક્ષ હાર્ટ ઇન્સ્ટિટયૂટ (હૉસ્પિટલ)ના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં લગભગ દોઢથી બે કલાક બેસીને ગામગપાટા માર્યા ત્યારે એ દર્દી અત્યંત ખુશમિજાજમાં હતા. મેં એમને કહ્યું કે, સંપૂર્ણ નિદાન થઈ જાય અને ત્યાર બાદ એ માટેની પૂરી ટ્રિટમેન્ટ લીધા વગર અમદાવાદ છોડવાનું નથી. એમને આગળની ટ્રિટમેન્ટ હૃદયરોગની નહોતી લેવાની પણ આંતરડાંમાં અલ્સર જેવી તકલીફ અને બીજી કેટલીક બીમારીઓની લેવાની હતી. ત્યાર બાદ એન્જીઓગ્રાફી કરવાની હતી જેથી હૃદયને લગતી જે કંઈ બીમારી હોય તેનું નિદાન અને ઉપાય કરી શકાય. આ માટે આગળની બધી જ વ્યવસ્થા મેં સારામાં સારા ડોક્ટર સાથે કરી અને જ્યારે આ વિગતોની જાણ કરવા માટે મેં ડૉ. તેજસ પટેલની હૉસ્પિટલમાં ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે, આ દર્દી તો ડિસ્ચાર્જ લઈને ઘરે જવા નીકળી ગયા હતા. એમની બીમારીઓ વિશે મને ખ્યાલ હતો. એની ગંભીરતા પણ હું જાણતો હતો અને એટલે મારા મનમાં ધ્રાસકો પડયો કે આ ભાઈએ આવું ખોટું સાહસ શા માટે કર્યું હશે? મને ત્યારે પણ ખ્યાલ નહોતો કે કંઈક અજૂગતું બનવાનું છે. મેં મારા મોટા દીકરા સમીરને વાત કરીને બીજે દિવસે સવારે એમને તાત્કાલિક અમદાવાદ બોલાવી હૉસ્પિટલમાં દાખલ થાય તેવી સૂચના આપી. થોડોક સમય વીત્યો હશે અને પાછો એનો ફોન આવ્યો કે કંઈક તકલીફ થઈ હતી અને એમને ત્યાં ઉપલબ્ધ હતી તે સવલત મુજબ મહેસાણા ખાતે જેમનું ફિઝિશિયન તરીકે સારું નામ છે એવા એક ડૉક્ટરની સલાહ મુજબ હૃદયરોગની ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે. માંડ કલાક દોઢ કલાક વીત્યો હશે ત્યાં વળી પાછો સમીરનો ફોન આવ્યો કે એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. મને હવે આ કેસની ગંભીરતા દીવા જેવી સ્પષ્ટ થતી જતી હતી. મારાથી એક નિસાસો નખાઈ ગયો!
આ ક્ષેત્રના ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટ ફિઝિશિયન કે હૃદયરોગના ઇન્ટેસીવીસ્ટ એટલે કે ક્રિટિકલ કેરના નિષ્ણાત જેમનો માત્ર અમદાવાદમાં જ નહીં ભારતમાં નંબર આવે તેવા ડૉક્ટરો મારા મિત્રવર્તુળમાં આવે. બધાને મેં વાત કરી, એક જ જવાબ હતો, વી વીલ ડુ અવર બેસ્ટ. સિવિલ હૉસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી અને યુ. એન. મહેતા કાર્ડિયોલૉજી ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર ડૉ. આર. કે. પટેલ બંનેએ મને સધિયારો આપ્યો. આ બધી તૈયારી કરી અને હું ઘરે ગયો અને આ સમાચાર મળ્યા તે છેલ્લે મારા પરમ સ્નેહી અને મિત્ર અને દિલોજાન દોસ્ત અમને સૌને છોડીને ચાલી નીકળ્યા.
આ બીજો પ્રસંગ હતો, નસીબ જીત્યું અને હું હાર્યો. આજથી લગભગ દોઢ વર્ષ પહેલાં સુહાસિનીને બચાવવા માટે મેં કોઈ ઉપાય બાકી નહોતો રાખ્યો. આકાશ પાતાળ એક કર્યું હતું. છેવટે, બાબા પાસે પણ ખોળો પાથર્યો હતો. પણ... હું હાર્યો. એને બચાવી ના શક્યો.
આ બીજો પ્રસંગ હતો જ્યારે સારામાં સારા બધા જ ડૉક્ટરો મારા મિત્રો હતા. અડધી રાત્રે બોલાવું તો ઊભા રહે તેવા આ મિત્રો મદદ કરવા તૈયાર હતા. આ ભાઈને અધવચ્ચેથી ડૉ. તેજસ પટેલની હૉસ્પિટલ જેવી સલામત જગ્યા છોડીને સિદ્ધપુર જવાનો કોઈ મતલબ નહોતો. પણ સિદ્ધપુર, એનું ફાર્મ (બાગ), એ ઘોડાઓ અને એ જગ્યા કદાચ અંતિમ ક્ષણોએ એમને પોકારી રહ્યા હતા. મને બીજી વાર નિયતિએ ક્રૂરતાથી તમાચો માર્યો. મારી પાસે આવતા ભલભલી તકલીફવાળા દર્દીઓ મેં બાબાની દુવા કરી અને પત્ર લખી આપ્યો તેઓ બચી ગયા છે પણ મારા આ સ્વજન, સાંસારિક સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો મારા મોટા દીકરાના સસરા, મારી મોટી પુત્રવધૂના પિતા અને મારા વેવાઈ કરતાં પણ વધુ એવા દોસ્ત, જેની સાથે કોઈ પણ વાત કરી શકાય, ગમે તેવા પ્રસંગને જે હળવાશમાં પલટાવી શકે, ક્યારે એ ક્યાં હોય એનો કોઈ વર્તારો ના કરી શકાય. ભ્રમણ કરવું અને તે પણ કોઈ ઘોડાઓના શોમાં ભાગ લેવા કે પછી ઘોડા ખરીદવા માટે એમણે અનેક વખત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતથી માંડી રાજસ્થાન અને હરિયાણાની ભોમકા પગ તળેથી કાઢી નાખી હતી એવા કિરીટભાઈ નટવરલાલ ઠાકર તા. ૧૯ ઑક્ટોબરની મધરાતે અમને છોડીને મોટા ગામતરે ચાલી નીકળ્યા.
કિરીટભાઈ એક સોલિસીટર હતા, વેદ-પુરાણોની માંડીને શાસ્ત્રોના સંદર્ભ મોઢેથી ટાંકી શકે એવા વિદ્વાન, બહોળું વાચન, પોતે ધારે તે કરે એવી હિંમત અને બિનજરૂરી સામાજિક રૂઢિઓમાં નહીં બંધાવાની એમની પ્રતિબદ્ધતા, જે જે ક્ષેત્રમાં ગયા તેમાં ટોચ પર પહોંચ્યા. અજમેરા એન્ડ કંપની સાથે એમને ઘરોબો. બાંધકામ અને જમીનને લગતા બધા જ કાયદાના એ નિષ્ણાત. પણ પૂરેપૂરા મનમોજી. કિરીટભાઈની કાયદા નિષ્ણાત તરીકેની તેમજ બાંધકામ ક્ષેત્રના એક અગ્રણી જાણકાર તરીકેની આબરૂ બહુ મોટી.
પોતાના પિતાનું એ ત્રીજા નંબરનું સંતાન. એમના નાના ભાઈ ગિરીશભાઈ, જેને આજે પણ સિદ્ધપુર એક જવાંમર્દ અને ઝિંદાદિલ માણસ તરીકે ઓળખે છે. એમના મોટાભાઈ અને મારા સહાધ્યાયી હર્ષદભાઈ અને એમનાથી મોટા ધર્મેન્દ્રભાઈ, આ ચારેય ભાઈઓમાં ક્યારેક મતભેદ થાય પણ એકબીજાની તકલીફમાં બધા એક. આજે પૂજ્ય નટવરલાલ ઠાકરના હજુ બે દિવસ પહેલા સુધી અત્યંત કાર્યરત એવા જીવિત સંતાનોમાં છેલ્લા શ્રી કિરીટભાઈએ વિદાય લીધી. જાતે અળગા રહેવાનો સ્વભાવ અને પોતે વિચિત્ર છે એવી છાપ જાણી જોઈને ઊભી કરવાની અને એ પાછળ પોતાના સાચા વ્યક્તિત્વને સંતાડી દેવાની એમની આવડત. કોઈ માણસ મુશ્કેલીમાં હોય તો કિરીટભાઈની ગજવામાં હાથ નાખીને જેટલા રૂપિયા હોય તેટલા બાંધી મુઠ્ઠીએ તેને આપી દેવાની ટેવ. કિરીટભાઈ બેઠા હોય ત્યાં મહેફિલ જામે. નાના, મોટા, ગરીબ, તવંગર એવા કોઈ ભેદ એમના મનમાં નહીં. સિદ્ધપુર પછી એમનું કાર્યક્ષેત્ર મુંબઈ બન્યું. સોલિસીટરની મુશ્કેલ ગણાતી પદવી એમણે પ્રાપ્ત કરી. અનેક ચડતીપડતીઓ જોઈ. અનેકોએ એમની ભલમનસાઈનો લાભ લીધો જેનો હું સાક્ષી છું. પણ કિરીટભાઈના મોઢે ક્યારેય કોઈના વિશે કડવો કે ઘસાતો શબ્દ સાંભળ્યો નથી. અમે મળીએ ઓછું પણ મળીએ ત્યારે બે-ત્રણ કલાક ગામગપાટા ચાલે. બાકી ફોનથી વ્યવહાર.
કિરીટભાઈ સિદ્ધપુર આવ્યા હોય ત્યારે એમની દીકરીને અને એથી આગળ જઈએ કહું તો એમની દીકરીની દીકરી એટલે કે દોહિત્રી વિહાને મળવા અચૂક આવે. કિરીટભાઈના સાસરિયાં પણ આમ્રપાલી (અમી) સાથે દીકરી જેવો વ્યવહાર રાખે. કલ્પનાબેન, મિનિબહેન બધાં જ પરિવાર સભ્યો ખૂબ જ માયાળુ. કિરીટભાઈનાં છેલ્લાં દર્શન ગઈકાલ તા. ર૦-૧૦-ર૦રર ને ગુરુવારે કર્યાં. કોઈ મહાયોદ્ધો સમરાંગણમાં નિશ્ચેતન થઈને પડયો હોય એ સ્થિતિ અને આમ છતાંય ચહેરા પર એકદમ સ્વસ્થતા.
કિરીટભાઈ પ્રમાણમાં વહેલા ચાલ્યા ગયા. એવું કહેવાય છે કે, જેની અહીં જરૂર છે તેની ત્યાં પણ જરૂર છે. મારા સાવ અંગત કહી શકાય એવા મિત્રોમાંથી વળી એક ઓછો થયો પણ એક જ્યોત બીજી જ્યોતમાં મળી જાય તે રીતે. જાણે કે જીવ પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય જ્યોતમાં ભળી ગયો. આટલું દુઃખ આપણને થાય છે, કારણ કે આપણે હજુ પણ આપણા જ સ્વાર્થને વાગોળીએ છીએ પણ જનાર આત્મા તો પ્રમાણમાં સાવ નગણ્ય કહેવાય એવા ક્ષણ માત્રના દુઃખ સાથે હૃદય બંધ થઈ જતાં પરમ માર્ગે ચાલી નીકળ્યો. ના તેણે કોઈની પાસે ચાકરી કરાવી કે ના હૉસ્પિટલોમાં ઇન્જેક્શનો અને બીજી વેન્ટિલેટર જેવી સારવારોનું દુઃખ વેઠયું. એક ઝબકારો થયો અને કિરીટભાઇનો આત્મા ઈશ્વરના તેજપુંજમાં ભળી ગયો, ઉત્તમમાં ઉત્તમ મેડિકલ સેવાઓ અને ડૉક્ટરની ઉપલબ્ધિ હોવા છતાં.
આને નસીબ કહેવાય. કિરીટભાઈ એક મુત્સદ્દી અને વ્યૂહરચનાકાર હતા. એ મોતને જીતવા દે ખરા? એક જવાંમર્દ વ્યક્તિત્વ, જેણે સિદ્ધપુરને દેશના ખૂણેખૂણા સુધી અશ્વપ્રેમીઓમાં એક જાણકાર તેમજ સારા સ્ટડફાર્મના માલિક તરીકેની કીર્તિ અપાવી. ઘોડા માટે એમને ગજ્જબનો પ્રેમ હતો. ચન્દ્રાવતી ફાર્મ એટલે કે બાગ કિરીટભાઈનું સરનામું. કોઈને પણ મળવું હોય એના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા. ચા પીવાવાળો ચા પીને જાય અને જમવાના ટાણે આવેલ માણસ જમીને જાય. કિરીટભાઈનો રોટલો અને આવકાર મોટો અને આ જ પ્રણાલી જ્યારે ગિરીશભાઈ હયાત હતા ત્યારે એમણે જાળવી રાખી એટલું જ નહીં, ત્યાર બાદ દક્ષાબહેને પણ એ સીલસીલો તૂટવા ના દીધો.
આ બાગ હતો અને બાગ એ એક નાનું રજવાડું હતું. નાના મોટા પ્રશ્નો માટે ચન્દ્રાવતીમાંથી ઘણા લોકો બાગમાં આવતા. બીજા ગામોમાંથી પણ આવતા. લગ્નના વરઘોડામાં ચન્દ્રાવતી બાગની ઘોડી હોય એટલે એને ચાર ચાંદ લાગી જાય. હવે ગિરીશભાઈ અને કિરીટભાઈ બંને નથી. સિદ્ધપુરની આ ગૌરવવંતી વિરાસત કેટલી જળવાશે એ તો સમય જ કહેશે.
આ ચારેય ભાઈ વચ્ચે એક જ દીકરો - અજીત ‘ગુરુ’. એકાએક હર્ષદભાઈ અને કિરીટભાઈના ચાલ્યા જવાથી વડીલ બની ગયો. શિક્ષણથી માંડીને ઘોડાઓ સુધીની અનેક જવાબદારીઓ અને ઠાકર કુટુંબના સાંસારિક વ્યવહારો એણે અને એના બંને વયસ્ક સંતાનોએ હવે નિભાવવાના છે. ઈશ્વર આ કામમાં અને નટવરલાલ જગન્નાથ ઠાકર પરિવારની શાનોશૌકત જાળવી રાખવામાં એને સહાય કરે એવું ઇચ્છીએ. કિરીટભાઈના દિવંગત આત્માના તેજપુંજને ઈશ્વર પોતાની દિવ્યજ્યોતિમાં સમાવી લે તેવી પ્રાર્થના કરીએ.
મારા મનમાં કોઈ શંકા નથી કે કિરીટભાઈના અવસાનથી સિદ્ધપુરે એનો એક સક્ષમ, જ્ઞાની તેમજ પાંચમાં પૂછાય તેવો સપૂત ગુમાવ્યો છે.
બાગ એટલે રજવાડું. મારા દીકરાની જાન જોડીને એના લગ્ન માટે હું ચન્દ્રાવતી ફાર્મમાં આવ્યો ત્યારે ગિરીશભાઈ અને કિરીટભાઈ - બંનેનો દબદબો આકાશને આંબે તેટલો હતો. લગભગ રપથી ૩૦ હજાર લોકો તે દિવસે જમ્યા હશે. ચન્દ્રાવતી અને આજુબાજુના ગામોએ આ આખોય ભાર એવી સરસ રીતે ઉપાડી લીધો હતો કે ક્યાંય ના અવ્યવસ્થા દેખાય કે ના કશું ખૂટે તેની રાડ પડે. આ લોકલાગણી અને આ લોકપ્રેમ સ્વયંભૂ હતા.
મુક્તિધામમાં અંતિમ વિદાય આપવા બાગમાંથી રવાના થયા ત્યારે આ બધાં દ્રશ્યો કચકડાની ફિલમની માફક નજર સામેથી પસાર થઈ રહ્યા હતા. આ એ જ રજવાડું હતું જ્યાંથી એનો સ્વપ્નશિલ્પી અને લાડકો દીકરો પંચમહાભૂતના બનેલા આ દેહ સ્વરૂપે આખરી વાર વિદાય લઈ રહ્યો હતો. કિરીટભાઈનો ખાલીપો અને ગિરીશભાઈની યાદ કદાચ હવે ચન્દ્રાવતીના આ બાગમાં જતાં મારા પગે સો-સો મણનો બોજ બાંધ્યો હોય એવો અહેસાસ કરાવશે પણ સાંસારિક સંબંધોએ બંધાયેલા છીએ એટલે ક્યારેક જવું તો પડશે જ અને ત્યારે આ મન અને લાગણીઓ અનરાધાર આંસુએ રોતી હશે.
નાની-શી પંક્તિઓ યાદ આવી જાય છેઃ
કાલ કા પહિયા ઘૂમે ભૈયા,
લાખ તરહ ઇન્સાહ ચલે,
કભી ચલે બારાત કો લેકર,
કભી બિના સામાન ચલે.
રામ-કૃષ્ણ હરિ; રામ-કૃષ્ણ હરિ.
‘વી એન્ડ ઓલ અવર ફેમિલી, શેલ ઓલવેઝ મીસ યુ.’
‘લવ યુ ફોર એવર માય ફ્રેન્ડ! મે ગોડ બ્લેસ યોર સોલ. યુ શેલ ઓલવેઝ લીવ ઇન માય મેમોરીઝ’
તમારી ખોટ તો નહીં પૂરી શકું પણ તમારી દીકરી અને હવે મારા ઘરે આવી ત્યારથી મારી દીકરી
આમ્રપાલી (અમી) અને વિહાને તમારી ખોટ શક્ય તેટલે અંશે નહીં પડવા દઉં.
અલવીદા દોસ્ત
વાત કરતા રહીશું, વિચારોના વૃંદાવનમાં.














