સુખે સાંભરે સોની અને દુ:ખે સાંભરે રામ
સુખકે સબ સાથી દુ:ખમેં ન કોઇ
આમ તો ગુજરાતીમાં કહેવત છે – સુખે સાંભરે સોની અને દુ:ખે સાંભરે રામ. જ્યારે ચઢતીનો સમય ચાલતો હોય ત્યારે દુનિયા આખીય ફૂલગુલાબી દેખાય, ધાર્યું નિશાન પાર પડે, પાણી માગે ને દૂધ હાજર થાય, પડ્યો બોલ ઝીલાય, પોતે જ્યાં ઊભો રહે ત્યાં લાઇન શરૂ થાય, ગામ આખું નાથિયો કહેતું હોય તે એકાએક નાથાલાલભાઈ કે નાથાલાલ શેઠ કહેવા લાગે, પાંચમાં પૂછાતા થવાય અને ત્યારે એવું લાગે કે આપણે મહાન છીએ, દુનિયા મારે લીધે ચાલે છે, આજુબાજુના બધા મારી સલાહ લેવા જ જન્મ્યા છે, બસ, હું એટલે જ સર્વસત્તાધીશ અને ચતુરાઇનો પર્યાય.
સમય સારો ચાલતો હોય ને ત્યારની આ વાત છે.
પણ એકાએક –
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી
એથી જ શાણા સાહેબીથી લેશ ફુલાતા નથી
આ તરજ વાગવા લાગે, સમય બદલાય
પાસા પોબાર પડતા હતા એને બદલે ઉલટા પડવા લાગે
જે કરો તે બધું ઊંધું થાય
આજુબાજુ મધમાખીની માફક વીંટળાઇને રહેતા કહેવાતા મિત્રો અને જીહજુરીયાઓનો ગણગણાટ શમી જાય
એકાએક બધું જ બદલાઈ ગયેલું લાગે
ગઈ કાલ સુધી નાથાલાલ શેઠ કહેવાવાળા વળી પાછો નાથિયો કહેતા થઈ જાય
ખુશામતખોરો નવું સિરનામું શોધી લે
અરે પોતાનો પડછાયો પણ સગો ના થાય
અને ત્યારે ખયાલ આવે કે સમય પલટાઈ ગયો છે
એકાએક ભાન થાય
સુખ કે સબ સાથી દુખમેં ન કોઇ
તેરા નામ હૈ સાચા દૂજા ન કોઇ
જીવન આની જાની છાયા
જૂઠી માયા જૂઠી કાયા
અને બરાબર ત્યારે જ કુદરતનો નિયમ આપણને સમજાય કે
ખીલે તે કરમાય છે સર્જાય તે લોપાય છે
જે ચઢે તે તે પડે એ નિયમ બદલાતા નથી
કાળની ગતી ગહન છે.
જેમ કઠપૂતળીના ખેલમાં પોતાની આંગળી સાથે બાંધેલી દોરીથી કલાકાર કઠપૂતળીને ધાર્યો નાચ કરાવે છે બરાબર તે જ રીતે ઉપરવાળો પણ આપણને નચાવે છે.
ફરક એટલો છે કે જ્યારે ચઢતીનો સમય હોય ત્યારે તો ઘણું બધું આવી મળે છે
પણ પડતીનો સમય આવે
દુ:ખ વેઠવાનું આવે
આપત્તિઓ ઘેરી વળે ત્યારે કોઇ સાથે ઊભું રહેતું નથી
જેને માથે વીતે છે તેને જ ખબર પડે છે.
આ સનાતન સત્યને સમજાવતી વાત મારા એક ફેસબુક મિત્રે મોકલેલી નીચેની પંક્તિઓમાં આબેહૂબ રીતે વર્ણવાઇ છે –
मुसीबत में कोई नहीं
सीता के राम थे रखवाले
जब हरण हुआ तब कोई नहीं
द्रौपदी के पाँच पाण्डव थे
जब चीर हरा तब कोई नहीं
दशरथ के चार दुलारे थे
जब प्राण तजे तब कोई नहीं
रावण भी शक्तिशाली थे
जब लंका जली तब कोई नहीं
श्री कृष्ण सुदर्शनधारी थे
जब तीर चुभा तब कोई नही
लक्ष्मण भी भारी योद्धा थे
जब शक्ति लगी तब कोई नहीं
शरशैय्या पर पड़े पितामह
पीड़ा का सांझी कोई नहीं
अभिमन्यु राजदुलारे थे
पर चक्रव्यूह में कोई नहीं
सच यही है दुनिया वालो
सँसार में अपना कोई नहीं
जो लेख लिखे उस मालिक ने
उस लेख के आगे कोई नहीं।
મુસીબતનો સમય તો જે તે વ્યક્તિએ જ વેઠવાનો હોય છે પછી ભલે તે ગમે તેટલી મહાન હોય
અને...
આવા સમયમાં એક માત્ર સહારો માલિકનો જ હોય છે.
એનું સાચી શ્રધ્ધાથી નામસ્મરણ એ જ મુસીબતને હળવી કરવા માટેનો સાચો રસ્તો છે.
અને એટલે જ...
સુખ કે સબ સાથી
દુ:ખમેં ન કોઇ
તેરા નામ હી સાચા
દૂજા ન કોઇ
રામ... હે રામ !!!