હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં
ગાંધી વિચારનું હાર્દ
યુદ્ધ માત્ર વિનાશ અને બરબાદી લાવે છે.
ગાંધીજી ગાંધીજી હતા. એમનું જીવન સહુ કોઈ માટે હતું. અને એટલે ગાંધીજી મારા, તમારા અને આપણા સૌના બની રહ્યા. ઈઝરાયલની એક નાની બાળકીને એની મા આશીર્વાદ આપે કે મોટી થઇને ગાંધી જેવી થજે અને એ બાળકી, જેણે કદીયે ગાંધી કે ગાંધીનો દેશ જોયો નથી એ, ગાંધીજીના ખોળામાં બેસીને રમવાનું જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તે, આદરણીય નારાયણભાઈ દેસાઈના હાથનો સ્પર્શ કરીને રોમહર્ષિત થઇ ઊઠે, નારાયણભાઈ દેસાઈના માધ્યમ થકી એ જાણે ગાંધીજી સાથે સંપર્કનો તાર જોડતી હોય એટલી ભાવવિભોર થઇ ઊઠે, જેની ભાષા હિબ્રુ છે એવી આ બાળકી સુધી ગાંધીવિચારની પ્રબળતા પહોંચે તો સહજ રીતે સમજી શકાય કે ગાંધી પોતાના યુગથી પર થઈ ગયા છે. એમનો યુગ ક્યારેય નહીં આથમે. ગાંધી વિચારસરણી, જે કહે છે –
સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું નવ સંઘરવું,
બ્રહ્મચર્ય અને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું.
અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવાં
એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં.
ગાંધીજીની એ નૈતિક તાકાત હતી કે ગુજરાત વિદ્યાપીઠ માટે મોટું દાન આપવા માંગતા શ્રેષ્ઠીઓને એ કહી શકે કે અસ્પૃશ્યતા ચાલુ રાખીને મને કોઈ આ દેશનું સ્વરાજ્ય એટલે કે આઝાદી આપતું હોય તો મને એ આઝાદી પણ નથી જોઈતી. ગરીબીને એમણે પોતાનો આદર્શ બનાવી સાદગી અને સંયમનાં ઘરેણાં પહેર્યા. સાધનશુદ્ધિ એ કોઈપણ મહાયજ્ઞમાં પાયાની જરૂરિયાત છે. પુરાણકાળમાં રાક્ષસો પણ મોટા મોટા યજ્ઞો કરતા પણ એમનો હેતુ માત્ર સ્વાર્થ રહેતો. પોતાનું વર્ચસ્વ વિસ્તારવાની ભૂખ અને અજેય બની રહેવાની ખેવના સાથે યજ્ઞ તો કરી શકાય પણ એ સાધનશુદ્ધિ અને હેતુશુદ્ધિ વગરનો યજ્ઞ રાક્ષસી યજ્ઞ બની રહે. એનું પરિણામ માત્ર પરપીડનમાં જ આવે.
મહાભારતમાં ડોકિયું કરીએ. દ્રોણ માટેના વૈરાગ્નિથી પીડાતા દ્રુપદે દ્રોણને હણી શકે એવા પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. પૂર્ણાહુતિ વેળાએ એણે આહુતિ આપી ત્યારે યજ્ઞકુંડમાંથી કવચ-કુંડલ-મુકુટ સાથે એક તેજસ્વીકુમાર બહાર આવ્યો, જે આગળ જતાં મહાભારતના યુદ્ધમાં દ્રોણને હણવાનો હતો. એનું નામ ધૃષ્ટધુમ્ન. યજ્ઞવેદીમાંથી એ પ્રગટ થયો એટલે આયોનિજાતા. દ્રુપદની સાધના સફળ થઇ એવું લાગે છે? વાત આટલેથી અટકતી નથી. પતિ બાદ દ્રુપદની પત્નીએ જ્યારે યજ્ઞકુંડમાં આહુતિ આપી ત્યારે એમાંથી એક શ્યામવર્ણી કન્યા પ્રગટ થઈ. એ શ્યામ વર્ણની હતી માટે શ્યામા તરીકે પણ જાણીતી થઈ. બરાબર ત્યારે જ યજ્ઞના પુરોહિત અયાજમુનિના મોટાભાઈ યાજમુનિએ આગાહી કરી, ‘દ્રુપદ, ક્ષત્રિયોના મહાસંહારનું કારણ તારે ત્યાં પેદા થઈ ચૂક્યું છે.’ સ્વાર્થ અને વેરભાવથી કરેલો કોઈ પણ યજ્ઞ સર્વનાશ તરફ લઈ જાય છે. એનો અંત મહાભારતના મહાયુદ્ધમાં આવે છે જેમાં બધું જ હોમાઈ જાય છે, વંશોના વંશ નાબૂદ થઈ જાય છે અને પાંડવો હિમાલયનો રસ્તો પકડે છે. યુદ્ધ જીતીને પણ હારી જાય છે.
ગીતાના ઉપદેશની શરૂઆતમાં અર્જુનવિષાદ યોગ આવે છે જેમાં અર્જુને શ્રીકૃષ્ણને સ્પષ્ટ કહ્યું હતું કે મારી સામે ઊભેલા મારા સ્વજનો, કાકા, મામા, ભાઈ, પિતામહ અને ગુરુઓને મારીને મને જો સ્વર્ગનું રાજ્ય મળતું હોય તો પણ એનો ખપ નથી. શ્રીકૃષ્ણ અવતારી પુરુષ છે. જે રીતે દ્રૌપદીનું કામ મહાસંહારના નિમિત્ત બનવાનું છે એ રીતે એમણે પણ એમનો યુગધર્મ નિભાવવાનો છે. એ અર્જુનને યુદ્ધ માટે ઉશ્કેરે છે, પૂરી રીતે જાણવા છતાં પણ કે આ બધા જ કાળના મુખમાં હોમાઈ જવાના છે. પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે અને અવશ્યમભાવિ શું છે તે સમજાવી અર્જુનને એનું કર્મ કરવા પ્રેરે છે. મહાભારતમાં ખૂબ બળુકાં પાત્રો છે, શ્રીકૃષ્ણ છે જે સ્વયં ભગવાનનો અવતાર છે, મહાપરાક્રમી અને અજેય યોદ્ધા ભીષ્મ પિતામહ છે, દ્રોણ અને કૃપાચાર્ય જેવા શ્રેષ્ઠ અને વીર બ્રાહ્મણો છે, કર્ણ, દુર્યોધન, ભીમ અને અર્જુન જેવા મહાયોદ્ધાઓ છે, અશ્વત્થામા છે, અને પેલો ધૃષ્ટધુમ્ન પણ છે. લાખોની સેનાઓ બંને બાજુ ખડકાઇ છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે ભીષ્મ, દ્રોણ કે શ્રીકૃષ્ણ, આ ત્રણમાંથી એકે પણ જો ધાર્યું હોત તો પરિણામ બદલી શક્યા હોત. પણ એ નથી થતું.
કલિંગનું મહાયુદ્ધ સમ્રાટ અશોક જીત્યો તો ખરો પણ એનો મહાસંહાર જોયા બાદ એણે કાયમી ધોરણે અહિંસાનો માર્ગ સ્વીકાર્યો. એ ભગવાન બુદ્ધને શરણે ગયો. પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બોધિવૃક્ષની ડાળી સાથે સિલોન અને બ્રહ્મદેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા મોકલ્યા. ખૂનખરાબાનો ત્યાગ અને શાંતિ અને અહિંસાનાં સ્વીકારે સમ્રાટ અશોકને અમર કરી દીધો સાથે હિંદોસ્તાનમાંથી નીકળીને સહનશીલતા, શાંતિ અને અહિંસાનાં માર્ગ સાથે બૌદ્ધ ધર્મ છેક ચીન અને જાપાન સુધી ફેલાયો. અશોકનું આ હ્રદયપરિવર્તન ગાંધીની આ વાત સાથે સંપૂર્ણપણે સુસંગત છે. મહાભારતના યુદ્ધ પછી પાંડવો પણ રાજ્ય કરવા નહોતા રોકાયા. એમણે હિમાલયની વાટ પકડી અને ત્યાં જ ખપી ગયા. આ યુદ્ધના મહાનાયક ભગવાનનો અવતાર એવા શ્રીકૃષ્ણનો જરા નામના પારધીનાં બાણ થકી દેહોત્સર્ગ થયો. એમનો આખો વંશ નજર સામે જ કપાઈ મુઓ. યુદ્ધ ઉન્માદ લાવે છે. એક લડાઈ જીતો એટલે બીજી જીતવાની અને જગત ઉપર શાસન કરવાની, કાયમી ધોરણે રાજ્યકર્તા બની રહેવાની ઘેલછા ઊભી કરે છે જેનો આખરી અંત વિનાશ અને સત્યાનાશમાં આવે છે.
યુદ્ધ ક્યારેય શાંતિ નથી લાવી શકતું. પહેલું વિશ્વયુદ્ધ, બીજુ વિશ્વયુદ્ધ અને વિયેતનામ, કોરિયા, અખાતના દેશો, અફઘાનિસ્તાન વિગેરે આના આદર્શ ઉદાહરણ છે. યુદ્ધનો અંત તબાહીથી જ આવે છે. યુદ્ધ લડવાની ગુલબાંગો ફેંકનાર પોતે વીર હોઈ શકે પણ વીર તરીકે અમરત્વ પામવાના એમના મોહમાં કે પછી પાંચ ગામડાં તો શું પાંડવોને સોયના ટોચકા પર ચડે એટલે જમીન પણ નહીં આપું, એવા અભિમાનમાં રાચતા રાજનેતાઓ મહાવિનાશનું કારણ બને છે. હિટલરથી માંડી અનેક ઉદાહરણો આજના આધુનિક યુગમાં મોજૂદ છે. એક સમયે ત્રીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળશે તેવી દહેશત ઉભી કરનાર ક્યુબા આજે એના એ સમયના કટ્ટર દુશ્મન અમેરિકા સાથે મૈત્રી અને સુમેળભર્યા સંબંધ સ્થાપી ચૂક્યું છે. પૂર્વ અને પશ્ચિમ બર્લિન વચ્ચેની દીવાલ જેણે અનેકોનો ભોગ લીધો તે આજે ધ્વસ્ત બનીને એક સમૃદ્ધ અને અખંડ જર્મનીના ઇતિહાસમાં વિલીન થઈ ગઈ છે. ઉત્તર અને દક્ષિણ કોરિયા તો ક્યારેય ભેગાં થાય જ નહીં એવું માનનારો વર્ગ હતો. થોડા સમય પહેલા દક્ષિણ કોરિયાના પ્રમુખની ઉત્તર કોરિયાની મુલાકાત અને ઉત્તર કોરિયામાં એમનું થયેલ સ્વાગત આપણા સૌ માટે રાહતનો દમ ખેંચવાનું નિમિત્ત બન્યાં છે. ભારત અને ચીન એક સમયે તો પંચશીલના સિદ્ધાંતોથી જોડાયાં, ચીનના વડાની મુલાકાત સમયે ભારતના વડાપ્રધાન અને મહેમાને શાંતિના દૂત જેવાં સફેદ કબુતર ઉડાડ્યાં અને પછી હિન્દી-ચીની ભાઈ-ભાઈ ને બદલે હિન્દી-ચીની ધાંય-ધાંયનું ૧૯૬૨નું યુદ્ધ ખેલાયું. ભારત બહુ નાલેશીભરી રીતે હાર્યું. પંડિત જવાહરલાલ નેહરુની પંચશીલની થીયરીને મરણતોલ ફટકો પડ્યો. કદાચ નેહરુ એ ફટકાના આઘાતને કારણે વહેલા ચાલ્યા ગયા. પાકિસ્તાન અને ભારતનું યુદ્ધ થયું, તાસ્કંદ સમજૂતી લાલ બહાદુર શાસ્ત્રીને ખાઈ ગઈ. યુદ્ધ માત્ર વિનાશ જ લાવે છે. શાંતિ જોઈતી હોય તો ગાંધી માર્ગે જ ચાલવું પડશે. ગાંધીવિચાર અને ગાંધીમાર્ગ એ નબળાઇનો માર્ગ નથી. ગાંધીવિચાર તંત્ર અને તત્ત્વમાં વહેંચાયેલો છે. રેંટિયો, ખાદી, શૌચકુવા એ તંત્ર છે. તંત્ર જે તે સમયે પ્રસ્તુત હોય છે. કદાચ ગાંધી આજે જન્મ્યા હોત તો તેમણે ખાદી કે રેંટિયાની વાત ના કરી હોત.
પણ ગાંધીજી એક મોટા અર્થશાસ્ત્રી પણ હતા.
બ્રિટીશ ઉદ્યોગ ભારતના બજાર પર નભતો હતો.
સ્વદેશીએ બ્રિટનની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ તોડી.
માંચેસ્ટર – શેફીલ્ડ - ખાદીનો વિચાર
ગ્રામોદ્યોગ અને ગ્રામોદ્વાર
ધીરેન મજુમદાર - નટવર ગાંધી - નાનાજી દેશમુખ
જેવાં અનેક નામ આ ગાંધી વિચારની દેન છે.
નેલ્સન મંડેલા - માર્ટીન લ્યુથરકીંગ જેવા અનેકે ગાંધી વિચારનું ઋણ સ્વીકાર્યું
શ્યુમેકરે એપ્રોપ્રીએટ ટેકનોલોજીની વાત કરી.
પણ આપણે?
વૈશ્વીકરણના વારસદારો બન્યા.
પ્રશ્ન એ નથી કે આપણે વિદેશમાંથી કશું લેવું જ નહીં? અથવા લેવું એ ખોટું છે?
પ્રશ્ન એ છે માત્ર વૈશ્વિકરણના નામે દેશના હિતમાં નથી એવી વાતો શ માટે સ્વીકારવી?
સાંપ્રત પરિસ્થિતિ પર કટાક્ષ કરતાં મુસાફિર પાલનપુરી લખે છે –
‘લૂંટાઈ રહી છે એશની લ્હાણી વિદેશમાં !
જેને જુઓ; કરે છે ઉજાણી વિદેશમાં !
એવો સમય પણ આવશે કે આગ લાગતાં
લેવા જશે આ સેવકો પાણી વિદેશમાં !’
આજે અમદાવાદના રસ્તા પર નીકળું છું તો ચાર રસ્તે કેટલાક ટાબરીયાં રમકડાં વેચતાં દેખાય છે.
પોતાના પેટનો ખાડો પુરવા આ ગરીબ બાળકો મથામણ કરે છે.
આપણી પૂરી સહાનુભૂતિથી એમની સાથે હોવી જોઈએ.
આઝાદીનાં ૭૦ વરસ કરતાં વધુ સમય બાદ પણ આપણે કેમ આ સ્થિતિમાં છીએ?
આઝાદી વખતે આપણી જેટલી વસતી હતી બરાબર એટલી જ વસતી આજે આ દેશમાં ગરીબીની રેખા નીચે જીવે છે.
લગભગ એટલી જ વસતી આજે ભારતમાં નિરક્ષર છે.
ભૂખમરાની ઇન્ડેક્સ એટલે કે હંગર ઇન્ડેક્સમાં આપણે ૧૧૭ દેશોમાં ૧૦૨મા ક્રમે છીએ, તળિયેથી માત્ર ૧૫ ક્રમ ઉપર. ક્યાંક આપણી ભૂલ થઈ છે.
ચીનનાં આ રમકડાં ૫૦ થી માંડી ૧૦૦ રૂપિયા સુધી વેચાય છે.
અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી છું, સાથે નાણાં વ્યવસ્થાપન પણ ભણ્યો છું.
ઉદ્યોગ મારો વિષય છે અને વેપારવણજ સાથે જોડાયેલો રહ્યો છું.
એટલે સ્વાભાવિક રીતે મનમાં પ્રશ્ન થયો કે પચાસ રૂપિયાના રમકડાંમાંથી આ બાળક કેટલું કમાતો હશે?
મેં એક રમકડું ભાવતોલ કરવા ખરીદ્યું અને એને પૂછ્યું કે ‘છોરા! તને કેટલા મળે?’
એણે જવાબ આપ્યો, ‘દહ રૂપિયા સાયેબ’.
એને જેણે ૪૦ રૂપિયામાં આપ્યું છે એ ચોથા સ્તરનો સેમી હોલસેલર હશે.
એના ઉપર ગુજરાતનો જથ્થાબંધ વેપારી હશે.
એના ઉપર આ માલ ચીનથી આયાત કરનાર આયાતકાર હશે.
આ બધાનો નફો ચડતાં ચડતાં મારા હાથે ૫૦ રૂપિયામાં જો રમકડું આવે અને એમાંથી પેલો છોકરો દસ રૂપિયા કમાય તો ચીનના વેપારીએ તો ૧૦ રૂપિયાથી વધારે કિંમતે આ રમકડું નહીં જ વેચ્યું હોય.
આટલી નીચી કિંમતે વેચી શકાય તો એ ચીની ઉત્પાદકની ઉત્પાદન કિંમત કેટલી હશે?
ભારતના પ્રમાણમાં સારી કહી શકાય એવી ગુણવત્તાવાળું આ રમકડું જો ચીનનો ઉત્પાદક બનાવી શકતો હોય તો આપણે ત્યાં કેમ નથી બનતું?
આ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય બજારમાં જે રમકડાં વેચાય છે તે લાવીને આપણે ત્યાં એનું ઉત્પાદન થાય એ માટેની વ્યવસ્થા કેમ નથી ગોઠવતા?
બીજા વિશ્વયુદ્ધ પછીનું જાપાન બધી રીતે પડી ભાગ્યું હતું.
એણે વિશ્વના ઉત્પાદનોની નકલ કરી બજારમાં મૂક્યાં.
એક જમાનામાં નબળી અથવા ખરાબ ગુણવત્તા માટેનો પર્યાય મેડ ઇન જાપાન ઉત્પાદન હતું.
આજે ગુણવત્તાસભર ઉત્પાદનમાં જાપાન વિશ્વમાં પોતાનું આગવું સ્થાન અને માન ભોગવે છે.
નથી લાગતું આ દેશની આર્થિક નીતિઓ મૂળભૂત રીતે પરિવર્તન માંગે છે?
મારા દેશમાં જે બની શકે છે તે મારા દેશમાં જ બનશે એવો જુસ્સો અને જુવાળ ઉદ્યોગસાહસિકોમાં હોવો જોઈએ.
આ ઉત્પાદનો તેઓ બનાવી શકે એવા પ્રોત્સાહનો અને હેન્ડ હોલ્ડીંગ એટલે કે હાથ પકડીને ચલાવવાનું કામ સરકારી નીતિ અને તંત્રએ કરવાનું છે.
ચીનના રમકડાં, પિચકારીઓ, પિસ્ટલ, તુક્કલ, પતંગ ઉડાડવાના દોરા, આ બધી જ વસ્તુઓ આ દેશમાં આયાત થતી હોય અને વેચાણ થતી હોય તો આપણા સૌનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ.
આપણે પણ આ માલસામાનની ખરીદી કરી પાપના ભાગીદાર બનીએ છીએ એટલે ગ્રાહક તરીકે આપણું નૈતિક બળ પણ એટલું નીચું છે.
પણ એથી વિશેષ તો આ નીતિઓના ઘડતર માટે જે તંત્ર છે, મસમોટા પગારો, સવલતો અને સત્તા ભોગવતા બાબુઓ આટલા સ્વકેન્દ્રીય અને સંવેદનહીન હોઈ શકે?
અને નીતિના ઘડવૈયા જેમની સરકાર ચાલે છે એ બધા જ રાજકીય પક્ષો, કોઇપણ અપવાદ વગર, એમનો દેશના ઉદ્ધાર માટે સર્વસંમત કોઈ કોમન એજન્ડા કે પ્રોગામ ખરો? કે પછી વંશવાદ, જાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ કે રાષ્ટ્રવાદના નામે લોકોને એક યા બીજા પ્રકારના નશામાં ડૂબેલા રાખી સત્તાની ભાગબટાઈ અને ક્યાંક ફ્રેન્ડલી મેચ. ગમે તે ભોગે આ દેશની પ્રજાનું સત્વ ચૂસીને પોતે કાબૂ જાળવી રાખવો અને માલેતુજાર બનવું, સાત પેઢી ખાતાંય ન ખૂટે એટલો ધનસંગ્રહ ભેગો થાય એવું કરવું. શું પ્રજાના પ્રતિનિધિઓની સંવેદનશીલતા સાવ મરી પરવારી છે?
તો આ દેશની પ્રજા કે ગરીબોનું ક્યારેય કલ્યાણ નહીં થાય. મધ્યમ, ઉચ્ચ મધ્યમ અને નીચલો વર્ગ, એ જીવે છે કે પછી ગાલે તમાચો મારીને મોં લાલ રાખે છે એ તો એ વર્ગમાંથી આવનાર જ જાણે પણ એમના નામે આ દેશની ૭૦ ટકા કરતાં વધુ સંપત્તિ માત્ર ૧૦ ટકા માલેતુજારો ભોગવે છે. અર્થવ્યવસ્થાના એ ઘડવૈયા છે. સરકારી નીતિઓને એ પોતાની અનુકૂળતા પ્રમાણે મોડ આપી શકે એવા બળવાન છે. રાજકીય પક્ષોને એમની ગરજ છે કારણ કે એમને એ પોષે છે. આ ૧૦ ટકા ધનકુબેરો અને તેમના ઈશારે ચાલતા મોટાભાગના રાજનેતા અને પરિવારો ક્યારેક વિચાર પણ વિચાર કરતા કરી મૂકે છે કે શું ગાંધી, ભગતસિંહ, વલ્લભભાઈ, નેહરુ, સરદારસિંહ રાણા, શ્યામજી કૃષ્ણ વર્મા, ચંદ્રશેખર, સુખદેવ, સુભાષચંદ્ર બોઝ અને એવા કેટલાય નામીઅનામી લોકોએ દેશની આઝાદીના યજ્ઞમાં ક્યાંક લાંબો જેલવાસ વેઠીને તો ક્યાંક પોતાની જાતની આહુતિ આપીને બ્રિટિશરોના દમન સહીને જે તપશ્ચર્યા કરી હતી તે એળે ગઈ છે? ગાંધીજીની વાત કરી તો આ સંદર્ભમાં એક દાખલો ટાંકવાનું મન થાય છે –
૧૯૨૨માં બાપુને છ વરસની સજા થઈ. બાપુને યરવડા જેલમાં મોકલવામાં આવ્યા. જેલમાં બાપુને એપેન્ડીસાઈટીસ થયું. ઓપરેશન માટે તેમને સાસુન ઈસ્પિતાલમાં ખસેડાયા. ઈસ્પિતાલમાં તો ઈસ્પિતાલના જ કપડા પહેરવા પડે જે વિલાયતી હતા. નિયમ મુજબ દરદી પોતાના કપડા પહેરી ન શકે. એક દિવસ સરકાર તેમને છોડી મુકે છે તેવો હુકમ આવ્યો. ડાક્ટરની સલાહ હજી થોડા દિવસ રોકાવાની હતી. બાપુ રોકાયા તો ખરા પણ પેલા વિલાયતી કપડા બદલીને પોતાના કપડાં પહેરી લીધા.
આજે તો રાજનેતાઓ અને સરકારના મોટા મોટા બાબુઓને કોઈ કાયદા લાગુ પડતા જ નથી. ઊલટાનું જેમ માણસ મોટો એમ કાયદો તોડવાની એની ક્ષમતા મોટી એ વાત પ્રસ્થાપિત થઈ ગઈ છે અને આ દેશની ભાગ્ય ઉપર આધારિત રહેનાર પ્રજાએ એ સ્વીકારી પણ લીધું છે. ‘હશે! જેવા મારા નસીબ’ એ એમના જીવનનો કેન્દ્રવર્તી વિચાર છે.
જ્યારે યયાતિ સંસ્કૃતિ એટલે કે બીજાનું પણ ખાઈ જવું. પોતાના દીકરા સુદ્ધાંને નહીં છોડવા એ સત્તાધારીઓ, બાબુઓ અને ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓનો અબાધિત અધિકાર બની ચૂક્યો છે. પોતે કેટલું વાપરે છે, કેટલો ખરચ કરે છે તે સમૃદ્ધિનું અને મોભાનું પ્રતીક બન્યું છે.
આજનો જમાનો ઉપભોક્તાવાદને પોષે છે.
મેં યયાતિ સંસ્કૃતિની વાત કરી. યયાતિ રાજાએ વરદાન માંગ્યું હતું કે એના પુત્રોનું યૌવન એને મળે.
પરિણામ?
એ યુવાન બન્યો.
પુત્રો અકાળે વૃદ્ધ બન્યા.
આજના સમયમાં જ્યારે ઉપભોક્તાવાદ અને જેટલા વાળી શકાય એટલા ધનના ઢગલા પોતાના માટે વાળી લેવાની હોડ આ દેશના ૧૦ ટકા કરતા ઓછા લોકોમાં જાગી છે ત્યારે કોઈ ફિલસૂફે કહ્યું છે –
‘વી હેવ નોટ ઇનહેરીટેટ ધીસ અર્થ
વોટ વી આર ડુઈંગ ઈઝ બોરોઇંગ ફ્રોમ ધ માઉથ ઓફ ફ્યુચર જનરેશન’
આપણે આપણી આવતી પેઢીને બરબાદ કરવાની સંસ્કૃતિના વારસદાર બની ચૂક્યા છીએ.
આજે ચાલી રહ્યું છે તેનું સુંદર વર્ણન માર્ક ટલી, જે એક સમયે બીબીસીના પ્રતિનિધિ તરીકે ભારતમાં કામ કરતા હતા, તેમણે તેમના પુસ્તક ‘ફ્રોમ રાજ ટુ રાજીવ’ પુસ્તકના એક પ્રકરણ ‘નેતાબાબુરાજ’માં લખ્યું છે–
‘હવે સૌ કોઈ પોતાના માટે આવે છે.
દેશસેવા કરવા માટે જાહેરજીવનમાં આવતા હોય કે પછી સ્વૈચ્છિક સંસ્થાઓ ચલાવતા હોય
એવા આંગળીને વેઢે ગણાય એટલા પણ નથી.’
હું અગાઉ ક્યાંક લખી ચૂક્યો છું, ચર્ચિલ એક જમાનાનો બ્રિટનનો અત્યંત પ્રભાવી અને લોકપ્રિય વડાપ્રધાન, કોઈ જ્યોતિષ નહોતો.
પણ ભારતને સ્વતંત્રતા આપીએ તો શું થાય એ વિશે એમણે બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કૉમન્સમાં ૬ઠ્ઠી માર્ચ, ૧૯૪૭ના રોજ કહ્યું છે –
“Power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low caliber and men of straw. They will have sweet tongues and silly hearts. They will fight amongst themselves for power and India will be lost in political squabbles.” (Ref: https://vadakkus.com/2013/06/20/winston-churchill-india-independence/)
આનો ભાવાર્થ થાય, ‘સત્તા ગુંડાઓ, ઉચ્ચકાખાઓ અને સમાજવિરોધી તત્ત્વોના હાથમાં જશે. ભારતીય નેતાઓ હલકું પોત ધરાવતા (લો-કેલિબર) અને સાવ માટીપગા હશે. મીઠી જબાન અને ખંધુ હ્રદય ધરાવતા આ નેતાઓ સત્તા માટે અંદરઅંદર બાખડશે અને ભારત બંદરબાંટમાં ખોવાઈ જશે.’
ચર્ચિલની આગાહી જાણે-અજાણે સાચી પડી રહી છે.
જાહેરજીવન આજે સિદ્ધાંતવિહોણું, સ્વકેન્દ્રી અને સત્તા લોલુપ બન્યું છે.
જાહેરજીવન એટલે કે રાજકારણ આગળ ‘ગંદુ’ શબ્દ લાગે એટલું એનું અધ:પતન થયું છે.
રાજનેતા અને બાબુઓ સાથે મતલબી સંબંધો રાખનાર વચેટિયાઓને એક વર્ગ ઊભો થયો છે જે એમને પાળે છે અને પોષે છે. આ વર્ગ ભારતના અંગ ઉપર લાગેલ ઝેરી જીવાત જેવો છે.
ભારતનું અંગ અને એનો આત્મા એની પ્રજા છે.
એ પ્રજા શોષાતી જાય છે, એના ચહેરાનું નૂર ઊડી ગયું છે.
પણ પેલા વહીવટદાર અને માલેતુજારો વધુ ને વધુ તગડા થતા જાય છે.
સાધનશુદ્ધિની જે વાત ગાંધીએ કરી છે અને પોતાના ગુજરાત વિદ્યાપીઠના પ્રોજેક્ટમાં સિદ્ધાંતોને ભોગે કોઇ પણ પ્રકારનું દાન કે પછી રમણલાલ બેન્કર નાટક કરીને પૈસા ઊભા કરે એવી નટવૃત્તિમાંથી ઉભા કરેલા નાણાં કદાચ ગાંધીજીને સ્વીકાર્ય નથી. ગાંધીજી માને છે કે નાટક જોવા આવનાર કલાને બિરદાવે છે એને છેતરીને ગુજરાત વિદ્યાપીઠ માટે નાણાં લઈ શકાય નહીં.
આ ગાંધી છે.
બસ અહીં જ અલ્પવિરામ.