featured image

આમ તો રામપુર ખાસ મોટું ન કહી શકાય એવું ગામ. પ્રમાણમાં સુખી. શહેરની નજીકમાં એટલે વેપાર ધંધા કે નોકરી માટે સારું એવું સ્થળાંતર શહેર ભણી થયેલું. કેટલાંક કુટુંબો તો પરદેશ પણ વસવાટ કરે.

નિવૃત્ત જીવન ગુજારતા બે મિત્રો રમણલાલ અને સોમાભાઇ આ ગામમાં વસવાટ કરે. બંનેને સંતાનમાં એક દીકરો. દીકરીઓ પરણાવી દીધી. સાસરે સુખી. સોમાભાઇનો દીકરો રમેશ એન્જિનિયર થયો અને પછી બેએક વરસ અહીંયાં નોકરી કરી અમેરિકા ગયો ને ત્યાં જ સ્થાયી થઈ ગયો. રમણભાઈનો દીકરો થોડો નાનો. હજુ હમણાં મહિનાએક પહેલાં એનાં લગન થયાં. એ પણ ગ્રેજ્યુએટ અને શહેરમાં એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરીમાં લાગેલો. રમણભાઈ અને તેમનાં પત્ની અને એ જ રીતે સોમાભાઇ અને એમનાં પત્ની તેમજ હમણાં જ જેનાં લગન થયાં એ સતીશ અને નવી નવી પરણીને સાસરે આવેલી એની પત્ની નેહા, એમ ચારનું કુટુંબ.

સોમાભાઇ અને રમણલાલ બંને મિત્રો હતા અને તેમાંય હવે નવરાશનો સમય ગાળવા એમને એકબીજાની કંપની માફક આવી ગયેલી. રોજ સાંજે ચારેક વાગે ગામના ગોંદરે આવેલ રામજી મંદિરના પરિસરમાં આ બંને અચૂક ભેગા થાય. વિશ્વથી માંડી દેશમાં અને છેક પોતાના ગામ સુધી બનેલી નાનીમોટી ઘટનાઓ વિશે વાત કરે. કોઈક દા’ડો બીજા પણ કોઈ વડીલ એમાં જોડાય તો આ મંડળી સાંજે છ-સાડા છ સુધી ગામગપાટા મારે અને ત્યારબાદ આરતીની ઝાલર વાગે એટલે મંદિરમાં આરતી કરી પછી સૌ સૌના ઘરે જાય. ક્યારેક એકબીજાના કુટુંબ વિષેની વાત પણ ચર્ચામાં આવી જાય.

આજે કાંઈક એવું જ બન્યું હતું. રમણલાલ રોજના સમયે આવ્યા તો ખરા પણ ચહેરો સહેજ ઉદાસ હતો. સોમાભાઇની અનુભવી આંખોના એક્સરેમાં આ વાત પકડાયા વગર રહે ખરી? રમણલાલ હાશકારો કરીને બાંકડે બેઠા એટલે થોડી વાર પછી સોમભઇએ હળવેકથી વાત છેડી. ‘શું ભાઈ. આજે કંઈક ઉદાસ દેખાવ છો? શેની ચિંતા છે, હવે તો સતીશને પણ પરણાવી દીધો?’ સોમભઇના આ પ્રશ્નની જાણે રાહ જોતાં હોય તેમ એક ઊંડો નિ:શાસો નાખી રમણલાલે કહ્યું, ‘જવા દો ને યાર ! આમ જુઓ તો વાતમાં કાંઇ ભલીવાર નથી પણ ક્યારેક સરસ મજાનો શીરો ખાતા હોઈએ અને એમાં કાંકરી આવી જાય તો જે સ્થિતિ થાય તેવું લાગણીઓમાં પણ થઈ જતું હોય છે.’

‘કેમ શું થયું?’ વાતનો દોર પોતાના હાથમાં લેતાં સોમભઇએ પૂછ્યું, ‘ચોખવટથી કાંઈક કહો તો ખબર પડે.’

રમણલાલે કહ્યું, ‘તમે જાણો છો સોમભઇ, સતીશને આપણે હમણાં જ પરણાવ્યો. છોકરી પણ સારા ઘરની છે. નેહા આમ તો સંસ્કારી છે અને થોડો સમય રહી તેમાં ધીરે ધીરે ઘરનો વહીવટ પણ સંભાળી લેશે એવો વિશ્વાસ પણ બંધાયો છે. હમણાં એ બંને ઉત્તર ભારતમાં મસુરી અને હિમાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાએ ફરવા ગયાં છે. મસુરીના કેટલાક ફોટા સતીશે આજે ફેસબુક પર મૂક્યા છે એ અમે જોયા. એમાં એક ફોટામાં એણે નેહાને ઊંચકી લીધી છે. એ ફોટા નીચે એણે લખ્યું છે – ‘ફૂલ જેવી કોમળ અને હળવી મારી જીવનસંગિની નેહા.’ આમ તો આમાં કાંઇ નવું નથી. છોકરાં છે, યુવાન છે અને અત્યારનો જમાનો પણ આપણા જમાના કરતાં વધુ છૂટછાટ આપે છે. એટલે આ ફોટા સામે કોઈ વાંધો ના હોઇ શકે. પણ અમે બંને બધા ફોટા જોતાં હતા એમાં આ ફોટો જોઈને તમારી ભાભીની આંખ જરા ભીની થઈ ગઈ. મને ખબર ન પડે એ રીતે એણે ચૂપચાપ આંખનો ખૂણો લૂછી નાખ્યો. પણ આટલા વરસોનો અમારો સાથ. હું એમ કાંઇ થોડો ચૂકી જાઉં? મેં પૂછ્યું કેમ શું થયું? ત્યારે શરૂઆતમાં ‘કાંઇ નહીં’ કહીને એણે વાત ટાળી દીધી, ખૂબ કહ્યું ત્યારે એણે કહ્યું કે ‘જવા દો, કહેવામાં કંઇ માલ નથી.’ પણ હું કાંઇ થોડો એમ છોડી દઉં? છેવટે વાત કઢાવીને જ રહ્યો.’

‘એવી તો શી વાત હતી કે ભાભી દુ:ખી થઈ ગયાં? ઉલટાનું દીકરોને પુત્રવધુની ખુશી જોઈને તો એમણે ખુશ થવું જોઈએ.’ સોમભઇએ કહ્યું.   

થોડી વાર રોકાઈને ગળું ખોંખારીને રમણલાલે કહ્યું, ‘સોમભઇ, સાવ નાની વાત છે. રસોડામાં તેલ થઈ રહેવા આવ્યું હશે એટલે તમારાં ભાભીએ સતીશને કહ્યું કે માળીયેથી ડબો ઉતારીને આપને ભાઈ, મને કમરમાં દુ:ખે છે નહીં તો હું ઉતારી લેત.

અને સતીશે ધડાક દઈને મોંએ ચોપડાવ્યું, ‘કામવાળા પાસે ઉતરાવી લે. ટેબલ પર ચઢીને આટલો વજનદાર ડબો ઉતારતાં મને નહીં ફાવે !’

બસ આટલી જ વાત.

તમારી ભાભીને ઓછું આવી ગયું. ‘૧૫ કિલોનો ડબો અમારા દીકરાને ભારે લાગ્યો અને એની પત્ની હળવીફૂલ !’

વાત સાંભળીને સોમભઇ હસી પડ્યા.

પણ એ હાસ્યમાં દુ:ખ ડોકાતું હતું. એમણે જાણે પોતાની જાતને કહેતા હોય એ રીતે રમણલાલને કહ્યું, ‘ભાઈ, હવે તો આપણે ‘ચાલશે, ફાવશે અને ભાવશે’ને જીવનમંત્ર બનાવી બાકીની જિંદગી પૂરી કરવાની. જુઓને રમેશ અમેરિકા ગયો તેને આજે ત્રણ વરસ થયાં. હા, કો’ક દા’ડો ફોન પર વાત થાય છે. એને હવે દોઢ વરસનો દીકરો છે. આનંદ તો માબાપ તરીકે અમને પણ થાય છે પણ એ આનંદ કેવો? ક્યારેક કોલ પર, ક્યારેક વિડીયો કોલ પર વાત થાય ત્યારે અમારા દીકરાનું કુટુંબ જોઈને મન મનાવી લેવાનું. રમેશને હજુ સેટલ થવાનું છે. એટલે એને કુટુંબ સાથે અહીં આવવામાં હજુ થોડી વાર લાગશે. હા! અમને બોલાવે છે પણ ત્યાં જઈને અમે બે માણસ કરીએ શું? ઉલટાનું ભારે પડીએ, ખરુંને? ખેર ! સૌ સૌના માળામાં સુખી છે એમ સમજીને મન મનાવવાનું.’

પછી થોડું અટકીને સોમભઇ કહે, ‘રમણલાલ આપણે આપણી ફરજ પૂરી કરી. બાળકો હવે મોટા થઈ ગયા છે. એમનેય એમનો માળો બાંધવાનો છે. આપણે આપણી રીતે સુખી, એ એમની રીતે સુખી થાય એ ભાવથી જ આપણે જીવવાનું.’

 

સોમભઇએ વાત પૂરી કરી.

થોડીવાર બંને ચૂપ થઈ ગયા.

બરાબર ત્યાં જ સામે દીવાલના ગોખલામાં ચીં-ચીં અવાજ ગુંજી ઉઠ્યો.

ચકલી બહારથી કાંઈક લઈને આવી હતી.

માળામાં બચ્ચાં માની ચાંચમાંથી એ ખોરાક ચણી લેવા ચહેકી રહ્યાં હતાં.

રમણલાલ અને સોમભઇના મનમાં કદાચ આ દ્રશ્ય જોઈને વિચાર આવ્યો હશે કે -

આ બચ્ચાં ક્યાં મોટા થઈને પોતાને રળી ખવરાવવાનાં છે કે કોઈ કામમાં આવવાનાં છે તે ચકલી એમની આટલી ચિંતા કરતી હશે?

સહેજ મોટાં થયાં નથી કે ઊડ્યાં નથી.

બરાબર અમારાં બાળકોની જેમ જ !


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles